Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

'મશીન' ઘરની ફિલ્મ હોવાથી ૫૦૦ ટકા મહેનત કરી : મુસ્તફા

બોલીવૂડમાં કોઈ પણ નવા સ્ટારની ફિલ્મ આવે ત્યારે લોકોને ઉત્કંઠા વધારે હોય છે. તેમાંય તે સ્ટાર-સન કે સ્ટાર-ડોટર હોય ત્યારે તેનાં તરફથી અપેક્ષા વધારે હોય છે અને એ સ્વાભાવિક પણ છે. થ્રીલર ફિલ્મો બનાવવા માટે અબ્બાસ-મસ્તાનમાંના અબ્બાસભાઈનો પુત્ર 'મશીન' નામની ફિલ્મ દ્વારા બોલીવૂડમાં પદાર્પણ કરી રહ્યો છે.

જયંતિલાલ ગડા (પેન ઈન્ડિયા લિ.) પ્રસ્તુત 'મશીન' ફિલ્મનાં નિર્માતા હરેશ પટેલ (એડી ફિલ્મ્સ), ધવલ જયંતિલાલ ગડા (ડીજી) અને પ્રણય ચોકસી તેમજ અબ્બાસ-મસ્તાન પોતે પણ છે. આ ફિલ્મનાં હીરો મુસ્તફાને અમે તાજેતરમાં જ મળ્યા અને તેની સાથે તેની કારકિર્દી અંગે વાતચીત કરી.
તેનાં જ શબ્દોમાં જોઈએ તો:

ફિલ્મનું નામ 'મશીન' અલગ જ પ્રકારનું છે. લોકો એ વિચારતા થઈ જાય છે કે આ કોઈ ફાસ્ટ કારના મશીનની વાત હશે, કોઈ રોબોની વાત હશે કે શું હશે? પણ આ 'મશીન' એટલે આપણા શરીરમાં સતત ૨૪ કલાક કામ કરનારા મશીન હૃદયની વાત છે. આ એક રોમાન્ટીક એક્શન થ્રીલર ફિલ્મ છે, જેમાં એ સંદેશો આપવામાં આવ્યો છે કે તમારા હૃદયને અનુસરો, દિમાગથી નહીં, પણ દિલથી વિચારો.

અબ્બાસ-મસ્તાનનો દિકરો હોવાથી મારા પર ખૂબ જ દબાણ છે. મારા પિતા અબ્બાસભાઈએ બોલીવૂડમાં એક અનોખું સ્થાન જમાવ્યું છે. પિતા અને મારા કાકાની જોડીએ બોલીવૂડને અનેક એક્શનપેક્ડ- થ્રીલર ફિલ્મો આપી છે. તેથી મારે આ ફિલ્મમાં ૧૦૦ નહીં, પણ ૫૦૦ ટકા મહેનત કરવી પડી છે. કાંઈ નહીં તો મારે નામની પણ લાજ રાખવાની જ છે ને?

ફિલ્મઉદ્યોગમાં આવતા અગાઉ મેં મારી જાતને એકદમ તૈયાર કરી છે. જિમ્નેસ્ટીક, માર્શલ આર્ટ્સ, નૃત્ય, બોલીવૂડ ડાન્સ બધામાં જ નિપુણતા મેળવી છે. દરરોજ સવારે પાંચ વાગ્યે ઊઠીને હું આ બધું કરવા લાગી જાઉં છું.

પહેલાં મને પિતાજીની જેમ જ દિગ્દર્શનમાં જવાનો વિચાર હતો, પણ મારા નાના ભાઈ ઝૈનુલે મને અભિનય કરવાનું જણાવ્યું. હું સેટ પર સહાયક દિગ્દર્શક તરીકે કામ કરતો હતો, ત્યારે અભિનય કરીને સમજાવતો હતો, ત્યારે મને પણ થતું હતું કે અભિનય તો ખૂબ જ સરળ છે. બે મહિના સુધી મેં ખૂબ જ વિચાર કર્યો કે અભિનય કરવો કે દિગ્દર્શન.
બે મહિના પછી મેં ૧૫ મિનિટની એક શોર્ટ ફિલ્મ બનાવી, જેમાં બધો જ મસાલો ભર્યો હતો. આ ફિલ્મ મેં પિતાજીને બતાવી. તેમણે અને કાકાએ એ ફિલ્મ સાથે જોઈ, ત્યારે તેમને થયું કે આ છોકરો અભિનય કરી શકશે. તેથી તેમણે 'મશીન'માં મને હીરો તરીકેની તક આપી.

ફિલ્મનાં સેટ પર પિતાજી અને કાકા મારા દિગ્દર્શક જ હતા. મેં ક્યારેય તેમને પિતાજી કે ડેડી કહીને કે અંકલ કહીને બોલાવ્યા નથી. હું સેટ પર તેમને બીજાં લોકોની જેમ જ 'સર' કહીને બોલાવતો હતો. સેટ પર અમે હીરો અને દિગ્દર્શક તરીકે જ મળતા હતા, પણ ઘરે પહોંચ્યા પછી પિતા-પુત્ર, કાકા-ભત્રીજા બની જતા હતા.

ફિલ્મમાં રેસિંગ કારનાં દ્રશ્ય છે. તેનાં માટે મેં રેસિંગ કાર કઈ રીતે ચલાવવાની સતત ત્રણ મહિના ટ્રેનિંગ લીધી હતી. ફિલ્મની હિરોઈન કિઆરા અડવાણી સાથે કામ કરવાની મજા આવી છે. આ ફિલ્મમાં મેં પ્રેમદ્રશ્યો ભજવ્યા છે, એક્શન દ્રશ્યો ભજવ્યા છે, કોમેડી કરી છે. આમ 'મશીન' એક ફુલ એન્ટરટેઇનમેન્ટ પૂરું પાડશે એવી મને આશા છે.

ભવિષ્યની યોજના વિશે પૂછતાં મુસ્તફાએ વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કે, મારે હવે કોમેડી ભૂમિકા ભજવવી છે, પણ હું કમર્શિયલ અને મનોરંજનની ભરપૂર ફિલ્મો કરીને બોલીવૂડમાં મારું અલગ સ્થાન જમાવવા માગું છું.

 

Post Comments