Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિમર્શ - ચંદ્રહાસ ત્રિવેદી

જીવનું પરિવર્તન થઈ જાય છે તો પળમાં થઈ જાય છે અને ન થાય તો ભવોના ભવ નીકળી જાય

ગુરુ મહારાજે કહ્યું, ભાઈ, તમે રહ્યા ચોર : કાલે તમે કંઈ કરો તો શાસનને ડાઘ લાગે. તમને અહીં કેમ રખાય ? હવે તમે તમારે રસ્તે પડો જેથી તમારા આવ્યા કે ગયાની અમારે કોઈને જાણ ન કરવી પડે

વર્ષો પહેલાંની એક ચોરની વાત છે. મધરાતે તે ગામમાં ચોરી કરવા નીકળ્યો હતો. કોઈના ઘરમાં તે પેઠો તો ખરો પણ કંઈ ચોરી કરે તે પહેલાં તેના હાથમાંથી વાસણ જેવું કંઈક પડી ગયું. તેના અવાજથી ઘરનાં માણસો જાગી ગયાં અને ચોરને જોઈને બૂમા બૂમ કરવા લાગ્યાં. તેનાથી અડોશ-પડોશ જાગ્યો એટલે ચોર નાઠો. તેને પકડવા કેટલાક માણસો તેની પાછળ પડયા.

ચોર ગલીઓમાં આમ-તેમ ફંટાતો આડો- અવળો દોડતો હતો અને છુપાવા માટે કોઈ જગા શોધતો હતો. એટલામાં તેણે કોઈ એક ઘરના જેવા મકાનનાં બારણાં ખુલ્લાં જોયાં એટલે તેમાં પેઠો. અંદર જઈને તેણે જોયું કે કેટલાક સાધુઓ જાગતા હતા અને ધર્મક્રિયાઓ કરતા હતા. તેને ખ્યાલ આવી ગયો કે તે જ્યાં આવ્યો છે તે ઉપાશ્રય લાગે છે.

કેટલાક સાધુઓએ ચોરને ઉપાશ્રયમાં પેસતાં જોયો હતો. તેઓ તે વખતે કંઈ બોલ્યા નહિ પણ તેમણે ગુરુમહારાજ સામે જોયું. ગુરુ મહારાજ પણ પરિસ્થિતિ સમજી ગયા હતા. તેમણે સાધુઓને મૌન રહેવા ઇશારો કર્યો તેથી સૌ જે કરતા હતા તે જ કરતા રહ્યા.

દરમિયાન ચોરે ગુરુમહારાજની પાટ પાસે પડેલી એક કાંબળી લઇને ઓઢી લીધી અને બારણાની પાસે બેઠેલા સાધુઓની સાથે ગોઠવાઈ ગયો. ઉપાશ્રયમાં દીવો હોય નહિ એટલે અંધારામાં તે પણ સાધુઓ ભેગો સાધુ જેવો જ લાગતો હતો. એટલામાં તો ચોરની પાછળ પડેલા માણસો ત્યાં આવી પહોંચ્યા.

તેમાંથી કેટલાક ઉપાશ્રયનાં બારણાં ખુલ્લાં જોઈને અંદર આવ્યા. તેમણે સાધુઓને ધાર્મિક ક્રિયાઓ કરતા જોયા. તેમણે આમ તેમ જોયું પણ તેમને અહીં ચોર આવ્યો હોય તેમ લાગ્યું નહિ એટલે પાછા વળ્યા. ચોરને શોધવા આવેલ માણસોમાં બે-ત્રણ શ્રાવકો હતા.

તેઓ જતાં જતાં બારણા પાસે જરા થોભ્યા અને ત્યાં બેઠેલા સાધુઓને વંદન કર્યા. એમાં પેલો ચોર પણ હતો. એટલે તેને પણ અજાણતાં વંદન થઈ ગયા. શરૃમાં તો ચોર ગભરાયો પણ પછી તેમને બહાર નીકળતા જોઈને તેને શાન્તિ થઈ પણ અન્ય સાધુઓની જેમ પોતે કંઈ સ્તવન કરતો હોય તેમ ગણગણતો રહ્યો.

ચોરની પાછળ પડેલા માણસો તો પાછા વળ્યા, પણ ચોર એટલો ગભરાઈ ગયેલો કે તે થોડીક વાર હાલ્યો જ નહિ અને એમનો એમ બેસી રહ્યો. ગુરુએ તે જોયું પણ તેઓ કંઈ બોલ્યો નહિ. એમ કરતાં એક પ્રહર થઈ ગયો અને સવાર થવા લાગી.

ઉપાશ્રયમાં તેનું અજવાળું વર્તાવા લાગ્યું. તે વખતે ચોર ઊભો થયો. તેણે અંગ ઉપર ઓઢેલી કાંબળી અળગી કરી પણ બહાર જવાને બદલે, પાટ ઉપર બેઠેલા ગુરુમહારાજ પાસે ગયો. તેમને વંદન કરતાં બોલ્યો, 'મને ખબર છે કે તમે જાણતા હતા કે મારો પીછો કરતા માણસોથી બચાવ મેં ઉપાશ્રયમાં આશરો લીધો છે અને ઓળખાઈ ન જાઉં માટે સાધુઓ ભેગો ભળી ગયો છું.

તેમ છતાંય તમે મને પકડાવ્યો નહિ. અન્ય સાધુઓને પણ મૌન રહેવા ઇશારો કર્યો. અહીં આમ મારે જે થોડોક સમય રહેવું પડયું તે દરમિયાન મેં તમારા સૌનું જીવન જોયું. તે જોઈને મને લાગ્યું કે હું ખોટે માર્ગે છું. મારે પણ તમારે જેવું નિશ્ચિંત અને નિષ્પાપ જીવવું છે. તમે મને તમારી પાસે રાખી લો.તમે કહેશો તેમ હું વર્તીશ.''

ગુરુ મહારાજે કહ્યું,''ભાઈ, તમે રહ્યા ચોર : કાલે તમે કંઈ કરો તો શાસનને ડાઘ લાગે. તમને અહીં કેમ રખાય ? હવે તમે તમારે રસ્તે પડો જેથી તમારા આવ્યા કે ગયાની અમારે કોઈને જાણ ન કરવી પડે. તમને જો અમારું જીવન ગમી ગયું હોય તો હવે ચોરીનો ધંધો છોડીને કંઈ કામ કરવા માંડો. પ્રમાણિક રહેશો તો ખાવા ભેગા તો થશો જ.''

ચોરે મહારાજના પગે પડતાં  કહ્યું,''મને સુધારવાની એક તક આપો અને સહાય કરો. હવે હું ચોર નથી રહ્યો. રાત્રે શ્રાવકો મને સાધુ સમજીને પગે લાગ્યા ત્યાં જ મારા વિચારો બદલાવા માંડયા હતા. થોડીક વાર પછી મેં તમારા સાધુઓને કંઈક સૂત્રો બોલતા સાંભળ્યા. મને તેના ઉચ્ચારો ગમ્યા. તેની મારા મન ઉપર ઘણી અસર થઈ. મારી અંદરનો કલેશ શમી ગયો.

સવાર થતામાં બાજુના દેરાસમાં ઘંટારવ થયો. એ ઘંટનાદ સાંભળીને જાણે મારો જીવ જાગી ઊઠયો. મેં તે જ વખતે નક્કી કરી નાખ્યું કે જો તમે મને તમારી પાસે રાખો તો હવે મારે બીજે ક્યાંય ભટક્વું નથી. મને લાગે છે કે ભગવાને જ જાણે મને રાત્રે ઉપાશ્રયમાં મોકલ્યો હશે. તમે મારો સ્વીકાર કરી લો.'

ગુરુ મહારાજને જીવ ભવી લાગ્યો અને તેનો કાળ પાક્યો હશે એટલે ગુરુ મહારાજે તેનો સ્વીકાર કર્યો અને તેને તૈયાર કરવા માટે એક સાધુને સુપરત કર્યો.

જો આખી વાત ઉપર વિચાર કરીએ તો ચોર સાધુ થવા માટે નીકળ્યો ન હતો પણ યોગાનું યોગ જ એવો થયો કે તે ઉપાશ્રયને ઓટલે ચઢી ગયો અને આશ્રય માટે મધરાતે અંદર ગયો. જીવ પણ હળુકર્મી હશે એટલે તેને ત્યાં ઉપસ્થિત મુનિઓની રહેણી-કરણી ગમી ગઈ. સાધુઓ દ્વારા સ્વાધ્યાય કરતાં બોલાતાં સૂત્રોના ઉચ્ચારણની તેના ઉપર ઘણી અસર થઈ.

સવાર થતાં બાજુના દેરાસરમાં જે ઘંટારવ થયો તેણે તેને તાત્વિક અર્થમાં જગાડયો. તેની અંદર પડેલાં ગાઢ કર્મોએ માર્ગ આપ્યો. તેના મનમાં સાધુ થવાનો વિચાર આવ્યો. તેથી તે ઉપાશ્રય છોડીને જતો ન રહ્યો પણ ગુરુમહારાજ પાસે ગયો અને ત્યાં રહી જવાની ઇચ્છા પ્રગટ કરી. પુણ્યકર્મનો ઉદય હશે એટલે ગુરુમહારાજને પણ વિશ્વાસ પડયો અને તેમણે તેને અનુમતિ આપી.

માણસના જીવન ઉપર વાતાવરણની ઘણી અસર પડે છે. એમાંય જો દેવ-ગુરુ અને ધર્મનું નિમિત્ત મળી જાય તો ઉપાદાનને જાગતાં વાર નથી લાગતી. આમ જીવનું પરિવર્તન થઈ જાય છે તો પળમાં થઈ જાય છે અને ન થાય તો ભવોના ભવો નીકળી જાય તો પણ તેનું ઠેકાણું પડતું નથી.
 

Post Comments