Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સાધર્મિક ભક્તિ કરવાથી પોતાનું સમકિત નિર્મળ થાય છે !

- આચાર્ય ઉદયકીર્તિસાગરસૂરિ

પ્રભુ ઋષભદેવના જિનાલયમાં દર્શન-પૂજન કરીને મયણાસુંદરીએ પ્રભુને સ્તુતિ કરતાં કહ્યું કે અમારી ધર્મશ્રદ્ધા દૃઢ રાખજો અને ત્યારે ભગવાનના અધિષ્ઠાયક દેવ દ્વારા થયેલી કૃપાને પરિણામે પ્રભુના કંઠમાંથી બિજોરા સહિત ઉત્તમ ફૂલોની માળા ઊછળી અને મયણાસુંદરીના કહેવાથી કુષ્ઠગ્રસ્ત ઉંબરરાણાએ બિજારોને ખાઈ લીધું.

એ પછી જિનાલયની સમીપ આવેલા ઉપાશ્રયમાં શ્રી મુનિચંદ્ર નામના ગુરુમહારાજ પાસે પહોંચી એમની પાસેથી જિનેશ્વર દેવોએ કહેલુ પરમતત્વ રૃપ, પરમ રહસ્યરૃપ, પરમ મંત્રરૃપ, પરમાર્થરૃપ અને પરમપદ રૃપ સિદ્ધચક્ર પ્રાપ્ત થયું અને એ સિદ્ધચક્ર આપતી વખતે ગુરુમહારાજે કહ્યું કે 'આના ધ્યાનથી ઉત્તમોત્તમ એવા મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે, તો પછી બીજી સિદ્ધિઓ પણ પ્રાપ્ત થાય તેમાં શી નવાઈ ?'

અને પછી ગુરુમહારાજે એને વિશે વધુ વિસ્તારથી કહેતા જણાવ્યું, 'ત્રણે જગતમાં પ્રસિદ્ધ, આઠે મહાસિદ્ધિઓને આપવાની શક્તિવાળા તથા શુદ્ધ એવા આ સિદ્ધચક્રજીની તમે પરમભક્તિથી આરાધના કરો. ક્ષમાવાન અને શાંત પુરુષ આ સિદ્ધચક્રજીની આરાધના કરી શકે છે. અને તેનાથી વિપરીત ગુણવાળો એની આરાધના કરી શક્તો નથી, માટે આની આરાધના કરવાની ઇચ્છાવાળા સાધુ અથવા શ્રાવકે એકાંત શાંત ચિત્તે અને નિર્મળ શીલ પાળીને આરાધના કરવી જોઈએ.

આની આરાધના કરવાવાળો જો દુષ્ટ ચિત્તવાળો થઈ જાય, તો તેને તે સિદ્ધ થતો નથી, પરંતુ નુકશાનકારક થાય છે. વળી, શુધ્ધ ચિત્તવાળા એના આરાધકનું જે કોઈ ખોટું ચિંતવે છે, તેનું જ નુકસાન થાય છે. તેટલા જ માટે આ સિદ્ધચક્રની આરાધના આનંદિક મનથી અને શુદ્ધ શીલસહિત અને શાસ્ત્રમાં બતાવેલા વિધિપૂર્વક તપશ્ચર્યા સહિત કરવી.'

ઉંબરરાણા અને મયણાસુંદરી એકાગ્ર ચિત્તે મુનિમહારાજના વચનો સાંભળી રહ્યા હતા અને એમણે કહ્યું, 'આસો સુદી સાતમથી શરૃ કરીને અષ્ટપ્રકારી પૂજા સહિત આઠ દિવસ સુધી આયંબિલ કરીને તેની આરાધના કરવી. નવમાં દિવસે પંચામૃત(૧ દૂધ, ૨ દહીં, ૩ ઘી,૪ સાકર અને ૫ મધ)થી સિદ્ધચક્રજીના યંત્રનું સ્નાત્ર કરીને પૂજન કરવું. આ નવમાં દિવસે પણ આયંબિલ કરવું.

આજ રીતે ચૈત્ર માસમાં પણ આયંબિલની ઓળી કરવી. આ પ્રમાણે ફરી ફરીને નવ ઓળી- એટલે એક્યાશી આયંબિલ- કરવાથી આ સિદ્ધચક્રજીની આરાધનાનો તપ પૂરો થાય છે. આ પ્રમાણેનો તપ વિધિસહિત શુદ્ધ ભાવથી જે સાધક કરે છે, તેને સર્વદેવ દાનવ તથા રાજાઓની ઋદ્ધિ પણ દુર્લભ નથી અર્થાત્ આ સિદ્ધચક્રની આરાધના કરનારની દેવ, દાનવ તથા રાજાઓ પણ સેવા કરે છે.'

સિદ્ધચક્રની મહત્તાનું વર્ણન મયણાસુંદરી અને ઉંબરરાણા એકાગ્ર ચિત્તે સાંભળી રહ્યા હતા. મનોમન કલ્પના કરતા હતા કે એમનું કેવું મહાભાગ્ય કે જેને કારણે આવું પ્રભાવક શ્રી સિદ્ધચક્ર યંત્ર એમને પ્રાપ્ત થયું અને શ્રી મુનિચંદ્રજી મહારાજે મહિમાનું સમાપન કરતાં કહ્યું,'એની આરાધના કરીને મનમાં નવપદજીનું ધ્યાન ધરવું, એની તપશ્ચર્યા પૂર્ણ થતાં, ઉજમણું કરવું, આ તપ પૂર્ણ કરનારના અનેક રોગો દૂર થાય છે અને જીવનનું દુર્ભાગીપણું, વંધ્યત્વ તેમને પ્રાપ્ત થતું નથી.'

આ યંત્રરાજનો વિધિ અને મહાત્મ્ય કહીને શ્રી સિદ્ધચક્ર યંત્ર ઉંબરરાણાના હાથમાં આપતાં ઉપાશ્રયમાં ઉપસ્થિત શ્રાવકોના સમૂહને ગુરુ મહારાજે કહ્યું, ' આ પુરુષ ઉત્તમ લક્ષણોથી યુક્ત છે. ભવિષ્યમાં શાસનનો ઘણો મોટો મહિમા કરશે. તમને સહુને ભાગ્યયોગે જ આવા સાધર્મિક ભાઈની ભક્તિ કરવાનો યોગ સાંપડયો છે. સાધર્મિકના સગપણ કરતાં બીજું એકે સગપણ વધારે પ્રશંસા યોગ્ય હોતું નથી અને આવા સાધર્મિકની ભક્તિ કરવાથી પોતાનું સમકિત નિર્મળ થાય છે.'

ઉપસ્થિત શ્રાવકો ગુરુવચન વિશ્વાસી હતા. એમના મનમાં સાધર્મિક ભક્તિનો ઉલ્લાસ જાગ્યો. અમને રહેવા માટે ઉત્તમ મકાન આપ્યું. ધનધાન્ય ને વસ્ત્રો પણ આપ્યા અને બીજી બાજુ ગુરુ મહારાજે કહેલી વિધિ પ્રમાણે ઉંબરરાણા અને મયણાસુંદરી શ્રી સિદ્ધચક્ર યંત્રની આરાધના કરવા લાગ્યા.

સમય વીતતો ગયો. આસો સુદ આઠમનો દિવસ આવ્યો. ઉત્તમ મુહૂર્તે ઉંબરરાણાએ મયણાસુંદરી સહિત સિદ્ધચક્રની આરાધના માટે તપશ્ચર્યા કરવાનો પ્રારંભ કર્યો. પહેલાં તન અને મનની શુદ્ધિ કરી. જિનાલયમાં જઈને જિનેશ્વર દેવની પૂજા કરી. ત્યારબાદ વિધિપૂર્વક શ્રી સિદ્ધચક્રજીની અષ્ટપ્રકારી પૂજા કરી અને એ જ રીતે વિધિપૂર્વક આયંબિલનું પચ્ચકખાણ કરવા લાગ્યા. મનમાં સંવરભાવને કાયમ કરીને આયંબિલ કરવા શરૃ કર્યા.

પહેલાં આયંબિલે જ ઉંબરરાણાના શરીરની બળતરા ઓછી થઈ ગઈ. કુષ્ટરોગનું જે મૂળ હતું, તે નષ્ટ થઈ ગયું. આમ થવાથી ઉંબરરાણાનો  ભક્તિભાવ એકદમ વૃદ્ધિ પામ્યો. બીજે દિવસે ભાવપૂર્વક શ્રી સિદ્ધચક્ર ભગવાનનો જાપ જપતાં દેહ પરની ત્વચા સુંદર થઈ ગઈ. આમ એક પછી એક દિવસ વીતતો હતો અને સમય જતા ન્હવણના પ્રભાવથી ઉંબરરાણાનું શરીર સુવર્ણ વર્ણવાળું તેજસ્વી બન્યું અને નવમા દિવસે તો વિસ્તારપૂર્વક વિધિથી પૂજા કરીને તે સિદ્ધચક્ર યંત્રનું પંચામૃતથી સ્નાત્ર કર્યું. એ સ્નાત્રનું ન્હવણ પોતાના આખા શરીર પર લગાડયું અને ઉંબરરાણાનું શરીર દિવ્ય સ્વરૃપવાળું બની ગયું. એના રૃંવાડામાં પણ રોગનો અંશ રહ્યો નહીં અને સાવ  નિરોગી બની ગયો.

શ્રીસિદ્ધચક્ર યંત્રના પ્રભાવતો લોકોએ સાક્ષાત્ અનુભવ કર્યો અને ઉત્સાહભેર કહેવા લાગ્યા,' વાહ ! સિદ્ધચક્રજીનો મહિમા તો જુઓ. ફક્ત નવ દિવસમાં ભયંકર રોગનો નાશ થઈ ગયો.'

પતિને સુંદરતા પ્રાપ્ત થતી જોઈ ભક્તિપરાયણા મયણાસુંદરીના મુખમાંથી ઉદ્ગારો સરી પડયા... (ક્રમશ:)

ગોચરી

સુખ અને દુ:ખને વૈયક્તિક ન બનાવો. એ બંનેને વહેંચી નાખો સુખને પણ વહેંચો દુ:ખને પણ વહેંચો, તો જ તમને સંતોષ મળશે ને સંતોષની સાથે શાંતિ પણ મળશે. શાંતિમાં જેમ ઊંડા ઊતરો તેમ વધારે સુખદાયિની લાગે. શાંતિ તો શેરડીના સાંઠા જેવી છે. જેમ એને ચૂસશો તેમ તેમ એ વધુને વધુ મિષ્ટ લાગશે. જીવનમાં કરોડોની સંપત્તિ હોય, સમૃદ્ધિ સાગરની જેમ છલકાતી હોય, પણ શાંતિ ન હોય તો ? એ સંપત્તિ શી કામની ? શાંતિ વગરની સમૃદ્ધિ માણસને ભિખારી જેવો બનાવી દે છે.

 

Post Comments