Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સિનેમેજિક - અજિત પોપટ

માંડ બે-અઢી આંગળીના વેઢે ગણાય એટલી ફિલ્મો કરી એવા આ સંગીતકારને મળીએ ?

પ્રતિભા પારાવાર હોય, પુરુષાર્થ કરવામાં પણ પાછી પાની કદી કરી ન હોય. પરંતુ પ્રારબ્ધે સાથ ન આપ્યો હોય એવા કેટલાક સંગીતકારોની વાતો આપણે છેલ્લાં દોઢ બે વર્ષથી કરીએ છીએ. આજે પણ એવા એક સંગીતકારની વાત શરૃ કરવી છે. આરંભે થોડી દ્વિધા હતી, કારણ શું કે આ માણસે બે ત્રણ આંગળીના વેઢે માંડ માંડ ગણી શકાય એટલી ફિલ્મો કરી છે. એટલે એમના વિશે લખવું કે ન લખવું એ પ્રશ્ન સતાવતો રહ્યો. પછી થયું કે ના ના, લખવું તો જોઇએ.

આપણે ઘણીવાર નથી કહેતા કે કે. આસિફે માત્ર મુઘલે આઝમ બનાવી હોત તોય ઘણંુ હતું, મહેબૂબ ખાનને યાદ રાખવા માટે મધર ઇન્ડિયા ઇનફ છે, રમેશ સિપ્પી એટલે પેલા શોલેવાળા જ ને ? આમે ટોચના સર્જકો એમની સૌથી યાદગાર કૃતિથી ઓળખાતા હોય તો એ હરોળમાં આવતા સંગીતકારને કેમ વિસરાય ? આ થયો એક મુદ્દો.

નંબર બે, ઉસ્તાદ અલ્લારખ્ખા દેશના ટોચના તબલાંવાદક હતા. છતાં ૧૯૫૦ના દાયકામાં એમણે પણ થોડીક ફિલ્મોમાં સંગીતકાર તરીકે સેવા આપેલી. એ જ રીતે સિતાર સમ્રાટ પંડિત રવિશંકર કે સરોદનવાઝ ઉસ્તાદ અલી અકબર ખાને પણ ફિલ્મોમાં ભાગ્ય અજમાવેલું.

શંકર જયકિસનના રિધમિસ્ટ દત્તારામ વાડકરના નામનો તો તબલાં ઢોલકનો ખાસ દત્તુ ઠેકો પંકાઇ ગયો, નહીં તો એ સમયે તો લાલા સતાર, અબ્દુલ કરીમ, પંડિત સામતા પ્રસાદ, શ્રીકાંત વલવણકર વગેરે ઘણા રિધમ પ્લેયર્સ હતા. સંગીતકાર નૌશાદ સાહેબે ઝંડે ખાનના હાર્મોનિયમ વાદક તરીકે કામ શરૃ કરેલું. રવિ અને કલ્યાણજીભાઇએ હેમંતકુમારના સહાયકો તરીકે કામ શરૃ કરેલું. તો લક્ષ્મીકાંત પ્યારેલાલે કલ્યાણજી આણંદજીના સહાયક તરીકે કારકિર્દી શરૃ કરેલી.

મરાઠી ભાષાંનાં યાદગાર માછી ગીતો માટે પંકાયેલા દત્તા ડાવજેકર સી રામચંદ્રના સહાયક હતા. ટૂંકમાં કહેવાનો આશય એ કે પાછળથી ટોચના ગણાતા થયેલા મોટા ભાગના સંગીતકારોએ આરંભે સાજિંદા કે સહાયક તરીકે કામ શરૃ કરેલું.  પરંતુ એકવાર તક મળી કે તરત એમની પ્રતિભા પ્રગટ થઇ.

કોઇ સંગીતકારે મ્યુઝિક એરેંજર તરીકે કામ કરતાં કરતાં પોતાના સાજની કમાલ દેખાડી હતી. એવા સંગીતકારોમાં ઉત્તમ સિંઘ, અનિલ મોહિલે, મનોહારી સિંઘ અને રામલાલનો સમાવેશ કરી શકાય. પંચમને તો મહાપ્રતાપી પિતા એસ ડી બર્મનની સાથે કામ કરતાં કરતાં સ્વતંત્ર સંગીતકાર તરીકે આગળ વધવાની તક મળી હતી. આ સૌ સંગીતકારોમાં રિધમ-પર્કશન્સના નિપુણ હોય એવા દત્તારામ સરખા ઘણા કલાકારો સંગીત સર્જન સાથે સંકળાયેલા હતા.

ચોવીસે કલાક સતત જે કામમાં આકંઠ ડૂબેલા રહેતા હોય એવા સાજિંદા માટે આવું બનવું સાવ સહજ ગણાય.પંડિત શિવકુમાર શર્મા અને પંડિત હરિપ્રસાદ ચૌરસિયાએ કેટલી બધી ફિલ્મોમાં પોતાના સાજનો જાદુ પ્રગટ કર્યો હતો ! પછી તક મળી તો સ્વતંત્ર સંગીતકાર પણ થયા.

જે સંગીતકારની વાત કરવી છે એ પણ એક ટોચના સંગીતકાર સાથે પર્કશન્સ આર્ટિસ્ટ હતા. માસ્ટરજી તરીકે ઓળખાતા અને પંજાબની ધરતીની મહેંક ફિલ્મ સંગીતમાં લાવેલા ગુલામ હૈદરની જેમ ઔર એક સંગીતકારે પણ પંજાબની માટી સાથે પોતાના ખાસ ઠેકા દ્વારા આગવું સંગીત વિકસાવ્યું અને જબરદસ્ત નામના મેળવી.

એમની સાથે ઢોલક પર વિશિષ્ટ ઠેકો આપતા આ રિધમિસ્ટે પાછળથી સંખ્યાની દ્રષ્ટિએ બહુ જ ઓછી અને એ પણ ભૌતિક સફળતાની દ્રષ્ટિએ બી કે સી ગ્રેડની ગણાય એવી ફિલ્મોમાં સંગીત આપ્યું. પણ એ સંગીતે ધમાકો બોલાવી દીધો. પોતે જેમની સાથે સહાયક તરીકે કામ કર્યું એમની શૈલીમાં પોતાના લયનો પ્રભાવ ઉમેરીને એમણે એવું સંગીત આપ્યું કે સાંભળનારા આજે પણ ડોલી ઊઠે.

પરંતુ વેઇટ અ મિનિટ, અગાઉ કહ્યું એમ પ્રારબ્ધ સાથ આપે તો જ ટોચના કલાકારો સાથે ગણના થાય. ત્યાં સુધી તો ચીંથરે વીંટયા રતનની જેમ આજીવન સંઘર્ષ કરતાં રહેા. બી-સી ગ્રેડના સંગીતકારનું તિલક કપાળે લઇને ફર્યા કરો.એમાંય જે સંગીતકારની વાત બે ત્રણ એપિસોડમાં કરવાની ઇચ્છા છે એમને તો સંખ્યાની દ્રષ્ટિએ હંસરાજ બહલ કે સોનીક ઓમી જેટલીય ફિલ્મો ન મળી.

પરંતુ એ ન તો હતાશ થયા કે ન તો શરાબને રવાડે ચડીને ખુવાર થયા. હું આવા ખમીરવાન સર્જકોને આજીવન યોદ્ધા તરીકે બિરદાવું છું. સતત લડતા રહ્યા, ન પરાજિત થયા, ન હાર સ્વીકારી, ન હતાશ થયા કે ન વ્યસનબદ્ધ થયા. એમને આપણે સલામ ન કરીએ તો નગુણા ગણાઇએ. આવતા શુક્રવારથી એમની વાતો કરીશું.
 

Post Comments