Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અન્યો પરના આપણા ઉપકારો યાદ ન રાખીએ... આપણા પરના અન્યોના ઉપકારો ભૂલીએ નહિ...

- અમૃતની અંજલિ આચાર્ય વિજયરાજરત્નસૂરિ

આ પ્રકારની વ્યકિતઓ હોય છે ચોક જેવી. ચોક જેમ બ્લેકબોર્ડ પર સરસ અક્ષરો અંક્તિ કરે છે, એમ આ ત્રીજા પ્રકારની વ્યકિતઓ સ્મૃતિના બ્લેકબોર્ડ પર અન્યોના ઉપકારો- અન્યોએ કરેલ સહાય અંકિત કરે છે. આનાથી એનામાં તે તે ઉપકારી જનો પ્રત્યે આદરભાવ- આભારભાવ પ્રગટે છે અને અવસરે એ અભિવ્યક્ત પણ થાય છે.

રાજકારભારીને બોલાવી રાજાએ તામ્રપત્ર પર હુકમ લખાવ્યો કે આ ખેડૂતને જમીન- બળદની જોડ- રૃપિયા વગેરે આપવા સાથે નોંધ કરાવી કે ' એણે રાજાને બોળો જમાડયો એના ઇનામરૃપે રાજાએ આ બધું આપ્યું છે. ' ખેડૂતની ખુશીની સીમા ન રહી કે એક-બે વાટકી બોળો જમાડયાનું આટલું બધું વળતર !! ધરતી અને વૃક્ષની ભૂમિકા અદા કરી નાના શા ઉપકાર સામે વિરાટ પ્રત્યુપકાર કરવાની આ કમાલ હતી. કૃતજ્ઞાતાનો આ સૌથી શ્રેષ્ઠ પ્રકાર હતો...

ઉપવનમાં પ્રવેશ કરતાવેંત આપણને એક આહ્લાદક અનુભવ એ થાય કે સર્વત્ર સુવાસ-સુવાસ માણવા મળે. એમાં વળી રંગ-બેરંગી પુષ્પોનાં સૌંદર્યનો નજારો ભળે. એથી ચિત્ત પ્રસન્નતા ભર્યુ બની જાય. પણ પુષ્પોના એ પચરંગી મેળામાં કોઈ એકાદ ગુલાબ- પુષ્પ એવું સૌંદર્ય- સુવાસસભર મળી જતું હોય છે ક્યારેક, કે જે આંખ- અંતરમાં કાયમી વસી જાય. ચિત્ત એના પ્રત્યે આકર્ષિત રહ્યા કરે.

અમને લાગે છે કે માર્ગાનુસારિતાના પાંત્રીશ  ગુણો જાણે કે એક અનોખું- અલૌકિક ઉપવન છે. એવું ઉપવન કે જેમાંથી સદ્વિચારની સુવાસ અને સદાચારનું સૌંદર્ય પ્રગટે. પચરંગી પુષ્પો સમા એ પાંત્રીશ ગુણોમાં આંખ- અંતરમાં કાયમી વસી જાય એવા એકાદ ગુણગુલાબની પસંદગી અમારે કરવાની હોય તો અમે એ ગુણને સ્થાન આપીએ કે જે આજના લેખમાં સ્થાન પામી રહ્યો છે. 

અટ્વાવીશમાં ક્યાંકના એ ગુણ માટે કલિકાલસર્વજ્ઞા હેમચન્દ્રાચાર્યે શબ્દપ્રયોગ કર્યો છે ' કૃતજ્ઞા'. કૃતજ્ઞા શબ્દનો અર્થ છે અન્યોએ પોતાના પર કરેલ ઉપકારોને જાણનાર- યાદ રાખનાર અને અવસરે એ ઉપકાર સામે મજાનો પ્રત્યુપકાર કરનાર. અમને આ ગુણ સર્વાધિક પ્રિય એટલા માટે છે કે એ આત્મિક અને બાહ્ય પ્રગતિનું પ્રબળ પરિબળ છે. જે વ્યકિત ઉપકારી જનોના ઉપકારને હૃદયસ્થ રાખે એ વ્યકિતની પ્રગતિ સહજપણે અને અવશ્યંભાવી બની રહે.

એવો મહાન આ ગુણ છે કે તીર્થકરભગવંતો જેવી મહાવિભૂતિઓના આત્મામાંએ વિરાટ પૂર્વકાળથી વિદ્યમાન હોય છે. જે દશ અદ્ભુત વિશેષતાઓ તીર્થકરપ્રભુના આત્મામાં શાસ્ત્રોએ દર્શાવી છે. એમાંની એક વિશેષતા છે ' કૃતજ્ઞાતાપત્તય :' અર્થાત્ તે પુણ્યાત્માઓ કૃતજ્ઞાતાગુણના માલિક હોય છે.

તીર્થકરપ્રભુના પુણ્યાત્મા સાથે આ ગુણને સંલગ્ન કરાયો એ જ દર્શાવી જાય છે કે આ ગુણ કેટલો મહત્વનો છે. બીજી વાત. 'યોગશાસ્ત્ર'ની સ્વોયજ્ઞાટીકામાં આ ગુણ માટે આ વચન લખાયું છે કે ' એવં હિ તસ્ય કુશલલાભો યદુપકારકારિણો બહુ  મન્યતે.' ભાવાર્થ કે આ કૃતજ્ઞા વ્યકિતને જ કુશલનો = આત્મકલ્યાણનો લાભ થાય છે કે જે ઉપકારીઓનો બહુ આદર કરે છે.

આ કૃતજ્ઞાતાગુણનો પ્રતિપક્ષી અવગુણ છે કૃતઘ્ન તા. જે વ્યકિત અન્યોના ઉપકારને પોતાનાં પ્રતિકૂલ વર્તન દ્વારા ખતમ કરી દે તે વ્યકિતને કહેવાય કૃતઘ્ન. યોગ્યતાની દૃષ્ટિએ સૌથી નિમ્ન સ્તર છે આ કૃતઘ્નતા. એથી જ યોગશાસ્ત્ર સ્વોયજ્ઞાટીકામાં લખાયું છે કે ' કૃતધ્નસ્ય તુ નિષ્કૃતિરેવ નાસ્તિ.' ભાવાર્થ કે કૃતઘ્નમાં તો પ્રત્યુપકારની કોઈ શક્યતા જ નથી. ભૂલમાં ય આપણે આ કૃતધ્નતાના નિમ્ન સ્તરે ન પહોંચી જઈએ, બલ્કે કૃતજ્ઞાતાના ઝળહળતા  સ્તરમાં રમીએ એ માટે ચાર સ્તરની વિચારણા કરીશું કે જેમાં પ્રથમ બે વિચારણા ત્યાજય છે અને પછીની બે વિચારણા ગ્રાહ્ય છે :

૧) ઉપકારી પર અપકાર કરનાર : આ પ્રકારની વ્યકિતઓ એવું નિકૃષ્ટ સ્તર ધરાવતી હોય કે જાણે એ સાપ- વીંછી જેવા પ્રાણીનું પ્રતિનિધિત્વ ધરાવતી હોય. સાપની એ ખાસિયત છે કે એને દૂધ આપવામાં આવે તો પણ એ એને ઝેરરૃપે પરિણમાવે. અરે ! દૂધ પાનારને પણ એ પોતાના ઝેરીલા ડંખનો આસ્વાદ કરાવી દે. વીંછીની પણ એ વિલક્ષણતા છે કે કોઈ એને બચાવી લેવા- ઉપકાર બુદ્ધિથી પણ સ્પર્શે તો ય એના ડંખ દ્વારા તીવ્ર કાતિલ વેદના આપે.

બસ, આવી જ પ્રવૃત્તિ હોય આ પ્રથમ પ્રકારનો નિકૃષ્ટ વ્યકિતઓની. જેમણે એમનું પાલન-પોષણ- સંસ્કરણ કર્યું હોય, અધ્યયન કરાવ્યું હોય, સાર્વત્રિક રીતે પગભર કર્યા હોય એ માતા-પિતાદિ વિશિષ્ટ ઉપકારીવર્ગને નડવામાં- ચૂપ કરી દેવામાં- હડધૂત કરી દેવામાં એમને કોઈ હિચકિચાટ- શરમ ન પ્રગટે : જાણે કે જે ડાળે આશ્રય આવ્યો હોય એજ ડાળને સ્વાર્થ ખાતર કાપવામાં એમને કોઈ વાંધો જ નહોય. કૃતધ્નતાનો આ સૌથી ભયંકર પ્રકાર છે. કેવી હોય આ નિકૃષ્ટ સ્તરની વ્યકિતઓ એ જાણવું છે ? તો વાંચો આ હૈયું હચમચા વતી આ ઘટના :

પેટે પાટા બાંધીને પિતાએ પુત્રની ઉજ્જવલ કારકીર્દિ માટે સર્વરીતનું જાણે કે બલિદાન આપ્યું હતું. પુત્રનો પુણ્યનો સિતારો ઝળહળતો હતો. એથી એની કારકીર્દિ પણ યુવાવયમાં જ ખૂબ જામી ગઈ. અઢળક પૈસાની કમાણી અને જુવાનીનું જોર. એથી પુત્રમાં અહંકાર ઘણો આવી ગયો હતો. એ કેટલાક ખોટાં કાર્યો પણ કરતો .

પિતાના ખ્યાલમાં આ વાત આવી જતાં તેઓ અવસર જોઈને અવાર-નવાર એ ગલત કાર્યો સામે ટકોર કરતા. પુત્રને એ ટકોર બિલકુલ ન ગમે. એને લાગતું કે વર્તમાન પ્રવાહથી અબુધ પિતાજી મારી વાતમાં ફોગટ ચંચુપાતો- ટક ટક કર્યા કરે છે. ક્યારેક એ કડક પ્રતીકાર કરતો, તો ક્યારેક એ પિતાને ધૂત્કારી પણ નાંખતો.

એક દિવસની વાત. સાંજે ઘરે આવીને પુત્રે પિતાના હાથમાં ભગવા રંગનો તાકો મૂકી દેતાં જણાવ્યું : ' આમ તો હિંદુ જીવનવ્યવસ્થામાં પાછલી વયે સંન્યાસ સ્વીકારવાનું વિધાન છે જ. હવે તમારે એની સૌથી વધુ જરૃર છે.' વિચક્ષણ પિતા ક્ષણાર્ધમાં સમજી ગયા કે પુત્ર નિર્લજ્જતાની હદ વટાવી દઈને પોતાને આ ઘર છોડી દેવાનો નિર્દેશ કરે છે. એ આઘાત પામી ગયા.

કિંતુ વળતી જ ક્ષણે શું સૂઝયું કે એ ક્યાંકથી કાતર લઈ આવ્યા અને તાકાના બે ભાગ કરી ગઈ એમાંનો એક ભાગ પુત્રને આપતા કહ્યું કે ' તું તો મારો હજુ કાંઈક સારો પુત્ર છે. એથી મારા માટે તે આ તાકો લાવવાની તસ્દીય ય વહોરી છે. ન જાણે ભાવિમાં તારો પુત્ર તારી વૃદ્ધાવસ્થામાં આટલું ય ધ્યાન રાખશે કે કેમ ? એ સમયે તને કામમાં આવે માટે આ અર્ધો તાકો હું તને આપું છું !!' ગાલ પર જાણે સજ્જડ તમાચો પડયો. તેમ તેમ આ કૃતધ્ન પુત્ર સ્તબ્ધ- ક્ષુબ્ધ થઈ ગયો...

૨) ઉપકારને ભૂંસી નાંખનાર : નિહાળ્યું તો છે ને સ્કૂલના બ્લેક બોર્ડસંબંધી ડસ્ટર ? આ ડસ્ટરનું એક જ કાર્ય હોય છે. ભૂંસવાનું. ભલે ને ચાહે તેવા મરોડદાર અક્ષરે બ્લેકબોર્ડ પર તે તે વિષયનું અભ્યાસપૂર્ણ લખાણ કરાયું હોય. એના પર ડસ્ટર ફરતાંવેંત એ લખાણ અદૃશ્ય થઈ જ જાય. બીજા પ્રકારની વ્યકિતઓ આ ડસ્ટરનું પ્રતિનિધિત્વ કરતી હોય છે. કોઈએ ભલે ને ચાહે તેવો અગત્યનો- મહત્ત્વપૂર્ણ ઉપકાર કર્યો હોય, આ સ્તરની વ્યકિત ડસ્ટર જેવી બનીને એ ઉપકારસ્મૃતિ ભૂંસી નાખતા વાર ન કરે.

જ્યારે એ ઉપકાર થયો હોય ત્યારે એનાં મુખે શબ્દો સુકાતા ન હોય કે ' તમારો ઉપકાર જીવનભર નહિ ભૂલું- તમારો ખૂબ ખૂબ આભાર ' ઇત્યાદિ' પરંતુ કાર્ય થઈ ગયા બાદ એ એને જરાય યાદ પણ ન કરે : જાણે કે ' ગરજ સરી ને વૈદ વેરી.' ન સામી વ્યકિતના ઉપકારનો એ અવસરે બદલો વાળે કે ન અવસરે એ ઉપકારની સ્મૃતિ- પ્રશંસા કરે. આવા અભિગમથી એને વ્યકિતગતરૃપે તો પૂર્વે જણાવ્યું તે નુકસાન થાય જ. ઉપરાંત સમષ્ટિગત રીતે મોટું નુકસાન એ થાય કે  સામેની વ્યકિત કદરના અભાવે બીજીવાર કોઈને સહાયક થવા તૈયાર નહિ થાય. યાદ રહે કે એક નહિ બિરદાવાયેલ પરોપકારકાર્ય અન્ય હજારો પરોપકારકાર્યોને ઊગતાં જ ડામી શકે છે. ઉપકારની સ્મૃતિમાત્ર ભૂંસી નાંખવી એ કૃતધ્નતાનો જ થોડ હળવો પ્રકાર છે...

૩) ઉપકારની સ્મૃતિ રાખનાર : આ પ્રકારની વ્યકિતઓ હોય છે ચોક જેવી. ચોક જેમ બ્લેકબોર્ડ પર સરસ અક્ષરો અંક્તિ કરે છે, એમ આ ત્રીજા પ્રકારની વ્યકિતઓ સ્મૃતિના બ્લેકબોર્ડ પર અન્યોના ઉપકારો- અન્યોએ કરેલ સહાય અંકિત કરે છે. આનાથી એનામાં તે તે ઉપકારી જનો પ્રત્યે આદરભાવ- આભારભાવ પ્રગટે છે અને અવસરે એ અભિવ્યક્ત પણ થાય છે.

આનાથી વ્યકિતને અંગતરૃપે તો કુશલનો લાભ થવાની ઉજળી શક્યતા સંપ્રાપ્ત થાય છે જ, ઉપરાંત સમષ્ટિગતરૃપે ઉપકારની ધારાને અજસ્ર- અસ્ખલિતપણે વહેતી રાખવામાં નિમિત બનવાનો લાભ પણ મળે છે. ભલે પ્રત્યુપકારની નાની શી શક્તિ હો યા ન હો, પરંતુ ઉપકારસ્મૃતિની આ યોગ્યતા તો પ્રગટાવી જ રહી. એનાથી ઘણી ઘણી યોગ્યતાના વિકાસની સંભાવના રહેશે. કૃતજ્ઞાતાનો આ છે હળવો પ્રકાર.

૪) ઉપકારની સામે પ્રત્યુપકાર  કરનાર : આ સૌથી શ્રેષ્ઠ સ્તર છે. આ સ્તરની વ્યકિત હોય છે ધરતી જેવી. ધરતીને ખેડૂત થોડીક મુઠ્ઠી જેટલું ધાન્ય બીયારણરૃપે આપે છે અને ધરતી એના પ્રત્યુપકારરૃપે મૂઠ્ઠી ભરીને નહિ, ગાડાં ભરીને ધાન્ય આપે છે. બીજી રીતે કહીએ તો આ સ્તરની વ્યકિત વૃક્ષ જેવી છે. વૃક્ષને માત્ર જલસિંચન કરાય છે અને પ્રત્યુપકારરૃપે વૃક્ષ સૃષ્ટિને ફળ- ફુલ- કાષ્ઢ તેમજ છાયા વગેરે આપે છે.

બસ, એ જ રીતે આ સ્તરની વ્યકિતઓ પણ નાના શા ઉપકારના વળતરરૃપે બહુ મોટો- સવાયો પ્રત્યુકાર કરવા તત્પર રહેતી હોય છે. એ સામી વ્યકિતના ઉપકારને હૃદયપટ પર શિલાલેખની જેમ જડબેસલાખ અંકિત કરી દે છે. શિલાલેખ જેમ કાયમી હોય એમ આવી વ્યકિતના હૃદયમાં અન્યો દ્વારા કરાયેલ ઉપકાર પણ કાયમી હોય. અવસર આવતા જ એ ઉપકારનાં અનુસંધાનમાં પ્રત્યુપકાર થયા વિના ન રહે. કરવી છે આની પ્રતીતિ ? તો વાંચો આ ભારતના રાજાશાહી યુગની સત્ય ઘટના :

ભાવનગર રાજ્યનું એક નાનું ગામડું. એક વૈશાખી બળબળતી બપોરે ગામનો ખેડૂત એના ખેતરમાં ખેતી કરતો હતો ત્યાં કોઈ પરસેવે રેબઝેબ ભૂખ્યો- તરસ્યો ઘોડેસવાર આવ્યો. એના ચહેરા પર થાક હતો, પરંતુ વસ્ત્રો પરથી ખેડૂતને સમજાયું કે કોઈ મોટી વ્યકિત હશે. એણે અતિથિ સમજી આવકાર દેતાં કહ્યું : 'રામ,રામ. ભાવનગરથી આવો છો ?' ઘોડેસવારે કહ્યું : ' હા. ત્યારે તો રાજના કારભારી હશો, ખરું ને ? ઘોડેસવારે હોંકારો દીધો. ખેડૂતે એને ઠુંડું પાણી પાયુ અને સાથે જ પોતાની ગરમ ગરમ હૈયાવરાળ ઠાલવી કે ' ભાવનગરમાં રાજા બેઠો છે કે કસાઈ ? પ્રજાનું કાંઈ ધ્યાન દેવાતું નથી.

કારભારીઓ ફક્ત કર લેતા જ આવે છે' વગેરે વગેરે. ખેડૂતની ફરિયાદો ઘોડેસવાર મલકાતે મુખે સાંભળતો હતો એથી ખેડુતને ઔર પાનો ચડયો એણે રાજા માટે ન કહેવાના વેણ કહ્યા. છેલ્લે ભૂખ્યા અતિથિને ખેડૂતે પુરાં હેતથી ગામડાનું શાતાદાયી પીણું 'બોળો' વપરાવ્યું. જતી વેળાએ પેલા ઘોડેસવારે ખેડૂતનું નામ- ઠામ પૂછીને કાગળમાં લખવા માંડયા ત્યારે હસતા હસતા ખેડૂત બોલ્યો : ' એ ય બાપા, રાજાને મારી વાતો કહેતા નહિ. નહિતર મારે જેલમાં પુરાવું પડશે.'

પણ... બીજે જ દિવસે રાજસૈનિકો સોંડા નામે એ ખેડૂતને ભાવનગર લઈ  જવા આવ્યા એટલે સોંડાને ધ્રાસકો પડયો કે 'ચોક્કસ, પેલા રાજકારભારીએ બેવફાઈ કરીને રાજાને ફરીયાદ કરી લાગે છે.' એણે જે થાય તે જોઈ લેવાશે નો મૂડ રાખીને થોડી સાચી- કડવી વાત રાજાને સંભળાવવાનું મન બનાવી દીધું. પરંતુ જ્યાં ભાવનગરની રાજકચેરીએ પહોંચ્યો ત્યાં એ આભો બની ગયો. ત્યાં રાજસિંહાસન પર ગઈ કાલવાળો ઘોડેસવાર ખુદ હતો. સોંડાએ રાજા વજેસિંહના ચરણે ઝૂકી જતાં કહ્યું : ' માફ કરજો, બાપુ.

કાલે તમને મોંઢામોંઢા બહુ ગાળો દેવાઈ ગઈ.' રાજાએ હસતાં હસતાં કહ્યું : ' ગભરાઈશ નહિ. તારી એકેક વાતે મને શેર લોહી ચડયું છે. મેં તને અહીં સજા માટે નહિ, શિરપાવ માટે બોલાવ્યો છે.' પછી રાજકારભારીને બોલાવી રાજાએ તામ્રપત્ર પર હુકમ લખાવ્યો કે આ ખેડૂતને જમીન- બળદની જોડ- રૃપિયા વગેરે આપવા સાથે નોંધ કરાવી કે ' એણે રાજાને બોળો જમાડયો એના ઇનામરૃપે રાજાએ આ બધું આપ્યું છે. ' ખેડૂતની ખુશીની સીમા ન રહી કે એક-બે વાટકી બોળો જમાડયાનું આટલું બધું વળતર !! ધરતી અને વૃક્ષની ભૂમિકા અદા કરી નાના શા ઉપકાર સામે વિરાટ પ્રત્યુપકાર કરવાની આ કમાલ હતી. કૃતજ્ઞાતાનો આ સૌથી શ્રેષ્ઠ પ્રકાર હતો...

આપણે આ પ્રકારને આત્મસાત્ કરવાનું લક્ષ્ય રાખી યાદ રાખીએ આ મજેદાર વાત કે ' આપણે અન્યો પર કરેલ ઉપકાર કદી યાદ રાખવા નહિ અને અન્યોએ આપણા પર કરેલ ઉપકાર કદી વીસરવા નહિં.''

Post Comments