Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શ્રી સિદ્ધચક્રજીના નામસ્મરણથી જ દુષ્ટ વ્યંતરી ભયભીત થઈને નાસી ગઈ

શાહસોદાગર ધવલશેઠના સૈનિકો શ્રીપાળકુમારના ચહેરાનું તેજ જોઈને સ્તબ્ધ થઈ ગયા. એને પકડીને બલિદાન માટે લાવવાના એમના પ્રયત્ન સહેજે ફાવ્યા નહીં, આથી ધવલશેઠ ભરૃચના રાજા પાસે દોડી ગયા અને રાજા પાસેથી સેનાની માંગણી કરી. ધવલશેઠના સૈનિકો અને ભરૃચ નરેશની સેના ભેગા મળીને શ્રીપાળકુમારને ઘેરી લેવા લાગ્યા. વળી વચ્ચે-વચ્ચે ધવલશેઠનો અવાજ ગાજવા લાગ્યો,

'અરે સુભટો અહીંને અહીં, આ ભૂમિ પર જ યુવાનના શરીરના તમારા તીક્ષ્ણ શસ્ત્રોથી ટૂકડેટૂકડા કરી નાખો. એ બત્રીસ લક્ષણા પરદેશીનું બલિદાન આપો કે જેથી દેવી આજે સંતુષ્ટ થાય અને આપણું કાર્ય સિદ્ધ થાય.'
ભરૃચ નગરીમાં એકાએક ચોતરફ ઉત્પાત મચી ગયો. ધવલશેઠના ગુપ્તચરે સંકેત કરતાં તમામ સૈનિકો ભૂખ્યાં વરુની માફક એકલવીર શ્રીપાળ પર તૂટી પડયા.

નગરમાં હાહાકાર મચી ગયો. નગરજનો નાસીને પોતાના નિવાસસ્થાનમાં ભરાઈ ગયા અને ઊંચી બારીએથી સઘળો તાલ જોવા લાગ્યાં. સહુએ નજર સમક્ષ એક અદ્ભૂત દૃશ્ય જોયું. શ્રીપાળકુમાર શ્રી સિદ્ધચક્રજીનું ધ્યાન ધરીને સૈનિકોનો હિંમતભેર સામનો કરી રહ્યો હતો. એ સહેજે પાછો હટતો નહોતો, બલ્કે એક એક સૈનિકને જમીન પર પછાડતો હતો.

દૂર રહ્યે- રહ્યે શ્રીપાળકુમારને જોઈને જોનારા વિચારતાં કે,'વાહ ! કોઈ આ વીરના તેજને જોતાં હતાં, તે કોઈ આ વીરના અચૂક નિશાનને જોતા હતા. એ સેનાની જે દિશા ઘસી જતો, એ દિશાએ હાહાકાર મચી જતો. કોઈના હાથ અને પગ કપાઈ જતાં, તો કોઈનો શિરચ્છેદ થઈ જતો.

કોઈ ઘાયલ થતાં, તો કોઈ જીવ બચાવી મેદાન પરથી જીવ મુઠ્ઠીમાં લઈને ભાગતા હતા. સહુને લાગતું કે જાણે ધસમસતું મૃત્યુ આવ્યું. કેટલાક સૈનિકો આજુબાજુની દુકાનોમાં સંતાઈ ગયા. કોઈ અજાણ્યા ઘરમાં છુપાઈ ગયાં. જ્યાં મળ્યું ત્યાં આશરો લેવા લાગ્યાં.

શ્રીપાળકુમારને ઘેરી લેનારું આ સૈન્ય સાવ છિન્નભિન્ન થઈ ગયું. કેટલાંય સૈનિકોનો કચ્ચરઘાણ નીકળી ગયો.

વળી આશ્ચર્ય તો એ કે આ શ્રીપાળકુમાર પર ગમે તેટલી ગદાઓ વીંઝો તો પણ એના શરીર પર એક ગોબો પડતો નહીં. શરીરને ભેદતું તીક્ષ્ણ બાણ એના શરીરને અડીને નીચે પડતું હતું. અણિયાળા ભાલા કે તેજદાર તલવાર પણ શ્રીપાળકુમારના શરીરને કશું કરી શક્તા નહીં, કારણકે એણે વિદ્યાધરે આપેલી શસ્ત્રસંતાપ-હારિણી ઔષધિ હાથે બાંધેલી હતી.

આને કારણે એના શરીર પર એકે ઘા લાગ્યો નહીં. સૈનિકોના માથાં, કાન વગેરે છેદાઈ ગયાં, પરંતુ દયાવાન શ્રીપાળકુમારે કોઈને જીવથી મારી નાખ્યા નહીં. કેટલાક સૈનિકો મોઢે તરણું લઈને શરણાગતિએ આવ્યા, તો કેટલાંક પગે પડીને પ્રાણદાન આપવા માટે કરગરવા લાગ્યા.

શાહસોદાગર ધવલશેઠ ભરૃચ નરેશના અને પોતાના સૈનિકોનો વિનાશ જોઈને ધ્રૂજી ઊઠે છે. કોઈ કલ્પના પણ કરી નહોતી. તેવું દૃશ્ય સર્જાઈ ગયું. અથાગ મહેનત છતાં આ પરદેશી ઝડપાયો નહીં, એથીયે વધારે તો આ પરદેશીએ એની તાકાતથી સહુને પરાસ્ત કર્યા. આ દૃશ્ય જોઈને ધવલશેઠ ઊંડા વિચારમાં ડૂબી ગયા.

વિચાર્યું કે નક્કી આ પરદેશી કોઈ મહાન પ્રતિભાવાન પુરુષ લાગે છે. બાકી આટલી વિશાળ સેના એની આગળ પરાજય પામે તેવું બને ખરું ? નક્કી આ કોઈ સામાન્ય માનવી નથી અરે ! અસાધારણ માનવી પણ નથી, કોઈ મહાપ્રભાવક દેવ લાગે છે અથવા તો કોઈ સમર્થ વિદ્યાધર લાગે છે. હવે એનો સામનો કરવામાં સાર નથી. એને પકડવાનો કોઈ અર્થ નથી હવે તો એને પગે પડીને યાચના કરીને કાર્યસિદ્ધ કરવાની હોય.

શાહસોદાગર ધવલશેઠ શ્રીપાળકુમાર પાસે આવ્યા અને એમના પગમાં પડી આજીજી કરતાં બોલ્યાં,'હે દયાવાન ! મને ક્ષમા કરો ! મારી મોટી ભૂલ થઈ ગઈ. આપના જેવા મહાપુરુષને હું ઓળખી શક્યો નહીં. મને માફ કરો. સંજોગોથી ઘેરાયેલો હું ઘણો મોટો અપરાધ કરી બેઠો. ઓ ભગવાન ! હવે આપ જ મને મારી આ આફતમાંથી ઉગારો. મારા પાંચસો- પાંચસો જહાજ દરિયામાં ફસાઈ ગયા છે. કોઈ ઉપાય બતાવો. તો મારા પર ઘણો મોટો ઉપકાર થશે. જિંદગીમાં ક્યારેય એ ઉપકારનું ઋણ ભૂલીશ નહીં.'

શ્રીપાળકુમારે જોયું કે, ' સ્વાર્થી શાહસોદાગર હવે ઉપાય પૂછી રહ્યો છે. તો કરવું શું ? વિચાર કર્યો કે ભલે પોતાને માટે સુવર્ણમુદ્રાઓનું કોઈ મહત્ત્વ ન હોય, પરંતુ આ સ્વાર્થપરાયણ શાહસોદાગરનું એમ નિ:સ્પૃહ ભાવે કામ કરવાનો અર્થ નથી. જેવા દેવ તેવી પૂજા.'

આથી શ્રીપાળકુમારે વિચાર્યું કે, ' આ સ્વાર્થપરાયણ શાહસોદાગરનું કાર્ય માત્ર દયા લાવીને કરવાનો કશો અર્થ નથી.' આથી એણે કહ્યું, 'શાહસોદાગર ! તમારા થંભી ગયેલાં વહાણોને હું ચલાવી શકું તેમ છું, પરંતુ મારા આ કામને માટે તમારે સુવર્ણમુદ્રાઓ આપવી પડશે. જો મારી માગી સુવર્ણમુદ્રાઓ આપશો, તો હું જરૃર તમારું કામ કરીશ.'

શાહસોદાગર વિચારમાં પડયો. એને થયું કે શ્રીપાળકુમાર કોઈ રકમ બોલે તે પહેલાં જ વાત કરી દઉં. એ બોલ્યો,' એક લાખ સુવર્ણમુદ્રા તમને આપીશ, પણ મારું કામ સિદ્ધ કરી આપો. હવે એ માટે સહેજે વિલંબ ન કરો.'

તેજસ્વી અને સાહસિક શ્રીપાળકુમાર જુંગ નામના સૌથી આગળના જહાજ પર ચડયો અને પછી શ્રી સિદ્ધચક્રજીનું સ્મરણ કર્યું.

શ્રીપાળના હૃદયની અગાધ શ્રદ્ધા, શ્રી સિદ્ધચક્રજીના મહામંત્રનો પ્રભાવ અને રાજકુમારના આંતરબળને પ્રતાપે એક જૂદું જ વાતાવરણ ઊભું થયું. શ્રીપાળકુમારે જોરથી સિંહનાદ કર્યો અને સિંહનાદના શબ્દોએ વાતાવરણને દિવ્યતાથી ભરી દીધું. શ્રી સિદ્ધચક્રજીનાં મંત્રોનું સ્મરણ થાય તે વાત તો દૂર રહી, પરંતુ માત્ર એનું નામ સાંભળતા દુષ્ટ વ્યંતરી ભયભીત થઈને નાસી છૂટી. અત્યાર સુધી જડની માફક પડેલાં જહાજોમાં ધીરે ધીરે નવું ચેતન આવતું ગયું.

એકાએક વાજિંત્રો ગુંજવા લાગ્યાં, ચોતરફ વધામણાં થવા લાગ્યાં. ઢોલ- નગારાંનો પ્રચંડ નાદ થવા લાગ્યો. શાહસોદાગર હોય કે વેપારીઓ હોય, નાવિકો હોય કે દિશાદર્શકો હોય, મુસાફરો હોય કે સામાન્ય માનવી હોય, સહુ કોઈના મનમાં આનંદનો ધોધ વહેવા લાગ્યો. ચોતરફ મંગલગીતોનું ગાન થવા લાગ્યું અને સહુ કોઈના હાથ આપોઆપ શ્રીપાળકુમારની વંદના કરવા લાગ્યાં અને વિચારતાં હતાં કે કેવો છે સત્પુરુષનો પ્રભાવ, જે અશક્યને પણ શક્ય બનાવે છે. (ક્રમશ:)

- આચાર્ય ઉદયકીર્તિસાગરસૂરિ


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar

Post Comments