Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમૃતની અંજલિ : આચાર્ય વિજયરાજરત્નસૂરિ

નિંદ્ય પ્રવૃત્તિ કરનાર વ્યકિત ડુક્કર જેવી છે...શુભ પ્રવૃત્તિ કરનાર વ્યકિત ભ્રમર જેવી છે...

એક વાત ખબર છે ? ડુક્કરને આકર્ષણ હંમેશા વિષ્ટા- કાદવકીચડ જેવા ગલત પદાર્થોનું જ હોય. એને ગમે તેવું સ્વચ્છ કરીને બગીચામાં છૂટું મુકાય તો પણ એ તરત વિષ્ટા-કાદવ તરફ જ દોટ મૂકશે. આ એની લાક્ષણિકતા છે. જ્યારે ભ્રમરની લાક્ષણિકતા ડુક્કરથી સાવ વિપરીત છે. એને બગીચાનું- પુષ્પનું જ આકર્ષણ રહેશે, વિષ્ટા- કાદવનું જરાય નહિ

હતો એ સાવ નાનો બે- અઢી વર્ષનો બાળક અને એને આદત હતી ધૂળ- માટીમાં રમ્યા કરવાની. જરાક તક મળે કે એ પહોંચી જાય ઘરની બહાર. ધૂળથી શરીર ખરડે અને માટી આરોગવા ય માંડે. લાભ- નુકસાનની સમજની તો એની પાસે આશા ય ક્યાંથી રખાય ?

એકવાર એ આ રીતે ઘૂળમાં પહોંચી ગયો હતો અને  એના હાથમાં ભીની માટીનો નાનો પિંડ હતો. એની મોટી બહેન એને તરત ઊંચકીને અંદર લઈ આવી. પણ બાળક પેલો માટીનો પિંડ જરાય છોડતો ન હતો.

મુઠ્ઠીવાળીને પૂરી તાકાતથી એ એને પકડી રાખતો હતો. એની બહેન જરાક બળજબરીથી એ માટી મુકાવવા જાય તો બાળક જોરશોરથી ચિચિયારીઓ કરીને પ્રતીકાર કરતો. એવામાં માતાની નજર આ દૃશ્ય પર ગઇ.

બાળકને ધમકાવી- મારીને માટી છોડાવવા કરતાં એણે નવો નુસખો અજમાવ્યો. એણે બાળક સામે બે પીપરમેંટ ધરી. તુર્ત બાળક પીપરમેંટ તરફ દોડયો, હાથમાંથી એણે માટીનો પિંડ ફગાવી દીધો અને મનગમતી પીપરમેંટ એણે લઈ લીધી. ન કોઈ એના પર દબાણ કરવું પડયું, ન એણે ચિચિયારીઓ કરી..

નાનકડા આ દૃષ્ટાંતમાં જેમ બાળક સાથે કામ લેવાનું માતાનું કૌશલ્ય- મનગમતી ચીજ પર બાળકનું પણ આકર્ષણ વગેરે પાસા પ્રગટ થાય છે એમ એક મહત્ત્વનું પાસું એ પણ પ્રગટ થાય છે કે નબળી વસ્તુ હાથમાંથી છોડયા વિના સારી વસ્તુ સ્વીકારી શકાતી નથી.

બસ, આ જ ભૂમિકા પર આવી રહ્યો છે. માર્ગાનુસારીકક્ષાના જીવોનો અગિયારમો ગુણ. એનું નામ છે નિંદનીય- ખરાબ પ્રવૃત્તિઓનો ત્યાગ.' યોગશાસ્ત્ર' ગ્રન્થમાં આ અંગે પંક્તિ લખાઈ છે કે 'અપ્રવૃત્તશ્ચ ગર્હિતે.'' મતલબ કે માર્ગાનુસારી વ્યકિત લોકમાં જે નિંદાપાત્ર- ખરાબ પ્રવૃત્તિઓ છે એનાથી એ દૂર રહે.

ગણિત અહીં પેલા બાળકની ઘટના જેવું જ છે કે માટી છોડાય નહિ ત્યાં સુધી પીપરમેંટ હાથમાં પકડાય નહિ તેમ કુત્સિત- ખરાબ પ્રવૃત્તિઓ જીવનમાંથી ત્યજાય નહિ ત્યાં સુધી સારી- શુભ પ્રવૃત્તિઓ જીવનમાં આત્મસાત્ થઈ શકે નહિ. સ્વોયજ્ઞા ટીકામાં આવી લોકદૃષ્ટિ નિંદાપાત્ર અને આત્મદૃષ્ટિએ અહિતકારી પ્રવૃત્તિઓ દેશ- કુલ- જાતિ વગેરે અપેક્ષાએ દર્શાવી છે. આપણે આજના લેખમાં આવી નિંદ્ય પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરી એનાથી કાયમ માટે દૂર રહેવાનો નિર્દેશ કરીશું :

૧. જુગાર :- શરૃઆતમાં શોખરૃપે જીવનમાં પગપેસારો કરતી આ નિંદ્ય પ્રવૃત્તિને ઉગતી જ ડામી દેવાની કડકાઈ ન રખાય તો બહુ ઝડપથી એ એવું આદતનું- વ્યસનનું સ્વરૃપ ધારણ કરી લે કે પછી એની ચુંગાલમાંથી છૂટવું- છટકવું અશકય પ્રાય : બની જાય. અરે ? વગેરે મહેનતે વગર પસીને પેટનો ખાડો પૂરવા જેઓ જુગારના રવાડે ચડી જાય છે એની વાત હમણાં ક્ષણભર બાજુ પર મૂકીએ તો ય, એવા ઘણા શ્રીમંતો નિહાળવા મળે છે કે જેમને ત્યાં સંપત્તિની રેલમછેલ છે છતાં તેઓ આંકડા- રેસ વગેરેરૃપે જુગાર રમતા રહે છે.

એને આપણે આદત- વ્યસન સિવાય કયા શબ્દથી નવાજીશું ? યાદ રહે આ આદત- વ્યસનની ચુંગાલ એવી ખતરનાક હોય છે કે શાણી- સમજુ વ્યકિત એનાં નુકસાન સમજાવે તો ય 'આદતસે મજબૂર' લોકો એ સમજવા તૈયાર નથી હોતા. ખબર છે પેલી રમૂજકથા ?

એક યુવાન મિત્રોના રવાડે ચડીને નવો-સવો જુગારમાં જોડાયો. અઘૂરામાં પૂરું શરૃઆતના ચાર- પાંચ દાવમાં સારી રકમ જીતી ગયો. એથી એને જુગાર સારો- રમવા જેવો લાગવા માંડયો. એની સંસ્કારી પત્નીને જુગાર સખત નાપસંદ હતો. કેમ કે એને આગળ જતાં થનાર નુકસાનો જાણે પ્રત્યક્ષ દેખાતા હતા. પરંતુ યુવાનને એવી લતલાગી ગઈ હતી કે એ પત્નીની વાતો હસવામાં ઉડાવી દેતો.

આખર પત્નીને યુવાનના બુઝુર્ગ કાકાને આ લતની વાત કરીને એને સમજાવવા કહ્યું. કાકાએ એકવાર અવસર સાધીને એકાંતમાં યુવાનને સમજાવવા માંડયો કે ' ભઇલા, આ જુગાર તો બહુ અનિશ્ચિત- અસલામત રમત છે. એમાં આજે કમાયા તો કાલેનુકસાન, પરમ દિવસે કમાયા તો ચોથે દિવસે ડબલનુકસાન થાય. તારે શું કામ આવી અસલામત પ્રવૃત્તિ કરવી જોઈએ ?' જુગારની આદતમાં બરાબર ફસાયેલા યુવાને કાકાને પણ એમની ઠેકડી ઉડાડતો- મશ્કરીભર્યો ઉત્તર આપ્યો : 'સાચી સલાહ છે તમારી.

એટલે હવેથી હું પહેલે દિવસે રમીશ, બીજે દિવસે નહિ રમું, ત્રીજે દિવસે રમીશ, ચોથે દિવસે નહિ રમું. નુકસાનીના દિવસો તમે જે કહ્યા એમાં નહિ રમું બસ ?'' કાકા તો આભા જ થઈ ગયા કે પોતે કેવી સારા સંદર્ભમાં વાત કરી અને ભત્રીજાએ શબ્દોનું ખોટું અર્થ ઘટન કરી એને કેવો વિચિત્ર સંદર્ભ આપ્યો !!

યાદ રહે કે યુધિષ્ઠિર જેવા ધર્માત્માને પણ આ જુગારનાં કારણે રાજ-પાટગુમાવી દઈ ચૌદ વર્ષનો વનવાસ સ્વીકારવાનો વારો આવ્યો હતો, તો નલરાજ જેવા પરાક્રમી રાજાને ય ભર્યુ ભાદયું રાજ્ય ગુમાવવું પડયું હતું અને દમયંતીરાણીથી વિખૂટા પડવું પડયું હતું. અમે તો એક જ વાકય દ્વારા બહુ સરલતાથી જુગારનાં  નુકસાન આમ દર્શાવવા ચાહીશું કે ' જે રમે જુગાર...એના જાય ઘરબાર..'

૨) દારું- આ એક એવો જાલિમ દૈત્ય છે કે એનાથી અગણિત પરિવારો બરબાદ થઈ ગયા છે. એમ કહી શકાય કે દરિયાની સુનામીએ જેટલા પરિવારોને ડુબાડયા છે કે તારાજ કર્યા છે એનાથી કૈકંગણા વધુ પરિવારોને દારુની બદીએ તારાજ કર્યા છે. જિંદગીના પડકારોને ગમને ક્ષણિક ભૂલી જવા વ્યકિત દારુની ચુંગાલમાં ફસાય અને પછી એનું દુષ્પરિણામ એવું જાલિમ આવે કે વ્યકિત તન-મન-ધન બધી રીતે સંપૂર્ણ નિચોવાઈ જાય- ખતમ થઈ જાય.

દારુનું સર્વપ્રથમ નુકસાન છે, વિવેકદૃષ્ટિનો નાશ. સુરાપાન બાદ વ્યકિત એના નશામાં ગ્રસ્ત થઈ જાય ત્યારે એને કાંઈ સાન- ભાન ન હોય. એ સમયે એનો વિવેકદીપ એવો બુઝાઈ જાય કે એ પાગલની જેમ લવારા કરે, તો પાગલની જેમ હાવભાવ- વર્તન કરે. પોતાની ન કહેવા જેવી ખાનગી વાતો પણ બોલીને એ નુકસાન વહોરે.

આવું બધું એટલા માટે બને છે કે એનામાં તે અવસ્થામાં વિવેકદૃષ્ટિનું નામનિશાન નથી હોતું. માર્ગાનુસારીના ગુણો આપણે જે ગ્રન્થના આધારે વર્ણવીએ છીએ એ 'યોગશાસ્ત્ર' ગ્રન્થમાં જ દારુના નુકસાનોના વર્ણન સમયે શ્રી હેમચન્દ્રાચાર્યે આ આંખ ખોલી નાંખતો શ્લોક દારુનાં નુકસાનોના સંદર્ભમાં લખ્યો છે કે :

વારુણીપાનતો યાન્તિ, કાન્તિકીર્તિમતિશ્રિય :

વિચિત્રાચિત્રરચના : વિલુઠત્કજ્જલાદિવ.

તેઓ આ શ્લોકમાં સરસ ઉપમા આપે છે કે જેમ સિદ્ધહસ્ત ચિત્રકારે સર્જેલ નમૂનેદાર અદ્ભૂત ચિત્રરચના પર કાજળ- કાળો રંગ ઢોળાઈ જાય તો ચિત્ર પૂરેપૂરું ખતમ થઈ જાય, એમ જીવનમાં દારુની બદી પ્રવેશે તો જીવન ચાર રીતે ખતમ થઈ જાય

(૧) વ્યકિતની કાંતિતેજ શારીરિક બળ વગેરે ખતમ થવા માંડે. ખાતરી કરવી હોય તો જોઈ લેજો દારુડિયાઓની શારીરિક સ્થિતિ. દારુનાં કારણે એ સાવ મડદાલ- માયકાંગલા થઈ ગયેલ જોવા મળશે.

૨) વ્યકિતની ઇજ્જત- આબરુ ખલાસ થવા માંડે. કોઈ કદાચ સામે ન કહે તો પીઠ પાછળ બોલશે કે ' આ તો પીપક્કડ છે.'

દારુડિયાની વાત પર લોક જલ્દી વિશ્વાસ નહિ મૂકે. લોક એમ વિચારશે કે 'આનોો શું ભરોસો ? ક્યારે પલટી મારી દે એ કહેવાય નહિ.' સમજુ વ્યકિત દારુડિયા સાથે બેઠક- ઊઠકનો સંબંધ નહિ રાખે. કેમ કે એનાથી સમાજમાં પોતાની છાપ ખરડાય. (૩-૪) દારુડિયાની બુદ્ધિ અને સમૃદ્ધિ : બન્ને ધીમે ધીમે ક્ષીણ થતી જાય. 

જેમ વદપક્ષના ચન્દ્રની કળા રોજ રોજ ક્ષીણ થતી જાય એમ. શ્રી હેમચન્દ્રાચાર્યે દર્શાવેલ આ ચાર નુકસાન ઉપરાંત પણ ઘણા નુકસાનો છે જેમાનું એક નુકસાન છે પરિવારમાં સતત સંકલેશની હોળી. કેવી ખતરનાક અને જાલિમ હોય છે એ સંકલેશની હોળી તે જાણવું છે ? તો વાંચો આ સત્ય ઘટના :

'ગુજરાતસમાચાર'ના અમારા લેખોનું નિયમિત વાંચન કરી પ્રભાવિત થયેલ એક અજૈન યુવાન ઓગણીશ વર્ષ પૂર્વે અમને બોરીવલી- મુંબઈના ઉપાશ્રયે મળવા આવેલ. એ સંકલેશગ્રસ્ત હોય-દ્વિધામાં હોય તો એમ એના ચહેરા પરથી લાગ્યું.

એણે પહેલો પ્રશ્ન કર્યો કે 'મહારાજ શ્રી ! કોઇ નિયમ- સંકલ્પ કર્યો હોય તો એ પાળવો સારો કે તોડવો સારો ?' સામાન્ય સ્થિતિમાં તો આનો ઉત્તર ' નિયમ પાળવો સારો' જ અપાય. પરંતુ કોણ જાણે શો સંકેત થયો કે અમે એનો ઉત્તર આ આપ્યો કે ' સંકલ્પ- નિયમ જો સારી બાબતોનો હોય તો પાળવો સારો અને ખોટી બાબતનો હોય તો તોડવો સારો.'

એ પછી પોતાના સંકલ્પનાં અનુસંઘાનમાં એણે જે પારિવારિક દર્દનાક દાસ્તાન કહી એને અમારી માનસિક સ્થિતિ શબ્દશ : હલબલાવી નાંખી. અમારું હૈયું સમસંવેદનાથી ઉભરાઈ ગયું. એના જ શબ્દમાં એની વાતનો સંક્ષિપ્ત સાર કૈંક આવો હતો કે :-

'મહારાજ સાહેબ ! મારા એક નાના ભાઈને ક્યાંકથી દારુ પીવાની ભયાનક કુટેવ પડી ગઈ હતી. લાખ સમજાવવા છતાં એ માને જ નહિ. ઘર અમારું મધ્યમ કક્ષાથી પણ નીચેનું, એથી રકમથી તાતી ખેંચ રહે. એમાં એ પૈસા દારુમાં વેડફે. કમાય કાંઈ નહિ અને ઘરે ઘમાલ કરે. આ ઉપરાંત એનાં આરોગ્ય પર ગંભીર વિપરીત અસર શરૃ થતાં ડોક્ટરોએ પણ દારુ સંપૂર્ણ બંધ કરવાની તાકીદ કરી હતી.

કિંતુ એ કાંઈ સમજે જ નહિ. એના હિત ખાતર એક વાર મે એના હાથ-પગ ચાર-પાંચ કલાક માટે બાંધી દઈ શિક્ષા કરી. જો કે, પછી છૂટો કરી રૃમમાં પૂરી દીધો. પરંતુ એનાથી એને હાડોહાડ અપમાન લાગી ગયું. વહેલી સવારે એ ગમે તેમ કરી રૃમમાંથી ભાગી ગયો અને ટ્રેઈન સામે કૂદી પડીને એણે આપઘાત કર્યો.

અમે ત્યાં જઈને જોયું તો એની ખોપરીના ચાર ટુકડા થઈ ગયા હતા એ દૃશ્ય કમકમાટી ઉપજાવે તેવું હતું. મને લાગ્યું કે આમાં નિમિત્ત હું છું. તે જ ક્ષણે મેં સંકલ્પ-પ્રતિજ્ઞાા કરી કે હું પણ ખોપરીના ટુકડેટુકડા થઈ જાય એ રીતે, ટ્રેઈન સામે કૂદી પડીને આત્મહત્યા કરીશ. આ સંકલ્પ મારે પૂરો કરવો જોઈએ કે તોડવો જોઈએ ?'

અમે પૂર્ણ સહાનુભૂતિપૂર્વક એની દર્દીલી દાસ્તાન સાંભળીને માર્ગદર્શન આપ્યું કે 'આપઘાત ગલત બાબત હોવાથી એ સંબંધી સંકલ્પનું પાલન ન કરવું. વળી તેં એને શિક્ષા કરી એમાં તારો આશય તો એને ગલતમાર્ગથી પરત લાવવાનો જ હતો. એથી તારે આ દુર્ઘટનાની તમામ જવાબદારી પોતાના પર લઈ 'ડીપ્રેસ'થવાની જરૃર નથી. હા, તું તારા ભાઈની રોજરોજ આત્મસાક્ષીએ ક્ષમા માંગજે.'

આ સમગ્ર દુર્ઘટના દારુની દારુણતાની દ્યોતક છે. આ નિંદ્ય પ્રવૃત્તિનો મક્કમ ત્યાગ થવો જ જોઈએ.

આ ઉપરાંત જે કુલમાં હિંસા સંપૂર્ણ ત્યાજ્ય છે તે કુલમાં જન્મ ધર્યો હોવા છતાં કતલખાના જેવી મહાહિંસક પ્રવૃત્તિઓ કરવી એ નિંદ્ય- ગર્હિત કૃત્ય છે, તો સામી વ્યકિતએ આપણને યોગ્ય પાત્ર ગણીને મૂકેલ વિશ્વાસ ઘાત કરવો- દગો- પ્રપંચ કરવો એ પણ નિંદ્ય કૃત્ય છે, જેની ગણના ધર્મદૃષ્ટિએ- સમાજદૃષ્ટિએ મોટાં પાપરૃપે થાય છે તે વ્યભિચાર- આડા સંબંધો નિંદ્ય પ્રવૃત્તિ છે, તો વ્યવસાયમાં ભ્રષ્ટાચાર- કૌભાંડો નિંદ્ય પ્રવૃત્તિ છે.

આવાં આવાં કોઈ પણ ગર્હિત કૃત્યો જીવનમાં ન જામી જાય તે માટે એક નીતિવાક્ય- સુભાષિતપંક્તિ ખાસ સ્મરણમાં રાખવી કે 'અકર્તવ્યં ન કર્તવ્યં, પ્રાણૈ : કણ્ઠગતૈરાપિ' ભાવાર્થ કે ભલે પ્રાણ કંઠે આવી જાય રાખવી કે ' અકર્તવ્યં ન કર્તવ્યં, પ્રાણૈ: કણ્ઠગતૈરપિ'' ભાવાર્થ કે ભલે પ્રાણ કંઠે આવી જાય જીવન જોખમમાં મુકાઈ જાય તો ય અકર્તવ્ય- નિંદ્ય પ્રવૃત્તિઓ તો ક્યારે ય કરવી જ નહિ.

એક વાત ખબર છે ? ડુક્કરને આકર્ષણ હંમેશા વિષ્ટા- કાદવકીચડ જેવા ગલત પદાર્થોનું જ હોય. એને ગમે તેવું સ્વચ્છ કરીને બગીચામાં છૂટું મુકાય તો પણ એ તરત વિષ્ટા-કાદવ તરફ જ દોટ મૂકશે. આ એની લાક્ષણિકતા છે. જ્યારે ભ્રમરની લાક્ષણિકતા ડુક્કરથી સાવ વિપરીત છે.

એને બગીચાનું- પુષ્પનું જ આકર્ષણ રહેશે, વિષ્ટા- કાદવનું જરાય નહિ. એ ગમે ત્યાંથી પુષ્પ- બગીચા તરફ જ દોડયો આવશે. આપણે જો ગલત- નિંદ્ય પ્રવૃત્તિઓ તરફ આકર્ષાઈશું તો આપણી કક્ષા ડુક્કરની ગણાય અને જો આપણે શુભ તરફ આકર્ષાઈએ તો આપણી કક્ષા ભ્રમરની ગણાય.

પૂછીએ જાતને તટસ્થ પ્રશ્ન કે 'મારી કક્ષા કઈ ? ડુક્કરની કે ભ્રમરની ?'


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar 

https://twitter.com/gujratsamacharPost Comments