Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વર્લ્ડ સિનેમા - લલિત ખંભાયતા

સિન્ક ધ બિસ્માર્ક : એટલાન્ટિક પર આધિપત્યનો જંગ

બીજા વિશ્વયુદ્ધ વખતે હિટલરે મેદાનમાં ઉતારેલા જર્મન જહાજ બિસ્માર્કને ડૂબાડવામાં ન આવે તો પછી બ્રિટનના બાારેય વહાણ ડૂબે એમ હતાં. એટલે શરૃ થયો એટલાન્ટિક મહાસાગર પર આધિપત્ય જમાવવાનો જંગ..

ડિરેક્ટર - લેવિસ ગિલ્બર્ટ
લંબાઈ   - ૯૭ મિનિટ
રિલિઝ - ફેબુ્રઆરી ૧૯૬૦
કલાકારો - કેનેથ મૂર, કાર્લ મોન્હર, ડાના વીન્ટરજર્મનીનું હેમ્બર્ગ બંદર.

વર્ષ ૧૯૩૯ એટલે કે વિશ્વયુદ્ધ શરૃ થયું એ જ વર્ષ

બ્રિટન અને જર્મન બે પંરપરાગત દુશ્મનો અને પછી તેમની સાથે જોડાયેલા દોસ્ત દેશોને કારણે જંગ મોટે પાયે ફેલાઈ ચૂક્યો હતો. એટલે એ જંગ કહેવાયો બીજું વિશ્વયુદ્ધ. પહેલા વિશ્વયુદ્ધમાં જર્મની હાર્યા પછી આ વખતે હિટલરે પાણી પહેલા પાળ બાંધી હતી. ખરેખર તો એટલાન્ટિકના પાણીમાં પાળ બાંધી હતી.

વાત એમ હતી કે બ્રિટન રહ્યો ટાપુ દેશ છે. જરૃરિયાતની ઘણી ચીજો આયાત કરે છે. પરદેશથી શસ્ત્રો-સરંજામ-જીવનજરૃરી ચીજો લઈને આવતાં બ્રિટિશ જહાજોને મધદરિયે ડૂબાડી દીધાં હોય તો? એવો વિચાર બીજા વિશ્વયુદ્ધ વખતે હિટલરે અમલમાં મુકી દીધો હતો. બ્રિટન (એટલે યુરોપ) અને અમેરિકા વચ્ચે ફેલાયેલા એટલાન્ટિકમાંથી પસાર થતાં જહાજોને જર્મન સબમરિનો ડૂબાડી દેતી હતી. એટલું ઓછુ હોય એમ ૧૯૩૯માં હિટલરે હેમ્બર્ગ બંદરેથી દરિયામાં વિશાળ જહાજ રવાના કર્યું.

એ જહાજનું નામ બિસ્માર્ક.

તોતીંગ કદ, માથે વિશાળકાય તોપો, અત્યંત જાડું બખ્તર, સાથે ચાલતા બીજા નાનાં-મોટા જહાજો.. એવી શાન-ઓ-શૌકત સાથે બિસ્માર્ક ૧૯૪૧માં એટલાન્ટિક તરફ જવા રવાના થયું હતું. બ્રિટનને આમ તો ખબર ન પડી હોત, પરંતુ નોર્વેમાં રહેલા જાસૂસના ધ્યાને બિસ્માર્ક ચડયું. જાસૂસે બ્રિટિશ નૌકાઅધિકારીઓને સંદેશો મોકલ્યો : બિસ્માર્ક એટલાન્ટિક તરફ જવા રવાના થઈ ચૂક્યુ છે. માઈનસ તાપમાન વચ્ચે પણ બ્રિટિશ અધિકારીઓ માટે એ સમાચાર પરસેવો વહેતો કરનારા હતા.

મિટિંગો શરૃ થઈ. બિસ્માર્ક જો એટલાન્ટિકમાં પહોંચે તો બ્રિટન માટે મુશ્કેલી વધે એ નક્કી હતું. બિસ્માર્કને કેમ અટકાવવું અને બીજો સવાલ કોણ અટકાવે? અટકાવશે કેપ્ટન જોનાથન શેફર્ડ. બિસ્માર્કની આગેવાની લીધી હતી જર્મન નૌકાસેનાપતિ ગંથર લુજેન્સે. અગાઉ લુજેન્સના કાફલાએ ઘણા બ્રિટિશ જહાજો ડુબાડી દીધા હતા. તેમાંથી એક જહાજનો કપ્તાન હતો જોનાથન શેફર્ડ. એટલે શેફર્ડને લુજેન્સ સાથે બદલો લેવાનું ખુન્નસ હતું જ. એમાં આ તક આવી પહોંચી. મતલબ કે જંગ આર-પારનો થવાનો હતો.

જોનાથને અગાઉના અનુભવ પરથી અંદાજ લગાડયો કે લુજેન્સ હવે બિસ્માર્કને લઈને ક્યાં જશે? બિસ્માર્ક એકલું ન હતું સાથે પ્રિન્સ યુજેન નામનું બીજું જહાજ અને બીજા લડવૈયા જહાજો પણ હતાં. પહેલું વિશ્વયુદ્ધ લડી ચૂકેલા ગંથર સ્વાભાવિક રીતે જ પોતાની આવડત અને બિસ્માર્કની તાકાત પર મુસ્તાક હતાં. એટલે જહાજ પરથી સૈનિકોને સંબોધતી વખતે એક વાતનો તેઓ ખાસ ઉલ્લેખ કરતાં કે 'બિસ્માર્ક ડુબી શકે નહીં, અનસિન્કેબલ છે!' બિસ્માર્ક માટે 'મોસ્ટ પાવરફૂલ શિપ ઓન ધ અર્થ (એટલે વોટર)'એવી જાજરમાન ઓળખ પણ વપરાતી હતી. એ જહાજ પોતાનું પહેલું (અને કદાચ છેલ્લું?) યુદ્ધ ખેલવા એટલાન્ટિકના ઠંડા પાણીને ચીરતું આગળ વધી રહ્યું હતું.

રામાયણમાં રાવણ સામે લડવા માટે સુગ્રીવ જે રીતે ચો-તરફથી વાનર યોદ્ધાઓને કિષ્કિન્ધા નગરી આવી પહોંચવા સંદેશો મોકલાવે છે એમ બ્રિટને ચો-તરફ ગોઠવાયેલા મોટાં જહાજોને બિસ્માર્ક તરફ આવવા સૂચના આપી દીધી હતી. અલબત્ત, બિસ્માર્કની નજીક ફરકવાનું ન હતું. એ કામ કરવા માટે બીજા બે બ્રિટિશ જહાજો હૂડ અને પ્રિન્સ ઓફ વેલ્સ આવી રહ્યાં હતા. આઈસલેન્ડના કાંઠે એક સવારે બિસ્માર્ક અને પ્રિન્સ યુજેનનો ભેટો બ્રિટિશ જહાજ બેલડાં હૂડ-પ્રિન્સ ઓફ વેલ્સ સાથે થયો.

ઘણા દિવસથી શાંત રહેલી સફરમાં હલ-ચલ શરૃ થઈ. સૈનિકો સજ્જ થયા, ટનમાં માપવા પડે એવા વજનના તોપ ગોળા તૈયાર કરાયા, તોપના નાળચા પણ ઊંચા થયા, ટોર્પિટો ટયુબમાં ટોર્પિડો ભરી લેવાયા, હુકમો છૂટયા.. ટાર્ગેટ લિડિંગ શિપ.. સ્ટેન્ડબાય ફોર ફાયર.. સામસામો તોપમારો ચાલુ થયો. બે બ્રિટિશ જહાજો, બે જર્મન જહાજો.. થોડી વારે પ્રિન્સ ઓફ વેલ્સમાંથી દૂરબીન વડે જોઈ રહેલા બ્રિટિશ નૌકાધિકારીઓને દરિયા વચ્ચે પ્રચંડ વિસ્ફોટ દેખાયો. એ વિસ્ફોટ હૂડનો હતો.. બિસ્માર્ક શું કરી શકે તેનો પરિચય બ્રિટનને મળી ગયો. કેપ્ટન જોનાથન સુધી સંદેશો પહોંચાડાયો - હૂડ ડૂબી ગયું છે. પ્રિન્સ ઓફ વેલ્સ સલામત છે. જર્મન જહાજો બિસ્માર્ક અને યુજેન આગળ વધી રહ્યાં છે.

બ્રિટિશ નૌકાઅધિકારીઓના કન્ટ્રોલ રૃમમાં સ્થિતિ માયુસીની હતી. બિસ્માર્કનો પીછો પડતો મૂકી બીજા કામે વળગીએ એવું સૌ કોઈન મન થઈ રહ્યું હતું. પણ કેપ્ટન જોનાથન જાણતો હતો કે જો બિસ્માર્કને રોકાશે નહીં, એ ફ્રાન્સ સુધી પહોંચી જશે અને થોડી ઘણી ઈજા થઈ છે એ રિપેર કરી વધુ શક્તિશાળી થઈ દરિયામાં ઉતરશે તો પછી હિટલર સામે હથિયાર હેઠા મુકવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં. માટે અત્યારે હથિયાર હેઠા મુકવાનો વિચાર કર્યા વગર બિસ્માર્કને કેમ પછાડવું એ રણનિતિ ઘડવી રહી. જોનાથને ઘડી પણ નાખી.

ચારને બદલે આઠેય દિશાએથી બિસ્માર્ક તરફ જહાજો રવાના કરાયા. એટલાન્ટિકના પાણીમાં છવાયેલા ધુમ્મસ વચ્ચે બિસ્માર્ક સહિતના જહાજો વારંવાર ગુમ થઈ જતાં હતા. એટલે પહેલાં તો બ્રિટિશ જહાજોએ બિસ્માર્કને શોધવાનું હતું. કેટલાક વિમાનો ઉડયા અને એક દિવસ બિસ્માર્કનો પત્તો લાગ્યો ખરો. વિમાનો નજીક પહોંચ્યા, નીચે લટકતા બોમ્બ બિસ્માર્ક તરફ છોડયા અને એમાં કેટલાક હવાઈ જહાજો     બિસ્માર્કની તોપનો ભોગ પણ બન્યા. પણ બોમ્બ બિસ્માર્કના પડખામાં લાગ્યો. બિસ્માર્કમાં ધુ્રજારી અનુભવાઈ. સેનાપતિ લુજેન્સે કેપ્ટન લિન્ડમાનને પૂછ્યું પણ ખરા કે શું થયું? કેપ્ટને આત્મવિશ્વાસ પૂર્વક જવાબ આપ્યો.. કશુંય નહીં. નાનકડી ખરોચ છે, તેનાથી બિસ્માર્કને કંઈ ન થાય. એ સાંભળીને લુજેન્સના ચહેરા પર ફરીથી ગર્વ છવાઈ ગયો.. એમ થોડું બિસ્માર્ક ડૂબે!

હિટલરની માફક તેના અધિકારીઓ પણ ખોટા ગર્વમાં રાચતા હતા. એટલે તેમને સમજાયું નહીં કે બિસ્માર્કની પ્રથમ સફર જ અંતિમ સફર બને તેમાં થોડી કલાકો જ બાકી છે. બિસ્માર્કના આગળના ભાગે પડખામાં વિશાળ ગાબડું પડયું હતુ. એ રિપેર ન થયું અને જહાજ ત્યાંને ત્યાં ગોળ ફરતું થયું. ત્યાં સુધીમાં કેપ્ટન જોનાથને ટેબલ ઉપર વિશાળ નકશામાં જહાજોના મોડેલ આમ-તેમ ફેરવીને વ્યુહરચના ઘડી કાઢી હતી. સાથે સાથે બિસ્માર્કને પહોંચી વળવા મેગ્નેટિક ડિટોનેટર્સ પ્રકારના બોમ્બ રવાના કરાયા હતા. જે બિસ્માર્કની નજીક પહોંચે એટલે તેના પડખામાં ચોંટી જાય અને પછી ધડાકો..

એટલાન્ટિકના મોટે ભાગે શાંત રહેતા પાણીમાં, પાણી નીચે, હવામાં એમ સર્વત્ર ધડાકા-ભડાકા શરૃ થયા. બિસ્માર્કને ડુબાડવા માટે બ્રિટિશરોએ પૂરતાં પ્રહારો કરી દીધા હતા. બ્રિટિશ વિમાનોને-જહાજોને નુકસાન પહોંચ્યુ હતું. પણ વખતેય જર્મન ફ્લિટકમાન્ડર લુજેન્સ એવી માન્યતામાં હતા કે બ્રિટિશરો બિસ્માર્કને ડુબાડનો પ્રયાસ કરી મુર્ખ બની રહ્યાં છે. હકીકતે થોડી કલાકો પછી જર્મનો મુર્ખ બન્યા કેમ કે બિસ્માર્ક ડૂબી રહ્યું હતું.
    
બ્રિટિશ નૌકાદળ અને યુદ્ધ અંગે જ નવલકથાઓ લખવામાં સી.એસ.ફોરેસ્ટરે નામના મેળવી હતી. તેમના જ પુસ્તક 'ધ લાસ્ટ નાઈન ડે ઓફ ધ બિસ્માર્ક' પરથી આ ફિલ્મ બની છે. આખી ફિલ્મમાં વાર્તા એક જહાજને ડુબાડવાની જ છે. એટલે સતત મારામારી કે દરિયાઈ દાવપેચ કે દોડાદોડી આવતી નથી. પરંતુ બીજા વિશ્વયુદ્ધ વખતે રણમેદાનમાં અને વોરરૃમના મેદાનમાં શું સ્થિતિ હતી એ અહીં સમજવા મળે છે.

બોન્ડ ડિરેક્ટરે ફિલ્માવેલી યુદ્ધકથા

બીજા વિશ્વયુદ્ધ વખતે જંગનું દસ્તાવેજીકરણ થાય એટલા માટે બ્રિટિશ સેનાએ ફિલ્મ ટૂકડી બનાવી હતી. વિવિધ મોરચે ચાલી રહેલું યુદ્ધ કેમેરે કંડારવાનું એ ટૂકડીનું કામ. એ ટૂકડીના એક સભ્યનું નામ લેવિસ ગિલ્બર્ટ, જેણે યુદ્ધ પુરું થયા પછી ડિરેક્ટર તરીકેની કરિયર પસંદ કરી અને તેમાં સફળતા પણ મેળવી. બિસ્માર્ક જેવી ઘણી ફિલ્મોના સર્જક લેવિસે 'યુ ઓન્લી..', 'ધ સ્પાય હુ..' અને 'મૂનરેકર' જેવી બોન્ડ ફિલ્મો પણ ડિરેક્ટ કરી. એટલે બિસ્માર્કમાં દેખાતા કેટલાક કલાકારો પાછળથી બોન્ડ ફિલ્મોમાં પણ દેખાયા હતા. જેમ કે જ્યોફ્રી કીન. કીન બિસ્માર્કમાં તો ઊચ્ચ કક્ષાના બ્રિટિશ નૌકા અધિકારી હતાં, પણ બોન્ડ ફિલ્મોમાં છ વખત બ્રિટનના સંરક્ષણ મંત્રી ફ્રેડરીક ગ્રે તરીકે ડોકાયાં હતા. ગિલ્બર્ટ અત્યારે ૯૭ વર્ષની પાકટ વયે નિવૃત્ત જીવન ગાળી રહ્યાં છે.

Post Comments