Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિચાર વીથિકા

ભગવાન શ્રી દત્તાત્રેયની ભક્તિના રંગે રંગાયેલા શ્રી રંગ અવધૂત મહારાજ

'જેના પુણ્ય પદે પદે પૃથ્વી આ સૌભાગ્યવંતી બની,
જેણે  પુષ્પ લતા દલે ધરણીને આનંદગર્ભા કરી,
જેની દેવઋચા સમી પ્રગટ થૈ વાણી મહા મર્મદા,
એવા રંગ મહર્ષિના ચરણમાં પ્રેમે નમું સર્વદા !
જેની ભવ્ય પ્રશસ્ત દત્ત- કવિતા- કાલિન્દીના કાંઠડે,
બંસી સૂર અનંત અંતર બજે, ભક્તો બની ગૌ રહે,
ને ત્રિકાળ સમાધિમાં સ્થિર રહી પ્રાર્થે પ્રભુ પુણ્યદા
એવા રંગ મહર્ષિના ચરણમાં પ્રેમે નમું સર્વદા !

ભગવાન દત્તાત્રેયના દિવ્ય સ્વરૃપનો સાક્ષાત્કાર કરી એમની ભક્તિના રસમાં આકંઠ ડૂબેલા રહીને એમના રંગમાં નખશિખ રંગાયેલા શ્રી રંગ અવધૂત મહારાજનું નામ સંતોના આકાશમાં તેજસ્વી તારલાની જેમ અદકેરા રંગથી ચમકે છે ! ગુરુની લીલાના અમૃતનું અનવરત પાન કરનારા અને કરાવનારા શ્રી રંગ અવધૂત મહારાજનો 'શ્રી ગુરુ લીલામૃત' ગ્રંથ ગુરુકૃપાથી પ્રકટ થયેલા અધ્યાત્મ અને યોગસાધનાના રહસ્યોને અને ભગવત્પ્રાપ્તિ માટે જરૃરી જ્ઞાાન, ભક્તિ અને કર્મના સિદ્ધાંતોને વિશિષ્ટ રીતે ઉજાગર કરનારો એક મહાકાવ્ય સમો મૂલ્યવાન ગ્રંથ છે. 

એકવાર નિદ્રાધીન હતા ક્યારે સ્વપ્નમાં આવીને એમના ગુરુ મહારાજે એમને આ ગ્રંથ લખવા આજ્ઞાા કરી હતી. એને શિરોધાર્ય કરી રંગ અવધૂત મહારાજે ચાતુર્માસના ચાર મહિનામાં જ ઓગણીસ હજાર કરતાંય વધારે દોહરાનો ભજનો અને સ્તોત્રો સાથેનો આ ગ્રંથ પૂરો કરી દીધો હતો. સહેજ પણ છેક છાક વિના, અત્યંત સુંદર મોતીના દાણા જેવા અક્ષરોમાં સુવાચ્ય રીતે લખાયેલા આ ગ્રંથ ધર્મશાસ્ત્રગ્રંથના એક સુરમ્ય નજરાણા સમાન છે ! આ ગ્રંથ ગુજરાતી ભાષામાં લખાયેલો છે.

આ ગ્રંથની જેમ રંગ અવધૂત મહારાજના 'દત્ત બાવની' અને 'દત્તરક્ષાસ્તોત્ર' ગ્રંથો પણ પ્રસિદ્ધ છે. એકવાર તે એમના એક ભક્તને ઘેર ઉતર્યા હતા ત્યારે તેમણે જોયું કે તેની પત્નીને ભૂત-પ્રેતની સતામણી થતી હતી. એટલે અનિષ્ટ તત્ત્વ તથા કોઈપણ પ્રકારના સંકટમાંથી મુક્તિ અપાવે એવા સ્તોત્રની રચના કરી.

એની રચના બાવન પંક્તિઓમાં થઈ હતી એટલે એ 'દત્તબાવની' તરીકે ઓળખાય છે. શ્રીરંગ અવધૂત મહારાજે ગુજરાતી ઉપરાંત સંસ્કૃત અને મરાઢી ભાષામાં પણ ગ્રંથો લખ્યા છે.
શ્રી રંગ અવધૂત મહારાજનો જન્મ તા. ૨૧-૧૧-૧૮૯૮નાં રોજ ગુજરાતના ગોધરા શહેરમાં થયો હતો. એમના પિતાનું નામ વિઠ્ઠલ પંત અને માતાનું નામ રુકમણી હતું.

શ્રી રંગ અવધૂત મહારાજનું બાળપણનું નામ પાંડુરંગ વળામે હતું. એ પાંચ વર્ષના હતા ત્યારે પિતાનું મરણ થયું હતું. એમની આઠ વર્ષની વય હતી ત્યારે એમની માતા એમને લઈને તીર્થયાત્રાએ ગઈ હતી. એ વખતે તે કોલ્હાપુરમાં હતા ત્યારે તેમને એક તેજસ્વી પુરુષના સ્વપ્નમાં દર્શન થયા હતા.

તેમણે તેને 'પોથી' વાંચવાની આજ્ઞાા કરી હતી. થોડા વર્ષો બાદ એમના મામા એમના ઘેર આવ્યા હતા અને પોતાની સાથે એક પોથી લેતા આવ્યા હતા. તેમણે પાંડુરંગને કહ્યું હતું- ''ગુરુચરિત્ર' નામના ગ્રંથની આ પોથી છે.

આ પોથી શીરડીના સંત સાંઈબાબાએ મને આપેલી છે. સંતના આશીર્વાદ સાથે એમના જ વરદ હસ્તે અપાયેલી આ પોથી દુર્લભ છે. દરરોજ સ્નાન કર્યા બાદ પવિત્ર આસને બેસી ભક્તિભાવપૂર્વક એનો પાઠ કરજે.' 'ગુરુચરિત્ર' 'જ્ઞાાનેશ્વરી' અને 'એકનાથી ભાગવત' જેવો ઉચ્ચકોટિનો ગ્રંથ છે પાંડુરંગ તેનો નિત્ય પાઠ કરતા.

યુવાવસ્થામાં મહાત્મા ગાંધીજીના સ્વરાજય માટેના અસહકાર અને સત્યાગ્રહના આંદોલનમાં પણ જોડાયા હતા અને ગામડાઓમાં જઇ તેનો પ્રચાર કર્યો હતો. સ્નાતક થયા પછી અમદાવાદની એક રાષ્ટ્રીય શાળામાં શિક્ષક પણ થયા.

પરંતુ એક દિવસ નર્મદાના કિનારે ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરમાં સૂતા હતા ત્યારે સ્વપ્નમાં પરમહંસ વાસુદેવાનંદ સરસ્વતીના દર્શન થયા અને તેમણે કહ્યું- 'દત્તપુરાણ'ના એકસો આઠ પારાયણ કર.' માતાએ લગ્ન કરવાનો આગ્રહ કર્યો પણ તેમણે તે સ્વીકાર્યો નહિ. તે જીવનભર બ્રહ્માચારી જ રહ્યા.

તેમણે નર્મદાના તટે રણાપુરથી સાત માઈલ દૂર પ્રાચીન શિવાલય નારેશ્વરમાં એક લીમડા નીચે બેસીને દત્તપુરાણનું પારાયણ અને ઉપાસના સંવત ૧૯૮૧ માગસર વદ ત્રીજના દિવસથી શરૃ કર્યા. ત્યાં તેમણે ચાર મહિના કઠોર સાધના કરી.

ઘણીવાર ત્યાં નાગ  આવતા. એકવાર તે દત્ત-ઉપાસનામાં એવા મસ્ત હતા કે એક કાળો નાગ ત્યાં આવ્યો અને એની ફેણ ઊંચી કરીને બેસી ગયો છે એનું પણ ધ્યાન ના રહ્યું ! એમની સાધનાનો એવો પ્રભાવ કે એ નાગની આજુબાજુ બે મોર આવીને ઊભી રહી ગયા ! સાપ અને મોરને કુદરતી વેર છતાં સાપે એમના પર હૂમલો ના કર્યો. સાધનાના પ્રતાપે પેલો કડવો લીમડો મીઠો બની ગયો !! એકવાર શ્રી રંગઅવધૂત મહારાજ નર્મદાનદીના જળમાં ઊભા રહી દત્ત ભગવાનના જાપ કરતા હતા.

ત્યાં ત્રણ બાજુથી ત્રણેક મગરો ઘસી આવ્યા. કિનારા પર લોકોએ બૂમાબૂમ કરી મૂકી. પણ રંગ અવધૂત મહારાજ જરાય ચલિત ન થયા. તેમણે મગરો તરફ પાણીની અંજલિ છાંટતા કહ્યું- 'તમે દર્શન  આપવા આવ્યા હો તો મેં તમારા દર્શન કરી લીધા અને મારા દર્શન કરવા આવ્યો હો તો તમને મારા પણ દર્શન થઈ ગયા.

એટલે હવે પાછા ફરી જાવ. સાચે જ, એ સાંભળતા મગરો ત્યાંથી પાછા જતા રહ્યા હતા ! શ્રી રંગ અવધૂત મહારાજનો એક ખાસ મંત્ર હતો- 'પરસ્પર દેવો ભવ !' તમે એકબીજાને દેવ સમજો અને એ દેવની ભક્તિ કરો.' તો ૧૯-૧૧-૬૮ કારતક વદ અમાસના રોજ હરિદ્વારમાં ઁકારના સતત ઉચ્ચારણ સાથે એમણે પ્રાણનો ત્યાગ કર્યો હતો અને નારેશ્વર ખાતે એમની સમાધિનું સ્મારક બનાવાયું છે.

- દેવેશ મહેતા
 

Post Comments