Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વર્લ્ડ સિનેમા - લલિત ખંભાયતા

ડિરેક્ટર : ઓલિવર સ્ટોન

લંબાઈ : ૧૭૫  મિનિટ

રિલિઝ : નવેમ્બર ૨૦૦૪

કલાકારો : કોલિન ફેરલ, એન્જેલિના જોલી, એન્થની હોપકિન્સ, જેરેડ લેટો

એલેક્ઝાન્ડર : વિશ્વવિજેતા ભારત આવીને કેમ હારી ગયો?


ઈસવીસન પૂર્વે થઈ ગયેલો રાજા એલેક્ઝાન્ડર ૨૦ વર્ષની વયે સત્તા પર આવ્યો હતો, ૩૦ વર્ષની વયે વિશ્વવિજેતા કહેવાયો હતો.. એ એલેક્ઝાન્ડર જેને 'ધ ગ્રેટ' કહેવામાં આવે છે, તેની જીવનકથા આ ફિલ્મમાં રજૂ થઈ છે.

યુરોપના નાનકડા દેશ મેસોડેનિયા પર રાજા ફિલિપ દ્વિતિયનું રાજ હતું. ફિલિપ જોકે રાજ-કાજ કરતાં શરાબ-શબાબમાં વધારે ડુબ્યો રહેતો હતો.

તેની ચોથી રાણી ઑલિમ્પિસને ત્યાં દીકરાનો જન્મ થયો, દીકરાને નામ અપાયું : એલેક્ઝાન્ડર. ઈતિહાસમાં પાછળથી એ દીકરો 'એલેક્ઝાન્ડર ધ ગ્રેટ' તરીકે ઓળખાયો. પણ ગ્રેટ બનવા માટે તેણે બહુ સંઘર્ષ કરવો પડયો હતો અને એ સંઘર્ષની શરૃઆત ઘરથી જ થઈ હતી.

એલેક્ઝાન્ડરને તેના પિતા સાથે બનતું નહીં. તેનો ઘણોખરો ઉછેર માતા ઑલિમ્પિસ અને ગુરુ એરિસ્ટોટલ પાસે જ થયો હતો. એરિસ્ટોટલ તેને સમજાવતા કે દુનિયામાં ક્યાં ક્યાં કેવાં લોકોનું રાજ છે અને તારે મોટા થઈને ક્યાં ક્યાં ચડાઈ કરવાની છે. માતા તેને રાજરમત શિખવતી હતી. સતત સાપથી ઘેરાયેલી રહેતી માતા ઑલિમ્પિસને પણ તેના પતિદેવ ફિલિપ સાથે ખાસ બનતું ન હતું.

ફિલિપ વધુ રાણી કરે કે પછી છે એટલી રાણીથી કોઈ પુત્ર પેદા કરી એલેક્ઝાન્ડરના રાજમાં ભાગ ન પડાવે તેનું સતત ઑલિમ્પિસ ધ્યાન રાખતી હતી. ફિલિપની વિજેતા બનવાની વિચારધારા એલેક્ઝાન્ડરને ગમતી હતી, પણ છતાંય તેને પિતા સાથે મતભેદ હતા અને ઘણી વખત બાપ-દીકરો ભરી સભામાં બાખડી લેતા હતા.

એક દિવસ ફિલિપની હત્યા થઈ ગઈ, સત્તાના સુત્રો એલેક્ઝાન્ડરાના માથે પહેરાવાયા. ૨૦ વર્ષે એ મેસોડેનિયાનો શહેનશાહ બન્યો. પિતાની માફક ચો-તરફ પોતાનું સામ્રાજ્ય વિસ્તારવાની તેની પણ મહેચ્છા હતી. માટે તેણે પૂર્વ તરફ આગેકૂચ આરંભી દીધી. એલેક્ઝાન્ડરની યુદ્ધ કરવાની રીત અલગ હતી. તેના પિતાના સમયના ઘણા દરબારીઓ એલેક્ઝાન્ડર સાથે સહમત ન હતા. પરંતુ જ્યારે એલેક્ઝાન્ડર યુદ્ધ જીતી જતો હતો ત્યારે તેમની અસહમતીનું ખાસ મહત્ત્વ પણ રહેતું ન હતું.

સૈન્ય સાથે વિવિધ પ્રદેશ જીતવા નીકળી પડેલા એલેક્ઝાન્ડરને મોટો પડકાર ત્યારે આવ્યો જ્યારે સેના પર્શિયન સામ્રાજ્યની સરહદોમાં પહોંચી. પર્શિયામાં ત્યારે શહેનશાહ દાયરસનું રાજ હતું. એલેક્ઝાન્ડરે અતીશય લાંબા ભાલા અને બખ્તર લઈને ઉભેલા પોતાના સૈન્યને પાનો ચડાવ્યો અને દાયરસને હરાવ્યો પણ ખરો. દાયરસ ભાગી ગયા પછી તેના પરિવારના કોઈ સભ્યોને એલેક્ઝાન્ડરે નુકસાન ન કર્યું. સૈન્યએ આરામ કરવા ત્યાં જ પડાવ નાખ્યો.

એલેક્ઝાન્ડરનો એક ખાસ મિત્ર હતો, હેફિસ્ટન. હેફિસ્ટન સાથે એલેક્ઝાન્ડરના અત્યંત અંગત સબંધો હતા. એટલા બધા અંગત હતો કે એલેક્ઝાન્ડર પર ગે હોવાનો આક્ષેપ થતો હતો એ સાચો સાબિત થતો લાગે. એલેક્ઝાન્ડર નિયમિત રીતે પોતાનો પુરુષ-પ્રેમ વ્યક્ત કરતો રહેતો હતો. અહીં જોકે એણે લગ્ન માટે યુવતી પસંદ કરી લીધી.

એ યુવતી મેસોડેનિયાની નહીં, એશિયાના બહુ નાના રજવાડાની કુંવરી હતી. એલેક્ઝાન્ડરના સલાહકારોએ સમજાવ્યો કે પહેલા લગ્ન તો મેસોડેનિયાની યુવતી સાથે જ કરવા જોઈએ.. વળી આ યુવતી ગમતી હોય તો લગ્ન કરવાની ક્યાં જરૃર છે.. વગેરે.. પણ જિદ્દી એલેક્ઝાન્ડર માન્યો નહીં અને રોક્ષાના સાથે લગ્ન કર્યાં.

વિજયકૂચ સાત વર્ષથી ચાલતી હતી. એટલે કે એલેક્ઝાન્ડર મેસોડેનિયાથી નીકળ્યો તેને સાતમુ વર્ષ પસાર થઈ રહ્યું હતું. ત્યાંથી તેની માતા ઑલિમ્પિસ વારંવાર પત્ર લખીને દીકરાને પરત આવવા સમજાવતી હતી. જેથી મેસોડેનિયામાં પણ રાજ-કાજ થાળે પડે.

પરંતુ એલેક્ઝાન્ડર પોતાના દરેક નિર્ણયમાં પોતે જિદ્દી હોવાનું સાબિત કરતો હતો. તેની ઈચ્છા ભારત તરફ જઈ વધુ પ્રદેશો કબજે કરવાની હતી. ભારત વિશે ઘણુ સાંભળ્યુ હતું, પણ કોઈએ હજુ સુધી ચડાઈ કરી ન હતી.

સૈનિકો હવે થાક્યા હતા. વર્ષોથી લડતાં લડતાં અહીં સુધી પહોંચ્યા હતા. ક્યાં સુધી લડયાં કરવું? ઘણા સૈનિકો મરાઈ ચૂક્યા હતા, ઘણા ઘાયલ થયા હતા અને સશક્ત હતા એમાંથી બધા લડવાના મૂડમાં ન હતા. એલેક્ઝાન્ડરે ધાક-ધમકી અને સમજાવટથી બધાને આ છેલ્લી લડાઈ લડી લેવા સાથે લીધા. રસ્તામાં આડા આવનારને એલેક્ઝાન્ડરે પતાવી પણ દીધા હતા.

એલેક્ઝાન્ડરની વિશેષતા એ હતી કે લડાઈમાં પોતાના કાળા ઘોડા પર ચડીને એ સૌથી આગળ રહેતો. સેનાને તેનાથી પ્રેરણા મળતી હતી. રાજા લડે છે, તો વધુ એક જંગ થઈ જાય એમ માનીને સૈનિકો પણ જેલમ નદીના કાંઠે લડાઈમાં ઉતરી પડયા.

મેદાની પ્રદેશ,પહાડીઓમાં લડીને અહીં પહોંચેલા સૈન્ય માટે જેલમ અને ચીનાબ નદી વચ્ચેના જંગલો થોડા અજાણ્યા હતા. સામે પક્ષે પંજાબનો રાજવી પોરસ અને તેની સેના હતી. એલેક્ઝાન્ડર એટલે કે સિકંદર ઘોડેસવાર સૈન્ય સાથે આગળ વધતો હતો તો પોરસ પાસે હાથીની ફોજ હતી.

પરિણામ એ આવ્યું જેની એલેક્ઝાન્ડરને કલ્પના ન હતી. એલેક્ઝાન્ડરને પોતાને જ તીર લાગ્યું, ત્યાંથી પરત ફરવું પડયું અને સૌ કોઈ મેસોડેનિયા ભેગા થઈ ગયા. સિકંદરની આગેકૂચને પોરસે અટકાવી દીધી હતી.  વિશ્વવિજેતા બનવા નીકળેલો સિકંદર ભારતના કાંઠે અટક્યો ખરો.

મેસોડેનિયામાં એક દિવસ ખબર પડી કે એલેક્ઝાન્ડરનો ખાસ મિત્ર હેફિસ્ટન બીમાર પડયો.. થોડા સમયમાં મૃત્યુ પામ્યો. તેને કોઈએ ઝેર આપ્યું હતું. કોણે? એલેક્ઝાન્ડરની પત્ની રોક્ષાનાએ જ! પત્ની કરતાં મિત્ર સાથે એલેક્ઝાન્ડરની વધુ પડતી નિકટતાથી ઈર્ષ્યા પામીને કદાચ..

ચો-તરફ અને ખાસ તો પૂર્વ દિશામાં પોતાનું સામ્રાજ્ય ખુબ વિસ્તારી ચૂકેલા એલેક્ઝાન્ડરના ભાગ્યમાં વિસ્તરેલા રાજ્ય પર રાજ કરવાનું ન હતું. કેમ કે હેફિસ્ટનના મોતના થોડા સમય પછી એ પણ મૃત્યુ પામ્યો. ત્યારે દુનિયાના એ મહાન ગણાતા રાજવીની ઉંમર ૩૩ વર્ષ પણ પૂરી થઈ ન હતી.

એલેક્ઝાન્ડરના હુકમની તાબેદારી કરતાં તેના લશ્કરી અધિકારીઓ સામ્રાજ્ય માટે તો ઠીક પહેલા તો એલેક્ઝાન્ડરના મૃતદેહ માટે લડયા. એ વખતે રોક્ષાના ગર્ભવતી હતી. માટે સુબેદારોએ મળીને સામ્રાજ્યના ભાગલા કરી દીધા અને રોક્ષાના તથા તેનો દીકરો થોડો મોટાં થયા એ સાથે તેમને ય પતાવી દીધા.

ઈતિહાસમાં એલેક્ઝાન્ડર, મહાન રાજવી તરીકે અમર થયો. એ મહાનતા હાંસલ કરવા તેણે સતત ભોગ આપવો પડયો હતો.

હોલિવૂડના પ્રભાવશાળી ડિરેક્ટર ઓલિવર સ્ટોને બનાવેલી આ ફિલ્મ પોણા ૩ કલાકમાં એલેક્ઝાન્ડરની જીવનકથા અને એ સમયના યુરોપની રાજકથા કહે છે. આર્થિક રીતે ખાસ સફળ ન નિવડેલી આ ફિલ્મ વિરૃદ્ધ ઈતિહાસ ખોટી રીતે રજૂ કરવાના નામે પણ કેસ-કબાડા થયા હતા.

તો વળી ફિલ્મને ભંગાર ફિલ્મ તરીકેના એવોર્ડ્સમાં નોમિનેશન પણ મળ્યું હતું. એમ છતાં એલેક્ઝાન્ડરની જિંદગી સમજવા માટે આ ફિલ્મ ઉપયોગી થાય એમ છે. આખી ફિલ્મ સૂત્રધાર દ્વારા કહેવાતી વાર્તા સ્વરૃપે કહેવાઈ છે. બાકી તો કથા હજુ ઘણી લાંબી ચાલી હોત..
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments