Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમૃતની અંજલિ -આચાર્ય વિજયરાજરત્નસૂરિ

- જીવ દયા જૈનોની કુલદેવી છે... જીવરક્ષા જૈનોની જીવનશૈલી છે..

હીરસૂરીશ્વરજીમ.નાં હૈયે દુઃખી- પ્રાણાંત પીડા પામતા જીવો પ્રત્યે આત્મૌપમ્ય હતું એથી તુર્ત અકબરની હકુમત નીચેના પૂરા સામ્રાજ્યમાં પર્યુષણામહાપર્વના દિવસોમાં જીવમાત્રની હિંસા ન થઈ શકે તેવું ફરમાન જૈનાચાર્યે માંગ્યું. પ્રસન્ન બાદશાહે સ્વયં મુસ્લિમ હોવા છતાં ચાર દિવસ પોતાના ઉમેરી પ્રતિવર્ષ બાર દિવસની સાર્વત્રિક અહિંસાનું ફરમાન કર્યું.

પરદેશમાં સર્જાયેલ એક સત્ય ઘટનાથી આજના લેખનો આપણે પ્રારંભ કરીએ:
વર્ષોપર્યંત 'ટ્રાફિકપોલીસ' ની ફરજ અદા કરીને એક પોલીસ સેવાનિવૃત્ત થયો. કિંતુ વર્ષોના લગાવનાં કારણે એણે સ્થળ પસંદગી કરી પોતાની 'સર્વિસ'ના સ્થાનની. એ માર્ગ સખત 'ટ્રાફિક'નો હોવા છતાં એ નિત્ય ત્યાં જ ' મોર્નીંગ વોક' કરતો. પરિવારજનોની લાગણીએ હતી કે અકસ્માત્ થવાની શક્યતા હોવાથી એ સ્થાને ફરવા ન જવું. પરંતુ એ એની અવગણના કરતો.

એક દિવસની વાત. સવારે એ ફરવા ગયો. પણ નિયત સમયે પરત ન આવ્યો. અર્ધો કલાક- એક- દોઢ- બે કલાક: હજુ એ ન આવતા પરિવારજનો અમંગલની આશંકામાં ડૂબી ગયા. એ સમયે ' મોબાઈલ' જેવી શોધ થઈ ન હતી. એથી ત્વરિત સંપર્ક શક્ય ન હતો. પરિવારજનો અને મિત્રો ગાડી લઈને તપાસ માટે તૈયાર થયા ત્યાં જ ભાઈ આવી પહોંચ્યા.  એણે કારણ જણાવ્યું કે 'આજે વહેલી સવારે એ વિસ્તારમાં કરુણ અકસ્માત્ સર્જાયો હતો કે કમનસીબે ત્યાં કોઈ ટ્રાફિકપોલીસ હાજર ન હતો કે જે આ સમસ્યા સુલઝાવે.

સાત ઘાયલ વ્યકિતઓ પીડાથી કણસી રહી હતી. મેં એ તમામને હોસ્પિટલમાં દાખલ કરી એમના જીવ બચાવ્યા, ટ્રાફિક પૂર્વવત્ કરાવ્યો ; એમાં આ વિલંબ થયો.' મિત્રોએ એને ઠપકો આપ્યો: ' આમાં ક્યાંક મૃત્યુકેસ થઈ જાત તો તારે પોલીસચોકીના- કોર્ટના ધક્કા શરૃ થઈ જાત. તું 'ડયૂટી' પર હોત અને આ કરત તો એ બરાબર હોત. હવે તો તું 'રીટાયર્ડ' છે.

તો આ જફા વહોરવાની જરૃર ન હતી.' પેલી વ્યકિતએ અદભુત માણસાઈ ભર્યો- ખુમારીભર્યો ઉત્તર આપ્યો કે' આઈ એમ રીટાયર્ડ બટ નોટ એક્સપાયર્ડ.' મતલબ કે' હું નિવૃત્ત ભલે હોઉં, પણ મૃત નથી. મારી જીવંત ઝિંદાદિલી મને એ સમજાવે છે કે મારે કરુણાવૃત્તિ દાખવીને સક્રિય થવું જ જોઈએ. નહિ તો મારામાં અને યન્ત્રમાનવમાં કોઈ તફાવત નથી.'

આ સત્ય ઘટનામાં જે માણસાઈ- કરુણા ઝળહળે છે એને માર્ગાનુસારિતાના ગુણોમાં એકત્રીશમાં ક્રમે સ્થાન આપ્યું છે. ત્યાં એને 'દયા' શબ્દથી ઓળખાવીને લખાયું છે કે ' સદયઃ' ભાવાર્થ કે માર્ગાનુસારી મહાનુભાવ દયાળુ હોય- અન્યોનાં દુઃખ નિહાળતાંવેંત દ્રવી જઈને યથાશક્ય સહાય કરવા એ તત્પર થઈ જાય. આ દયાવૃત્તિ તો ધર્મનું મૂળ છે. એથી જ સંત તુલસીદાસે લખ્યું છે કે:-

દયા ધર્મકા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન ;
તુલસી દયા ન છાંડીએ, જબ લગ ઘટમેં પ્રાણ.

જૈન શાસ્ત્રકારોએ એને આત્મોત્થાનના બહુ પ્રારંભિક સ્તરથી શ્રમણત્વ અને તીર્થકરત્વ સુધી વિસ્તરતી દર્શાવી છે. પ્રારંભિક લેખમાં જણાવ્યું તેમ દયાનો ગુણ શુક્લપાક્ષિક કક્ષાના જીવનમાં ય ઝળકે છે, તો હાલમાં જેનું વિશ્લેષણ આપણે કરીએ છીએ તે માર્ગાનુસારીકક્ષાના આત્મામાં પણ ઝળહળે છે,  શ્રાવકની અને શ્રમણની કક્ષામાં પણ આ ગુણ ઝગમગે છે, તો તીર્થંકરનામકર્મના બંધસમયે ય તે પુણ્યાત્મામાં ભાવદયારૃપે ઝળહળે છે. વ્યકિતને દોષ- દુર્ગુણો- દુષ્કર્મોથી બચાવીને આત્મકલ્યાણમાં સ્થિર કરવી એ ભાવદયા છે, તો એને દુઃખો- પીડાઓ- સમસ્યાઓથી મુક્ત કરવી એ દ્રવ્યદયા છે. માર્ગાનુસારી મહાનુભાવનો આ ગુણ દ્રવ્ય- દયા સાથે સંબંધિત હોવાથી આપણે અહીં મુખ્યતઃ દ્રવ્યદયાનાં સંદર્ભમાં વિચારણા કરીશું:

એક વ્યકિત તરસથી તરફડતી હોય અને એને જલદાનથી તૃપ્ત કરાય કે જલધારા પરબ તૃષાતુર માટે બનાવાય એ દયા છે, તો દિવસમાં એક ટંકનું ભોજન પણ  મહાપરાણે પામે એવા ગરીબ- દીનને ભોજન આપવું યા સદાવ્રત ચલાવવું એ ય દયા છે. દેહ ઢાંકવા જેમની પાસે પૂરતાં વસ્ત્રો નથી એમને વસ્ત્રો આપવાં યા શિયાળામાં એમને ધાબળાનું વિતરણ કરવું એ દયા છે, તો દર્દીઓને દવા- ફ્રુટ વગેરેનું નિઃશૂલ્ક વિતરણ કરવું એય દયા છે.

જૈનોમાં નિયમિતપણે આવી આવી પ્રવૃત્તિઓ થતી જયાં જયાં જોવાય છે ત્યાં ત્યાં અમારું હૈયું પુલકિત થઈ જાય છે. ક્યાંક પ્રતિ રવિવારે ભોજન અપાય છે, તો ક્યાંક  ચોક્કસ સમયે વસ્ત્રવિતરણ થાય છે,  ક્યાંક ગ્રીષ્મઋતુમાં છાશવિતરણ થાય છે, તો ક્યાંક ગ્રીષ્મઋતુમાં ગરીબો માટે કેરીના રસનું વિતરણ થાય છે. જેમને સામાન્ય ભોજન પણ પેટપૂરતું માંડ મળતું હોય એમના માટે કેરીરસ જેવા દ્રવ્યો ફક્ત સ્વપ્ન સમાન હોય છે. આવી વ્યકિતઓને જ્યારે અણધાર્યું સારું ભોજન મળે ત્યારે એનો આનંદ એમને કેવો થાય એનો હમણાં એક માસ પૂર્વે અમને મજાનો સ્વાનુભવ થયો.

અમારા શિષ્ય આચાર્ય રશ્મિરત્નસૂરિજીની સૂરિમન્ત્રચતુર્થપીઠિકા પ્રસંગે અમારો પ્રવેશ વસઈ સંઘમાં હતો. તે દિવસે પ્રવચન બાદ લાભાર્થી પરિવાર તરફથી સંઘનવકારશી હતી. પ્રવચન પૂર્ણ થયું ત્યાં પુસ્તકના પ્રૂફ લઈને જયંતિપ્રિન્ટરીનો એક કર્મચારી આવ્યો. અમે સહજતાથી કહ્યું: 'નીચે જમીને પછી આવ. ત્યાં સુધીમાં જરૃરી પ્રૂફ જોઇ લઈશું. ' આજે તો ભગવાનને છપ્પર ફાડ કે દે દીયા. મહારાજ, આપકા આભાર.' અમને સુખદ આશ્ચર્ય થયું કે આ વ્યકિતને સારું ભોજન મળ્યાની ખુશાલી કેવી પ્રબળ છે. ત્યારે અનુભવાયંઆ કે સાધર્મિક ભક્તિનો લાભ તો ધર્મદૃષ્ટિએ છે જ. પરંતુ આ અનુકંપાનો આનંદ પણ કાંઈક અલગ જ છે.

જરૃરિયાતમંદોને જલદાન- અન્નદાન હો કે વસ્ત્રદાન- ધાબળાદાન હો: આવી પ્રવૃત્તિઓ ત્યારે જ થઈ શકે કે જ્યારે હૈયે કઠોરતા નહિ, કોમળતા પાંગરી હોય. સંવેદન શૂન્યતા નહિ, સંવેદનશીલતા મહોરી હોય. જેનું હૈયું કઠોર પાષાણ જેવું છે એનામાં અન્ય દુઃખી જીવોને નિહાળ્યા પછી લાગણીની આછી લકીર પણ નહિ પ્રગટે. કેમ કે કઠોરતા અને લાગણીને કાંઈ લેવા-દેવા નથી.

એજ રીતે જે વ્યકિત સ્વાર્થ વગેરે કારણોવશ સંવેદન-શૂન્ય બની ગઈ છે એને પણ દુઃખી જીવો નિહાળતાં હમદર્દી નહિ જાગે. એની અવસ્થા ' કલોરોફોર્મ' સુંઘાડેલ વ્યકિત જેવી હોય. કલોરોફોર્મ વ્યાપ્ત દર્દીને જેમ વેદનાની કોઈ અનુભૂતિ ન થાય એમ સંવેદનશૂન્ય વ્યકિતને ય દુઃખી જીવની વેદનાની અનુભૂતિ ન થાય. કઠોર હૈયું લગભગ કાયમી સ્તરે અન્યો પ્રત્યે લાગણીરહિત હોય, જ્યારે સ્વાર્થાદિ કારણસર સંવેદનશૂન્ય બનેલ હૈયું તે તે ઘટના પૂરતું- કામચલાઉ દુઃખી પ્રત્યે હમદર્દીરહિત હોય. જો દયાધર્મ વધુ ને વધુ સરસ આત્મસાત્ કરવો હોય તો કઠોરતા યા સંવેદનશૂન્યતા, બે માંથી એકે ય ન જોઈએ.

'યોગશાસ્ત્ર'ની સ્વોપજ્ઞાટીકામાં 'દયા' શબ્દનું અર્થઘટન કરાયું છે. ' દુઃખિત- જન્તુ દુઃખત્રાણાભિલાષ.' ભાવાર્થ કે દુઃખી જીવોને તે તે દુઃખોથી બચાવી લેવાની અભિલાષા તે છે દયા. તૃષાતુર જીવોને જલદાન- ક્ષુધાતુર જીવોને ભોજન- વસ્ત્રાદિરહિતને વસ્ત્રદાન વગેરે બાબતો ચોક્કસપણે દયા છે જ અને તેવા પ્રકારની પરિસ્થિતિમાં આવી આવી પ્રવૃત્તિઓ જરૃર આવકાર્ય છે જ. પરંતુ સૌથી મોટી દ્રવ્યદયા જીવોને પ્રાણદાન કરવું તે છે.

જે જીવો કતલખાને જઈને બૂરી રીતે રહેંસાઈ જતા હોય, જે મત્સ્યો જાળમાં સપડાઈને તરફડતા તરફડતા મરી જતા હોય, જેઓ સૌંદર્ય પ્રસાધનાદિના પ્રયોગનાં કારણે રિબાઈ રિબાઈને મરતા હોય આવા જીવોને અકાળ મૃત્યુથી- ખતરનાક પીડાથી મુક્તિ અપાવવી એ સૌથી મહાન દયા છે.

એથી જ તો કહેવાયું છે ' અભયદાન સબદાનવડાઈ'. દયાનું આ સૌથી પ્રશસ્ય સ્વરૃપ આત્મસાત્ કરવું હોય તો ' આત્મૌપમ્ય' પ્રાપ્ત કરવું રહે. ' આત્મૌપમ્ય' એટલે ? એ જીવો જે પ્રાણાંત દુઃખ- જાલિમ પીડા સહન કરી રહ્યા હોય એ પીડા જાણે કે આપણે ખુદ સહન કરી રહ્યા હોઈએ એવી કલ્પના- એવી અનુભૂતિ. આ આત્મૌપમ્ય જેટલી તીવ્રતાથી જાગે એટલી જીવોને બચાવવાની- ઉગારવાની તત્પરતા વધુ પ્રગટે. સ્વોયજ્ઞા ટીકામાં એક મજાનો શ્લોક દયાનાં નિરૃપણ પ્રસંગે આ અપાયો છે કે:

પ્રાણા યથાત્મનોભીષ્ટા: ભૂતાનામપિ તે તથા,
આત્મૌપમ્યેન ભૂતાનાં, દયાં કુર્વીત માનવ:

ભાવાર્થ કે જેમ આપણને આપણા પ્રાણ પ્રિય છે તેમ સહુ જીવોને પણ પોતાના પ્રાણ પ્રિય છે. માટે આત્મૌપમ્ય દાખવીને દરેક જીવોની દયા-રક્ષા કરવી જોઈએ. યાદ આવે અહીં જગદ્ગુરુ શ્રીમાન હીરસૂરીશ્વરજી મહારાજ. ચારસોથી અધિક વર્ષો પૂર્વે વિક્રમની સત્તરમી શતાબ્દીમાં થઈ ગયેલ આ મહાન જૈનાચાર્ય. જીવદયાના જ્યોતિધર બનીને એમના કાળમાં લાખો- કરોડો જીવોને બચાવવામાં નિમિત્ત બન્યા હતા.

મોગલ સમ્રાટ અકબરે આ મહાન જૈનાચાર્યની મુલાકાતો કરી અને એમનો ધર્મોપદેશ સાંભળ્યો. પ્રથમ મુલાકાતમાં પ્રભાવિત થઈ ગયેલ બાદશાહે એમને જે જરૃર હોય- ઇચ્છા હોય એ માંગવાની વિનંતિ કરી. હીરસૂરીશ્વરજીમ.નાં હૈયે દુઃખી- પ્રાણાંત પીડા પામતા જીવો પ્રત્યે આત્મૌપમ્ય હતું એથી તુર્ત અકબરની હકુમત નીચેના પૂરા સામ્રાજ્યમાં પર્યુષણામહાપર્વના દિવસોમાં જીવમાત્રની હિંસા ન થઈ શકે તેવું ફરમાન જૈનાચાર્યે માંગ્યું. પ્રસન્ન બાદશાહે સ્વયં મુસ્લિમ હોવા છતાં ચાર દિવસ પોતાના ઉમેરી પ્રતિવર્ષ બાર દિવસની સાર્વત્રિક અહિંસાનું ફરમાન કર્યું.

ધર્મોપદેશજન્ય જીવદયાની- જીવરક્ષાની ભાવનાનું આ પરિણામ હતું. સમ્રાટે સૂરીશ્વરને એ પછી કહ્યું: ' આ તો તમે અબોલ પ્રાણીઓ માટે માંગ્યું. તમારા સ્વયં માટે કાંઈક માંગો.' આત્મૌપમ્યથી રસાયેલા સૂરીશ્વરે સપ્રેમ ઇન્કાર કર્યો કે 'સમ્રાટ ! અમારી અંગત માંગણી કોઈ નથી. અબોલ જીવો પ્રાણાંત પીડાથી બચે એમાં અમારી સર્વ ભાવના પૂર્ણ થઈ જાય છે.' આગળ જતાં સૂરીશ્વરના પ્રજ્ઞાાશીલ-પ્રભાવક શિષ્યોના સંસર્ગથી સમ્રાટ અહિંસા- જીવદયા તરફ વધુને વધુ ઝૂકતો ગયો. પરિણામ એ આવ્યું કે એ મુસ્લિમ શાસકના સમયમાં પ્રતિવર્ષ છ માસ અને છ દિવસ ભારતમાં સંપૂર્ણ હિસાબંધી પ્રવર્તી. જીવદયાના ક્ષેત્રે આ સૌથી શ્રેષ્ઠ ચમત્કૃતિભરી ઉપલબ્ધિ હતી જે જગદ્ગુરુની જબરજસ્ત આત્મૌપમ્યની ભાવનાનું પરિણામ હતું.

જગદ્ગુરુની આ આત્મૌપમ્યભાવથી અકબર એવો પ્રભાવિત થઈ ગયો હતો કે એણે વ્યકિતગત જીવનમાં ય જીવહિંસા ત્યાગ કર્યો હતો. એક સમય એવો હતો કે ત્યારે અકબર નિત્ય સવારના નાસ્તામાં ચકલાની જીભમાંથી બનાવેલ ચટણી સવાશેર પ્રમાણ આરોગતો હતો.  એ માટે પ્રતિદિન બહોળા પ્રમાણમાં ચકલાની હત્યા થતી. જગદ્ગુરુના સત્સંગ બાદ એણે સંપૂર્ણ અહિંસક બની જઈ અંગત જીવનમાં ય હિંસાનો સદંતર ત્યાગ કર્યો હતો.

અરે ! પ્રવાસના દિવસોમાં એક વાર બાદશાહની વિશાલ શમિયાણાના ઉપરના ભાગે પંખીએ માળો બાંધી ઇંડા મૂક્યા ત્યારે એની દયાથી- કરુણાથી પ્રેરાઈને બાદશાહે આદેશ આપ્યો કે ' જ્યાં સુધી પંખી જન્મીને ઉડવા માટે સશક્ત ન થાય ત્યાં સુધી આ શમિયાઓ યથાવત્ રાખજો.રે ! મુસ્લિમ શાસકની આ કેવી જીવદયા !! એ જગદ્ગુરુ હીરસૂરીશ્વરજી મ.ના. આત્મૌપમ્યને આભારી હતી.

અલબત્ત, એક વાત મંજુર છે કે આ હદે જીવદયાનું પ્રવર્તન વિશિષ્ટ પુણ્ય વિના શક્ય નથી. આપણી પાસે આવા વિશિષ્ટ પુણ્યની મૂડી નથી. માટે આવું જીવદયાપ્રવર્તન ભલે ન કરી શકીએ. કિંતુ વ્યકિતગત જીવનમાં જીવદયાનું ઉત્તમ પાલન યથાશક્ય જરૃર કરી શકીએ. હિંસાજન્ય સૌંદર્યપ્રસાધનોનો ત્યાગ- પ્રાણીજ ચરબીયુક્ત ખાદ્યપદાર્થોનો ત્યાગ- માંસા હારનું તો નામનિશાન જ નહિ- ચામડાની બનાવટની ચીજવસ્તુનો ત્યાગ- જીવરક્ષાની સાવધાની રૃપ જયણાનું શક્ય હદે પરિપાલન જીવરક્ષા- પાંજરાપોળ સહાય અને પૂર્વે દર્શાવ્યા તેવા જરૃરિયાતમંદોને ખાન-પાન- વસ્ત્ર દાનાદિ કૃત્યો દ્વારા વ્યકિતગતરૃપે જીવદયાનું પાલન કરી શકાય છે. છેલ્લે એક મજાની વાત: જીવદયા જૈનોની કુલદેવી છે, તો જયણા જૈનોની જીવનશૈલી છે.

Post Comments