Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વર્લ્ડ સિનેમા-લલિત ખંભાયતા

ફૂલ આઉટ: પગમાં લોખંડનો સળિયો, આંખમાં ઑલિમ્પિકનું સપનું!

આરિઆના બર્લિનની ગણતરી અમેરિકાની સર્વોત્તમ જીમ્નાસ્ટમાં થાય છે. પણ અંગકસરતની ખેલાડી બનતા પહેલા તેણે કેવો સંઘર્ષ કરવો પડયો હતો તેની અદ્ભૂત પ્રેરણાદાયી કથા આ ફિલ્મમાં દર્શાવાઈ છે.

૧૪ વર્ષની આરિઆના કેલિફોર્નિયામાં જીમ્નાસ્ટિકની તાલિમ લઈ રહી છે. 'યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા લોસ એન્જલસ (યુસીએલએ)'ની જીમ્નાસ્ટિક સ્પર્ધા બહુ પ્રતિષ્ઠીત છે. તેમાં સ્થાન મેળવવું એ કોઈ પણ જીમ્નાસ્ટનું સપનું હોય જ છે, આરિઆનાનું પણ હતું. યુસીએલએની મહિલા ટીમને કોચિંગ આપવાનું કામ વેલરી કોન્ડોસ ફિલ્ડ કરતાં હતાં. એ મહિલાની આગેવાનીમાં જ યુસીએલએની જીમ્નાસ્ટિક ટીમ અમેરિકામાં ૬ વખત વિજેતા બની ચૂકી હતી. હવે વધુ એક ટીમની તૈયારી ચાલતી હતી અને આગળ જતાં એ ટીમ ઑલિમ્પિક સુધી પણ પહોંચી શકે એમ હતી. આરિઆના તેનો ભાગ બનવા માંગતી હતી.

આરિઆના સાથે તેની ખાસ બહેનપણી આઈલા સ્ટેપોન્ચેવ પણ હતી. એ પણ અંગકસરતમાં ખાસ્સી નિપૂણ હતી, પરંતુ તેનો સ્કૉર આરિઆના કરતાં જરા ઓછો થતો હતો. પાઈપ પર લટકીને ગોળ ફરવું, ઊંચા-નીચા થવું, હવામાં ઊડતાં જ શરીરને વળાંક આપવા, જમીન પર પગ મૂકતી વખતે શરીર સ્થિર રાખવું, શક્ય એટલી વધુ ગુલાંટ મારવી.. એવી પ્રેક્ટિસ સતત ચાલતી રહેતી હતી. એક દિવસ પ્રાથમિક ટેસ્ટ લેવાઈ. તેમાં આરિઆના-આઈલા બન્નેએ સરસ પરફોર્મન્સ આપ્યું. એ સ્પર્ધાનું પરિણામ થોડા દિવસ પછી આવવાનું હતું.
આરિઆનાની માતાએ આગ્રહ કરીને શોપિંગ માટે પોતાની સાથે લીધી. સતત પ્રેક્ટિસ કરતી દીકરીને થોડો બ્રેક મળે એવો માતાનો ઈરાદો હતો. પણ રસ્તામાં કારને અકસ્માત નડયો, માતાને ખાસ વાંધો ન આવ્યો, આરિઆનાનો એક પગ ભાંગી ગયો. ડૉક્ટરોએ સળિયો નાખીને પગ સાંધી આપ્યો, પરંતુ આરિઆનાની આંખમાં જે ઑલિમ્પિકનું સપનું હતુ એ હવે પાટાપિંડીમાં દબાઈ ગયુ હતું.

ઑપરેશન થયા પછી રોજ રોજ કસરત કરીને આરિઆના ફરી ચાલવાની પ્રેક્ટિસ કરી રહી હતી. ૧૪-૧૫ વર્ષની આંખોમાં અનેક સપનાં જોતી, ભાગ્યે જ પગ વાળીને બેસતી, સૌ કોઈ સાથે મીઠો સબંધ ધરાવતી આરિઆના માટે એ અત્યંત કપરો સમય હતો. ત્યાં સુધીમાં તેની બહેનપણી આઈલા ઑલિમ્પિક સુધી પહોંચી ગઈ હતી, એટલે આરિઆનાને વધારે દર્દ થયું. એ વખતે તેની મુલાકાત કસરત કરાવતી યુવતી મિશેલ સાથે થઈ. મિશેલ કસરત કરાવતી હતી અને ડાન્સની શોખીન હતી. આરિઆના સાથે તેની મૈત્રી થઈ ગઈ એટલે મિશેલ તેને પોતાની સાથે લઈ ગઈ.

મિશેલ અને તેના મિત્રો મળીને એક વર્કશોપમાં વિવિધ પ્રકારના ડાન્સ શીખતા હતા. 'સાઉલ ફ્લો' નામે ટીમ બનાવી, ડાન્સ કરીને યુટયુબ પર મુકતા હતા. તેમની ઈચ્છા મોટી સંખ્યામાં દર્શકો મેળવવાની અને યુટયુબ પર હિટ્સની સંખ્યા લાખોમાં પહોંચાડવી હતી. મિશેલે આરિઆનાને કહ્યું કે તને અંગકસરત આવડે છે અને અમને ડાન્સ. પણ તું કસરતના સ્ટેપ્સ અમને શિખવાડે તો અમે નવા પ્રકારનો ડાન્સ તૈયાર કરી શકીએ. કેમ કે અમારે એક સ્પર્ધામાં ભાગ લેવો છે. એ માટે અફલાતૂન ડાન્સ કરવો અનિવાર્ય છે.

નિરાશ થઈ ચૂકેલી આરિઆનાને નવી તક દેખાઈ અને તેણે ઝડપી લીધી. ધીમે ધીમે એ ચાલતી થઈ, પછી દોડતી થઈ અને પછી મિશેલના ગૂ્રપ સાથે ડાન્સ કરતી થઈ. આરિઆના કાખઘોડી લઈને ચાલતી હતી, એટલે શરૃઆતમાં તેને જોઈને કોઈને લાગતું નહી કે આ કંઈ કરી શકશે. પરંતુ આરિઆનાએ સફળ થવા મનોમન ગાંઠ વાળી લીધી હતી અને એ દિશામાં કામગીરી શરૃ કરી દીધી હતી.

બીજી તરફ યુસીએલએમાં ફરીથી વેલરી કોન્ડોસ નવી ટીમ પસંદ કરી રહ્યાં હતા. હવે ચાલી-દોડી શકતી આરિઆનાએ ફરીથી સ્પર્ધામાં ભાગ લેવાની તૈયારી કરી. વેલરીને શરૃઆતમાં તો મજાક લાગી, કેમ કે પગમાં સળિયો હોય એ યુવતી કઈ રીતે બાર-પંદર ફીટ ઊંચા-નીચા કૂદકા મારી શકે? પરંતુ આરિઆનાએ પ્રાથમિક ટેસ્ટમાં પાસ થઈ બતાવ્યું. માટે વેલરીએ તેને પણ સંભવિત ટીમમાં શામેલ કરી લીધી.

થોડા સમય પહેલા જેનો પગ માંડ માંડ મંડાતો હતો એ આરિઆનાએ એક સાથે બે ઘોડા પર સવારી શરૃ કરી, એક તરફ ડાન્સ પ્રેક્ટિસ, બીજી તરફ જીમ્નાસ્ટિક.. થોડો સમય બધુ બરાબર ચાલ્યું. બંધિયાર પાણી જેવી થઈ ગયેલી આરિઆનાની જિંદગી નદીની માફક વહેવા લાગી. છૂટી ગયેલા મિત્રો સાથે ફરીથી મન-મેળ થઈ ગયો. એટલામાં નવી સમસ્યા ઉભી થઈ. કોચ વેલરીએ સ્પષ્ટ સૂચના આપી કે ડાન્સ અથવા જીમ્નાસ્ટિક બેમાંથી એક ચીજ પસંદ કરવી પડશે. એમ કરવામાં મોટું નુકસાન હતું. જે દિવસે ડાન્સ સ્પર્ધાનું ઓડિશન હતું એ દિવસે જ જીમ્નાસ્ટિકની પ્રેક્ટિસ કરવાની હતી. મને-કમને આરિઆના જીમ્નાસ્ટિક કોર્ટમાં ગઈ પણ ત્યાં મન લાગ્યુ નહીં. માટે દોડતી-કૂદતી ઓડિશન ચાલતુ હતુ ત્યાં પહોંચી. એટલી વારમાં મિશેલની ટીમનો નંબર તો આવી ગયો, હતો પરંતુ ચાલુ ડાન્સમાં જ આરિઆના જોડાઈ ગઈ. આમેય મિશેલની તબિયત બગડી એટલે કોઈક મજબૂત ડાન્સરની જરૃર હતી.

આ તરફ જીમ્નેસ્ટિક કોર્ટમાં મક્કમ રહેલાં કોચ વાલરી પણ પિગળ્યા અને તેમણે ફરીથી આરિઆનાને તક આપી. એટલું જ નહીં ૨૦૧૦ની યુસીએલએની જીમ્નેસ્ટિક ટીમની એ લિડર બની હતી. બીજી તરફ પરિણામ જાહેર થયું ત્યારે ડાન્સ સ્પર્ધામાં સાઉલ ફ્લોનો વિજય થયો હતો. આરિઆના બધી રીતે ખુશ હતી, બધી બાજુથી સફળ થઈ. જીમ્નાસ્ટિકમાં કામ નહીં કરી શકે એમ માનીને આરિઆના ડાન્સ તરફ વળી હતી, પરંતુ છેવટે બન્ને કળા તેને કામ લાગી.
 
આ ફિલ્મ સત્યઘટના પરથી બની છે. આજે આરિઆના અને તેની કોચ વેલરીની ગણતરી યુસીએલએની સફળતમ્ સ્પોર્ટ્સ પર્સનાલિટીમાં થાય છે. વેલરી આજે પણ યુસીએલએના મુખ્ય કોચ છે અને નવી નવી આરિઆના તૈયાર કરતાં રહે છે. ફિલ્મમાં આરિઆનાના રોલ માટે પસંદ થયેલી એના કેનેડાની એક્ટ્રેસ છે અને સાથે સિંગર-ડાન્સર પણ છે. તેણે પોતાનો રોલ અદ્ભૂત રીતે ભજવ્યો છે. સ્પોર્ટ્સમાં કરિયર બનાવવા માંગતા સૌ કોઈ માટે આ ફિલ્મ પોતે જ એક કોચ જેવું કામ આપશે.

ડિરેક્ટર-સિન સિસ્ટેર્ના
લંબાઈ- ૯૧ મિનિટ
રિલિઝ-સપ્ટેમ્બર ૨૦૧૫
કલાકારો-એના ગોલ્જા, જેનિફર બેલ્સ, રોમોના મિલાનો,
આશા બ્રોમફિલ્ડ

Post Comments