Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

લોભ જેવો માનવીનો બીજો કોઈ શત્રુ નથી !

રા જા કનકકેતુ પ્રભુ ઋષભદેવનાં જિનાલયનાં દ્વાર જેના કારણે એકાએક ખુલી ગયા હતા એવા શ્રીપાળના ચરિત્ર વિશે વાત કરવા માટે મુનિરાજને વિનંતી કરી, ત્યારે મુનિરાજે કહ્યું કે સિંહરથ રાજાના કુમાર એવા શ્રીપાળે ઉજ્જૈયીની નગરીના રાજા પ્રજાપાલની પુત્રી મયણાસુંદરી સાથે લગ્ન કરી નવપદજીના પ્રભાવે કુષ્ટરોગમાંથી છુટકારો મેળવ્યો હતો. વિદ્યાસાધક યોગીને પ્રોત્સાહિત કરી તેઓનું વર્ષોનું કામ શ્રીપાળકુમારે ક્ષણોમાં કરી દીધું છે.

મહાશ્રેષ્ઠિ ધવલશેઠના થંભી ગયેલાં વહાણોને એણે સાગરમાં ફરતાં કર્યા છે. બબ્બરકોટના મહાકાલ રાજાને જીતીને એની કન્યા મદનસેના સાથે લગ્ન કર્યા છે અને એ જ શ્રીપાળકુમારે જિનેશ્વર ભગવાન પ્રત્યેની અખૂટ શ્રદ્ધા અને દ્રઢ સંકલ્પથી જિનાલયના ગભારાનાં દ્વાર ખોલી નાખ્યાં છે.

મુનિરાજે શ્રીપાળકુમારનો આ પરિચય કરાવ્યો અને વધુમાં ઉમેર્યું કે શ્રીપાળકુમાર અનેક રાજકન્યાઓ સાથે લગ્ન કરીને અને પોતાના પિતાના સિંહાસન પર બેસીને રાજાઓનો રાજા બનશે. વળી શ્રી સિદ્ધચક્રજીની આરાધના કરીને તે સ્વર્ગે જશે અને અનુક્રમે મોક્ષસુખ પણ પામશે.

રાજા કનકકેતુ એકાગ્રતાથી મુનિવરનાં વચનો સાંભળી રહ્યા હતા અને પાસે બેઠેલા શ્રીપાળના ચરિત્રની જાણકારી મેળવતા હતા. મુનિરાજે કહ્યું કે, ' નવપદજીના પ્રભાવથી મહાપ્રભાવિક, મોટા યશવાળો, પુણ્યશાળી તથા મહાભાગ્યવાન થઈને ધન્ય જીવનવાળો બન્યો છે.

જે કોઈ મહાપાપી ! આ શ્રીપાલકુમારનું કાંઈપણ અનિષ્ટ કરવા પ્રયત્ન કરશે, તે ખરેખર ! તે જ વખતે તેનું ફળ પામશે. વળી, આ સિદ્ધચક્રજીનાં નવે પદોના પ્રભાવે, આ શ્રીપાલકુમારને આવનારી આપદાઓ પણ મોટી સંપત્તિ આપનારી થશે.'

મુનિવર શ્રીપાળનો પરિચય કરાવીને આકાશમાર્ગે પાછા ચાલ્યા ગયા. સહુ શ્રોતાજનો પણ મુનિવરને નમીને પોતપોતાના સ્થાને ગયા. રાજા કનકકેતુએ ઉત્તમ નગરજનોની હાજરીમાં પુત્રી મદનમંજૂષાનો શ્રીપાળ સાથે વિવાહ નક્કી કર્યાે અને પછી વિવાહસંબંધી મહોત્સવો શરૃ થયા.

જિનદાસે શ્રીપાળકુમારના લગ્નની ધામધૂમથી તૈયારીઓ કરી. ઢોલનગારા, શરણાઈઓના સૂરોથી રાજમહેલ ગૂંજવા લાગ્યો. મંગળ ગીતોનું ગાન થવા લાગ્યું. એ સમયે આવેલી મદનસેના પણ રાજાના વિશેષ આગ્રહને કારણે રાજમહેલમાં રહેવા લાગી. શ્રીપાળકુમાર ગુણવાન અને ઉદાર હતા. 

એમના બારણેથી કોઈ ખાલી હાથે પાછો ફરતો નહીં. એવામાં ચૈત્ર મહિનો આવતા શ્રીપાળકુમારે પરમ શ્રદ્ધાપૂર્વક બંને પત્નીઓ સાથે નવપદની ઓળી આરંભી. મદનસેનાએ પણ મદનમંજૂષાની જેમ પ્રભુની લાખેણી આંગી રચી અને સાનંદ અઠ્ઠાઈ મહોત્સવ ઉજવ્યો.

આ સમયે શ્રી ઋષભદેવ પ્રભુના દેરાસરમાં સિદ્ધચક્રજીના ઉત્તમ પ્રકારે વિધિસહિત પૂજાઓ ભણાવવા માંડી અને લાખેણી આંગી રચાવા માંડી. આયંબિલની ઓળીમાં નવેય દિવસમાં કોઈપણ પ્રાણી માત્રની હિંસા ન થાય એવો ઢંઢેરો પીટાવ્યો અને શ્રીપાળકુમાર સિદ્ધચક્રની ભક્તિમાં તન, મન, અને ધનને જોડીને પોતાનો જન્મારો સફળ કરવા લાગ્યા.

એકવાર ઋષભદેવ પ્રભુ આગળ દેરાસરનાં રંગમંડપમાં રાજા, શ્રીપાળકુમાર સાથે બેસીને શ્રી જિનેશ્વર દેવની આંગી રચી રહ્યા હતા. એ સમયે નગરના કોટવાળે આવીને રંગમાં ભંગ પાડય. એણે રાજાને વિનંતી કરતાં કહ્યું, ' મહારાજ, એક સાર્થવાહે દાણચોરી કરીને આપની આજ્ઞાાનો ભંગ કર્યો છે. એ મહાધૂર્ત અને ચોર છે. અમારી સામે ખૂબ ઘમંડપૂર્વક સામે થયો હતો. અમે એને પકડી લઈને બંદી બનાવ્યો છે. તો હવે આપ આજ્ઞાા કરો કે તેને શી સજા કરવી ?'

રાજાએ કહ્યું, ' જો એણે મારી આજ્ઞાાનો ભંગ કર્યો હોય, તો એને પ્રાણદંડ આપી દો.'

શ્રીપાળકુમારની અખંડ ભક્તિમાં અવરોધ જાગ્યો. એણે રાજાને કહ્યું, ' રાજન ! દેરાસરમાં રહીને પાપકારી વચન બોલવાથી ઘણો દોષ લાગે છે. આવી સાવદ્ય વાતો ન કરાય. મહાન આશાતના થાય અને વળી ગુનેગારને જોયા વિના કે એની વાત સાંભળ્યા વિના એને સજા કઈ રીતે અપાય ? '

રાજા કનકકેેતુએ કહ્યું, ' મારાથી ભૂલ થઈ ગઈ. એ ગુનેગારને રાજદરબારમાં લઈ આવો.' અને ગુનેગારને બંધનગ્રસ્ત કરીને હાજર કરવામાં આવ્યો તો એ દાણચોરને શ્રીપાળકુમાર તરત ઓળખી કાઢે છે કે આ તો ધવલશેઠ છે. શ્રીપાળકુમારે ધવલશેઠને પ્રણામ કર્યા.

મનોમન વિચાર્યું કે આવું કેમ બન્યું હશે ? અથવા વિચાર કરવા લાગ્યા કે લોભને વશ થઈને જીવો શું કરતા નથી ? શ્રીપાળ નિરંતર ઉપકાર કરવામાં તત્પર હતા. આથી એમણે કહ્યું, ' મહારાજ આ તો મારા પિતાતુલ્ય છે. હું એમની સાથે આવ્યો છું. એ કોટિધ્વજોનો પણ સરદાર છે અને આપના બંદરમાં ઘણાં વહાણો લઈને આવેલો છે.'  આ બધી વાત કરીને એમણે ધવલશેઠને બંધનમાંથી તો છોડાવ્યા, પરંતુ એથીય વિશેષ ખુદ રાજાએ પણ શેઠની ક્ષમા માગી.

એક દિવસ ધવલશેઠે શ્રીપાળને આવીને વિનંતી કરી,' તમારી સાથે રહેવાથી વેપારમાં ઘણો લાભ થયો છે. આપણા આણેલી તમામ વસ્તુઓ વેચાઈ ગઈ છે અને નવી વસ્તુઓ લઈ લીધી છે. માટે હવે તમે સહુને સકુશળ દેશમાં પહોંચાડી દેશો તો મોટી કૃપા થશે.'

ધવલશેઠનાં વચનો સાંભળીને શ્રીપાળકુમારે રાજા કનકકેેતુ પાસે વિદાય માગી. રાજા- રાણીની આંખો છલકાઈ ગઈ. વિદાય આપતાં રાજા કનકકેતુની પત્ની રાણી રત્નમાલાએ કહ્યું,' મદનમંજૂષા, તને વિદાય આપવા મન તૈયાર નથી, પરંતુ કન્યાની શોભા એના શ્વસૂરગૃહમાં છે. તારા ત્યાગ, તપ અને સંતોષથી સાસરે જઈને સહુના મન જીતજે. વડીલોના આશીર્વાદ મેળવજે અને શુદ્ધ અને વિશુદ્ધ ધર્મઆરાધનાથી માનવધર્મ સફળ કરજે.'

જહાજમાં બંને પત્નીઓ સાથે રાજા શ્રીપાળે વિદાય લીધી. (ક્રમશ:)

ગોચરી

અહંકાર માનવીના મનની આસપાસ ગુમાનનો એક કિલ્લો રચી દે છે. ગુમાનને કારણે એ સામાની વાત સાંભળતો નથી અને પોતાની જાતને જાણતો નથી. જે અહંકારને જીતે છે, એ જ આત્માની ઓળખ પામી શકે છે. જે માન મૂકે છે તે જ મહાન બની શકે છે.

- આચાર્ય ઉદયકીર્તિસાગરસૂરિ


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar 

https://twitter.com/gujratsamachar 

Post Comments