Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઈરફાન ખાન 'કમ્ફર્ટ ઝોન' માં રહેવાનો ઈનકાર

જો કોઈ કલાકાર ધરાર પોતાના કમ્ફર્ટ ઝોનમાં રહેવાનો ઈનકાર કરીને સતત નવા નવા પ્રયોગો કરતો રહે, વેગવેગળી ભૂમિકાઓ ભજવતો રહે તો વત્તીઓછી નિષ્ફળતાઓ સાથે સફળતા તેના કદમ ચૂમે એ વાત ચોક્કસ.

અભિનેતા ઈરફાન ખાન આવા કલાકારોમાંનો એક છે. તેણે ૧૯૮૮ માં 'સલામ બોમ્બે' થી હિન્દી ફિલ્મોમાં કદમ માંડયા ત્યારે તે 'નેશનલ સ્કુલ ઓફ ડ્રામા'ના બીજા વર્ષમાં હતો. જોકે અભિનેતા આ ફિલ્મને પોતાની પદાર્પણ મૂવી નથી માનતો. તે કહે છે કે મારી કારકિર્દીનો ખરો આરંભ ૧૯૯૩માં આવેલી ફિલ્મ 'બનેગી અપની બાત'થી થયો હતો. અને આ સિનેમા પછી ઈરફાને પાછું વળીને નથી જોયું. તેણે માત્ર બોલીવૂડમાં જ નહીં, સંખ્યાબંધ આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ભલે તેનો રોલ નાનો હોય કે મોટો, પરંતુ તેણે ભારતીય સિનેમા સિવાયના ફિલ્મોદ્યોગોમાં સુધ્ધાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.

અભિનેતા દ્રઢપણે માને છે કે  જ્યારે તમે નવા પ્રયોગો કરો ત્યારે નિષ્ફળતાના ભયથી પ્રયાસ ન કરો એ શી રીતે ચાલે? હું સતત ટ્રાયલ એન્ડ એરરને વળગી રહ્યો અને ટકી રહેવાનો પ્રયાસ કરતો રહ્યો. મેં ક્યારેય મારા કમ્ફર્ટ ઝોનમાં રહેવાનો પ્રયત્ન નથી કર્યો. છેવટે મારા પ્રયાસો રંગ લાવ્યા અને દેશ-વિદેશની સિને સૃષ્ટિમાં મેં મારી જગ્યા બનાવી.

અભિનેતાની આજે રજૂ થયેલી ફિલ્મ 'હિન્દી મિડિયમ'ની જ વાત કરીએ તો તે ઓવર-ધ-ટોપ કોમેડી છે. ઈરફાન આ ફિલ્મ વિશે કહે છે કે આજની તારીખમાં પોતાના સંતાનને સારી, એટલે કે અંગ્રેજી માધ્યમની શાળામાં દાખલ કરવા માટે શું શું કરવું પડે છે એ વાતથી અજાણ એક દંપત્તિ પોતાની પુત્રીને સારી શાળામાં દાખલો અપાવવા ફટાફટ અંગ્રેજીમાં બોલતા લોકો દિલ્હીના જે વિસ્તારમાં રહેતા હતા ત્યાં રહેવા જાય છે.

અને તેને કારણે તેમના જીવનમાં કેવી ઊથલપાથલ થાય છે, તેમના સંબંધો પર તેની શી અસર પડે છે તેની રજૂઆત કરતી કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મ માતાપિતાઓ અને તેમના સંતાનોને એકસમાન મનોરંજન પૂરું પાડશે. અભિનેતાએ વધુમાં કહ્યું હતું કે હાલના તબક્કે હું દિગ્દર્શક અભિનય દેવની ફિલ્મ 'રાયતા'નું શૂટિંગ કરી રહ્યો છું.

ઈરફાન ખાન દ્રઢપણે માને છે કે ફિલ્મો સમાજનું દર્પણ છે. તેથી આપણા સમાજમાં જે ચાલે છે તેનો પડઘો તેમાં સંભળાવો જ જોઈએ. વાસ્તવમાં તે પોતાના જીવનના અનુભવો પણ પોતાની ફિલ્મમાં રજૂ થાય એમ ઈચ્છતો હોય છે. તેથી તે સામાજિક સંદેશા આપતી ફિલ્મોમાં કામ કરવાનું વધુ પસંદ કરે છે. ચાહે તે 'હિન્દી મિડિયમ' હોય કે 'મદારી'.

ઈરફાનને એ વાતનો વસવસો છે કે આજની તારીખમાં કમર્શિયલ સિનેમામાં માત્ર અને માત્ર મનોરંજન જોવા મળે છે. તેમાં યોગ્ય કથાવસ્તુ કે સામાજિક સંદેશો ભાગ્યે જ રજૂ થાય છે. તે માને છે કે હવે સિનેમા ખ્યાતિ પ્રાપ્ત કરવાનું માધ્યમ બની ગયું છે. બાકી ૫૦ અને ૬૦ના દશકમાં ફિલ્મ સર્જકો ચોક્કસ કથાનક સિવાયની ફિલ્મો નહોતા બનાવતા. તેઓ કોઈક કહાણી અને સામાજિક સંદેશ રજૂ કરવા તત્પર રહેતાં. તેઓ મનોરંજન સાથે જીવનના અનુભવોને દર્શકો સામે મૂકતાં. અને પોતાની કહાણી રજૂ કરવા ફિલ્મ લાંબી બને તોય તેમને વાંધો નહોતો. તે વધુમાં કહે છે કે આજની તારીખમાં પણ મને આવી ફિલ્મો કરવાનું જ ગમે છે. હું માત્ર કોઈક કથાનક રજૂ કરતી ફિલ્મો જ પસંદ કરું છું.

ઈરફાનને સરસ કહાણી રજૂ કરવા કોઈપણ માધ્યમની ફિલ્મ કરવા સામે વાંધો નથી. હાલના તબક્કે તે મિની સિરિઝ 'ટોક્યો ટ્રાયલ'માં કામ કરી રહ્યો છે. તે કહે છે આ ફિલ્મમાં બીજા વિશ્વ યુધ્ધ પછીની વાત વણી લેવામાં આવી છે જેમાં આંતરરાષ્ટ્રીય મિલિટરી ટ્રીબ્યુનલ જાપાનની મિલિટરીના યુધ્ધ ક્રાઈમ્સ પર કામ ચલાવે છે. તે વધુમાં કહે છે કે આ સિરિઝમાં હું આ ટ્રીબ્યુનલના એક જજની ભૂમિકા ભજવી રહ્યો છું. તે પોતાની કઠણાઈ વિશે કહે છે કે તત્કાલીન સમયમાં કાનૂની ભાષા હમણાંની કાયદાની ભાષા કરતાં સદંતર જુદી હતી. તેથી તેને સમજવામાં મને નાકે દમ આવી જાય છે. આમ છતાં મને તે કરવાનું ગમે છે. આનું કારણ એ છે કે આપણે ચોક્કસ બાબતો આ પ્રકારની ફિલ્મો દ્વારા જ સચોટ રીતે રજૂ કરી શકીએ.

અભિનેતાએ કોમેડી તેમ જ ગંભીર, બંને પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું છે. તે કહે છે કે હું સારી સ્ક્રીપ્ટ પર જ પસંદગીનો કળશ ઢોળું છું. અને કોઈ સ્ક્રીપ્ટ માટે મને એમ લાગે કે તે જામતી નથી તો હું તેને અડતો જ નથી. તે વધુમાં કહે છે કે એક સમયમાં મને 'ગોલમાલ' જેવી કોમેડી ફ્રેન્ચાઈસીમાં કામ કરવાની ઓફર પણ મળી હતી. પરંતુ તે વખતે મને આવી ફિલ્મો કરવા માટેનો મારો સમય યોગ્ય નહોતો લાગ્યો. હા, તે વખતે હું નાણાં રળવા માટે આવી ફિલ્મો કરી શક્યો હોત. પરંતુ તે મારા માટે કંટાળાજનક બની રહેત. તે વખતે હું એવી જ ફિલ્મો કરતો હતો જેની સાથે મારો વત્તાઓછા અંશે પણ સીધો સંબંધ સ્થાપિત થતો હોય.

ઈરફાન ખાન ફિલ્મી પરિવારમાંથી નથી આવતો એ વાત સર્વવિદિત છે. અને તેના માતાપિતા પણ નહોતા ઈચ્છતા કે તે ફિલ્મોમાં કામ કરે. પરંતુ અભિનેતા ફિલ્મોમાં કામ કરવા માગતો હતો. તે કહે છે કે હું ફિલ્મઉદ્યોગમાં આવીશ એવી કલ્પના પણ કોઈ નહોતું કરી શકતું. અને આરંભના તબક્કામાં હું આ ઉદ્યોગમાં મારી જાતને ફીટ કરવાનો પ્રયાસ કરતો હતો. પણ તેને કારણે હું વધુ પાછળ ધકેલાઈ જતો. છેવટે મેં ફિલ્મ ઈન્ડસ્ટ્રીને હળવાશથી લેવાનું શરૃ કર્યું. અને બધાના આશ્ચર્ય વચ્ચે તેમાં મારું સ્થાન બની ગયું.
 

Post Comments