Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આંખ છીપ, અંતર મોતી

વામાદેવીને આવેલા એ ચૌદ સ્વપ્નો જ નહોતા, મહા સ્વપ્નો હતા !

પ્રભાવતીદેવી મૌન ધરી રહેતાં. પાર્શ્વકુમારના અંતરમાં પ્રત્યેક જીવ માટે ઘૂઘવતો સ્નેહસાગર નિહાળીને એમને અનિર્વચનીય આનંદ થતો : ઓહ ! આ કેવો અદ્ભુત પ્રેમ છે ! વ્યકિત પર નહિ, સમષ્ટિ પર પ્રેમ !

૧)જૈન ધર્મમાં સમયે- સમયે ચોવીશ તીર્થકર ભગવાન થાય છે. સકળ લોકનું એ કલ્યાણ કરનારા હોય છે. ત્રેવીસમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. આજે એમનું જીવન જાણીએ અને માણીએ :

બે ધમસમતી નદી વહે છે.
એક છે વારણા નદી, બીજી છે અસી નદી.

આ બંને સરિતાઓની મધ્યમાં એક નગર વસ્યું છે.
એનું નામ વારાસણી.

વારાસણીમાં મહારાજા અશ્વસેનનું શાસન તપે છે. મહારાજા અશ્વસેન જેવા પ્રતાપી છે, તેવા શાંત છે. આખાયે રાજયમાં જનગણ સુખી છે. પ્રામાણિક વેપારીઓ અને નીતિમાન પ્રજા હરિયાળી ધરતીની સોડમ જેવાં બની રહ્યાં છે.

મહારાજા અશ્વસેનના સુશીલ મહારાણી છે વામાદેવી. રૃપે એ અનોખા છે અને ગુણે અનુપમ છે. માનવીમાત્ર એમને નિહાળે છે ને મનમાં અહોભાવ પ્રકટે છે.

મહારાજા અશ્વસેન અને મહારાણી વામદેવી. જાણે ઇન્દ્ર- ઇન્દ્રાણીથીય અધિકું સખ્ય જોઈ લો ! સુખભર્યા અને કોડભર્યા એમના દિવસો વીતે છે.
એક રાતની વાત છે.

મહારાણી વામદેવી નિદ્રા માણી રહ્યાં છે. ગવાક્ષમાંથી ટપકતું ચન્દ્રમાનું વિમળ કિરણ એમના રૃપાળા મુખને તેજસ્વીતા અર્પે છે. મનોરમ અને નિરવ વેળા છે. એ કાળે અને એ સમયે મહારાણી વામાદેવીએ અદ્ભૂત ચૌદ સ્વપ્નો નિહાળ્યાં.

મીઠી-મધુરી નિદ્રા માણતાં વામાદેવીને આવેલાં એ સ્વપ્નો જ નહોતાં, મહાસ્વપ્નો હતાં. એમાં છેલ્લું સ્વપ્ન તો સાવ અનોખું હતું : નિર્ધૂમ અગ્નિ !

આવા રૃડાં સ્વપ્નો નિહાળીને મહારાણી વામાદેવી જાગ્યાં ત્યારે એમને કંઈક સુંદર નિહાળ્યાનો ભાવ થયો હતો.

એમના આનંદનો અંત નહોતો. એમને થતું હતું કે પોતાને કંઈક મહાન સુખ મળનાર છે, તેનાં જ આ એંધાણ છે !

મહારાણી વામાદેવી ધીરગંભીર પગલે મહારાજા અશ્વસેન પાસે પહોંચ્યા. પોતાને આવેલા ચૌદ સ્વપ્નોની વાત કહી.

મહારાજા અશ્વસેને એ સ્વપ્નોની વાત સાંભળી ત્યારે એમને અધિકો આનંદ થયો. એમણે કહ્યું :
'દેવી, મને બીજી કશી તો ખબર ન પડે પણ તમે જે જોયું તે ઉત્તમ જોયું છે તેવું મને લાગે છે : આપણને કુળદીપક જેવા પુત્રરત્નની પ્રાપ્તિ થશે.'

મહારાણીના નેત્રોમાં અપાર હર્ષ છલકાયો. એમણે વસ્ત્રના છેડે શુકનની ગાંઠ વાળી.
સુખના દિવસો વીતતા ક્યાં વાર લાગે છે ?

મહારાણી વામાદેવીની કુક્ષીએ પૂરે માસે પુત્ર જન્મ થયો. ધરતીની ધેનુઓ અને માનવીઓ મોહી જાય તેવો એ સુંદર બાળક હતો. સૌએ તેનું નામ પાડયું :'પાર્શ્વકુમાર.'

પાર્શ્વકુમારે યુવાનીના આંગણે પગ મૂક્યો ને રાજકુંવરી પ્રભાવતી સાથે તેમના લગ્ન થયા. પાર્શ્વકુમાર અને પ્રભાવતીરાણીની સરખેસરખી જોડી જોઈને વારાણસીના નર-નારીઓ ઘેલાં થઈ જતાં હતાં. સારસ અને સારસીનો એમનો સ્નેહ હતો. જળકમળવત્ એમનું જીવન હતું !

પાર્શ્વકુમાર અને પ્રભાવતીરાણી આનંદપૂર્વક જીવનનિર્ગમન કરતાં હતાં. ક્યારેક વનવિહારે જતાં તો ક્યારેક જળક્રીડા કરતાં. કિન્તુ ક્યારેક એ સઘળાં સુખોની વચમાં પાર્શ્વકુમારને  નિર્વેદ થઈ જતો.
મહાદેવી પ્રભાવતીને એ કહેતા :

'દેવી, કોને ખબર કેમ પણ મને આ સંસાર નથી ગમતો. આ ભય અને હિંસા મારા મનને જચતા નથી.'
પ્રભાવતીદેવી પોતાના અલગારી સ્વામીને નિહાળી રહેતાં, એ કહેતા :

'દેવ, તમે જે વાતો કરો છો તે સમજાતી નથી. પણ આવા ભયાર્ત સંસારને સુંદર બનાવવાનો શું કોઈ રસ્તો નથી ?'

'રસ્તો એક જ : પ્રેમનો. પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ. ન વૈર, ન વિરોધ, ન દ્વેષ,ન ડંખ : સમતા, શાંતિ અને પ્રેમનું શાસન. અંતે માનવીને ઉગારશે તો અહિંસા જ. પણ રે ! આ જગત એ માર્ગે જતું નથી, એ પણ કેવી કરુણ ભવિતવ્યતા છો !'

પ્રભાવતીદેવી મૌન ધરી રહેતાં. પાર્શ્વકુમારના અંતરમાં પ્રત્યેક જીવ માટે ઘૂઘવતો સ્નેહસાગર નિહાળીને એમને અનિર્વચનીય આનંદ થતો : ઓહ ! આ કેવો અદ્ભુત પ્રેમ છે ! વ્યકિત પર નહિ, સમષ્ટિ પર પ્રેમ !
(આવતે અંકે પૂર્ણ)
પ્રભાવના

આજે એક શાયરની પંક્તિ માણીએ :
દીપક બુઝાના સભી જાનતે હૈ,
જલાના કોઈ કોઈ !
ભવન ઢહાના સભી જાનતે હૈ,
બનાના કોઈ કોઈ !
આજકે જમાને કી હાલત બડી વિચિતાર હૈ કિ
વ્યકિત કો ગિરાના સભી જાનતે હૈ
ઉઠાના કોઈ કોઈ !

- આચાર્ય શ્રી વાત્સલ્યદીપ સૂરિજી


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar

Post Comments