Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દીપિકા પાદુકોણ

અભિનેત્રીને બોલીવૂડ-હોલીવૂડ વચ્ચે કોઇ ભેદ નથી વરતાતો    

વર્ષ ૨૦૦૭માં શાહરુખ ખાન સાથે સૌપ્રથમ ફિલ્મમાં કામ કરીને બોલીવૂડમાં પદાર્પણ કરનાર અભિનેત્રિ દીપિકા પાદુકોણે ૧૦ વર્ષના ટૂંકા ગાળામાં હોલીવૂડ સુધીની સફર કરી લીધી છે. એક દશક અગાઉ તેને તેની પ્રથમ ફિલ્મ સર્જક ફરાહ ખાને નાનામાં નાની વાત પણ સમજાવવી પડતી હતી. પરંતુ ફિલ્મોદ્યોગમાં ઝપાટાભેર રમમાણ થઇ ગયેલી દીપિકા આ ઉદ્યોગની બારીકીઓ પણ  ઝપાટાભેર શીખવા લાગી. આ કારણે જ તે આટલી ઝડપથી હોલીવૂડ સુધીનો પંથ કાપી શકી.

જોકે અદાકારા કહે છે કે મેં હંમેશાં સર્જનાત્મક્તાને મહત્વ આપ્યું છે. અલબત્ત, હોલીવૂડમાં કામ કરવાની તક મળવાથી મારી પ્રતિષ્ઠાનો વ્યાપ પણ વધ્યો છે. પરંતુ સાવ એવું પણ નથી કે બોલીવૂડની ફિલ્મો માત્ર ભારતમાં જ જોવાય છે. આપણી ફિલ્મો રશિયા, જર્મની, પાકિસ્તાન જેવા ઘણાં દેશોમાં અત્યંત લોકપ્રિય છે. વળી એક કલાકાર તરીકે હું ચોક્કસ સ્થળ ,દેશ કે ભાષા પૂરતી બંધાઇ રહેવા નથી માગતી.મેં હોલીવૂડની ફિલ્મ કરી તેનો મને જેટલો આનંદ છે તેના કરતાં વધુ ખુશી મને ત્યાં મળેલા હુંફાળા આવકારની છે. તેમાંય મને એલન ડીજનરેના શોમાં ભાગ લેવા મળ્યો, તેના જેવી શક્તિશાળી મહિલા સાથે વાર્તાલાપ કરવાની તક મળી એ મારા માટે બહુ મોટી વાત છે.

દીપિકાને બોલીવૂડમાં આવ્યે એક દશક થયો. સામાન્ય રીતે એક દશકની યાત્રા પૂર્ણ કર્યા પછી કોઇપણ કલાકાર મોટી સિધ્ધિ મેળવી હોવાનું અનુભવે. પરંતુ દીપિકા કહે છે કે મને આ ક્ષેત્રે આવ્યે કેટલાં વર્ષ થયા એ મારા માટે મહત્વનું નથી. પરંતુ હું અહીંથી શું શીખી એ વધુ અગત્યનું છે.

 પ્રિયંકા ચોપરા પછી હોલીવૂડની ફિલ્મ કરનાર બોલીવૂડની બીજી અગ્રણી અભિનેત્રી દીપિકા છે. તેથી તેમની તુલના થવી સ્વાભાવિક છે. અને તેમની વચ્ચે સરખામણી કરવામાં આવે તે તેમને બેઉને સહ્ય નથી એ વાત પણ સર્વવિદિત છે. જોકે દીપિકા તેને પ્રિયંકા વિશે પૂછવામાં આવતા પ્રશ્નોના ઉત્તરો બહુ સિફતપૂર્વક આપે છે. તે મિડિયા દ્વારા કરાતી બંનેની તુલનાને ઉડાડી દેતાં કહે છે કે પ્રત્યેક કલાકારના રસ્તાઓ અને મંઝિલ જુદાં જુદાં હોય છે. તેથી તેમને તેમના ધ્યેય મુજબ મૂલવવા જોઇએ.

હોલીવૂડમાં એક ફિલ્મ કર્યા પછી દીપિકાના પ્રશંસકોને એ પ્રશ્ન થવો સહજ છે કે તે ત્યાં વધુ ફિલ્મો કરવા ધારે છે કે કેમ. પરંતુ દીપિકા કહે છે કે મારા માટે બંને ફિલ્મોદ્યોગ એકસમાન છે. તેથી મને જ્યાં વધુ સારા રોલ કરવા મળશે ત્યાં હું કામ કરીશ. હું માત્ર એવા પાત્રો ભજવવા માગું છું જે મારી અંદર રહેલી સર્જનાત્મક્તાને બહાર લાવે, દર્શકો જેને લાંબા વર્ષો સુધી ભૂલી ન શકે અને જે તે ફિલ્મોદ્યોગ પર તે છાપ છોડી જાય. વળી કામ કરવાની રીત બાબતે વિચારવામાં આવે તો મને બંને ફિલ્મોદ્યોગમાં કોઇ તફાવત જણાયો નથી. હા, હોલીવૂડમાં કામ કરતી વખતે તમને પોતાના વતનથી દૂર રહીને એકલા જ નવા વાતાવરણમાં અને નવા લોકો સાથે કામ કરવું પડે એ વાત ચોક્કસ. અભિનેત્રી વર્તમાન સમયની વાત કરતાં કહે છે કે હાલના તબક્કે મારું સંપૂર્ણ ધ્યાન મારી ફિલ્મ 'પદ્માવતી' પર છે. તેનું નિર્માણ કાર્ય શરુ થઇ ગયું હોવાથી હું માત્ર તેના તરફ જ ધ્યાન આપવા માગું છું. બાકી ભવિષ્યમાં હું ક્યાં અને કઇ ફિલ્મ કરીશ તે તો સમય જ કહેશે.

થોડાં સમય પહેલા એવી વાતો વહેતી થઈ હતી કે અભિનેત્રી ઈરાનીયન ફિલ્મ સર્જક માજીદ માજીદીની આગામી ફિલ્મ 'બીયોન્ડ ધ ક્લાઉડ્ઝ'માં અને  આનંદ એલ.રાયની આગામી ફિલ્મમાં શાહરૃખ ખાન સાથે કામ કરવાની છે. પરંતુ દીપિકા આ વાતને અફવા ગણાવતા કહે છે કે મને સમજ નથી પડતી કે આવા ગપ્પા કોણ હાંકે છે. તે વધુમાં કહે છે કે ઘણી વખત મિડિયાકર્મીઓ મને પૂછે કે તું ફલાણા ફલાણા ફિલ્મ સર્જક સાથે કામ કરવાની છે ત્યારે મને ભારે આશ્ચર્ય થાય છે. પણ હું તેમને મજાકમાં કહું છું ખરેખર? મને તો એ વાતની જાણ પણ નથી કે હું આ ફિલ્મમાં કામ કરવાની છું. મારા વિશે મારા કરતાં અન્ય લોકો વધુ જાણે છે.'

દીપિકા બોલીવૂડમાં આવી તેનાથી પહેલાં મોડેલિંગ કરતી હતી. તેથી તેની ફેશન સેન્સ સરસ છે એમ કહેવું જ રહ્યું. અભિનેત્રીને પણ પોતાને ફેશનેબલ કહેવડાવવાનું ગમે છે. તે કહે છે કે કોઈપણ છોકરીને નવા નવા વસ્ત્રાભૂષણો પહેરવાનું, લેટેસ્ટ ફેશનને અનુસરવાનું ગમે. તો પછી હું તેમાંથી બાકાત શી રીતે હોઈ શકું. નવા ફેશન ટ્રેન્ડથી વાકેફ રહેવા હું ફેશન શોઝમાં કેટવોક કરતી મોડેલોને નિહાળું છું. અને મારી સમજ મુજબ,  એટલે કે તેમાં રજૂ થયેલા પરિધાનોમાંથી મને શું શોભશે તે મુજબના પોશાક પસંદ કરું છું.

Post Comments