Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વર્લ્ડ સિનેમા - લલિત ખંભાયતા

કિંગ્સમેન - ધ ગોલ્ડન સર્કલ : ડ્રગ્સ વૉર

ડિરેક્ટર : મેથ્યુ વોન

લંબાઈ : ૧૪૧  મિનિટ

રિલિઝ : સપ્ટેમ્બર ૨૦૧૭

કલાકારો :  કોલિન ફર્થ, જુલિયાન મૂર, ટરોન એગર્ટન, જૈફ બ્રિજ, માર્ક સ્ટ્રોંગ, એડવર્ડ હોલક્રોફ્ટ, હાના આલ્સ્ત્રમ, હેલ બેરી


એક તરફ 'ધ ગોલ્ડન સર્કલ' નામનું સંગઠન છે, જેનું કામ ડ્રગ્સનો કારોબાર કરવાનું છે. બીજી તરફ 'કિંગ્સમેન' અને 'સ્ટેટ્સમેન' નામની બે ટીમ છે, જેમનું કામ ડ્રગ્સના કારોબારીઓને ઠેકાણે પાડવાનું છે. જાસૂસી, મારામારી, એક્શન, થ્રીલ, કોમેડી બધુ અહીં એકઠું થયું છે.

લંડનની બજારમાં કિંગ્સમેન નામની મોંઘા વસ્ત્રોની દુકાન છે. દુકાન તો દેખાડો છે, હકીકતે પાછળ એક જાસૂસી ટુકડી કામ કરે છે. ટુકડીનો સભ્ય એગ્સી બહાર નીકળ્યો ત્યાં તેનો ભેટો ચાર્લી સાથે થયો. ચાર્લીએ અગાઉ કિંગ્સમેનમાં તાલીમ લીધી હતી. પણ હવે એ કિંગ્સમેન સાથે ન હતો. સાથે ન હતો, એટલે સામે હતો.

એ એગ્સી સાથે જૂનો હિસાબ સરભર કરવા આવ્યો હતો. ચાર્લીનો એક હાથ મશીનનો બનેલો હતો. ગમે ત્યારે કાઢી શકાય, ફીટ કરી શકાય એવો. એગ્સી-ચાર્લીની લડાઈના અંતે ચાર્લીનો નોખો પડેલો હાથ એગ્સીની કારમાં રહી ગયો. એ રોબોટિક હાથે કારમાંથી જરૃરી ગુપ્ત માહિતી એકઠી કરી લીધી અને ચાર્લી જેના માટે કામ કરતો હતો એ ગોલ્ડન સર્કલ સંગઠનને પહોંચતી કરી દીધી.

ધ ગોલ્ડન સર્કલનું નામ અજાણ્યુ હતુ કેમ કે સંગઠન દુનિયાથી દૂર જંગલમાં રહી, અત્યંત ગુપ્ત રીતે કામ કરતું હતુ. સંગઠનનુ સંચાલન પોપી આદમ્સ નામની મહિલા કરતી હતી. ક્રૂર મહિલાનું આ સંગઠન હકીકતે દુનિયાની સૌથી મોટી ડ્રગ્સ કાર્ટેલ હતું.

સભ્યોના શરીર પર સોનાનું એક સર્કલ કરી દેવામાં આવતુ હતુ, જે ગોલ્ડન સર્કલની ઓળખ હતી. ગોલ્ડન સર્કલનું નવુ બનેલું ડ્રગ્સ આખી દુનિયામાં પહોંચે તેના આડે કિંગ્સમેન આવે એવી પુરી શક્યતા હતી. એટલે પછી ચાર્લીના હાથે ચોરેલી માહિતીનો ઉપયોગ કરી ગોલ્ડન સર્કલે થોડી વારમાં જ કિંગ્સમેનનું આખુ હેડક્વાટર ઉડાવી દીધું. એગ્સી અને માર્લી જેવા કેટલાક સભ્યો જ બાકી રહ્યા.

અગાઉથી નક્કી થયા પ્રમાણે કટોકટીની સ્થિતિમાં કિંગ્સમેનના બચેલા સભ્યોએ અમેરિકાના કેન્ટકી રાજ્યમાં આવેલી એક દારૃની ફેક્ટરીમાં પહોંચવાનું હતુ. એ ફેક્ટરીનું નામ સ્ટેટ્સમેન હતું. હકીકતે સ્ટેટ્સમેન બીજું સંગઠન હતુ. જ્યારે કિંગ્સમેનની ટીમ પર કોઈ મુશ્કેલી આવે ત્યારે સ્ટેટ્સમેન તેની મદદ કરે. વિશાળ દારૃની બોટલ ઉભી રાખી હોય એવા આકારના હેડક્વાટરમાં સ્ટેટ્સમેનના કેટલાક સભ્યો હતા. તેમના સંચાલક ચેમ્પ સાથે ગઠબંધન થયુ એટલે બન્ને સંગઠન સાથે મળીને ગોલ્ડન સર્કલનું વર્તુળ વિખેરી નાખશે એવું પણ નક્કી થયું.

એગ્સી-માર્લી સ્ટેટ્સમેનમાં પહોંચ્યા ત્યારે ખબર પડી કે તેમના બાહોશ સભ્ય હેરી તો બચી ગયા છે. પણ હેરીની યાદશક્તિ જતી રહી હતી. એક ઓરડામાં રહીને એ પતંગિયાનો જ અભ્યાસ કર્યાં કરતા હતા. તેમની યાદશક્તિ પરત આવે તો ગોલ્ડન સર્કલ સામે લડવામાં કામ લાગે. આવે ત્યારે ખરી, પણ દરમિયાન એગ્સી-માર્લીએ બીજી રીતે લડત શરૃ કરી દીધી.

આ તરફ પોપીબહેને ડ્રગ્સનો ફેલાવો શરૃ કરી દીધો હતો. એ ડ્રગ્સ જેમના સંપર્કમાં આવે તેના શરીર પર બ્લુ કલરની રેખા ઉપસી આવતી હતી. એ પછી શું કરવુ એ કોઈને ખબર ન હતી. બધા ગોલ્ડન સર્કલની મદદ માંગે, સર્કલ પોતાની શરતે મદદ કરે અને પોતાનો વેપાર આખા જગતમાં બિછાવે એવુ આયોજન હતું. એ પ્રમાણે કામગીરી ચાલુ થઈ ગઈ. ભલભલા લોકો ડ્રગ્સની બ્લુ રેખાની ઝપટમાં આવવા લાગ્યા.

સ્ટેટ્સમેનના નશીલા હેડક્વાટરમાં ચેમ્પે એગ્સીની મદદ માટે વ્હિસ્કી નામનો યુવાન પણ ફાળવી દીધો. ત્યાં સુધીમાં હેરીની યાદશક્તિ પરત આવી ચૂકી હતી. એટલે એગ્સી-હેરી-વ્હિસ્કની ત્રિપુટી ગોલ્ડન સર્કલના મૂળિયા શોધવા લાગી પડી. ત્યાં સુધી પહોંચવાનો એક રસ્તો હતો. કિંગ્સમેન સાથે છેડો ફાડીને ગોલ્ડન સર્કલનો ભાગ બની ચૂકેલા ચાર્લીની ગર્લફ્રેન્ડ ક્લારાનો પીછો કરવો પડે. એગ્સીએ ક્લારા સાથે નિકટતા કેળવી શરીરમાં ટ્રાન્સમિટર ફીટ કરી દીધું.

ગોલ્ડન સર્કલની એક ઓફિસ ઈટાલિમાં ઊંચા પહાડ પર હતી. ત્યાં જ બ્લુ રેખાની સારવાર થઈ શકે એ માટેના એન્ટીડોટ્સનો ડોઝ હતો. એગ્સી-હેરી-વ્હિસ્કીએ મળીને એક એન્ટીડોટની ચોરી કરી લીધી. પરંતુ પહાડ પરથી નીચે આવ્યા ત્યાં એ નમૂનો ગુમાવી દીધો. એટલીવારમાં ચાર્લીએ આખી ફેક્ટરીને ઉડાવી દીધી હતી. એટલે હવે એન્ટીડોટ મેળવવા માટે પોપીબહેનનું મુખ્યાલય ક્યાં છે એ જ શોધવું પડે.

પોપીએ અમેરિકી પ્રમુખ સાથે સોદાબાજી શરૃ કરી દીધી હતી. પોતાની જોઈતા રાઈટ્સ આપી દેવામાં આવે તો એ પળવારમાં એન્ટીડોટ રિલિઝ કરી આપે. એની વાત માનવા સિવાય વિકલ્પ પણ ક્યાં હતો? અલબત્ત, વિકલ્પ હતો નહીં, તૈયાર થઈ રહ્યો હતો.

પોપીનો અડ્ડો કમ્બોડિયાના જંગલમાં કોઈ ન પહોંચી શકે એવી જગ્યાએ હતો. ત્યાં જવા માટે એગ્સી-હેરી-વ્હિસ્કી-માર્લીની ટીમ રવાના થઈ. અંદર પહોંચવાનું કામ ખાસ્સું અઘરું હતુ. વિલન પાસે વિવિધ જાતના ગેજેટ્સ છે, તો કિંગ્સમેન-સ્ટેટ્સમેન ટીમ કંઈ ખાલી હાથે નથી આવી. એમની પાસે પણ જાદુઈ છત્રી, સુરક્ષા કવચ આપતી બેગ.. સહિતના અનેક જેમ્સ બૉન્ડ પ્રકારના ગેજેટ્સ હતા.

પોપી ખરા અર્થમાં માથાભારે મહિલા હતી. અમેરિકના જગવિખ્યાત પોપ સિંગર એલ્ટન જોનને તેણે કેદ કરી રાખ્યો હતો અને પોતાને મન પડે એવુ સંગીત તેેની પાસેથી સાંભળતી હતી. પોપીનું કામ હાઈ-ટેક હતું. બે રોબોટિક ડોગ પણ ઓફિસમાં રાખ્યા હતા, જે કોઈ પણની કાપ-કૂપ કરી નાખતા હતા. અડ્ડા ફરતે જમીની સુરંગ બિછાવેલી હતી. એટલે કોઈ અજાણ્યા તો ક્યાંથી સલામત રીતે અંદર પહોંચી શકે?

જંગલમાંથી ચાલીને જતા હતા એવામાં માર્લીનો પગ પણ સુરંગ પર આવી ગયો. માર્લી તો મર્યો, સાથે કેટલાક સુરક્ષા કર્મીઓને પણ માર્યા. એટલી વારમાં બાકીના સભ્યો અંદર પહોંચવામાં સફળ થયા. મારા-મારી, દોડા-દોડી થઈ, ગોળીબાર થયો, રોબોટિક્સ ડોગ પણ પાછળ પડયા.. પણ છેવટે પોપીને ઠાર કરી શકાઈ. એ વખતે ખબર પડી કે કિંગ્સમેન-સ્ટેટ્સમેનનો એક સભ્ય પણ વિલન સાથે મળેલો છે!

લડત થોડી વાર વધુ ચાલી. જોકે ત્યાં સુધીમાં બ્લુ રેખા રોગ વધારે લોકોમાં ફેલાઈ ચૂક્યો હતો. બધા રોગીઓને એક સ્ટેડિયમમાં પુરી દેવાયા હતા. પણ હવે પોપી ન રહી એટલે તેમનું કમ્પ્યુટર લઈ કમાન્ડ આપી આખી દુનિયામાં જરૃર પડી ત્યાં એન્ટીડોટ્સ રવાના કરી દેવાયા. સૌ સારાં થઈ ગયા અને કિંગ્સમેને ફરીથી લંડનની બજારમાં કામ શરૃ કરી દીધું.

૨૦૧૪માં આવેલી 'કિંગ્સમેન : ધ સિક્રેટ સર્વિસ'ની આ સિક્વલ છે. જોકે આ ફિલ્મ સમજવા માટે આગલો ભાગ જોવો જ પડે એવુ નથી. મૂળભૂત રીતે જાસૂસી અને કોમેડીનો સંગમ છે. સંગમ રસપ્રદ છે એટલે ફિલ્મ બધી રીતે સફળ રહી છે. ફિલ્મમાં કોલિન ફર્થ, જૈફ બ્રિઝ, બુ્રસ ગ્રીનવૂડ, જુલિયાન, હેલ બેરી સહિતના અનેક ઑસ્કર વિજેતા ધૂરંધરો પણ એકઠા થયા છે. કેટલાકના રોલ જોકે ઘણા ટૂંકા છે, પણ રસપ્રદ છે. આખી ફિલ્મ બ્રિટન-અમેરિકામાં વંચાતી કોમિક-કાર્ટૂન સિરિઝ પર આધારીત છે. હવે તેનો ત્રીજો ભાગ પણ આવશે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments