Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટીવી સિરિયલોના ગમતીલા દાદાજી,બાબુજી અને બાપુજી

બુનિયાદના આલોકનાથ, ખીચડીના અનંગ દેસાઇ, તેરે શહેર મેં ના ગજાનંદ ચૌબે,એક દૂજે કે વાસ્તેના  મદન જોશી  અને તારક મહેતા કા ઉલટા ચશ્માના અમિત ભટ્ટને દર્શકોએ ભરપૂર આવકાર આપ્યો છે :  દાદાજીનાં આ બધાં પાત્રોમાં માનવીય મૂલ્યો, પારિવારીક એકતા અને અનુભવના ભાથાનાં ઉજળાં પાસાં જોવા મળે છે

ભારતમાં ટેલિવિઝનના નાના પડદાએ ખરેખર બહુ મોટો ચમત્કાર કર્યો છે.એમ કહો કે ટીવી દેશના અંતરિયાળ એટલે કે પહાડી,રણ,સમુદ્ર કાંઠો અને જંગલ નજીકના વિસ્તારોમાં પણ પહોંચી ગયું છે.અને એટલે જ ટીવીના કાર્યક્રમો ભારતનાં લાખો ગામડાંમાં અને આવા અંતરિયાળ વિસ્તારોમાં બહુ લોકપ્રિય છે.આમ છતાં ટીવીની અમુક સિરિયલો તો શહેરી વિસ્તારોમાં ઘણી લોકપ્રિય બની છે.

મજાની બાબત એ છે કે કેટલીક સિરિયલોનો આનંદ તો આખો પરિવાર સાથે બેસીને માણી શકે તેવી મજેદાર હોય છે. આવી કૌટુબિક સિરિયલોમાં દાદા-દાદી આખા કુટુંબની કાળજી રાખે, પોતાના બહોળા અનુભવથી નાની મોટી સમસ્યાઓનો સરળતાથી ઉકેલ લાવે,બાળકોને ઉજળા-ઉત્તમ સંસ્કારો આપે અને પરિવારને અખંડ રાખે.આ જ કારણસર  બાબુજી કે  દાદાજીનું પાત્ર સૌથી ગમતીલું હોય છે.

આલોકનાથ, અનંગ દેસાઇ, એસ.એમ. ઝહીર, મદન  જોશી અને અમિત ભટ્ટ  વગેરે  બાબુજી કે દાદાજીનાં પાત્રો ભજવનારા અભિનેતાઓ પણ ઘર ઘરમાં જાણીતા બની ગયા છે.ટીવીની દુનિયામાં  બાબુજી કે દાદાજીની ભૂમિકાઓ ભજવતા  અભિનેતાઓ પણ  બહુ ઓછા છે.  આપણે આવા બાબુજી કે દાદાજી સાથે હલકીફૂલકી વાતો કરીએ.

* આલોકનાથ  :
 આલોકનાથની અભિનય કારકિર્દી અને ભારતમાં ટેલિવિઝનની કારકિર્દી બંને એક સાથે શરૃ થયાં છે એમ કહેવું વધુ સાચું છે. ફોડ પાડીને કહીએ તો ભારતમાં ટીવીની  પા પા પગલી  દૂરદર્શનના કાર્યક્રમો દ્વારા શરૃ થઇ છે.એ તબક્કે દૂરદર્શન પરથી રજૂ થતી સિરિયલ બુનિયાદમાં આલોકનાથે બહોળા પરિવારના વડીલ હવેલીરામની અફલાતૂન ભૂમિકા ભજવી હતી.

બુનિયાદના તે કુટુંબમાં બનતા સારા- નરસા, આનંદના કે  ચિંતાના જે કોઇ પ્રસંગો બનતા તેમાં કુટુંબના મુખિયા તરીકે હવેલીરામનું યોગદાન બહુ મહત્વનું રહેતું.વળી, બુનિયાદ સિરિયલ ઘણા લાંબા સમય સુધી ચાલુ રહી હોવાથી આલોકનાથની લોકપ્રિયતા પણ વધી ગઇ હતી. એમ કહો કે આલોકનાથ તે સમયનો ટીવીનો પહેલો સુપર સ્ટારબની ગયો હતો.અને એટલે જ આલોકનાથનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લોકપ્રિય બની ગયું  હતું.

સમય જતાં બન્યું એવું કે બુનિયાદની જબરી લોકપ્રિયતાના પગલે આલોકનાથને ટીવીની અન્ય સિરિયલોમાં અને હિન્દી ફિલ્મોમાં પણ બાબુજીનાં વજનદાર  પાત્રો મળવાં લાગ્યાં.

ઉદાહરણરૃપે ૧૯૮૯માં રજૂ થયેલી નિર્માતા- દિગ્દર્શક સૂરજ બડજાત્યાની સુપરહીટ ફિલ્મ મેૈને પ્યાર કિયામાં આલોકનાથની  ભૂમિકાની પ્રસંશા થઇ હતી.તો વળી, આ જ સૂરજ બડજાત્યાની બીજી સુપરહીટ ફિલ્મો હમ આપકે હૈ કોૈન માં અને હમ સાથ સાથ હૈ માં પણ આલોકનાથે પરિવારના બહુ માયાળુ અને જવાબદાર કાકા અને પિતાજીની મજેદાર ભૂમિકા ભજવીને વિશિષ્ટ ઉદાહરણ પૂરું પાડયું છે.વળી, આલોકનાથે તો મેરે રંગ મેં રંગને વાલી તથા યહ રિશ્તા ક્યા કેહલાતા હૈ જેવા ટીવી  શો માં પણ મહત્વનું યોગદાન આપ્યું છે.

જોકે આ જ વડીલ આલોકનાથ વિશે જાતજાતની જોક અને મજાક મશ્કરી પણ થતી રહે છે.વાત જાણે એમ બની કે આલોકનાથે યુવાન વયે બુનિયાદ સિરિયલમાં અને ત્યારબાદ  મૈંને પ્યાર કિયા સહિત અન્ય ફિલ્મોમાં  પરિવારના વડીલની એટલે કે વૃદ્ધની ભૂમિકા ભજવી હતી.એટલે તેને ટીવી સિરિયલોમાં અને ફિલ્મોમાં વિવિધ પ્રકારની ભૂમિકાઓ ન મળી અને તેની અભિનય પ્રતિભા બીજા રસ્તે ફંટાઇ ગઇ એવી ચર્ચા ટેલિવુડમાં અને બોલીવુડમાં થતી રહે છે.જોકે આવી મજાક કે જોક્સને ખુદ આલોકનાથ બહુ હળવાશથી લે છે.

* અનંગ દેસાઇ  :
 આ ગુજરાતી અભિનેતાનું નામ પણ ટીવી અને ફિલ્મોના પડદે બહુ જાણીતું છે.ખાસ કરીને લોકપ્રિય  ટીવી સિરિયલ ખીચડીના તુલસીદાસ પારેખ એટલે કે  બાબુજીના પાત્રને પણ એટલી જ પ્રસિદ્ધિ મળી હતી.નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા( દિલ્હી)ના વિદ્યાર્થી અનંગ દેસાઇ હવે ચિડિયા ઘર અને  તમન્ના સિરિયલમાં પણ આવી રહ્યા છે.અનંગ દેસાઇ સિરિયલ તમન્નામાં પંડિત ચૌરસિયાની મજેદાર ભૂમિકા ભજવી રહ્યા છે.  પંડિત ચૌરસિયા અચ્છા તબલાંવાદક છે અને દરરોજ તેના ઘરમાં  તબલાં પર રિયાઝ કરતા રહે છે. જ્યારે ચિડિયા ઘરમાં મર્કટની વિશિષ્ટ ભૂમિકામાં છે જે આમ તો નાનકડી છે.

ગુજરાતના અમદાવાદમાં જન્મેલા અને ઉછરેલા અનંગ દેસાઇએ લગભગ ૮૦ જેટલી ટીવી સિરિયલોમાં વિવિધ પ્રકારનાં પાત્રો ભજવ્યાં છે. તો અમુક હિન્દી ફિલ્મોમાં પણ ભૂમિકાઓ ભજવી છે.

* એસ.એમ. ઝહીર  :  
તેરે શહેર મેં ટીવી સિરિયલના ગજાનંદ  ચૌબે એટલે એસ.એમ. ઝહીર. તેરે શહેર મેં  સિરિયલની લોકપ્રિયતાના પગલે એસ.એમ. ઝહીર તેમના વતન બનારસમાં પણ બહુ જાણીતા થઇ ગયા છે.આ સિરિયલમાં એસ.એમ.ઝહીરે દાદાજીની બહુ ગંભીર અને જવાબદાર ભૂમિકા ભજવી છે.

પરિવારની ગંભીર કહી શકાય તેવી સમસ્યાને આ બાબુજી તેમના બહોળા અનુભવથી અને દીર્ઘદ્રષ્ટિથી ઉકેલે છે.આજે ટીવી સિરિયલોના આ વ્હાલા બાબુજીનું નામ બહુ સન્માનથી લેવાય છે.

* મદન જોશી :   
એક દૂજે કે વાસ્તે ટીવી  સિરિયલની લોકપ્રિયતાના મૂળમાં બાબુજી રઘુવર તિવારીનું યોગદાન બહુ મૂલ્યવાન છે. રઘુવર તિવારી એક શાંત, ધીરગંભીર અને અનુભવી તથા માનવીય મૂલ્યોના જબરા આગ્રહી હોવાથી તેમનો અભિપ્રાય કુટુંબમાં બધા માટે બહુ મહત્વનો અને ઉપયોગી બની રહે છે.

આટલું જ નહીં, આ ટીવી સિરિયલનાં હજારો દર્શકોને પણ તેમની  આ શીખામણ ઉપયોગી બની રહે તેવી હોય છે.ખાસ કરીને બાબુજી અને તેમની વ્હાલી પૌત્રી સુમન ઉર્ફે સુમો વચ્ચેનો લાગણીસભર નાતો ખરેખર દર્શકોની આંખો  પણ બેઘડી ભીની કરી દે છે.કહેવાનો અર્થ એ છે કે એક દૂજે કે વાસ્તે ટીવી સિરિયલના રઘુવર બાબુજીની ભૂમિકા યાદગાર અને ઉદાહરણરૃપ બની ગઇ છે.

* અમિત ભટ્ટ :  
  તારક મહેતા કા ઉલટા ચશ્મા ટીવી સિરિયલ આજે ઘરે ઘરે  જાણીતી થઇ ગઇ છે તો તેનાં પાત્રો પણ બેહદ લોકપ્રિય બની ગયાં છે. ખાસ કરીને જેઠાલાલ ગડાના બાપુજી એટલે કે ચંપકલાલની ભૂમિકાને દર્શકોએ ખરેખર ખુલ્લા દિલથી આવકારી છે.

કુટુંબના વડીલ તરીકે આ બાપુજીતેમના જબરા રમતિયાળ પૌત્ર ટપુને ઉત્તમ સંસ્કારો તો જરૃર આપે છે. સાથોસાથ ટપુને શિસ્તના પાઠ પણ ભણાવે છે. તો વળી,ઘરની વહુ દયા(દિશા વાકાણી)ને દીકરી સમજે છે અને વેપારી પુત્ર જેઠાલાલ(દિલીપ જોશી) કદાચ પણ વહુ કે પેલા ટપુડા પર ગુસ્સે થાય તો તેને(જેઠાને) બરાબર ખખડાવી પણ નાખે છે.

આમ છતાં દીકરા જેઠાલાલને પિતાનો ભરપૂર પ્રેમ અને આશીર્વાદ પણ આપે છે.ઘરમાં સદાય આનંદ- મંગળનું વાતાવરણ રહે તે માટે આ બાપુજી સદાય જાગૃત અને પ્રયત્નશીલ રહે છે.ક્યારેક તો આ ચંપકલાલ બાપુજી બહુ નાની વાતમાં પણ હાસ્યનો ધોધ વહાવે છે. દર્શકોને આ ગુજરાતી બાપુજી બહુ બહુ ગમી ગયા છે.

Post Comments