Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આકાશની ઓળખ

યોગદશામાં માનવી અનાસક્ત,નિર્લેપ અને સુખ-દુ:ખની અનુભૂતિથી પર હોય છે !

ફળ આપવાનું કામ ભગવાના હાથમાં છે. એ જે ફળ આપવાનું હશે તે આપશે. તે ફળ અંતે આપણા હિત માટે જ હશે. પ્રભુ ક્યારેય કોઈનું અહિત કરતા નથી. બાહ્ય દૃષ્ટિએ જે પરિણામ આપણને અહિતકર, દુ:ખદાયી લાગે છે તે એના ગૂઢ અર્થમાં આપણા માટે હિતકર અને સુખકારી હોય છે

કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં કૌરવો અને પાંડવોની વિરાટ સેના વચ્ચે બંને પક્ષના મહારથીઓની સન્મુખ વિષાદમાં ડૂબેલા અર્જુનને જોઈને શ્રીકૃષ્ણે પૂછયું,

'પાર્થ, તને શું થયું છે ? આમ એકાએક અસ્વસ્થ અને અશાંત કેમ છે ?''

ત્યારે અર્જુન કહે છે કે, 'વાસુદેવ, મારે યુદ્ધ નથી કરવું. સામે ઊભેલા મારા સ્વજનો અને ગુરુજનો પર હું શસ્ત્રપ્રહાર કરવા માગતો નથી. મારા પરિવારજનો અને આપ્તજનોને હણીને તો ઘોર પાપ કરીશ. તેમના ભોગે નથી. મારે વિજ્ય પ્રાપ્ત કરવો કે નથી મને જોઈતું હસ્તિનાપુરનું સામ્રાજ્ય.'

બાણાવળી અર્જુનની સરળતા, સાલસતા સ્પષ્ટવાદિતા શ્રીકૃષ્ણને સ્પર્શી ગઈ અને એમણે ધનંજયના ખભા પર હાથ મૂક્યો. પાંચેય પાંડવોમાં શ્રીકૃષ્ણને પાર્થ વિશેષ પ્રિય હતો. અને એથીય વિશેષ તો એ શ્રીકૃષ્ણને પૂરેપૂરો શરણે ગયો હતો. આથી શ્રીકૃષ્ણ એની કર્મ, અકર્મ, સકામકર્મ અને નિષ્કામ કર્મ વિશેની દ્વિધાને દૂર કરે છે. કર્મની આવશ્યક્તા અને ઉપયોગિતા વિશે જ્ઞાાન આપે છે. એ કહે છે કે તમારે કર્મ તો કરવાં જ જોઈએ. નિષ્ક્રિય થઈ બેસાય જ નહીં. પરંતુ કર્મ વિશે એટલું ધ્યાન રાખવાનું કે તમારા કર્મ તમને બંધનમાં બાંધે નહીં. ફળ પ્રાપ્તિની ચિંતાથી તમે મુક્ત રહો તેવા કર્મ કરો.

કર્મના ફળની આશામાંથી જ નિરાશા જન્મે છે. નિરાશા અશાંતિ સર્જે છે. અશાંતિમાંથી દુ:ખ ઉદ્ભવે છે. અને જ્યાં દુ:ખ હોય ત્યાં સુખ સ્વપ્નવત્ બની જાય છે. જો કર્મના ફળની આશા ન સેવી હોય તો નિરાશાનો પગપેસારો થાય જ નહિ. કર્મ કરવાં અને પ્રભુને અર્પવા. એજ નિષ્કામકર્મનું વલણ છે. નિષ્કામ કર્મ બંધનકર્તા નથી. ઉપાધિજનક નથી. પીડાદાયક નથી. પ્રસન્નતા પ્રેરક છે. આપણે સૌ આ અભિગમ અપનાવીએ. કર્મ કરીએ અને ફળની ચિંતા ન કરીએ. એના વિશે આપણે અનાસક્ત, અસ્પૃશ્ય રહીએ.

ફળ આપવાનું કામ ભગવાના હાથમાં છે. એ જે ફળ આપવાનું હશે તે આપશે. તે ફળ અંતે આપણા હિત માટે જ હશે. પ્રભુ ક્યારેય કોઈનું અહિત કરતા નથી. બાહ્ય દૃષ્ટિએ જે પરિણામ આપણને અહિતકર, દુ:ખદાયી લાગે છે તે એના ગૂઢ અર્થમાં આપણા માટે હિતકર અને સુખકારી હોય છે. આપણને એનું જ્ઞાાન નથી હોતું, પણ ભગવાનની યોજના તો શ્રેયસ્કર હોય છે જ. આપણે અજ્ઞાાની અને ઉતાવળિયા છીએ એટલે ભગવાન વિશે પણ ન્યાય તોળવાની બાલચેષ્ટા કરીએ છીએ.

ભગવાન શ્રીકૃષ્ણના કર્મ, સકામકર્મ, અને નિષ્કામકર્મ વિશેના વિચારો સાંભળી અર્જુને પૂછયું,'યોગેશ્વર, કર્મ કરતાં મારે મનની કેવી દશામાં રહેવું જોઈએ ?'

ભગવાને જવાબ આપ્યો, 'યોગદશામાં રહી તું કર્મ કર. તું જે કર્મ કરે તે કર્મનું અનુસંધાન પરમાત્મા સાથે રહે તેવી મન:સ્થિતિ તારે કેળવવી જોઈએ. એટલે કે તારે કર્મયોગી બનવું જોઈએ.

ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને યોગદશા સ્વીકારવાનું સૂચન કરે છે. યોગનો અર્થ થાય છે પરમાત્મા સાથે જોડાવું. પરમેશ્વર સાથે અકાટય સંબંધ જોડવો.

આત્માનો પરમાત્મા સાથે અકાટય સંબંધ-યોગ છે. પણ અજ્ઞાાનતાને લીધે એની આપણને પ્રતીતિ થતી નથી. મોહાન્ધતાને લીધે એનું આપણને જ્ઞાાન નથી. અહર્નિશ સભાન રહી, ક્ષણેક્ષણની જાગૃતિ કેળવી આપણે આપણું સંબંધ કેળવી તેની સાથે તાદાત્મ્ય પ્રાપ્ત કરવું એ યોગદશા છે. આવી યોગદશામાં કરેલાં કર્મોનાં ફળ નડતાં નથી. એનાં પરિણામ સુખ કે દુ:ખ આપતાં નથી.

યોગ-દશામાં માણસ સુખદુ:ખાત્મક અનુભૂતિથી પર હોય છે.અનાસક્ત અને નિર્લેપ હોય છે. કર્તાપણાનું ભાન તેને રહેતું નથી. એનાં બધાં કર્મ ભગવાનનાં કર્મ બની જાય છે. દ્વન્દ્વ ત્યાં હોતો નથી. ઉપાધિઓ ત્યાં નડતી નથી. ત્યાં નરી મુક્તાવસ્થા હોય છે.

માટે ભગવાન અર્જુનને કહે છે,'યોગદશામાં રહી કર્મ કર' યોગદશા પ્રાપ્ત કર્યા પછી કર્મનાં લાભાલાભ, ફલાફલ, સુખદુ:ખ ઇત્યાદિ વિષે કશી ચિંતા રહેશે નહીં. આપણાં બધાં જ કર્મ પ્રભુનાં કર્મ બને એવો અભિગમ આપણે કેળવીએ.

યોગદશા કેળવી, યોગાવસ્થામાં રહી કર્મ કરવાની ભગવાન શ્રીકૃષ્ણની વાત સાંભળી અર્જુને પૃચ્છા કરી, 'દામોદર, કર્તાપણના ભાવ વિના, મમત્વના અભાવમાં કરેલાં કામ કુશળતાપૂર્વક કરેલાં કામનું રૃપ લે ? મારા માટે આ કામ કરું છું, અથવા હું આ કામ કું છું.' મનમાં આવી સભાનતા વિના એ કામ સુચારુ રૃપે સમ્પન્ન થાય ખરું ?'

શ્રીકૃષ્ણે અર્જુનનો આ પ્રશ્ન પાયાનો પ્રશ્ન ગણીને પ્રત્યુત્તર વાળ્યો, 'પૃથાનંદન, જે કર્મ ભગવાનને અર્પણ થાય છે તેનો કર્તા, કર્મયોગી તે કર્મ પૂરી કુશળતા અને સન્નિષ્ઠાથી જ કરે જ છે, કારણકે એ કર્મ તેનું પોતાનું રહેતું નથી, પરંતુ ભગવાનનું બની જાય છે.

કર્મયોગી ભગવાનનું કામ કદી અસાવધાનીથી કે અણઘડ રીતે કરે ખરો ? એની તો એક મનીષા હોય છે કે 'મારા પ્રભુનું કામ પૂર્ણ પૂર્ણતાથી સમ્પન્ન થાય' પ્રભુ માટેની એની અનન્ય ભક્તિ, એકાશ્રયી ભાવના એના કર્મને પૂર્ણ, પૂર્ણતાની ટોચે અવશ્ય પહોંચાડે છે. આ યોગમૂલક વલણ હોય તો પ્રત્યેક કર્મ પ્રભુનું કર્મ બને છે અને એવા કર્મને સમ્પન્ન કરવાની કુશળતાનો યોગ વ્યાખ્યામાં સમાવેશ થાય છે.

ભગવાને અહીં કર્મયોગની આધારભૂત વ્યાખ્યા પ્રસ્તુત કરી છે. સર્વસામાન્ય મત એવો છે કે અત્યંત કુશળતાપૂર્વક, કર્તવ્યભાવના પ્રેરિત અને સજાગત તથા સભાનતાની સાથે જે કર્મો થાય છે તે કર્મયોગની પરિભાષામાં આવે છે. કર્મમાં કુશળતા એ યોગ છે એમ જ્યારે ભગવાન કહે છે ત્યારે એમાં એમ અભિપ્રેત છે કે કર્મ પરમાત્મા માટે અને પરમાત્માને અર્પિત હોય, એવું કર્મ કર્મના કર્તૃત્વ આસક્તિ વગર અને કર્મના ફળની આશા વગર થાય છે. પ્રભુ કર્મ કરાવે છે અને જેનું કર્મ આપણે કરીએ છીએ. પ્રભુ માટેનું, પ્રભુનું કર્મ કુશળતાપૂર્વક થાય જ, તદુપરાંત એણાં યોગ-સાધનાનું તત્ત્વ ઉમેરાય.ળ

ધનંજયને કર્મની આવશ્યક્તા અને મહત્તા સમજાઈ અને યોગદશામાં રહી કર્મ કરવાની વાત ગળે ઉતરી અને કર્મયોગીનું કર્મ યોગ કક્ષા સુધી શી રીતે પહોંચે એની પણ એણે સ્પષ્ટતા મેળવી. આ બધાનું ચર્વણ કર્યા પછી એણે વાર્ષ્ણેયને પૂછયું, નિષ્કામકર્મ યજ્ઞાાર્થે થતાં એ કર્મની ગણનામાં આવે ખરાં ?

'હા, અવશ્ય આવે. આસક્તિવિહીન બની, પ્રભુપ્રીત્યર્થે જે કર્મ થાય છે તે યજ્ઞાાર્થે કર્મ છે, ભગવાન ગીતામાં યજ્ઞા શબ્દ વારંવાર વાપરે છે. યજ્ઞામાં સમાજ માટે નિસ્વાર્થ ભાવે થતાં કર્મનો સમાવેશ થાય છે. એ સમાજહિતનું, સમાજોત્કર્ષનું ધારક બળ છે.

એમાં લોકસેવાનો ભાવ પણ નિહિત છે. એટલે યજ્ઞાાર્થે કર્મ કરવાનું સૂચન જ્યારે અર્જુનને કરવામાં આવે છે ત્યારે એમાં લોકસંગ્રહાર્થે કર્મ કરવાની વાત અભિપ્રેત છે. યજ્ઞાભાવે કરેલું કર્મ સ્વાર્થ માટે નહિ, પણ લોકહિતાર્થે હોય છે. એમાં કર્મ કરનાર પ્રભુની ઇચ્છાને વશ થઈને કર્મ કરે છે. એના કર્તા પ્રભુ પોતે બને છે. આવાં કર્મ ઉત્તમ કક્ષાનાં ગણાય છે અને તેમનો કર્તા કદી દુર્ગતિ પામતો નથી. એની સદ્ગતિ જ થાય છે.

ભગવાન અર્જુનને લોકસંગ્રહાથે કર્મ કરવાનો, યુદ્ધ કરવાનો, સ્વધર્મ બજાવવાનો આદેશ આપે છે. અને એમ પણ કહે છે કે હું પણ ધર્મ કરું છું. કર્મને અનુવર્તું છુે. જ્ઞાાનીને કર્મમાર્ગ દ્વારા જ્ઞાાન પ્રાપ્ત થાય છે. કર્મ બ્રહ્મમાંથી ઉદ્ભવ્યું છે. કર્મ પ્રકૃતિના ગુણો દ્વારા થાય છે. કોઈ સ્વયં કર્મ કરતું નથી. આમ કર્મમાં યજ્ઞાભાવની ભગવાને મીમાંસા કરી.'

અર્જુન કર્મની વાત તો સમજયો. એનું એણે ખરેખર આકલન કર્યું. પણ હજી એને ગુરુજનો સાથે યુદ્ધ કરવાની વાત ગળે ઊતરતી ન હતી.

એની જટિલ સમસ્યા એ હતી કે સ્વજનો સામે શસ્ત્ર ઉગામાય શી રીતે ? તેમની હત્યા કરાય શી રીતે ? આ ચિંતા એને માનસિક પીડા આપતી હતી, બેચેન કરતી હતી. એણે પુન : પ્રશ્ન કર્યો,  'મધુસૂદન, ભીષ્મ અને દ્રોણની સામે હું બાણ-પ્રક્ષેપ કરું શી રીતે ? એ બંને મારા માટે પૂજ્ય છે. તેમનો વધ કરીને એમના લોહીથી ખરડાયેલા ભોગો હું ભોગવું શી રીતે ? હું મૂઢ બની ગયો છું. તમે પોતાનો શિષ્ય માનીને, તમારે શરણે આવેલો ગણીને મને ઉપદેશ કરો.'

હવે અર્જુને સ્પષ્ટ શબ્દોમાં પોતાનો શિષ્ય શબ્દથી સંબોધી ભગવાન શ્રીકૃષ્ણને ગુરુ-સ્થાને સ્થાપ્યા. શ્રીકૃષ્ણ જેવા આધ્યાત્મિક ગુરુની સહાય વિના તે પોતાની જટિલ સમસ્યાઓનું નિરાકરણ લાગી શકે તેમ હતું જ નહિં. એટલે જ એણે શ્રીકૃષ્ણનું શરણ શોધ્યું. તેમનાં શ્રી ચરણોમાં નમી શાંતિ આપવા વિનંતી કરી અને અંતે અર્જુનને યુદ્ધાભિમુખ થવાનો ભગવાન શ્રીકૃષ્ણનો ઉપદેશ યોગ્ય અને સ્વીકાર્ય લાગ્યો અને એણે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર ઝંપલાવ્યું.

- કુમારપાળ દેસઈ


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar

Post Comments