Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમૃતની અંજલિ-આચાર્ય વિજયરાજરત્નસૂરિ

જીવતરને સળગાવી દે એવું તત્વ છે કુબુદ્ધિ...જીવતરને અજવાળી દે એવું તત્વ છે સુબુદ્ધિ..

યોગશાસ્ત્ર' ગ્રન્થકાર માર્ગાનુસારીના ચૌદમા ગુણરૃપે બુદ્ધિની આઠ વિશિષ્ટતાઓનો- આઠ ગુણોનો નિર્દેશ કરે છે. ત્યાં- યોગશાસ્ત્રમાં એ માટે પંક્તિ છે ' અષ્ટભિર્ધીગુણૈર્યુક્ત :' આમ તો એ આઠ ગુણ ધર્મ શ્રવણની પૂર્વ અને પશ્ચાદ ભૂમિકાનાં આઠ સોપાનો છે.

પરંતુ એના તમામન સંબંધ બુદ્ધિ સાથે હોવાથી અને એ બુદ્ધિની શુદ્ધિ કરતાં હોવાથી ગ્રન્થકાર એની પિછાણ બુદ્ધિના આઠ ગુણરૃપે કરાવે છે. ધર્મશ્રવણ- હિતકારી શ્રવણ માટે અતિ ઉપયોગી આ આઠ ગુણોનો આપણે અહીં સંક્ષિપ્ત નિર્દેશ કરીશું

રો જ શાળામાં સમયસર આવી જતાં રમેશ અને મહેશ એક દિવસ અર્ધો કલાક મોડા આવ્યા. પહેલા રમેશ આવ્યો અને પાંચ મિનિટ બાદ મહેશ આવ્યો. શિસ્તના સખત આગ્રહી શિક્ષકે ગુસ્સે થઈ રમેશને ખખડાવ્યો : 'મોડો કેમ આવ્યો તું ?'' રમેશે રડમસ ચહેરે ઉત્તર આપ્યો : 'સર ? મારી પચાસ રૃ. ની નોટ માર્ગમાં પડી ગઈ હતી. એને શોધવામાં અર્ધો કલાક ગયો. જો કે તો ય નોટ તો ન જ મળી .

સોરી સર, કાલથી સમયસર જ આવીશ.' શિક્ષકે હવે મહેશને લાગમાં લઈને કહ્યું : '' તું કેમ મોડો આવ્યો ?'' સર ?  એવું છે ને કે રમેશની પચાસ રૃ.ની નોટ પડી ગઈ એ પછી પગ નીચે મેં જ એ દબાવી રાખી હતી. હવે તમે જ કહો, એ ત્યાંથી જાય નહિ ત્યાં સુધી હું ત્યાંથી આગળ કેવી રીતે જઈ શકું ?'' મહેશ પ્રકાશ્યો. શિક્ષક સ્તબ્ધ થઈ ગયા મહેશની આ વિચિત્ર હરકતથી...

હા, આ રમૂજી દૃષ્ટાંત એ પ્રતિપાદિત કરી જાય છે કે વ્યકિત ભલે બાળક હો, કિંતુ એનામાં ય બુદ્ધિ નામનું તત્ત્વ એવું ધારદાર હોય છે કે એનાથી એ અન્યોને હચમચાવી મૂકે યાવત્ હેરાન- પરેશાન કરી મૂકે. પણ... સબૂર ? આજ બુદ્ધિ નામનું તત્ત્વ જો સમ્યક્ બની જાય તો એનાથી જાત ઉપરાંત જગતના કૈંક લોકોને ઉત્તમ લાભ થાય. આ માટે જ ' યોગશાસ્ત્ર' ગ્રન્થકાર માર્ગાનુસારીના ચૌદમા ગુણરૃપે બુદ્ધિની આઠ વિશિષ્ટતાઓનો- આઠ ગુણોનો નિર્દેશ કરે છે.

ત્યાં- યોગશાસ્ત્રમાં એ માટે પંક્તિ છે ' અષ્ટભિર્ધીગુણૈર્યુક્ત :' આમ તો એ આઠ ગુણ ધર્મ શ્રવણની પૂર્વ અને પશ્ચાદ ભૂમિકાનાં આઠ સોપાનો છે. પરંતુ એના તમામન સંબંધ બુદ્ધિ સાથે હોવાથી અને એ બુદ્ધિની શુદ્ધિ કરતાં હોવાથી ગ્રન્થકાર એની પિછાણ બુદ્ધિના આઠ ગુણરૃપે કરાવે છે. ધર્મશ્રવણ- હિતકારી શ્રવણ માટે અતિ ઉપયોગી આ આઠ ગુણોનો આપણે અહીં સંક્ષિપ્ત નિર્દેશ કરીશું :

૧) શુશ્રૂષા : શુશ્રૂષા એટલે શ્રવણની ઇચ્છા. કોઈ પણ ધર્મોપ્રદેશ શ્રવણની સફળતાની પાયાની પૂર્વશરત છે આ શ્રવણેચ્છા. વાર્ષિક પરીક્ષાના પૂર્વ દિવસોમાં શિક્ષક દ્વારા આઈ.એમ.પી.લખાવાઈ રહી હોય ત્યારે વિદ્યાર્થીઓ એના શબ્દે શબ્દ સાંભળવાની અને જરૃરી નોંધ સુદ્ધા કરી લેવાની ઉત્કંઠા ધરાવતા હોય છે. કેન્દ્રસરકારનું નાણાંકીય બજેટ રજૂ થાય ત્યારે વ્યાપારીઓ એના જીવંત પ્રસારણને સાવધાનીપૂર્વક સાંભળવાની ઉત્કંઠા ધરાવતા હોય છે.

કઈ ચીજ પર ટેક્સ વધ્યા- ક્યા પર ઘટયા- બજેટની અર્થતંત્ર પર થનાર અસરો પર તજજ્ઞાોનાં પ્રવચનો વગેરે અંગે વ્યાપારીઓને જે રસ હોય છે એને કહેવાય શુશ્રૂષા- સાંભળવાની ઇચ્છા. આવી શુશ્રૂષા ધર્મનાં- હિતકારી વચનોનાં શ્રવણમાં હોવી જોઈએ. આ થયો પ્રથમ ગુણ.

૨) શ્રવણ : ધારો કે એક વ્યકિત બજેટ માટેના નાની પાલખીવાળા જેવા કાયદાવિદના પ્રવચનમાં ગઈ હોય. પરંતુ ત્યાં જણાવાતી વાતો ન સમજાવાનાં કારણે યા બેદરકારી વગેરે કારણે એ સાંભળે નહિ તો સભામાં ગયાનો કોઇ અર્થ સરે નહિ. એ જ રીતે આત્મહિતકારી ધર્મોપદેશ સાંભળવા માટે વ્યકિત આવે, કિંતુ જો મન પરોવીને એકાગ્રપણે શ્રવણ ન કરે તો એ શ્રવણનો કોઈ લાભ ન થાય.

કેટલાક શ્રોતાઓને વિષયવસ્તુ ન સમજાવાથી શ્રવણમાં રસ ન રહે, તો વિશાલ ધર્મસભામાં કેટલાકને કાંઈ સંભળાતું ન હોવાથી શ્રવણમાં રસ ન રહે, કેટલાક ગતાનુગતિકતાથી આવી અન્યમનસ્કપણે સભાસીન થવાથી એમને શ્રવણનો રસ ન રહે, તો વળી કેટલાકને દિવસ- ભરની નિદ્રા પ્રવચનમાં આવી જતી હોવાથી શ્રવણનો અર્થ ન રહે. આવા શ્રોતાઓની સ્થિતિ ક્યારેક કેવી હાસ્યાસ્પદ બને એ જાણવું છે ? તો વાંચો આ રમૂજકથા :

ગામમાં એ રીવાજ હતો કે દરેક મુનિરાજનાં પ્રવચનમાં નગરશેઠ સામે જ બેસે. પરંતુ તકલીફ એ હતી કે પ્રવચનના પ્રારંભની થોડી જ ક્ષણોમાં શેઠ નિદ્રાદેવીના ખોળે ઝૂલવા માંડે. નિદ્રામાં એ આમથી તેમ એવા ડોલે કે સૌનું ધ્યાન એમના તરફ ખેંચાયા કરે. પણ શેઠને કોઇ કહી શકે નહિ.

એક વાર ગામમાં તેજતર્રાર મુનિવર પધાર્યા. પહેલે જ દિવસે પ્રવચનમાં ' આદતસે મજબૂર' નગરશેઠ નિદ્રામાં ઝૂમવા માંડયા. પ્રવચનકાર મુનિ માટે આ સ્થિતિ અસહ્ય બની ગઈ. એમણે ચાલુ પ્રવચને જોરથી પ્રશ્ન કર્યો : ' શેઠ ? ઊંઘો છો ?' એકદમ ઝબકી ગયેલ શેઠે ઢાંકપિછોડો કરવા કહ્યું : ' ના,ના, સાહેબ. કોણે કહ્યું ? '' સમગ્ર સભા શેઠની બેશરમી પર અચંબો પામી ગઈ. પણ મુનિવરે ચોક્કસ ગણતરી માંડીને ચર્ચા કર્યા વિના પ્રવચન આગળ ધપાવ્યું.

શેઠ તો ' ફિર વો હી રફતાર' ની જેમ બે- ચાર મિનિટમાં ઝૂમવા માંડયા. મુનિવરે બીજી- ત્રીજી વાર જાહેરમાં એ જ પ્રશ્ન કર્યો અને શેઠે પણ નફિકરાઈથી એ જ ઉત્તર આપ્યો. સભા સમસમી ગઈ કે કાં તો મુનિવર પૂછે નહિ તો સારું, કાં તો શેઠ જાગૃત રહે તો સારું.

એવામાં શેઠ ફરી નિદ્રાધીન થઈ ગયા. હવે ગણતરીપૂર્વક મુનિવરે પ્રશ્ન બદલ્યો કે ' શેઠ ? જીવો છો ? ' ઝબકી જઈને શેઠે એ જ ઉત્તર વાળ્યો કે ' ના, ના, સાહેબ ? કોણે કહ્યું ?' સમગ્ર સભામાં હાસ્યનું પ્રચંડ મોજું ફરી વળ્યું ત્યારે શેઠને સમજાયું કે પોતે બફાટ કરીને કેવા હાસ્યાસ્પદ બની ગયા છે.

સાવધાન ! આવું શ્રવણ બુદ્ધિના બીજા ગુણરૃપે સ્થાન જરાપણ ન પામી શકે. આવાં શ્રવણથી મુક્ત થવા કાજે યાદ રાખીએ એક સુવાક્ય કે ' પ્રવચનમાં માત્ર બેસવા નથી આવવાનું. પ્રવચન હૈયે બેસાડવા આવવાનું છે.'

(૩+૪) ગ્રહણ તથા ધારણ : ધર્મોપદેશરૃપે જે વાત કહેવાઈ તેનો સાર યથાવત્ દિમાગમાં અંકિત કરવો તેને કહેવાય છે ગ્રહણ અને એને દીર્ઘકાલ સ્મૃતિગત કરવો તેને કહેવાય છે ધારણ.

જે ભૂમિ સીમેન્ટનું મજબૂત તલ ધરાવતી હોય એ ભૂમિ પરથી ગમે તેટલું પાણી સડસડાટ વહી જાય તો ય એ ભૂમિ પર તણખલું પણ ન ઉગે. કેમ કે એ ભૂમિ પાણીનું ગ્રહણ- ધારણ જરાય કરતી નથી. આની સામે કાળી- ફલદ્રૂપ ભૂમિ પરથી પાણી થોડું પણ પસાર થાય તો એમાં બીજ ઊગવાની પૂરેપૂરી ક્ષમતા રહે છે. કેમકે એ ભૂધ્ધિપાણીનું બરાબર ગ્રહણધારણ કરે છે.

આજ રીતે જે વ્યકિતનું હૈયું ઉપદેશસરવાણીનું ગ્રહણ- ધારણ કરે છે એનાં જ અંતરમાં ધર્મબીજ પાંગરવાની શક્યતા રહે છે. એટલે જ જૈન શ્રમણ- શ્રમણી ભગવંતોની આગમસૂત્રયોગ સાધનાવિધિમાં ગુરુભગવંતોના આશીર્વચનમાં બે વાક્ય સરસ મુકાયા છે કે 'થિરપરિચિંય કરિજ્જાહિ.. સમ્મં ધારિજ્જાહિ.'

મતલબ કે તમને આપાયે લ શાસ્ત્રજ્ઞાાનને તમે હૈયે સ્થિરપણે પરિચિત કરો... સમ્યક્પણે ધારણ કરો. આ જ વાત શ્રોતાને પણ ધર્મોપદેશ અંગે લાગુ પડે છે. જો આ રીતે ઉપદેશનું સમ્યગ્ ગ્રહણ- ધારણ થાય તો પરિણામ કેવું નેત્રદીપક આવે એ જાણવું છે ? તો વાંચો બૌદ્ધ સાહિત્યની આ રસપ્રદ કથા :

તથાગત બુદ્ધના સમયમાં એક કોટયાધિપતિશ્રીમંત એમનો પરમભક્ત બની ગયો હતો. બુદ્ધ પ્રત્યેનો એનો લગાવ એટલો તીવ્ર હતો કે બુદ્ધ  જયાં જયાં ચાતુર્માસ હોય ત્યાં એ સાથે ને સાથે રહે અને ગરીબ- અનાથ જનો માટે સંપૂર્ણપણે વિનામૂલ્ય ભોજન આપે. આ ઔદાર્યનાં કારણે લોકોમાં એ 'અનાથપિંડક'  તરીકે વિખ્યાત થઈ ગયો હતો. અફસોસજનક બાબત માત્ર એ હતી કે તે સ્વયં જેટલો ધાર્મિક હતો, એનો પુત્ર એટલો જ અધાર્મિક હતો. ધર્મ એને જરાય ન ગમે.

એ રાત- દિવસ જુગારમાંથી ઊંચો ન આવે. ઘણી સમજાવટ પછી પણ પુત્રમાં કોઈ ફર્ક ન આવ્યો ત્યારે અનાથપિંડકે પુત્રના આત્મહિત ખાતર કઠોર કદમ ભર્યું અને એને પહેરેલ કપડે ભવનની બહાર કાઢી મૂક્યો. એક ફૂટી કોડી એને આપી નહિ.

એના જુગારી મિત્રોએ લેણું ચુક્તે કરાવવા એને ફટકાર્યો. ભોજનની ય કોઈ રકમ એની પાસે ન હતી. એ સમયે અનાથપિંડકે ગણતરીપૂર્વક પ્રસ્તાવ મોકલ્યો કે 'જો તું રોજ બુદ્ધનું પ્રવચન સાંભળવા આવીશ તો હું તને પ્રતિદિન પચાસ સુવર્ણમુદ્રા ઇનામરૃપે આપીશ.' નિરુપાયે પુત્રે આ પ્રસ્તાવ સ્વીકારી લીધો. એ નિયમિતપણે બુદ્ધનાં પ્રવચનમાં સુવર્ણમુદ્રાની લાલચે આવવા માંડયો.

એનાથી એની નાણાંભીડ થોડી ઓછી થઈ. આ તરફ અનાથપિંડકને પોતાનો હેતુ હજુ બર આવ્યાનું જણાતું ન હતું. બે માસ બાદ એણે નવો દાવ ખેલી પુત્રને કહ્યું : ' જો તું બુદ્ધનું પ્રવચન રોજ સાંજે મને પૂરેપૂરું સંભળાવે તો હું તને પ્રતિદિન પાંચસો સુવર્ણમુદ્રાનું ઇનામ આપું.' નાણાંની એને સખત જરૃર હતી. એથી એણે આ પ્રસ્તાવ પણ વધાવી લીધો.

પહેલા એ બુદ્ધનું પ્રવચન સાંભળવા ખાતર સાંભળતો હતો. એનું ચિત્ત શ્રવણમાં સ્થિર રહેતું ન હતું. એ બેદરકાર રહેતો. પરંતુ જયારથી શ્રવણ કરાવવાની વાત આવી ત્યારથી નાણાંની લાલચે એ તીવ્ર એકાગ્રતાથી પ્રવચન સાંભળતો અને એને યથાવત્ ગ્રહણ કરતો.

એની ધારણા કરતો. નિત્યનાં આ ગ્રહણ- ધારણનું સુખદ પરિણામ એક દિવસ એ આવ્યું કે એનું પૂર્ણત : હૃદયપરિવર્તન થઈ ગયું અને એક સમયની એ જુગારી- વ્યસની વ્યકિત પ્રવચનના પ્રભાવે સંન્યાસી બની ગઈ. ગ્રહણ અને ધારણનું આ છે પ્રશસ્ય પરિણામ...

(૫+૬) ઊહ તથા અપોહ :- ગુજરાતીભાષામાં આ બન્ને શબ્દોનાં સંમિશ્રણથી તૈયાર થતો ' ઉહાપોહ' શબ્દ ખૂબ પ્રચલિત છે. ત્યાં એનું અર્થઘટન લગભગ એ હોય છે કે તે તે બાબત અંગે જાતજાતની- ભાતભાતની વાતો- વિચારો રજૂ થવા યાવત્ ઘોંઘાટ થવો. આ જાતજાતના વિચારો રજૂ થવાનાં અર્થઘટનનું જ સુગ્રથિત સ્વરૃપ છે ઊહ અને અપોહ નામે બે અલગ ગુણો. ઊહનો અર્થ છે તે તે જાણેલ પદાર્થના આધારે અન્યાન્ય પદાર્થોનો તર્ક કરવો એટલે કે સાંભળેલ તત્ત્વ દ્વારા અન્ય વિષયો યુક્તિથી ઘટાવવા.

અપોહનો અર્થ છે શ્રવણ અને યુક્તિના આધારે ગલત બાબતોનો (જેમ કે હિંસાદિ પાપોનો ત્યાગ કરવા તરફનું વલણ. અથવા અન્વય- વ્યતિરેકરૃપ વિચારણા દ્વારા થતું તે તે વિષયનું તે તે બાબતનું જ્ઞાાન તે છે ઊહાપોહ. ઊદાહરણરૃપે ધારો કે આપણને રસ્તામાં રૃપિયાની નોટ જેવી ચીજ હોવાનો આભાસ થાય છે.

એ સમયે ' આ લાગે છે તો સો રૃપિયાની નોટ જેવું' આવી વિચારણા થાય તે છે અન્વય અને ' આ કાગળીયું તો નથી જણાતું' આવી વિચારણા કરવી એ છે વ્યતિરેક. આ બન્ને રીતની વિચારણાના અંતે પરિણામ એ આવે કે ' આ કાગળીયું છે' એવી ગલત વિચારણાના ત્યાગ તરફનું વલણ થાય...

૭. અર્થવિજ્ઞાાન : કોઈ પણ વિષયમાં- બાબતમાં જેટલો તીવ્ર ઊહ- અપોહ થાય તેટલું જલ્દી ભ્રમનું- સંશયનું- વિપર્યાસનું નિરાકરણ થાય. રૃપિયાની નોટનાં ઉદાહરણને જ આગળ ધપાવી આ ભ્રમ વગેરેને સમજીએ તો, ' આ કાગળીયું લાગે છે' એને કહેવાય ભ્રમ. ' આ કાગળીયું હશે અથવા રૃપિયાની નોટ હશે' આને કહેવાય સંશય.' આ તો કાગળીયું છે' આને કહેવાય વિપર્યાસ.

આ ભ્રમ- સંશય- વિપર્યાસથી મુક્ત કરીને ' આ સો રૃપિયાની નોટ જ છે' આ સત્ય અર્થનિશ્ચય કરાવે તે છે અર્થવિજ્ઞાાન. ઊહ-ઓપહ અને અર્થવિજ્ઞાાનને સરલતાથી સમજવા આપણે જે રૃપિયાની નોટનું ઉદાહરણ વિચાર્યું એ લૌકિક છે. એ રીતે આત્મહિતકારી- લોકોત્તર બાબતોનાં શ્રવણ પ્રસંગે ઉહ- અપોહ- અર્થવિજ્ઞાાનની સમ્યગ્ ઘટના કરવી.

૮. તત્ત્વજ્ઞાાન : ' આ સો રૃપિયાની નોટ જ છે' એટલા અર્થવિજ્ઞાાનમાત્રથી એ નોટની ઉપયોગિતા સિદ્ધ થઈ જતી નથી. બજારમાં- વ્યવહારમાં એ નોટથી થતી ઉપલબ્ધિઓનો ખ્યાલ અને એ ઉપલબ્ધિ સિદ્ધ કરવાની ક્ષમતા આવે ત્યારે એ સો રૃપિયાની નોટની વાસ્તવિક ઉપયોગિતા થઈ શકે છે. બસ એ રીતે કેવલ શબ્દાર્થજ્ઞાાનથી કાર્યસિદ્ધિ થઈ શક્તી નથી.

એના વાસ્તવિક હાર્દનો રહસ્યાર્થનો ખ્યાલ આવે અને એ પરિણતિ સુધી જાય ત્યારે ખરી કાર્યસિધ્ધિ થાય છે. તત્વજ્ઞાાન નામનો આ આઠમો ગુણ એ ભૂમિકા પ્રાપ્ત કરાવે છે. આ ભૂમિકા ઉપલબ્ધ થાય ત્યારે કેવું પ્રશસ્ય પરિણામ આવે એ જાણવું છે ? તો વાંચો ' યોગશાસ્ત્ર'માં જ નિર્દિષ્ટ ચિલાતીપુત્ર કથાની અત્યંત સંક્ષિપ્ત ઝલક :

એક સમયનો દાસીસુત ચિલાતીપુત્ર આગળ જતાં ખુંખાર ડાકુ બની ગયો હતો. પોતે જેને પ્રિયતમા માની હતી તે સુષમાને પોતાની બનાવવાના પ્રયાસ નિષ્ફળ થયા ત્યારે એણે એનું શિર તલવારના ઝાટકે કાપી નાંખ્યું. એક હાથમાં સુષમાના મસ્તક અને બીજા હાથમાં લોહીનીંગળતી તલવાર સાથે જંગલમાં પાગલની જેમ દોડતા ચિલાતીએ મુનિને જોઇને કહ્યું : ' સાધુ, હું ભયંકર અશાંત છું. મને માર્ગ બતાવ.' મુનિ માત્ર ' ઉપશમ- વિવેક-સંવર' આ ત્રણ શબ્દો કહી લબ્ધિબળે આકાશમાર્ગે ચાલ્યા ગયા.

ચિલાતીની ભૂમિકા પ્રશ્નસમયે જિજ્ઞાાસાની હતી અને પછી શ્રવણથી તત્વજ્ઞાાન સુધીની તમામ ભૂમિકા એનામાં આવી. ઉપશમના હાર્દરૃપે એણે લોહીનીંગળતી તલવાર ત્યાગી, વિવેકના હાર્દરૃપે સ્ત્રીનું કપાયેલ મસ્તક ત્યાગ્યું અને સંવરના હાર્દરૃપે એ ધ્યાનલીન થઈ ગયો. પરિણામ એ આવ્યું કે માત્ર અઢી દિવસની ઉત્કટ સાધનાના અંતે મૃત્યુએ પામી શ્રેય સાધી ગયો.

છેલ્લે એક વાત :
 જીવતરને સળગાવી દે એવું તત્વ છે કુબુદ્ધિ, જીવતરને અજવાળી દે એવું તત્વ છે સદ્બુદ્ધિ.


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar 

https://twitter.com/gujratsamacharPost Comments