Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમૃતની અંજલિ - આચાર્ય વિજયરાજરત્નસૂરિ

દંભી વ્યકિતનો ઉદ્ધાર કોઈ કાળે શક્ય નથી હોતો.. સરલ વ્યકિતનો ઉદ્ધાર થયા વિના રહેતો નથી ??

એક સ્થળે એમ જણાવ્યું છે કે ' સોયના છિદ્રમાંથી આખેઆખો હાથી નીકળી ગયો એવું કોઈ કહે તો હજી કદાચ એ માનજો. પરંતુ દંભી વ્યકિત મોક્ષ પામી આવું કોઈ કહે તો જરા પણ એ માનતા નહિ.'

પ્રાર્થના એક એવી ઉચ્ચ ઘટના છે કે જેમાં આપણે જાણે કે પ્રભુ સાથે સાક્ષાત્ વાર્તાલાપ કરતાં હોઈએ છીએ. જેમ આપણી સમક્ષ ઉપસ્થિત વ્યકિતને સંબોધીને આપણે કાંઈક કહી શકતા હોઈએ છીએ, તેમ પ્રાર્થનામાં આપણે પ્રભુને-પરમ તત્ત્વને સંબોધિત કરી કાંઈક (અરે ! કાંઈક નહિ, ઘણું બધું) કહી શક્તા હોઈએ છીએ.

આ સંદર્ભમાં યાદ કરીએ એક ચિંતકનું માર્મિક અને વિચારપ્રેરક વિધાન. પ્રાર્થના તથા ધ્યાનનું ખૂબ સરલ અને સ્પર્શી જાય તેવું સ્વરૃપ દર્શાવતાં એ જણાવે છે કે ' જેમાં આપણે બોલીએ અને પ્રભુ સાંભળે તેનું નામ છે પ્રાર્થના. જેમાં પ્રભુ બોલે અને આપણે સાંભળીએ તેનું નામ છે ધ્યાન.'

ધ્યાનમાં બિલકુલ તન્મય-તટૂપ થઈ જઈને પ્રભુને સાંભળવાના-સમજવાના હોય. તે અનુસંધાનમાં અહીં વિધાનનો ઉત્તરાર્ધ રજૂ થયો છે. પરંતુ એનો પૂર્વાર્ધ આપણી પૂર્વોક્ત વાતને બરાબર સમર્થન આપે છે કે પ્રભુ સાથે વાર્તાલાપ- સંબોધન એનું નામ પ્રાર્થના.

પ્રભુ સાથેનું એ સંબોધન પ્રભુ સાથેના શાશ્વત સંબંધ સુધી લઈ જાય તે માટે આપણે પ્રાર્થનાસૂત્ર અર્થાત્ જયવીયરાયસૂત્રમાં નિર્દિષ્ટ તેર પ્રાર્થનાઓ અંગે ક્રમશ  :  એકેક લેખ દ્વારા એકેક પ્રાર્થના એકેક પ્રાર્થનાનાં વિશ્લેષણનો પ્રારંભ ગત લેખથી કર્યો છે.

આજે એમાં બીજા ક્રમની પ્રાર્થના પર વિચાર વિસ્તાર કરવાનો છે. ત્યાં પ્રાર્થનાસૂત્રમાં આ માટે શબ્દપ્રયોગ કરાયો છે.' મગ્ગાણુસારિઆ.' અર્થાત્ મને માર્ગાનુસારિતાની પ્રાપ્તિ થાઓ. જૈન દર્શનમાં આ શબ્દના અર્થ અલગ અલગ સંદર્ભમાં અલગ અલગ કરાયા છે. અહીં માર્ગનો અર્થ છે ચિત્તનું અવક્રભાવે-સરલભાવે ગમન. એ જ્યાં હોય તેને કહેવાય માર્ગાનુસારિતા.

એક વાત ખબર છે ? સર્પની એક મૌલિક ખાસિયત એ છે કે તે કાયમ સર્વત્ર વાંકોચૂકો જ ચાલે. ધૂળમાં એની ગતિ થાય ત્યારે ત્યાં એના લીસોટા વાંકાચૂકા જ અંકિત થાય અને સર્પને પ્રત્યક્ષ ચાલતો નિહાળીએ ત્યારે ય એની ગતિ વક્ર જ દૃશ્યમાન થાય. આમ છતાં સર્પ જ્યારે એના નાનકડા દરમાં પ્રવેશે ત્યારે એ બિલકુલ સીધી-અવક્ર ગતિએ જ પ્રવેશતો હોય છે.

તે વિના દરમાં સર્પનો પ્રવેશ શક્ય જ ન બને. આ એમ જણાવે છે કે જે આત્માને પોતાનાં શાશ્વત સ્થાનમાં અર્થાત્ મોક્ષમાં પ્રતિષ્ઢિત થવું હોય એને સીધા-સરલ બન્યા સિવાય કોઈ વિકલ્પ નથી. માટે જીવનમાં સરલતાને-માર્ગાનુસારિતાને પ્રાધાન્ય આપવું જોઈએ.

ધારો કે આપણે જેની સાથે કામ લેવાનું છે એ બે વ્યકિતઓ પૈકી એક વ્યકિત જડબુદ્ધિ ધરાવે છે અને બીજી વ્યકિત વક્રબુદ્ધિ ધરાવે છે. પ્રથમ વ્યકિત બુદ્ધિની જડતાનાં કારણે કોઈ પણ વાતને પોતાની જાતે-સ્વયં સમજી શકે એવું નહિ બને. આમ છતાં એની પાસેથી કામ લેવું હજી સુશક્ય છે. આપણે એને વારંવાર મહેનતથી સમજાવીએ તો એ વાત સમજીને એ મુજબ કરશે. જ્યારે એના મુકાબલે, વક્રબુદ્ધિ ધરાવતી વ્યકિત પાસેથી કામ લેવું લગભગ અશક્ય છે.

કારણકે એની બુદ્ધિમાં જડતા ન હોવાનાં કારણે એ વાતનું હાર્દ તરત સમજી જશે ખરો, પરંતુ બુદ્ધિમાં વક્રતા-દંભ હોવાનાં કારણે એ વિપરીતપણે વર્તશે. કાં તો એ ' કહેવું કાંઈ ને કરવું કાંઈ' જેવો દંભ રાખી વિપરીત વર્તન કરશે, કાંતો એ જાણી-બુઝીને અવળચંડાઈ દાખવી વિપરીત વર્તન કરશે. કરવી છે આની પ્રતીતિ ? તો વાંચો ' કલ્પસૂત્ર' આગમના ' સુબોધિકા' ટીકાગ્રન્થમાં આવતું આ રમૂજી દૃષ્ટાંત  :

એક શ્રીમંત-સંસ્કારી પરિવારનો બાળક સ્વભાવથી ઉદ્ધત અને બુદ્ધિથી વક્ર હતો. સહુની હાજરી હોય તો ય વડીલોની સામે જવાબો આપવા- સામે થઈ જવું એ સ્વભાવની ઉદ્ધતાઈનાં કારણે એના માટે સહજ હતું, તો બુદ્ધિની વક્રતાનાં કારણે દરેક વાતે આડું જ પકડવું એના માટે સહજ હતું. પરિવારના વડીલો એની આ હરકતોથી વાજ આવી ગયા હતા.

એમાં પણ કોઈનું ય માન રાખ્યા વિના સામે થઈ જવાની એની વૃત્તિ સૌને ખટકતી હતી. એના માતા-પિતા એને વારંવાર પ્રેમથી સમજાવતા કે ' વડીલોની સામે ન બોલવું.' વક્રબુદ્ધિના પુત્રે વાતને અવળી પકડીને માતા-પિતાને ય પાઠ ભણાવવાનો નિર્ણય કરી લીધો.

એકવાર કોઈ પ્રસંગમાં સમગ્ર પરિવારને જવાનું બન્યું. એકમાત્ર પેલો પુત્ર તાવ આવવાનાં કારણે ઘરે રહ્યો હતો. વડીલોને પાઠ ભણાવવાની તક આવી સમજીને પુત્ર ઘરનાં તમામ બારી-બારણાં અંદરથી બંધ કરી સૂઈ ગયો.  યથાસમયે પરિવાર ઘરે પરત આવ્યો. પિતાએ મુખ્ય દ્વાર જોરથી ખટખટાવ્યું. કિંતુ અંદરથી કોઈ પ્રતિભાવ ન મળ્યો.

પા કલાક.. અર્ધો કલાક...એક કલાક સુધી ખૂબ જોરશોરથી તમામ બારી-બારણાં ખટખટાવવા છતાં અને આજીજી કરીને પોકારવા છતાં અંદરથી કોઈ જ પ્રતિભાવ ન આવ્યો ત્યારે પરિવાર ચિંતાતુર થી ગયો કે ' ચોક્કસ, નાદરસ્ત બાળક કાં તો બેભાન થઈ ગયો હશે કાં તો મૃત્યુ પામ્યો હશે, તે વિના આવું ન બને .'

આખરે પિતા સાહસ કરીને ઘરનાં નળિયા ખેસવી સીડી દ્વારા ઉપરથી અંદર ઊતર્યા. ત્યાં જ પેલો બાળક મશ્કરી કરતો હોય તેમ ખડખડાટ હસતો આવીને ઊભો રહ્યો. ચિંતાતુર પિતાએ પૂછયું  :  ' અરે ? તું ભાનમાં છે- જાગતો છે, તો અત્યાર સુધી તેં જવાબ કેમ ન આપ્યો ?' બાળકે અવળચંડાઈથી કહ્યું  :  ' તમે જ તો મને કહેતા હતા કે વડીલોની સામે બોલવું નહિ. એટલે હું આજે સામે ન બોલ્યો !!' પિતાને હસવું કે રડવું એજ સમજાયું નહિ..

આ વક્રતા બાળકનાં બાહ્ય જીવનમાં કેવાં ભયંકર નુકસાનો કરશે એની કલ્યનાય જો શક્ય નથી, તો અભ્યંતર-આધ્યાત્મિક જીવનમાં કેવાં ખતરનાક નુકસાનો કરશે એની કલ્પના તો શે થાય ? જ્ઞાાની ભગવંતો એટલે જ અધ્યાત્મમાર્ગની પ્રગતિકાજે સરલતા આત્મસાત્ કરવા પર ખૂબ ભાર આપે છે. આપણે એમની વાણીરૃપ કેટલાક શાસ્ત્રવચનો નિહાળીએ  :

શ્રી ઉત્તરાધ્યયન આગ્રમગ્રન્થમાં સ્વયં ભગવાન મહાવીર પ્રભુ કહે છે કે  : - ' સોહી ઉજ્જુભૂયસ્સ, ધમ્મો સુદ્ધરસ ચિટ્વઇ.' જે આત્મા સરલ છે એની જ શુધ્ધિ શક્ય છે. અને જે આત્મા શુધ્ધ છે એનામાં જ વાસ્તવિક ધર્મ હોય છે, એ આ પ્રભુવચનનો ભાવાર્થ છે.

'પ્રશમરતિ' નામે ગ્રન્થમાં મહાજ્ઞાાની ઉમાસ્વાતિજી ભગવંત લખે છે કે  :  ' નાનાર્જવો વિશુદ્ધપતિ, ન ધર્મામારાધયત્યશુદ્ધાત્મા  :  ધર્માદ્ઋતે ન મોક્ષો, મોક્ષાત્ પરમંસુખે નાન્યત્.' મત- લબ કે જેનામાં સરલતા નથી એ શુદ્ધ-પવિત્ર બની શક્તો નથી, જેનામાં શુદ્ધિ નથી એ ધર્મી થઈ શક્તો નથી, જે સાચો ધર્મ નથી એ મોક્ષ પામી શકતો નથી અને જે મોક્ષ પામી શક્તો નથી એ શાશ્વત સુખી થઈ શક્તો નથી.

એક સ્થળે એમ જણાવ્યું છે કે ' સોયના છિદ્રમાંથી આખેઆખો હાથી નીકળી ગયો એવું કોઈ કહે તો હજી કદાચ એ માનજો. પરંતુ દંભી વ્યકિત મોક્ષ પામી આવું કોઈ કહે તો જરા પણ એ માનતા નહિ.'

આ અવતરણો એ સમજાવી જાય છે કે સરલતા કેવો મહાન-ઉત્તમગુણ છે. સરલતાનાં કારણે '૫' અક્ષરથી શરૃ થતી ત્રણ મહાન વિશિષ્ટતા વ્યકિતને ઉપલબ્ધ થાય છે.

૧. પ્રજ્ઞાાપનીયતા  :  જૈન ધર્મગ્રન્થમાં પ્રયોજાતો આ પારિભાષિક શબ્દ શિષ્યની સાધકની લાયકાતનો મહત્ત્વનો ગુણ ગણાય છે. ગુરુ કે વડીલજન શિષ્યની-સાધકની ખામી-ક્ષતિ અંગે સમજાવે-કડક રીતે કહે ત્યારે એને સમજવાની-સ્વીકારવાની તત્પરતા તેનું નામ પ્રજ્ઞાાપનીયતા. જે શિષ્યની ક્ષતિ-ખામી દર્શાવવામાં ગુરુજન ખચકાટ-ડર અનુભવે અને જે શિષ્ય ગુરુની હિતાવણી સ્વીકારવામાં આનાકાની-બહાનાબાજી કરે એ શિષ્યમાં પ્રજ્ઞાાપનીયતા ખામી છે એમ અવશ્ય કહી શકાય. બાળકની પૂર્વોક્ત રમૂજકથામાં એ નિહાળી શકાય છે કે બાળકમાં પ્રજ્ઞાાપનીયતાની-સમજવાની ખામી હતી, માટે એણે અવળો ઉત્તર આપ્યો હતો. આ પ્રજ્ઞાાપનીયતા ત્યારે સંભવી શકે છે કે જ્યારે વ્યકિતમાં સરલતા હોય. જે વ્યકિત હૈયાની સરલ હોય તે જ વ્યકિત અન્યની-ગુરુજનની હિતશિક્ષાને સમજી-સ્વીકારી શકે. જેનામાં પૂર્વગ્રહ-કદાગ્રહ-સ્વાગ્રહનું જોર છે એ વ્યકિત અન્યની સારી-સાચી વાત પણ નહિ સ્વીકારે. પૂર્વગ્રહાદિ ત્રણ બાબતો સરલતાનાં અને પ્રજ્ઞાાપનીયતાનાં બાધક તત્ત્વો છે.

પૂર્વગ્રહ એટલે સામી વ્યકિત યા બાબત ્પ્રત્યે બંધાઈ ગયેલ ગલત ગ્રન્થિ. જેના પ્રત્યે આવી ગ્રન્થિ બંધાઈ ગઈ હોય એ વ્યકિત આપણને ગમે તેટલું હિતકારી સમજાવે કે આપણું હિતકારી કરે તો ય પૂર્વગ્રહનાં કારણે આપણને તે અવળું જ લાગે. બીજા શબ્દોમાં કહીએ તો એ વ્યકિત-બાબત પ્રત્યેની આપણી દૃષ્ટિ જાણે કે કમળાગ્રસ્ત હોય. કમળાગ્રસ્ત વ્યકિતને જેમ દરેક વસ્તુ પીળી જ દેખાય, એમ પૂર્વગ્રહગ્રસ્ત વ્યકિતને સામી વ્યકિત/ બાબતનું દરેક પાસું અવળું જ દેખાય. કેવો હોય એ પૂર્વગ્રહ એ જાણવું છે ? તો વાંચો આ નાનકડી કથા  :

પાંચ-સાત વર્ષના બાળકને મૂકીને પત્ની મૃત્યુ પામી ત્યારે પતિએ અન્ય સુશીલ સ્ત્રી સાથે લગ્ન કર્યા. પડોશીએ આ લગ્નપૂર્વેજ બાળકનાં મનમાં એ વાત સજ્જડ ઠસાવી દીધી કે' હવે તારી સાવકીમાં આવશે અને એ તારું બૂરું જ કરશે. બાળકની દૃષ્ટિ નવી મા પ્રત્યે ભયંકર પૂર્વગ્રહગ્રસ્ત બની ગઈ. નવી મા એને ગમે તેટલું પ્રેમથી બોલાવે એને એ દરેકમાં કાવતરું-ભેદભરમ જ લાગે. બાળક સાવકી માથી દૂર રહ્યા કરતો.

એવામાં એકવાર બાળક માંદો પડયો. એને એમાં ય સાવકી માનો જ હાથ લાગ્યો. ુપાચનની અનુકૂળતા માટે વૈદ્યરાજે બાળકને ત્રણ વાર રોજ મગનું પાણી આપવાનું સૂચવ્યું હતું. એથી નવી માએ રોજ મગનું પાણી આપવા માંડયું. અણ સમજુ બાળક મગને મરેલી માખી સમજી એમ માનતો હતો કે ' સાવકીમાં મને મારી નાખવા માટે મરેલી માખીવાળું પાણી આપે છે.' એ જીદ કરીને પાણીનો ઇન્કાર કરે, તો નવી મા હિતબુદ્ધિથી કડકાઈ દાખવી પરાણે પાણી આપે. પરિણામ એ આવ્યું કે મનમાં સતત ડર-અજંપો અનુભવતો બાળક થોડા દિવસોમાં મૃત્યુ પામ્યો !!

પ્રજ્ઞાાપનીયતાનું બીજું બાધક તત્ત્વ છે કદાગ્રહ. ખોટી બાબતની જોરદાર પકડ એનું નામ છે કદાગ્રહ. કો કે પકડાવી દીધેલ ગધેડાના પૂંછડા જેવી બાબતને વ્યકિત એવી મજબૂત પકડી લે કે લાતો વાગ્યા કરે તોય એ એને છોડે નહિ. ખાસ કરીને ધર્મક્ષેત્રે વ્યકિત કદાગ્રહની પકડમાં આવી જાય ત્યારે ભલભલા જ્ઞાાનીભદવંતોય એને સમજાવી ન શકે.. ત્રીજી બાધક બાબત છે સ્વાગ્રહ. એનો અર્થ છે પોતાની વાતને માન્ય રાખવાની હઠ.' મારું છે માટે એ સાચું છે' આવી વૃત્તિ સ્વાગ્રહીની હોય.

મહાજ્ઞાાની શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે એમના ' અષ્ટકપ્રકરણ' ગ્રન્થમાં ભાવશુદ્ધિના નિરૃપણ સમયે એનાં બે વિશેષણ આવાં આપ્યાં છે કે ' પ્રજ્ઞાાપનાપ્રિયાડત્યન્તં, ન પુન :  સ્વાગ્રહાત્મિકા.' ભાવાર્થ કે ભાવશુદ્ધિ ત્યાં શક્ય છે કે જ્યાં વડીલોની હિતાશિક્ષા પ્રિય હોય અને સ્વાગ્રહનું નામનિશાન ન હોય. આ બન્ને બાબતો સરલતાથી જ શક્ય બને છે..

૨. પારતન્ત્ર્ય  : - આ શબ્દનો અર્થ છે પરતન્ત્રતા અને તે ગુરુના સંદર્ભમાં લેવાનો છે. જગતમાં ભલે સ્વતન્ત્રતાની બોલબાલા હોય અને ક્યાંક એનાં ઓઠાં નીચે સ્વચ્છન્દતા તરફ ઘસી જવાની વૃત્તિ હોય, પરંતુ જૈન શાસનમાં ગુરુની પરતન્ત્રાની-ગુરુ નિશ્રાની બોલબાલા છે. જે સાધક ત્વરિત આત્મકલ્યાણ ચાહે છે તેનાં જીવનમાં ગુરુ પારતન્ત્ર્ય-ગુરુ નિશ્રા અત્યંત મહત્ત્વનું પ્રદાન કરે છે.

એથી જ કહેવાયું છે કે ' ધન્ના આવકહાએ, ગુરુકુલવાસં ન મુંચંતિ.' ભાવાર્થ કે તે સાધકો ધન્ય છે જે આજીવન ગુરુ કુલવાસ-ગુરુપરતન્ત્રના ત્યજતા નથી. જે વ્યકિત સરલ-ગુરુ ઇચ્છાનુસારી છે તેજ આ ગુરુપારતન્ત્ર્ય અપનાવી શકે. જે વ્યકિત જીદ્દી-ધાર્યું કરનાર હોય તે આ ન અપનાવી શકે..

(૩) પરમવિશુદ્ધિં - સરલતા એવો મૌલિક ગુણ છે કે જે આત્મકલ્યાણના સર્વોચ્ચ શિખરરૃપ પરમવિશુદ્ધિ પ્રાપ્ત કરાવી શકે. આ જ લેખમાં આપણે પૂર્વે જે શાસ્ત્રવચન નિહાળ્યાં તેમાં આને સંક્ષિપ્ત નિર્દેશ મળી રહે છે. આમ છતાં આપણે આની વિશેષ પ્રતીતિ માટે યાદ કરીએ જૈન ઇતિહાસના પ્રસિદ્ધ પાત્ર બાલમુનિ અઇમુત્તાને.

બહુ સંક્ષેપમાં એમની જીવનઘટના નિહાળીએ તો, પૂર્ણ ભાવુકતાથી દીક્ષા લેનાર એ બાલમુનિએ બાળસહજ રમતવૃત્તિથી કાચાં જલમાં પોતાનું પાત્ર તરવા મૂક્યું કે જે જૈન શ્રમણાચાર મુજબ નિષિદ્ધ હતું. આથી વડિલ મુનિવરે એમને હળવો ઠપકો આપ્યો.

બાલમુનિમાં પરાકાષ્ઢાની સરલતા હતી. માટે એમણે પ્રજ્ઞાાપનીયતા અને પારતન્ત્ર્યના પૂર્વોક્ત ગુણો દાખવ્યા. પોતાની ભૂલ હૃદયપૂર્વક સ્વીકારી એમણે એવો તીવ્ર પશ્ચાત્તાપ કર્યો કે તેઓ તુર્ત કેવલજ્ઞાાન પામી સિદ્ધિના સર્વોચ્ચ શિખર પરમવિશુદ્ધિ પર શાશ્વતરૃપે આરૃઢ થઈ ગયા...

છેલ્લે એક મજાનું સૂત્ર  :  દંભી વ્યકિતનો ઉદ્ધાર કોઈ કાળે શક્ય નથી હોતો, સરલ વ્યકિતનો ઉદ્ધાર થયા વિના નથી રહેતો.

Post Comments