Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિમર્શ - ચંદ્રહાસ ત્રિવેદી

આપણે સતત તનાવગ્રસ્ત રહીએ છીએ કારણકે આપણે વિપરીત સાથે સમાધાન સાધી શક્તા નથી

પૃથ્વી કેન્દ્ર અભિગામી અને કેન્દ્રોપગામી એમ બે વિરોધી પરિબળોને કારણે સંતુલન સાધીને આકાશમાં લટકી રહી છે. આ બે વિપરીત પરિબળોના ખેંચાણમાં થોડીક પણ વધઘટ થાય તો આ પૃથ્વીનું અસ્તિત્વ જ ન રહે. પછી આપણે ક્યાં રહ્યા ?

જો જીવન બધી સુખ-સુવિધાઓ સાથે ચાલતું રહે તો આપણને તેની સામે કોઈ ફરિયાદ હોતી નથી, પણ આવું કાયમ રહેતું નથી. થોડોક સમય બધું ઠીક- ઠાક ચાલતું રહે ત્યાં તો જીવનમાં એવું કંઈ વિપરીત બને કે આપણે અસ્વસ્થ બની જઈએ.

પછી તો આપણે તે વિપરીતને મિટાવી દેવા તત્પર બની જઈએ અને આપણું બધું ધ્યાન એ તરફ લાગ્યું રહે. માણસનો સ્વભાવ જ એવો છે કે તે વિપરીતને- પ્રતિકૂળ લાગતી બાબતને સહન નથી કરી શક્તો અને તેને મિટાવી દેવા સતત મંડયો રહે છે.

માણસ આ માટે ગમે તેટલો પ્રયાસ કરતો રહે તો પણ તે ક્યારેય તેમાં પૂર્ણ તથા સફળ થતો નથી. છેવટે તેને આવી પડેલ પરિસ્થિતિ સાથે સમાધાન કરી લેવું જ પડે છે.

ઘણું- ખરું આ વાત દરેકના જીવનમાં ઘટિત થતી જ રહે છે પણ આપણે ક્યારેય વિચાર કર્યો છે કે જીવનમાં આવી વિષમતા કેમ બની રહે છે અને આ વિપરીત સાથે આપણે કેમ વર્તવું જોઈએ.

આજે મોટા ભાગના લોકો તનાવ ગ્રસ્ત રહીને જીવે છે કારણકે તેઓ વિપરીત સાથે સમાધાન સાધી શક્તા નથી. વિપરીતને ન સ્વીકારી શકવાને કારણે લોકો ઘણા રોગોનો ભોગ બની જાય છે.

આવા લોકોને બહારથી જોઈએ તો એમ લાગે કે તેઓ સુખી છે પણ જો તેમના અંત: ચિત્તની ઝાંખી કરીએ તો આપણને લાગે કે તેઓ વાસ્તવિકતામાં અસ્વસ્થ છે અને શાંતિ માટે ઝાંવા નાખે છે.

કેટલીક વાર માણસને લાગે છે કે જીવનમાં સુખ- શાન્તિ સાથે કાયમ માટે જીવવું અશક્ય છે, પણ એવું નથી.

આપણે સ્વસ્થ રહીને નથી જીવી શક્તા કારણકે આપણે વિપરીતને વધાવી શક્તા નથી. એકવાર વિપરીતને આપણે ઓળખી લઈએ, તેનો રંગ-ઢંગ  સમજી લઈએ અને તેનો સ્વીકાર કરી શકીએ તો આપણે મળેલી જિંદગી સુખે જીવી શકીએ તેમ છીએ.

આપણને ક્યારેય એવો વિચાર આવે છે કે જે પૃથ્વી ઉપર આપણે વાડી- બંગલા બનાવ્યા છે, મોટા ઉદ્યોગો ઊભા કર્યા છે અને આટલી ધમાધમ કરીએ છીએ તે કોઈનાય આધાર વિના આકાશમાં અધ્ધર લટકી રહી છે અને કોઈ કારણસર તેનું સંતુલન જોખમાય તો તે સૂર્ય સાથે ચોંટી જાય- સળગી જાય અથવા તો અનંત આકાશમાં ફંગોળાઈ જાય અને ત્યાર પછી તેની ભાળ પણ મળે નહિ.

છતાંય મઝાની વાત છે કે આપણે આવી નિરાધાર પૃથ્વી ઉપર નિરાંતે મહાલી રહ્યા છીએ અને આપણા અસ્તિત્વની કોઈ ચિંતા વિના હજુ ઊંચીને ઊંચી ઇમારત ઊભી કરી રહ્યા છીએ.

પૃથ્વી આકાશમાં અધ્ધર લટકી રહી છે તે વાતનો આપણા પૂર્વજો સ્વીકાર કરી શક્તા ન હતા. અરે ! કલ્પના પણ કરી શક્તા ન હતા તેથી પૌરાણિક ચિંતકોએ એવી કલ્પના કરેલી કે નાગદેવતાની પીઠ ઉપર પૃથ્વી ટકી રહી છે. પૃથ્વીનો ભાર સહન ન થાય ત્યારે નાગદેવતા પાસુ બદલે છે ત્યારે પૃથ્વી ધ્રૂજી ઊઠે છે અને ધરતીકંપ થાય છે.

હવે વિજ્ઞાાને એ વાત સ્થાપિત કરી દીધી છે કે પૃથ્વી સૂર્યથી છૂટી પડી ગઈ પણ હજુ તે સૂર્યના ગુરુત્વાકર્ષણના પરિબળની બહાર નથી નીકળી ગઈ તેથી તે સૂર્ય તરફ ખેંચાયેલી રહે છે.

સાથે સાથે તે સૂર્યથી દૂર જવા માટેના વિપાકર્ષણના પરિબળથી મુક્ત પણ થઈ શકી નથી. તેથી તે આ બંને પરિબળોને કારણે સંતુલિત થઈને આકાશમાં અધ્ધર લટકી રહી છે અને સૂર્યની આસપાસ અમુક વર્તુળ રચીને ફર્યા કરે છે.

આમ પૃથ્વી કેન્દ્ર અભિગામી અને કેન્દ્રોપગામી એમ બે વિરોધી પરિબળોને કારણે સંતુલન સાધીને આકાશમાં લટકી રહી છે. આ બે વિપરીત પરિબળોના ખેંચાણમાં થોડીક પણ વધઘટ થાય તો આ પૃથ્વીનું અસ્તિત્વ જ ન રહે. પછી આપણે ક્યાં રહ્યા ?

પૃથ્વીનું અંતરિક્ષમાંનું અસ્તિત્વ બે પરસ્પર વિરોધી પરિબળોને કારણે ટકી રહેલ છે તેમ આપણા જીવનનું સંતુલન પણ પરસ્પર વિરોધી પરિબળોને કારણે જળવાઈ રહેલું છે.

જીવન વિરોધોની વચ્ચે જ ટકે છે અને વિકસે છે. જો જીવન ઉપર એક જ પરિબળની અસર રહે તો કદાચ તે ટકી શકે પણ તેનો વિકાસ ન થઈ શકે. સમસ્ત સંસારનું સંતુલન પરસ્પર વિરોધી પરિબળોને કારણે ટકી રહેલું છે. સકળ જીવસૃષ્ટિનું સંતુલન જન્મ અને તેના વિરોધી મૃત્યુને કારણે બની રહેલ છે.

જો મૃત્યુ ન હોય તો જીવન ગંધાઈ ઊઠે અને જગત જર્જરિત કંગાલ માણસો, પશુ- પંખીઓ અને મરવાના વાંકે જીવતાં જળચરોથી ઊભરાવા લાગે. સંસારમાં એક છેડે જન્મ છે તો બીજે છેડે મૃત્યુ છે તેથી તો પૃથ્વી જીવવા લાયક બની રહી છે.

જીવનનું સંતુલન મૃત્યુથી સચવાય છે. સુખનું સંતુલન દુ:ખથી થાય છે. કોમળ ફૂલનું સંતુલન રૃક્ષ કાંટાને લીધે સચવાય છે.

પ્રકાશનું સંતુલન અંધકારથી થાય છે અરે ! આપણી ગતિ પણ એક અંતર્ગત વિરોધને કારણે છે. આપણે ચાલીએ છીએ ત્યારે એક પગ આગળ આવે છે ત્યારે બીજો પગ પાછળ રહે છે.

જે ઝાડ ઊંચા વધેલાં હોય છે તેનાં મૂળિયાં, જમીનમાં ઘણે ઊંડે સુધી ઊતરેલાં હોય છે. સમસ્ત સંસાર વિપરીતને આધારે ઊભો છે.

વિપરીત તો સંતુલન અને વિકાસ માટે આવશ્યક છે માટે વિપરીતને ન વગોવીએ. વિપરીત વિના આપણે ટકી નહિ શકીએ. વિપરીત વિના આપણે પાંગરી શકીશું નહિ માટે વિપરીતને વધાવી લઈને તેની સાથે જીવતાં શીખી જઈએ.

- ચંદ્રહાસ ત્રિવેદી
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments