Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફિલ્મ ઈન્ડિયા- અશોકદવે

- કચ્ચે ધાગે વિનોદ ખન્ના-મૌસમી ચૅટર્જીની વચ્ચે કબીર બેદી લક્ષ્મી-પ્યારેનો કેવો સુરીલો જમાનો હતો

રાજ ખોસલા નામના દિગ્દર્શકનું પૂરેપૂરૃં ચસકી ગયું હોય, ત્યારે એ બે કામ ખૂબ પ્રભાવિત થઇને કરી શકતો, એક દારૃ પીવાનું અને બીજું, ફિલ્મો બનાવવાનું ! દારૃ તો એ ભરઉનાળાની ગરમીમાં ખેડુત છાશ પીએ, એટલો ગટગટાવી જતો. પોતાને કે.એલ. સાયગલના સંન્નિષ્ઠ ચેલા માનતા રાજ ખોસલાએ ગાવા અને પીવા - બન્નેમાં ગુરૃ સાયગલની બેઠ્ઠી નકલો કરી અને બન્ને પીવામાં જ ઉકલી ગયા.

મુંબઇની ફિલ્મનગરીમાં કહે છે કે, તદ્દન બેવકૂફીભરી ફિલ્મ બનાવવા માટે ય ચપટી બુધ્ધિ તો જોઇએ જ...! પણ એટલી ચપટીભરી બુધ્ધિ પણ ન હોય તો માણસ 'કચ્ચે ધાગે' જેવી ફિલ્મ બનાવે.

રાજ નામનો આ ખોસલો આટલી હદે સ્ટુપિડ ફિલ્મ બનાવે, એ માનવામાં એટલે ન આવે કે, આ જ 'ખોસલા સાહેબે' 'મેં તુલસી તેરે આંગન કી', 'સી.આઇ.ડી.', 'કાલાપાની', 'એક મુસાફિર, એક હસિના', 'વો કૌન થી', 'દો રાસ્તે', 'મેરા ગાંવ, મેરા દેશ', 'મેરા સાયા' કે 'દોસ્તાના' જેવી સુંદર ફિલ્મો બનાવી હતી. 'મૈં તુલસી...' જેવી ઉત્કૃષ્ઠ ફિલ્મો તો ભારતમાં ય એકાદ હજારે માંડ એક બને ! સ્ત્રીને કેન્દ્રમાં રાખીને સ્ત્રીની ગરિમા ઊંચી રાખીને ફિલ્મો બનાવવામાં રાજ ખોસલાએ આવી ત્રણ-ચાર ફિલ્મોમાં બેશક પ્રણામયોગ્ય કામ કર્યું હતું. પણ આ તો કેવું થયું કે, તાજમહલ બનાવનાર ફૂટપાથ ઉપર ચાની પતરાંની કિટલી બનાવે !

આ ફિલ્મ બનાવતા પહેલા ખોસલાના મનમાં એક ચોક્કસ તોફાન ધૂમ મચાવી ગયું હશે કે, ડાકૂની ફિલ્મ બનાવવી હોય તો ફિલ્મમાં જેટલા બને તેટલા ઘોડા દોડાવો, બંદૂકના આડેધડ ભડાકા કરાવો, નાચનારીને ઉઠાવી જાઓ અને ગમે ત્યાંથી ઉઠાવીને 'ગાંવવાલોં ને લઇ આવો... ડાકૂ ફિલ્મ પૂરી. સૉરી, એમ પૂરી ન થાય.

ફિલ્મનો હિરો ડાકૂ હોય તો પ્રેક્ષકો એની સાથે હોવા જોઇએ અને છેલ્લે ડાકૂ દેશની એક 'મહાન વ્યક્તિ' સાબિત થવો જોઇએ. ફિલ્મનો હીરો ડાકૂ બન્યો હોય ને પ્રેક્ષકોએ એને નફરત કરી હોય, એવી આજ સુધી એક પણ હિંદી ફિલ્મ બની નથી.

આઘાતની વાત તો એ છે કે, પોતાના ગુરૃ ગુરૃદત્તની જેમ ફિલ્મમાં ગીતોના ટૅકિંગનો એ બાદશાહ ગણાતો, પણ અહીં તો એવી ય એકે ફ્રેમ નહિ ! એમ કહેવાય છે કે, બપોર પછી આડેધડ ઢીંચવાનું શરૃ કરી દેતો હોવાથી બાકીનું શૂટિંગ એના આસિસ્ટન્ટો સંભાળે... ગુસ્સામાં ખૂબ ગાળો બોલતો હોવાથી પીને સુઇ ગયેલા ખોસલાને જગાડવાની કોઇ હિંમત ન કરે.

આવી ફિલ્મની વાર્તા તો ઠીક, એનો ટુંકસાર લખતા ય પૅન તોતડાઇ જાય, છતાં આ કૉલમના વાચકો આ ફિલ્મના પ્રેક્ષકો જેટલા બદનસીબ નથી, માટે સાર જોઇ લઇએ :

મધ્ય પ્રદેશના બીહામણા કોતરોમાં એક જમાનામાં માત્ર ડાકૂઓનું રાજ હતું. એ કહે એ જ હૂકમ. પોલીસ, સરકાર કે પ્રજાનું કાંઇ ઉપજે નહિ. એવી અનેક ડાકૂ ટોળકીઓમાં સૌથી વધુ ખતરનાક ઠાકૂરો અને બ્રાહ્મણોની ડાકૂ ટોળીઓ હતી. ('બ્રાહ્મણ અને ડાકૂ...???' ...સાઉન્ડ્સ ઈન્ટરેસ્ટિંગ, ના ?) અહીં બ્રાહ્મણ ડાકૂ રૃપાસિંઘના બાપે અદાલતમાં જુઠી ગવાહી આપીને ઠાકૂર ડાકૂ બહાદુરસિંઘને ફાંસીને માંચડ લટકાવે છે. એના દીકરા વિનોદ ખન્નાને એની મા નિરૃપા રૉય (રામ જાણે કેમ પણ ફિલ્મે ફિલ્મે નિરૃપા રૉયે આવા જ છોકરા જણ્યા હતા.

કોઇ મોટો થઇને 'ભાઇ' બને, કોઇ મવાલી તો કોઇ ડાકૂ !) તગડું ડૉનેશન આપીને ઈંગ્લિશ મીડિયમની સ્કૂલમાં ભણવા મૂકવાને બદલે ડાકૂ બનાવવાનો ફૂલ-ટાઇમ કૉર્સ કરાવે છે. જેથી મોટો થઇને આ બ્રાહ્મણ ડાકૂ કબીર બેદીના મૌતથી બદલો લઇ શકે. ફિલ્મ પૂરી થતા સુધીમાં બન્ને સુધારવા તો પડે, એટલે 'ગાંવ કી ભોલી ગોરી' મૌસમી ચૅટર્જીને લઇ આવે છે, જેને માટે આ બન્ને ડાકૂઓ નજર બગાડે તો છે, પણ ફિલ્મ પૂરી થયા સુધીમાં નજર સુધારે નહિ, તો પ્રેક્ષકો જાતે ડાકૂગીરીમાં પડવા માંડે. એવું પાપ ન થાય માટે મૌસમી એ બન્નેને સુધારી પોતાના પ્રેમી ભોલા (વાસ્તવિક જીવનમાં એનો ગોરધન) સાથે 'ગોલીયોં કી બૌછાર કે બીચ મેં...' પરણી જવાય!

ફિલ્મનું સૌથી ઘાતક પરિબળ ફિલ્મના એકેએક નબળા ઍકટરો ! વિનોદ ખન્નાને 'મેરે અપને', 'અચાનક', 'ઇન્કાર', 'ઈમ્તિહાન' કે બહુ બહુ તો 'અમર, અકબર, ઍન્થની'માં ઍક્ટર તરીકે મૂલવવાનું મન થાય, પણ આપણને એ 'સ્ટાર' વિનોદ ખન્ના ગમતો ને આજે ય ગમે. પણ ઍક્ટિંગમાં અમિતાભ કે રિશી કપૂરથી બસ્સો બસ્સો માઇલ દૂર રાખવો પડે.

વિનોદ ખન્નાના ફિલ્મો પૂરતા એના બન્ને નિષ્ફળ પુત્રો અક્ષય ખન્ના અને રાહુલ ખન્ના (નામ આવું પડે, પછી એને નિષ્ફળ કહેવાની જરૃરત પડે ?) એની પહેલી પત્ની 'ગીતાંજલી તાલ્યારખાન'ના હતા. બીજી પત્ની કવિતા દફ્તરી ફિલમોમાં આવી નહોતી.

બહુ ઓછાને ખબર હશે કે, આ બન્ને સ્ત્રીઓ પહેલા વિનોદ ખન્નાની સગાઇ કોમેડિયન-ઍક્ટર આઇ.એસ. જોહરની દીકરી અંબિકા (નીલમ) જોહર સાથે થઇ હતી. અંબિકા જોહરની 'ફાઇવ રાઇફલ્સ' જેવી ૩-૪ ફિલ્મોમાં આવી હતી. ચોંકતા નહિ... વિનોદ ખન્નાની સગાઇ સ્મિતા પાટિલ સાથે પણ થઇ હતી. બન્ને વચ્ચે લાંબુ અફૅયર હતું. 'ડૂંગરે ડૂંગરે, કાદુ તારા ડાયરા..'!

કબીર બેદી સારો જ નહિ, નબળો કહી શકાય એટલી ફિલ્મોમાં ય ઍક્ટર તરીકે ઝળક્યો નથી. આવી અદભુત પર્સનાલિટીનો માલિક કબીર અભિનયમાં કાંઇ ઉકાળી ન શક્યો, પણ ઈ.સ. ૧૯૯૮માં ઈટાલીમાં બનેલી ટીવી-સીરિઝ 'સૅન્ડોકન'માં એ  ખૂબ ખીલ્યો અને સોનિયા ગાંધી કરતા ઈટાલીમાં આજે ય કબીર બેદીનું નામ મોટું ગણાય છે.

બહેન મૌસમીનું કામ એના તૂટેલા કે આઘાપાછા દાંતને કારણે એટલી જ જગ્યા પૂરતું વખણાય. અનેક હિંદી-બંગાળી ફિલ્મો કરવા છતાં ઍક્ટ્રેસ તરીકે બેનજી મહાન ગણાયા નથી. એનો ગોરધન રિતેશ મુકર્જી (સાચું નામ 'જયંત') એના ગ્રેટ ફાધર સંગીતકાર હેમંત કુમારનું કદાચ સૌથી નબળું કમ્પોઝિશન હશે ! રિતેશ મુકર્જી વધારે પડતો સ્ત્રૈણ્ય લાગે છે. ફિલ્મના એક દ્રશ્યમાં ડાકૂ કબીર બેદીના સાથી તરીકે એણે હાથમાં બંદૂક પકડી છે કે મેળામાં કોક ગ્રામીણ સ્ત્રીએ છોકરૃં તેડયું છે, એની ખબર ન પડે.

ફિલ્મમાં વિનોદ ખન્ના 'વડીલ' ડાકૂ બનતો ત્રિલોક કપૂર પૃથ્વીરાજ કપૂરનો સગો ભાઇ થાય. અસલી પંજાબી હાઇટ-બૉડીને કારણે મોટા ભાગની હિન્દી ફિલ્મોમાં એણે ભગવાન શંકરનો રોલ કર્યો અને પાર્વતી તરીકે અચૂક નિરૃપા રૉય હોય. બન્નેએ આ જ જોડીની ૧૮ ફિલ્મો કરી.

ફિલ્મના મુજરા 'જા રે જા ઓ દીવાને તુ ક્યા જાને..'માં અત્યંત ખૂબસુરત ઝેબ રહેમાન અને સોના છે. ઝેબમાં મધુબાલાના ચેહરાને મળતી આવતું રૃપ ઠાંસી ઠાંસીને ફર્યું હતું. માલા સિન્હા-ધર્મેન્દ્રની ફિલ્મ 'આંખે'માં એનું સેક્સી રૃપ ઝગારા મારતું ઊઠી આવ્યું હતું, ત્યારે તો સાહિર લુધિયાનવીએ લખવું અને માલાને ગાવું પડયું હતું, 'ગૈરોં પે કરમ, અપનોં પે સિતમ, અય જાને વફા, યે ઝૂલ્મ ન કર...' જેમાં ગૈર એટલે કે પારકી સુંદર સ્ત્રી આ ઝેબ રહેમાન હતી.

કેદાર શર્માએ મધુબાલાના ચેહરાને ધ્યાનમાં રાખીને ઝેબને 'પ્રીતિબાલા' નામ આપીને ફિલ્મ 'ફરિયાદ'ની હીરોઇન બનાવી હતી. યાદ તો હશે સુમન કલ્યાણપુરનું લાજવાબ સોલો, 'હાલે દિલ કો સુનાના થા, સુનાયા ન ગયા..'

પણ જે તવાયફને ડાકૂ વિનોદ ખન્ના ઊઠાવી જાય છે, એ અભિનેત્રી સોના તો સાચ્ચે જ મધુબાલાને ઘણી મળતી આવતી હતી. એ જમાનાના માફિયા-ડોન હાજી મસ્તાન પહેલેથી મધુબાલાના પ્રેમમાં હતા, પણ મધુ ગૂજરી ગઇ, એટલે હાજીએ મનુની હમસકલ આ સોના સાથે નિકાહ પઢ્યા. સોનાનું સાચું નામ ઉર્ફે  શાહજહાન  બેગમ છે.

યસ. ન હસવું હોય તો ય ખડખડાટ હસી પડાય, એવા કામો ખોસલાને આ ફિલ્મમાં ઘણા કર્યા છે. જેમ કે, ખરી ઘડીએ જ, કૅબીનમાં દુધની કોથળી ખલાસ થઇ જાય એમ ડાકૂ ફિલ્મોમાં હીરો મરવાનો થવા આવે, ત્યાં એની રાયફલ કે રીવૉલ્વરમાં છેલ્લી ઘડીએ ગોળીઓ  ખાલી થઇ જાય ! અહીં ખોસલાએ જબરૃં ડીંક ચલાવ્યું છે. વિનોદ ખન્ના અને કબીર બેદી બન્ને ડાકૂઓ મૌસમી-રીતેશના લગ્ન પોલીસ-પાર્ટને રોકવા બંદૂકબાજીથી સંગીતના સૂર પેદા કરે છે.

વાંચો જરા, ગમ્મત પડે એવું છે. 'આખીર એક ઠાકૂર કી શાહી હૈ..' એમાં બાજાં-નગારા તો જોઇએ ! વિનોદ પોતાની મશિનગનમાંથી શેહનાઇ અને નગારાનો અવાજ કાઢી બતાવે છે.. (અફ કૉર્સ, બારણું બંધ થવાનો કિચૂડ-કિચૂડ અવાજે ય નથી આવતો, પણ રાજ ખોસલા પ્રેક્ષકોને આ બેવકૂફીથી પણ મામુ બનાવવાનો મૂરખ પ્રયાસ કરે છે.)

એકબીજાનો જાન લેવાની પ્રતિજ્ઞાા સાથે જીવી રહેલા આ બન્ને 'ખેલદિલ' ડાકૂઓ એમના જીવનની છેલ્લી ગોળી એકબીજાની છાતીમાં મારીને જ મરવાની વાતો, કૉલેજ-કૅન્ટીનમાં બે વિદ્યાર્થીઓ એકબીજાને 'વૉટ્સઍપ' કરતા હોય, એટલી આસાનીથી કરે છે. વિનોદ-કબીરે એકબીજાના ખૂન કરીને જ ઠાકૂરોં કી અને બ્રાહ્મણોકી શાન બચાવવાના હોય છે, પણ ફિલ્મમાં એવો 'ઍન્ડ' કેવી રીતે લાવવો, એની ઝાઝી સમજ ન પડતા ખોસલાએ, ''...પછી એ બન્નેનું શું થયું ?'' એનો જવાબ અધ્યાહાર જ રાખ્યો છે.

ફિલ્મમાં સર્વોત્તમ કામ થયું હોય તો એ સંગીતનું છે. લક્ષ્મીકાંત-પ્યારેલાલે તમામ ગીતો લતા મગેશકર પાસે ગવડાવીને સાચ્ચે જ મધુરૃં કામ કર્યું છે. એમાં ય, 'મેરે બચપન તૂ જા, જા જવાની કો લે આ' અને 'હાય હાય એક લડકા મુઝકો ખત લિખતા હૈ' બહુ સૂરિલા ગીતો છે. મુજરા લગતા તો ભાગ્યે જ ગાતી, છતાં અહીં 'જા રે જા ઓ દીવાને' એના રિધમ-સૅક્શનને કારણે દિલડોલ બન્યું છે.

આ ગીતની કોરિયોગ્રાપી સાઉથના ડાન્સ-ડાયરેક્ટર નાયડૂએ અદભુત કરી છે. ખાસ તો, બન્ને ડાન્સરો ઝેબ રહેમાન અને સોના સ્પેશિયલાઇઝડ ડાન્સરો ન હોવા છતાં રિધમ પ્રમાણે બન્નેના સ્ટૅપ્સ  મનોહર બન્યા છે.

ગુજરાતીઓનો પેલો સ્ટાન્ડર્ડ અને સલામત જવાબ છે ને, 'એક વાર જોવા જેવું ખરૃં...' પણ આ ફિલ્મ માટે તો ભોગ લાગ્યા હોય તો ય એકે વાર નહિ જોવાની અપીલ છે.

ફિલ્મ : 'કચ્છે ધાગે' ('૭૩)
નિર્મતા-દિગ્દર્શક     :    રાજ ખોસલા
સંગીત        :     લક્ષ્મીકાંત-પ્યારેલાલ
ગીતકાર        :     આનંદ બખ્શી
રનિંગ ટાઇમ     :     ૧૫ રીલ્સ - ૧૪૫ મિનિટ્સ
થીયેટર        :     અલંકાર (અમદાવાદ)
કલાકારો        :     વિનોદ ખન્ના, મૌસમી ચૅટર્જી, કબીર બેદી, ત્રિલોક કપૂર, એ.એન. સિંઘ, મુરાદ, સોના, નિરૃપા રૉય, દેવ કુમાર, ભગવાન, ટુનટુન, જગદિશ રાજ, રત્નમાલા, પૂર્ણિમા, રણધિર, રિતેશ મુકર્જી, નવાબ હબિબ, નર્મદા શંકર, ગુરબચન અને ઝેબ રહેમાન.

ગીતો
૧. જારે જા ઓ દીવાને, તૂ ક્યા જાને, બાત કરતે હૈં... લતા-હેમલતા
૨. મેરે બચપન તૂ જા, જા જવાની કો લે આ... લતા મંગેશકર
૩. કચ્ચે ધાગે કે સાથ જીસે બાંધ દિયા જાય... લતા મંગેશકર
૪. હાય હાય એક લડકા એક મુઝકો ખત લિખતા હૈ... લતા મંગેશકર
૫. જરા સે અગર બેવફા હમ ન હોતે... લતા મંગેશકર

Post Comments