Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સિનેમેજિક - અજિત પોપટ

હીરો ભલે દારા સિંઘ હતા, ખરો હીરો ફિલ્મનું સંગીત હતું

ફિલ્મ સંગીત વિશે લખતા કેટલાક મિત્રો ક્યારેક રમૂજી લાગે એેવું વિધાન કરી નાખતા હોય છે. એક સમકાલીને લખ્યું, જી એસ કોહલીએ સ્વરબદ્ધ કરેલાં ગીતો સાંભળતાં એવી કલ્પના કરી શકાય કે ઓ પી નય્યર માટે લતાજીએ ગાયું હોત તો કેવાં ગીતો હોત... આ વિધાન માત્ર રમૂજી નહીં, વાહિયાત છે.

કોહલી ઓ પી નય્યરના સહાયક હતા અને ખુદ નય્યરનાં નામે ચડી ગયેલાં બે પાંચ હિટ ગીતો કદાચ કોહલીએ સ્વરબદ્ધ કર્યાં હોય તો પણ એમની વાત કરતી વખતે લતાજી અને ઓ પી નય્યરને સાથે લાવવાનો શો અર્થ ? ઓ પી નય્યરની પહેલી ફિલ્મથી જ એમના મનમાં લતાજી માટે જે અણગમો કે પૂર્વગ્રહ રચાઇ ગયો એ પછી આ વાત કરવાનો કશો અર્થ રહેતો નથી.

બીજું કે ઓ પી નય્યરની શૈલીની તમે માત્ર કોપી કરી શકો, સો એ સો ટકા એને તમારા સર્જનમાં ઊતારી શકો નહીં. તો તો પછી ટોચના તમામ સંગીતકારોના સહાયકો પોતાના બોસ જેવા ટોચના સંગીતકાર બની શક્યા હોત.

ખેર, દરેકને પોતાનો અભિપ્રાય ધરાવવાનો અને વ્યક્ત કરવાનો અધિકાર છે. આપણે આગળ વધીએ. દરેક દાયકે કેટલીક હિટ વાર્તા રિપિટ થતી રહે છે. જોડકા ભાઇઓ, સંપત્તિ માટેની ખટપટ, પ્રણય ત્રિકોણ વગેરે વિષયો રિપિટ થયા છે. એવી એક કથા લઇને ફઇલ્મ સર્જક મુહમ્મદ હુસૈને ૧૯૬૩માં એક ફિલ્મ બનાવી હતી. નિર્માતા વિનોદ દોશીની આ ફિલ્મ સાથે લેખક અને ગીતકાર તરીકે મુલ્કરાજ ભાકરી અને ગીતકાર ફારુખ કૈસર સંકળાયેલા હતા.

ભવિષ્યવાણી એવી હતી કે અમુક મહિલાની કૂખે જન્મનારું બાળક ૧૮ વર્ષની વયે હાલના રાજાની હત્યા કરશે. એટલે નવજાત બાળકને એની માતા એેક ટોપલીમાં મૂકીને નદીમાં વહાવી દે છે. કુંતી અને કર્ણ તથા કંસ અને ભગવાન કૃષ્ણની કથાના કમજોર મિશ્રણ સમી આ ફિલ્મના હીરો કુસ્તીબાજ દારા સિંઘ હતા. હીરોઇન તરીકે પાછળથી ટોચની બની ગયેલી મૂમતાઝ હતી. અન્ય કલાકારોમાં કમલ મહેરા, રત્નમાલા, મીનુ મૂમતાઝ અને રણધીર હતાં. 

આ ફિલ્મના મોટા ભાગનાં ગીતો આશા ભોંસલેને મળેલા. સોગન ખાવા પૂરતીય અન્ય કોઇ ગાયિકાને તક મળી નહોતી. મુહમ્મદ રફીનું માત્ર એક ગીત હતું. એનું કારણ કદાચ એ હશે કે દારા સિંઘને હજુ ગીત સાથે લીપ સિંક્રોનાઇઝીંગ ફાવ્યું નહોતું. એક્ટિંગ પૂરી ફાવી નહોતી તો ગીત ગાવાનું ક્યાંથી રાતોરાત ફાવી જાય ?
આશાજીએ તો ખરેખર કમાલ કરી હતી.

એમનાં આ ફિલ્મનાં લગભગ બધાં ગીતોએ સંગીત રસિકો પર જાદુ કર્યો હતો. ગયા શુક્રવારે કહેલું એમ કેટલાક લોકો એવું માનતા થયા હતા કે શિકારી અને ફૌલાદ આ બે ફિલ્મોમાં જી એસ કોહલીની સર્જન શક્તિની પરાકાષ્ઠા હતી. આ માન્યતા સાથે સંમત થવું જરૃરી નથી. કારણ કે ત્યારબાદ પણ કોહલીએ સરસ સંગીત સાથે કેટલીક ફિલ્મો આપેલી. એમના દુર્ભાગ્યે એ ફિલ્મો બી અને સી ગ્રેડની નીકળી એ જુદી વાત છે.

'ઓ મતવાલે સાજના, છલક ગયા મેરા પ્યાર, દિલ ધડકે મૈં ક્યા કરું, હુઆ યહ પહલી બાર, ઓ મતવાલે સાજના...' આશાજીના કંઠે ખાસ્સું ગાજ્યું. ગણેશોત્સવ જેવા પર્વો પર મુંબઇની ગલી ગલીમાં આ ગીતે ધૂમ મચાવી હતી. કેટલાક સ્થળે યોજાએલા સ્ટેજ શોમાં આઠ દસ વર્ષની બાળકીઓ રેકર્ડ ડાન્સ કરતી ત્યારે આવાં ગીતો બહુ કામમાં આવતાં. એવુંજ મસ્તીભર્યું ગીત આશાજીના ફાળે બીજું આવેલું.

અહીં એક આડવાત. ક્યારેક આ લખનારને એવું લાગ્યું છે કે સંગીતકાર તરીકે કોહલીને કેટલીક વાર જોડકણાં જેવાં ગીતો મળ્યાં હતાં. આવાં ગીતોનો ગૂઢાર્થ શોધવા બેસીએ તો ચક્કર આવી જાય. દાખલા તરીકે આ ગીત જુઓ- 'પાંવ મેં ઝાંઝર, ઝાંઝર મેં ઘુંઘરું, ઘુંઘરું મેં નગમે છુમ છુમ કે, તેરી ઝાંઝર કે સદ કે જાન જાની, ઓયે ઓયે....' પરંતુ આંખ બંધ કરીને માત્ર એનાં તર્જ લય માણો તો મોજ પડી જાય.

આ બંને ગીતોની તુલનાએ અંજાનની આ રચના શબ્દો અને અર્થ બંને દ્રષ્ટિએ સરસ હતી. એ પણ આશાજીના કંઠે જ રજૂ થઇ. 'જાને જાના યું ન દેખો આજ નફરત સે મુઝે, ક્યા કરોગે કલ અગર મુઝ સે મુહબ્બત હો ગયી...' શબ્દો અને સ્વર બંને દૂધમાં ખાંડ ભળે એમ એકમેકમાં વિલીન થઇ જાય ત્યારે સાંભળનારને અનેરો આનંદ આવતો હોય છે.

એ દ્રષ્ટિએ પણ જી એસ કોહલીને બિરદાવવા પડે. ફિલ્મો ભલે બી-સી ગ્રેડની કે છેક ઝેડ ગ્રેડની હોય, કોહલીએ કદી પોતાના કામનું સ્ટાન્ડર્ડ હલકું કર્યું નહીં. જો કે એમ કરવા પાછળ ઔર એક કારણ છે. સીમાડા સાચવતા જવાનો માટે વિવિધ ભારતી પર રજૂ થતા જયમાલા પ્રોગ્રામમાં કોહલીજીએ કહેલું, ફિલ્મ કોની છે, કેવી છે, એને સમીક્ષકો અને ટ્રેડ પંડિતો કેવી ગણે છે એ મારા રસનો વિષય નહોતો. હું તો એ જોતો કે મને પોત્તાને મારા સર્જનમાં કેટલો આનંદ અને સંતોષ મળે છે...                                          

(કમશઃ)
 

Post Comments