Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિમર્શ - ચંદ્રહાસ ત્રિવેદી

જીવનમાં સદાય અણનમ રહેલા દ્રોણાચાર્યને ન તો પાંડવ સૈન્ય નમાવી શક્યું કે ન તો મોત હંફાવી શક્યું

એકવાર કોઈ પ્રસંગે ઉત્સાહમાં આવી જતાં દ્રુપદે દ્રોણને કહ્યું ,' જ્યારે હું રાજ્ય સંભાળીશ ત્યારે તને અડધું રાજ્ય આપીશ અને આપણે સાથે રહીશું.''

આમ જોઈએ તો વાત નાની દેખાય પણ તેનું મહત્ત્વ ઘણું છે. પાંચાલ નરેશનો પુત્ર દ્રુપદ અને બ્રાહ્મણપુત્ર દ્રોણ બંને એક જ ગુરુના આશ્રમમાં રહીને ભણતા હતા. દ્રોણ વિદ્યાભ્યાસમાં ઘણો નિપૂણ. બધી વાતે તે આગળ જ રહે તેથી રાજપુત્ર દ્રુપદ તેનાથી ઘણો પ્રભાવિત રહેતો.

તે દ્રોણ તરફ હંમેશાં આદરની દૃષ્ટિથી જોતો. એકવાર કોઈ પ્રસંગે ઉત્સાહમાં આવી જતાં દ્રુપદે દ્રોણને કહ્યું ,' જ્યારે હું રાજ્ય સંભાળીશ ત્યારે તને અડધું રાજ્ય આપીશ અને આપણે સાથે રહીશું.''

દ્રોણ તો જન્મજાત બ્રાહ્મણ હતો. તેને રાજ્યનો કોઈ લોભ હતો નહિ. તેના મનમાં એવી કોઈ મહત્ત્વાકાક્ષા પણ ન હતી. તેને મન વિદ્યાભ્યાસ વધારે મહત્ત્વનો હતો અને તેજ તેનું જીવન હતું. આશ્રમમાં અભ્યાસ પૂર્ણ કર્યા  બંને છૂટા પડી ગયા અને પોત પોતાને સ્થાને પહોંચી ગયા. વર્ષો પછી દ્રુપદ તો રાજા થઈ ગયો અને દ્રોણ આશ્રમ સ્થાપીને વિદ્યાર્થીઓને ભણાવતો રહ્યો.

ગુરુદક્ષિણામાં જે કંઈ મળે તેનાથી કુટુંબનો માંડ ગુજારો થતો હતો. આમ તો દ્રોણ સંતોષથી જીવતો હતો પણ એકવાર ઘરમાં દૂધ ન હતું અને બાળક દૂધ માટે રડતો હતો તે વાત દ્રોણ સહન કરી શક્યો નહિ. તે વખતે તેને પોતાનો સહપાઠી દ્રુપદ યાદ આવ્યો. તેના મનમાં થયું કે મારે રાજ્ય તો જોઈતું નથી પણ દ્રુપદ પાસેથી એકાદ ગાય માગીને લઈ આવું જેથી મારા બાળકને આમ રડવું ન પડે.

થોડાક સમય પછી દ્રોણ દ્રુપના દરબારમાં ગાય લેવા માટે ગયા અને રાજા સમક્ષ ઉપસ્થિત થયા. તેમણે દ્રુપદને આશ્રમની વાતો યાદ દેવડાવી. તેમણે કહ્યું, ''આપણે એક વખતના સહાધ્યાયી મિત્રો છીએ. તેં એક વખત મને અડધું રાજ્ય આપવાની વાત કરી હતી. તે તો મારે નથી જોઈતું પણ મારા બાળકને દૂધ પીવડાવવા માટે મારે એક ગાય જોઈએ છીએ તે માટે હું તારી પાસે આવ્યો છું.''

દ્રુપદે કહ્યું,'ગાય તો એકની ચાર આપું, પણ તું એ વાત ભૂલી જા કે આપણે મિત્રો હતા. તે સમય વહી ગયો. હવે હું રાજા છું અને તું એક ભિક્ષુક બ્રાહ્મણ. આપણી વચ્ચે મૈત્રી હોઈ શકે નહિ. મૈત્રી તો સમાન વચ્ચે જ થાય અને તેવી મૈત્રી જ ટકે.

આમ ભર દરબારમાં દ્રોણાચાર્યનું અપમાન થયું જે તે સહન ન કરી શક્યા. તેમણે તે જ સમયે મનોમન નક્કી કરી નાખ્યું કે ક્યારેક આ અપમાનનો હું બદલો લઈશ અને દ્રુપદને બતાવી આપીશ કે હું તારાથી સવાયો છું અને દ્રોણાચાર્ય ગાય લીધા વિના જ દ્રુપદના ત્યાંથી પાછા ફર્યા.  દ્રોણાચાર્ય ભરદ્વાજ ઋષિના પુત્ર થાય. તેઓ જેટલા શાસ્ત્રોમાં પારંગત હતા તેનાથી અધિક શસ્ત્ર અને અસ્ત્ર વિદ્યામાં તેમની જાણકારી હતી.

આ પ્રસંગ પછી તેમણે કોઈ રાજા મહારાજાને ત્યાં રહી આજીવિકા મેળવવાનું નક્કી કર્યું. યોગાનું યોગ એવામાં ભીષ્મ પિતામહ ભરતવંશના રાજકુમારોને યુદ્ધ વિદ્યાઓ શિખવાડવા માટે કોઈ સારા ગુરુની શોધમાં હતા. દ્રોણાચાર્યની જાણ થતાં પિતામહે તત્કાલ તેમને રાજકુમારોના ગુરુપદે નિયુક્ત કરીને રાજ્યાશ્રય આપ્યો.

રાજકુમારોના ગુરુપદે સ્થાપિત થતાં દ્રોણાચાર્યને દ્રુપદનો પ્રસંગ યાદ આવ્યો. તેમને થયું કે કદાચ આ સ્થાન જ દ્રુપદ રાજાને પાઠ ભણાવવા માટે યોગ્ય બની રહેશે. રાજકુમારોના વિદ્યાભ્યાસને અંતે ગુરુદક્ષિણાની વાત આવી ત્યારે દ્રોણાચાર્યે ગુરુદક્ષિણામાં દ્રુપદને હરાવી- તેને બંદી બનાવીને તેનું રાજ્ય ગુરુના ચરણમાં ઘરી દીધું.

દ્રોણાચાર્ય રાજ્યના લોભી ન હતા. તેમણે દ્રુપદને અડધું રાજ્ય પાછું આપી મુક્ત કરતાં કહ્યું, ''કેમ હવે આપણે બરાબરીયા થયાને ! હવે આપણી વચ્ચે મૈત્રી થઈ શકશેને ! ' આટલું કહ્યા પછી દ્રોણાચાર્યે ઉદારતાથી દ્રુપદને બાકીનું અડધું રાજ્ય પણ સુપરત કરીને વિદાય  કર્યા. આમ દ્રોણાચાર્યના મનમાંથી દ્રુપદ સાથેના વેરની ગાંઠ છૂટી પણ બીજી બાજુ દ્રુપદના મનમાં વેરની ગાંઠ બંધાઈ.

દ્રુપદ જેવા ક્ષત્રિય રાજાને એક ભિક્ષુક જેવા બ્રાહ્મણ સામે આમ ઝૂકવું પડયું અને તેણે ભિક્ષામાં આપેલ રાજ્ય લેવું પડયું તે વાત ઘણી ખટકી. આ માટે તેણે દ્રોણનું વેર લેવાની મનોમન પ્રતિજ્ઞાા કરી. તે માટે તેણે ઉગ્ર તપશ્ચર્યા કરીને એવો પુત્ર માગ્યો કે જે દ્રોણાચાર્યનો વધ કરીને દ્રુપદના વેરનો બદલો લઈ શકે. અને દ્રુપદ જીવનભર એ તકની પ્રતીક્ષા કરતો રહ્યો કે જ્યારે તે દ્રોણાચાર્યના વેરનો બદલો લઈ શકે.

દ્રુપદરાજાને આ તક મહાભારતના યુદ્ધની વેળાએ મળી ગઈ. દ્રોણાચાર્યે કૌરવસેનાનું સેનાપતિ પદ ગ્રહણ કરીને યુદ્ધનું સુકાન સંભાળી લીધું ત્યાર પછી પાંડવો માટે ટકી રહેવાનું ઘણું મુશ્કેલ બની ગયું. તેથી કોઇ પણ રીતે દ્રોણાચાર્યને રોકવા કે તેમનો વધ કરવા માટે કપટ જાળ રચવામાં આવી. તે પ્રમાણે એવી ખોટી અફવા ફેલાવામાં આવી કે દ્રોણાચાર્યનો પુત્ર અશ્ચત્થામા યુદ્ધમાં મરાયો અને દ્રોણાચાર્યને તે કહેવા માટે યુધિષ્ઠિરને આગળ કરવામાં આવ્યા.

દ્રોણાચાર્ય મહાન હતા, પણ પુત્ર પ્રેમ તેમના જીવનની એક મોટામાં મોટી નિર્બળતા હતી. પુત્રના મૃત્યુની વાત તેઓ સહી શક્યા નહિ. તેમણે તુરત જ અસ્ત્રો- શસ્ત્રો હેઠાં મૂકી દીધાં અને રથમાં જ આસન લગાવીને ધ્યાનમાં ઊતરી ગયા. તે સમયે દ્રુપદના પુત્ર ધૃષ્ટદ્યુમ્ને રથ ઉપર ચડીને ધ્યાનસ્થ અવસ્થામાં રહેલા દ્રોણાચાર્યનો વધ કરી દીધો.

દ્રોણાચાર્યની આવી કરપીણ હત્યાથી ચારેયબાજુ હાહાકાર થઈ ગયો. પાંડવોએ કપટ તો કર્યું પણ આ રીતે દ્રોણાચાર્યનો વધ થયેલો જોઈને તેઓ શરમિંદા થઈ ગયા. રણભૂમિ ઉપર તે દિવસ પુરતા યુદ્ધ બંધની તત્કાળ ઘોષણા કરવામાં આવી.

દ્રોણાચાર્યના આ રીતે કરેલા વધથી દ્રુપદ અને પાંડવો ઘણા નીચા દેખાયા કહે છે કે આ પહેલાં યુધિષ્ઠિરનો રથ તેમના સત્યના આધારે પૃથ્વીથી ચાર આંગળ ઊંચે રહેતો હતો તે આ પ્રસંગ પછી પૃથ્વીને અડકી ગયો. તો બીજી બાજુ દ્રોણાચાર્ય સર્વ દ્વંદ્વોથી મુક્ત થઈને જીવન અને મૃત્યુની પેલે પાર પહોંચી ગયા. તેમણે જીવનભર જે સિદ્ધ કર્યું ન હતું તે તેમણે અંતિમ સમયે પળવારમાં સાધી લીધું.

 

Post Comments