Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કીથ સીકવેરા રીઆલિટી શો પછી ધારાવાહિકમાં પદાર્પણ

જાણીતા રીઆલિટી શો 'બિગ બોસ'માં પોતાની ગર્લ ફ્રેન્ડ રોશેલ સાથે ભાગ લઈને ઘર ઘરમાં જાણીતો બનેલો કલાકાર કીથ સીકવેરા હવે ટૂંક સમયમાં પહેલી વખત અક ફિક્શન શૉમાં જોવા મળશે. અને તે પણ રાજકુમારના અવતારમાં. મહત્ત્વની વાત એ છે કે આ ધારાવાહિક દ્વારા જ અભિનેત્રી સોની રાઝાદાન એક દશકના અંતરાલ પછી કમબેક કરી રહી છે.

અભિનેતાએ પોતાના આ શો વિશે કહ્યું હતું કે તેમાં હું રાજગઢના રાજકુમાર 'માધવ સિંહ'ની ભૂમિકા ભજવી રહ્યો છું. તે વધુમાં કહે છે કે 'માધવ' અત્યંત પ્રજાવત્સલ અને કળાપ્રેમી રાજકુમાર છે. તે દોમદોમ સાહ્યબી ભોગવતો હોવા છતાં મનથી એકદમ સરળ છે. અને તેને પોતાના જેવી જ પ્રેમિકાની ઝંખના છે.

કીથ ઉમેરે છે કે તેના જીવનમાં 'કામિની માથુર' નામની સુંદરી આવે છે. આ પાત્ર અભિનેત્રી સંજીદા શેખ ભજવી રહી છે. 'કામિની' બોલીવૂડની ટોચની અદાકારા છે. તેણે પુષ્કળ કીર્તિ-કલદાર કમાવ્યાં છે. આમ છતાં પોતાના મધ્યમ વર્ગીય મૂલ્યોને દ્રઢતાપૂર્વક વળગી રહી છે. ભારે સંઘર્ષ કરવા છતાં તેણે ક્યારેય પોતાના મૂલ્યો સાથે બાંધછોડ નથી કરી.

કીથ મૂળભૂત રીતે એક અચ્છો મોડેલ અને વીજે છે. આમ છતાં તેણે પ્રેમ કહાણી ધરાવતા આ શોમાં કામ કરવાનું પસંદ કર્યું તેના વિશે તે કહે છે કે જ્યારે મારી સમક્ષ આ ધારાવાહિકની સ્ક્રીપ્ટનું વર્ણન કરવામાં આવ્યું ત્યારે મને મારું પાત્ર બહુ ગમી ગયું. વળી તેમાં સોની રાઝદાન મારી માતાનું પાત્ર ભજવવાના હતા તે છોગામાં.

અભિનેતા આ ધારાવાહિકની શૂટિંગના પોતાના અનુભવ વિશે કહે છે કે અમે રાજસ્થાનમાં ૪૨ ડિગ્રીની ધખધખતી ગરમીમાં તેનું શૂટિંગ કર્યું હતું. તે વખતે ત્યાં રેતીનું તોફાન પણ આવ્યું હતું.

એમ કહેવાય છે કે કીથ સંજીદા શેખ સાથે કામ કરી રહ્યો છે ત્યારથી  રોશેલ ખૂબ અસલામતી અનુભવી રહી છે. પરંતુ અભિનેતા આ વાતને રદિયો આપતાં કહે છે કે આ વાત સાવ ખોટી છે. રોશેલ અને હું અમારા કામને સારી રીતે સમજીએ છીએ. વળી સંજીદાનો પતિ આમિર અલી અને હું ઘણાં વર્ષથી સારા મિત્રો છીએ. તેથી રોશેલ   માટે અસલામતી અનુભવવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો.

મઝાની વાત એ છે કે કીથ ઘણાં અંશે બોલીવૂડમાં લોકપ્રિય બનેલા પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન જેવો દેખાય છે. તેથી તેની તુલના ફવાદ ખાન સાથે કરવામાં આવે છે. કીથ આ બાબતે કહે છે કે મારા માટે એ ગર્વની વાત છે કે મારી તુલના એક જાણીતા કલાકાર સાથે થાય છે. મને પોતાને પણ આનો અનુભવ ત્યારે થયો હતો જ્યારે ફવાદ ખાનનો એક ચાહક મને ફવાદ સમજીને મારી પાસે દોડી આવ્યો હતો.
 

Post Comments