Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શ્રી પુરુષોત્તમ માસ માંની 'કમલા-એકાદશી'

કમલા એકાદશીનું વ્રત, લક્ષ્મીજી આપણને હંમેશા શુભકાર્યો- સદાચારમાં સાથ આપતા રહે એવું પુરૃષાર્થી સત્કર્મોવાળું જીવન જીવવાનો આશીવાદ મળે, તેવો બોધ આપે છે.

ભગવાન પુરુષોત્ત- વિષ્ણુનાં ભગવતી લક્ષ્મીજીનું વૈદિક નામ 'શ્રી' છે. શ્રી એટલે સૌન્દર્ય અને સમૃધ્ધિની દેવી. તો વિષ્ણુ પત્ની લક્ષ્મીનું બીજું પ્રચલિત પૌરાણિક નામ ' કમલા' છે. કમલા એટલે કમળ, પુષ્પ પર બિરાજમાન.' વિષ્ણુ પુરાણમાં કથા છે કે દેવ- દાનવોએ જયારે સમુદ્ર મંથન કર્યુ, તો એમાંથી ખીલેલા કમળ પર બિરાજેલા શ્રી લક્ષ્મી દેવી એક હસ્ત- કમલમાં કુંભ તો બીજા હાથમાં કમળ-પુષ્પ સાથે પ્રગટ થયા.

તેમનાં પ્રાગટય સમયે મહર્ષિગણ સહર્ષ વૈદિક શ્રી સૂક્ત દ્વારા તેમની સ્તુતિ કરી. ગંધવોએ ગીતો ગાયા. દેવોએ લક્ષ્મીજીનું સુવર્ણ- કલશથી અભિષેક કર્યું. વિશ્વકર્માએ તેમને વિવિધ આભૂષણોથી શણગાર્યા. એ પછી શ્રી લક્ષ્મીજી સૌ દેવોનાં આશીર્વાદ સાથે શ્રી વિષ્ણુ પુરુષોત્તમ સાથે સંલગ્ન થયા.

પ્રાણીઓમાં જેમ વનરાજ શ્રેષ્ઠ છે. તેમ મહિનાઓમાં પુરુષોત્તમ  માસ ઉત્તમ છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે જણાવ્યું છે ને કે 'માસો માં હું પુરુષોત્તમ માસ છું.' એમાંય આ અધિક કહેવાતા મહિનામાં આવતી એકાદશીએ તો કમલા લક્ષ્મીજીનો મહિમા ગવાય છે. તે કમલા એકાદશી કે પદમીનિ એકાદશી તરીકે પણ ઓળખાય છે. આ દિવસ સ્નાન, વ્રત, ઉપવાસ, પૂજન અને નામ સ્મરણ કરવાનું વિદ્યાન છે.

આપણા ધર્મશાસ્ત્રોકારો એ એકાદશીએ વ્રત- નિયમનો અને પરમાત્માનાં પૂજન- અર્ચનનો મોટો મહિમા ગાયો છે. આ સદાચાર તો દેહ શુદ્ધિ, મન શુદ્ધિ, મનશાંતિ અને ઇન્દ્રિય સંયમ કેળવવાનાં ઉપાયો છે. મહર્ષિ પતંજલિએ પણ મનને શુદ્ધ અને સંયમિત કરવા માટેનાં યોગનાં આઠ પગથિયાં પૈકી પહેલા બે પગલાં 'યમ' એટલે કે સંયમ અને 'નિયમ' (સદાચારનાં) દર્શાવ્યા છે. દુરાચારમાંથી સદાચારનાં માર્ગે વળવામાં વ્રત- ઉપવાસ વગેરેના નીતિ- નિયમો ખુબ ઉપકારક બને છે.

બ્રહ્મ પુરાણમાં એક કથા વર્ણવેલી છે કે ઉજ્જૈન નગરીમાં શિવશર્મા નામના બ્રાહ્મણે પોતાના દુરાચારી પુત્રને ઘરથી બહાર કર્યો. તે પુત્ર ભૂખ્યો- તરસ્યો પ્રયાગ તીર્થ પહોંચી ગયો. ત્યાં ત્રિવેણીમાં નદી સ્નાન કર્યુ. ત્યારે તેને એક ઋષિનાં આશ્રમમાં ચાલતી પુરુષોત્તમમાસની કથા સંભળાઈ કથાના પ્રભાવથી તેણે ' કમલા- એકાદશીનું વ્રત કર્યું. તેની તપશ્ચર્યાથી દેવી લક્ષ્મીજી પ્રસન્ન થયા ને તેમણે સમૃધ્ધિનાં આશીર્વાદ આપ્યા. પિતાએ એને વધાવી લીધો. આમ ' કમલા- એકાદશીનું વ્રત સુખ- સમૃધ્ધિ આપનાર છે.

પદ્મપુરાણમાં કમલા- એકાદશી ને 'મોહની' એકાદશી કહી છે. એવી પણ પુરાણ કાળમાં કથા છે કે નિ:સંતાન રાણી પદ્મિનીએ માતા અનસૂયાના સૂચનથી ભગવાન પુરુષોત્તમનું પૂજન કર્યું અને તેમની કૃપાથી રાણીને કાર્તવીય નામના શૂરવીરપુત્રની પ્રાપ્તિ થઈ.

શ્રીકૃષ્ણ ભગવાને પણ મહાભારત કાળમાં યુધિષ્ઠિરને કમલા એકાદશીનું વ્રત કરાવેલું. તો ' વિષ્ણુપુરાણ'માં લક્ષ્મીજીને હંમેશા વિષ્ણુ ભગવાન સાથે સંલગ્ન,જગજનની, સર્વ જગ્યાએ હાજર એવા ગણાવ્યા છે. સર્વ નરપુરૃષો ભગવાન હરિ છે તો સર્વ સ્ત્રીત્વ તે લક્ષ્મી છે. લક્ષ્મીજી અને હરિ શ્રી, કમલા અને પુરુષોત્તમ તો આ જગતનાં માતા પિતા છે.

વિષ્ણુ ભગવાનને પૃથ્વી પર દશ અવતાર લીધા તો એમની સાથે બધા જન્મમાં લક્ષ્મીજી, વિષ્ણુને સાથ આપી. તેમનાં શુભકાર્યોમાં સંલગ્ન રહ્યા. ઋગ્વેદનું ' શ્રી સૂક્ત' ખૂબ પ્રખ્યાત છે. એના પાઠોનું મોટું મહત્વ છે. એમાં લક્ષ્મી દેવીને બ્રહ્મસ્વરૃપિણી, સૌન્દર્યવાન, સુવર્ણમયી , કમલાવાસિની તરીકે વર્ણવ્યા છે, જે સર્વભક્તોની મનોકામના પૂર્ણ કરનાર છે.

કમલા એકાદશીનું વ્રત, લક્ષ્મીજી આપણને હંમેશા શુભકાર્યો- સદાચારમાં સાથ આપતા રહે એવું પુરૃષાર્થી સત્કર્મોવાળું જીવન જીવવાનો આશીવાદ મળે, તેવો બોધ આપે છે.

ભગવાન શ્રી પુરુષોત્તમ અને એમનાં ભગવતી કમલા લક્ષ્મીજીને આ અધિક પુરુષોત્તમ માસમાં સ્મરણ કરીને પ્રણામ કરીએ.

- પરેશ અંતાણી

Post Comments