Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વર્લ્ડ સિનેમા - લલિત ખંભાયતા

- વોલ્વેર : કાલ્પનિક અને વાસ્તવિક પ્રેતાત્મા વચ્ચે ફસાયેલી મહિલા

બે કલાકની આ સ્પેનિશ ફિલ્મ એક મહિલાની હિંમત, લાગણી, પીડા.. બધું રજૂ કરે છે. ફિલ્મમાં થોડી વાર્તા ભૂતની છે, તો વધુ વાત જેનું વર્તન ભૂત-પ્રેતથી પણ બદતર છે ગુનેગાર વ્યક્તિની છે. આખી ફિલ્મમાં મહિલા કલાકારોની જ બોલબાલા છે

સ્પેનના પાટનગર મેડ્રિડમાં રહેતી રૈમુંડા મધ્યમવર્ગની ગૃહિણી છે. કામ ઓછું અને દારુનું સેવન વધુ કરવાની ટેવને કારણે તેના પતિ પાકોએ નોકરી ગુમાવી દીધી છે. ઘર ચલાવવા રૈમુંડા પોતે રેસ્ટોરામાં કામ કરે છે. રૈમુંડાને ૧૪ વર્ષની દીકરી પણ છે, પૌલા. મેડ્રિડમાં જ રૈમુંડાની બહેન સોલ્ડેડ (સોલ) પણ રહે છે. સોલ્ડેડ સાવ એકલી રહે છે અને બ્યુટીપાર્લરનું કામ કરે છે.

એક દિવસ રૈમુંડા-સોલ-પૌલા ત્રણેય પોતાના વતનમાં પહોંચ્યા. ગામમાં રસ્તાના કાંઠે બન્ને તરફ ડેલીબંધ મકાન ગોઠવાયેલા છે. એક મકાન રૈમુંડાનું છે. મેદાની પ્રદેશ ધરાવતા આ વિસ્તારમાં ઘણી વખત જંગલની આગ લાગતી રહે છે. અહીં તેજ પવન ફૂંકાય છે એટલે મોટી મોટી પવનચક્કીઓ પણ ફીટ થઈ છે. ૩ વર્ષ પહેલા લાગેલી એક આગમાં રૈમુંડાના માતા-પિતા મૃત્યુ પામ્યાં હતાં. શહેરી જીવનમાંથી સમય મળે ત્યારે બન્ને બહેનો ગામડે આવીને માતા-પિતાની કબર પર ફૂલ ચડાવી જતી હતી.

બન્ને બહેનોના પૈલા નામના માસી આ ગામમાં રહેતા હતા, એ પણ સાવ એકલા. માસી વૃદ્ધ થયા હતાં, જાડાં કાચનાં ચશ્માં પહેરે ત્યારે માંડ જરા-તરા જોઈ શકતાં હતાં. બધાને અચરજ થતું હતુ કે પૌલા માસી કઈ રીતે આ ઉંમરે પણ પોતાનું કામ કરી શકતાં હશે? માસીની બાજુમાં ઓગસ્ટીન નામની મહિલા રહેતી હતી. ગામડે આવ્યાં એટલે બન્ને પડોશી ઓગસ્ટીનને ત્યાં ચા-પાણી માટે પણ ગયા.

ઓગસ્ટીન બરાબર પડોશી ધર્મ નિભાવતા હતા અને પૌલા માસીને જોઈએ એ બધી મદદ કરતાં હતાં. રૈમુંડા-સોલ સાથે વાત કરતાં ઓગસ્ટીને કહ્યું કે પૌલા માસી ઘરમાં તમારી મૃતક માતા ઈરીના સાથે વાત કરતાં હોય એવુ મને ઘણી વખત લાગે છે. એટલે કે ઈરીનાનું ભૂત એ ઘરમાં રહે છે! અગાઉ ઓગસ્ટીનના માતા પણ ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા છે એટલે એ પણ એકલી જ છે.

મેડ્રિડ પરત ફરી બધા પોતાને કામે લાગી ગયા. એક સાંજે કામ પતાવીને રૈમુંડા પરત આવી ત્યારે દીકરી પૌલા ઘરની બહાર ઉભી હતી, ડરેલી હતી. અત્યારે બહાર શું કરે છે.. વગેરે સવાલ કરી રૈમુંડાએ પૌલાને ખખડાવી પણ ખરાં. પરંતુ પછી કંઈક ગરબડ છે એવુ લાગતા તેણે પૂછ્યું કે શું થયું? હકીકતે એવુ થયું હતુ કે રૈમુંડાની ગેરહાજરીમાં પૌલાના સાવકા પિતાએ તેના પર નજર બગાડી હતી. એમાં બબાલ થઈ અને પૌલાએ પોતાના સાવકા પિતાનું ખૂન કરી નાખ્યું. એ પછી એ ઘરની બહાર જ ઉભી હતી. પતિના મોત કરતાં દીકરીનું શીયળ બચી ગયું, તેનો રૈમુંડાને હાશકારો હતો.

ઘરમાં પડેલી લાશનું શું કરવું? લાંબો વિચાર કરે એ પહેલા ડોરબેલ વાગી. પડોશમાં રેસ્ટોરાં ચલાવતો એમિલો આવ્યો હતો. એમિલોએ રૈમુંડાને કહ્યું કે હું બહાર જાવ છું. આ રહી રેસ્ટોરાંની ચાવી.. એ ભાડે આપી દેવાની છે. જો કોઈ જોવા આવે તો તું એને બતાવજે. એમિલો એટલું કહી રવાના થયો. એ જ દિવસે ગામડે પૌલા માસીનું નિધન થયાનો ફોન આવ્યો. રૈમુંડાએ બહેન સોલને કહી દીધું કે અંતિમવિધિ તુું જઈને પતાવી દેજે, મારાથી નથી આવી શકાય એમ!

ખાલી પડેલી રેસ્ટોરામાં એક મોટું ફ્રીજ હતું. રૈમુંડાએ દીકરીની મદદથી લાશ કોથળામાં પેક કરી, રાતે ફ્રીજમાં ગોઠવી દીધી. આમેય રેસ્ટોરાં ઘણા દિવસ સુધી ખાલી રહેવાની હતી. રેસ્ટોરાંનો દરવાજો ખુલ્લો જોઈ એક યુવાન ત્યાં આવ્યો. રૈમુંડા પહેલા તો અચાનક તેને જોઈ ડરી ગઈ.. પણ પછી વાત-ચીતમાં યુવાને કહ્યું કે અમારે ૩૦ વ્યક્તિ માટે ભોજનની જરૃર છે, એની તપાસ કરવા હું રેસ્ટોરામાં આવ્યો હતો. પતિની લાશ ફ્રીજમાં હતી તો પણ રૈમુંડાએ જરાય સ્વસ્થતા ગુમાવી ન હતી. તેને પૈસાની બહુ જરૃર હતી. માટે ૩૦ વ્યક્તિના ભોજનનો કોન્ટ્રાક્ટ લઈ લીધો. ૩૦ વ્યક્તિ માટે સીધું-સામાન લેવાના પૈસા પણ રૈમુંડા પાસે ન હતા, પણ તેણે પડોશી સ્ત્રીઓ પાસેથી મેળ કરી લીધો.

આ તરફ ગામડેથી અંતિમવિધિ પતાવીને સોલ પરત આવી ત્યારે ગાડીમાંથી અવાજ આવ્યો : 'બેેટા હું તારી મા ઈરીના છું, મને બહાર કાઢ!' આગમાં બળી ગયા પછી ઈરીના ભૂત થઈને ફરે છે એ વાત સાચી છે કે શું? ડરતાં ડરતાં સોલે ગાડીનો દરવાજો ખોલ્યો, તેમાંથી પોતાની માતા આખી બહાર નીકળી અથવા તેનું ભૂત બહાર આવ્યું.

સોલને કહ્યું કે જરા પણ ચિંતા કરીશ નહીં, હું તને કંઈ કરવાની નથી. સોલ પોતાની માતાનાં ભૂતને ઘરમાં લઈ ગઈ. ઈરીના હવે અહીં જ રહેશે એવુ પણ નક્કી થયું. સોલે તેને નકલી ઓળખ આપી દીધી. જો કોઈ મહિલાઓ બ્યુટી પાર્લરમાં આવે તેને સોલ એમ કહેતી હતી કે આ રશિયન મહિલા મને અનાથ હાલતમાં મળી, માટે મેં મદદ કરવા રાખી લીધી છે.

લાશને કાયમી ધોરણે ઠેકાણે પાડવા માટે એક રાતે આખું ફ્રીજ પેક કરી ગાડીમાં ચડાવ્યું. મદદ કરવા માટે પડોશી મહિલા સાથે હતી, જેને રૈમુંડાએ રોજ ડ્રિંક પુરું પાડવાનું હતું. એટલે તેણે ફ્રીજ વિશે કોઈ સવાલ ન કર્યો. દૂર નદી કાંઠે જઈ ખાડો ખોદી ફ્રીજ દફનાવી દેવાયું. નદીકાંઠાનો એ વિસ્તાર પાકોને ઘણો ગમતો હતો.

હવે તો એમિલોની ગેરહાજરીમાં રૈમુંડા જ રેસ્ટોરાં ચલાવતી હતી. પોતાના ઘરનું ફ્રીજ લઈ જઈ ત્યાં ગોઠવી દીધું હતું. એમિલોનો ફોન આવ્યો ત્યારે બન્ને વચ્ચે રેસ્ટોરાં મુદ્દે થોડી માથાકૂટ પણ થઈ. એક દિવસ અચાનક ઓગસ્ટિના ગામડેથી રેસ્ટોરાં આવી પહોંચી. તેણે એકાંતમાં લઈ જઈને રૈમુંડાને વાત કરી, 'કે તારા પિતા અને મારી માતા વચ્ચે અનૈતિક સબંધો હતા.

બીજું કે મારી (ઓગસ્ટિનની) માતા એ દિવસથી જ ગુમ થઈ છે, જે દિવસે આગ લાગવાથી તારા (રૈમુંડાના) માતા-પિતાનું મોત થયું હતું!' પહેલા તો રૈમુંડાને વાત પાગલ જેવી લાગી, પણ ઓગસ્ટિનને કેન્સર થયું હતું. તેની પાસે હવે ખોટું બોલવાનું કોઈ કારણ ન હતું. ઓગસ્ટીને રૈમુંડાને એક સવાલ પણ કર્યો કે તારી માતા ઈરીનાનું ભૂત જ્યાં-ત્યાં ભટકતું હોવાનું કહેવાય છે અને ઘણા લોકોએ તેને જોયું છે એ વિશે તારું શું કહેવું છે? રૈમુંડાને એ વિશે કશી ખબર ન હતી.

સોલના ઘરે આવન-જાવન દરમિયાન પહેલા પૌલાને અને પછી રૈમુંડાને ખબર પડી કે માતા ઈરીનાનું ભૂત અહીં જ રહે છે. રશિયન મહિલાએ બીજું કોઈ નહીં માતા છે. જ્યારે રૈમુંડા કે બીજુ કોઈ ઓળખીતું આવે ત્યારે ઈરીના કબાટમાં કે પલંગ નીચે સંતાઈ જતી હતી. રૈમુંડા પોતાની માતાને મળી ત્યારે એ પણ ખબર પડી કે એ ભૂત નથી, એ જીવે છે! આગમાં મૃત્યુ પામેલા બે વ્યક્તિમાં મહિલા ઓગસ્ટિનની માતા હતી!

મા-દીકરી વચ્ચે વર્ષો સુધી લાગણીનું અંતર રહ્યું હતું, એ હવે ભૂંસાયુ. સાથે સાથે શા માટે અંતર રહ્યું હતુ, શા માટે રૈમુંડા પોતાની માતા ઈરીનાથી દૂર રહેતી હતી, તેનું રહસ્ય પણ ઉકેલાયું. એક વખત રૈમુંડાની દીકરી પૌલાએ પૂછ્યું હતું કે પાકો મારા પિતા નથી તો કોણ છે? ત્યારે રૈમુંડાએ તેનો જવાબ આપ્યો ન હતો.. એ રહસ્ય પણ છેવટે ખુલ્યું. ફિલ્મના નામ 'વોલ્વેર'નો મતલબ 'ઘરે પાછા ફરવું' એવો થાય છે અને છેવટે સ્થિતિ પણ એવી જ સર્જાય છે.
    
આખી ફિલ્મમાં મહિલાઓ જ કેન્દ્રમાં છે. મહિલાઓ ભેગી થઈને વાતો કરે અને વાર્તા આગળ વધારે છે. ખૂન-ખરાબા થતાં હોવા છતાં ફિલ્મમાં ક્યાંય તેની ગંભીરતા આવતી નથી. હકીકતે આખી ફિલ્મ રૈમુંડાની પીડા, લાગણી અને બહાદુરી દર્શાવે છે. 'એકેડમી એવૉર્ડ' સુધી પહોંચેલી આ ફિલ્મ ૨૦૦૬ના 'કાન્સ ફેસ્ટીવલ'માં પણ ખુબ વખણાઈ હતી. સ્પેનિશ રીત-રીવાજ, ગ્રામ્ય અને શહેરી જીવન પણ આ ફિલ્મમાં જોવા મળે છે, કેમ કે ફિલ્મના ડિરેક્ટર પેડ્રો સ્પેનિશ કલ્ચર રજૂ કરવા માટે દુનિયાભરમાં જાણીતા થયા છે.

ડિરેક્ટર પેડ્રો અલ્મોડવાર
લંબાઈ ૧૨૧ મિનિટ
રિલિઝ માર્ચ, ૨૦૦૬
કલાકારો
પેનેલોપી ક્રૂઝ, કારમેન મૌરા, લૌલા ડનેસ, બ્લાન્કા પોર્ટિલો, યોહાના કોબો

Post Comments