Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કરણ જૌહર : ટચૂકડા પડદા પરથી શોધશે બોલીવૂડના નવા સુપરસ્ટાર્સ

કરણ જોહરની ગણના બોલીવૂડના ટોચના ફિલ્મ સર્જકોમાં થાય છે એ વાત સર્વવિદિત છે. પરંતુ બહુમુખી પ્રતિભા ધરાવતો કરણ છેલ્લા ઘણાં સમયથી ટચૂકડા પડદા પણ છવાયેલો રહ્યો છે. અલબત્ત, તેનો ચેટ શો 'કોફી વિથ કરણ' લાંબા વર્ષોથી ટી.વી.ના દર્શકોમાં પ્રિય રહ્યો છે. વળી તેના આ શો પર અવારનવાર કોઈને કોઈ વાદવિવાદ પણ સર્જાતા રહે છે. જોકે આજે આપણે તેના અન્ય કોઈ શોની નહીં, બલ્કે વર્તમાન શોની વાત કરીશું.

છેલ્લાં થોડાં દિવસથી કરણ જોહર અને રોહિત શેટ્ટીએ ભેગાં મળીને ટચૂકડા પડદા પરથી 'ઈન્ડિયાઝ નેક્સ્ટ સુપરસ્ટાર્સ'ની શોધ આદરી છે. કહેવાનો અર્થ એ છે કે આ શો દ્વારા તેઓ બોલીવૂડ માટે નવા સુપરસ્ટાર્સ શોધી કાઢશે. આ શોમાં ભાગ લેનારા સ્પર્ધકોને આ બંને ફિલ્મ સર્જકો તાલીમ આપી રહ્યાં છે. અને તેમની ટેલેન્ટ ચકાસ્યા પછી તેમને બોલીવૂડમાં પ્રવેશવાની તક મળશે.

કરણ જોહરે આ શો બાબતે જણાવ્યું હતું કે બોલીવૂડ હમેશાંથી દેશભરના લોકોને આકર્ષતું રહ્યું છે. ફિલ્મોમાં કામ કરવા માગતા લોકોના ધાડેધાડા નિયમિત રીતે મુંબઈમાં ઉતરી પડે છે. પરંતુ તેમાંથી માંડ આંગળીના વેઢે ગણી શકાય એટલા લોકો જ સફળતાને વરે છે.

તેમાંય સુપરસ્ટાર બનાવાવાળા કેટલાં? મોટાભાગના લોકો તો લાંબા વર્ષો સુધી સંઘર્ષ જ કરતાં રહે છે. અમારા કાને અવારનવાર સંઘર્ષ કરતાં કલાકારોની કરૃણ કહાણીઓ અથડાતી રહે છે. આવી સ્થિતિમાં જો દેશના ટેલેન્ટેડ યુવાધનની ક્ષમતાને કસોટીની એરણ પર ચડાવીને પારખવામાં આવે તો તેને સીધી જ હિન્દી ફિલ્મોદ્યોગમાં એન્ટ્રી મળી શકે. તેથી અમે 'ઈન્ડિયાઝ નેકસ્ટ સુપરસ્ટાર્સ' શો શરૃ કર્યો.

વળી બોલીવૂડ તેના ભાઈભત્રીજાવાદ માટે બદનામ છે. પરંતુ એવું નથી કે અહીં નવી પ્રતિભાઓને તક નથી મળતી. આમ છતાં લોકો એમ માને છે કે આ ઈન્ડસ્ટ્રીમાં તમારે કોઈ ગોડફાધર હોય કે પછી તમે ફિલ્મી પરિવારમાંથી આવતા હો તો જ તમને તમારી ટેલેન્ટ રજૂ કરવાની તક મળે. પરંતુ હવે આ મંચ આવી ભ્રમણા દૂર કરશે. અહીં ઊભરીને આવેલી પ્રતિભાઓને મારી અને રોહિત શેટ્ટીની ફિલ્મોમાં સ્થાન મળશે.

અહીં આપણને સહેજે થાય કે તેઓ સ્પર્ધકોમાં એવી કઈ ખૂબીઓ શોધશે જે જોઈને તેમને એમ લાગે કે તેઓ સુપરસ્ટાર બનવાની લાયકાત ધરાવે છે. આના જવાબમાં કરણ કહે છે કે આ ખૂબીઓ વર્ણવવાનું કઠિન છે. કોઈપણ સ્પર્ધકને સુપરસ્ટાર શી રીતે કહેવો તે ખરેખર તો હૃદયની વાત છે. આપણે શાહરુખ ખાન કે રાજેશ ખન્નાના દિવાના શા માટે છીએ તેના કોઈ કારણો નથી.

બસ, આપણી સાથે તેમનો દિલનો નાતો છે. અને હૈયાની લાગણી અનુભવી શકાય, વર્ણવી ન શકાય. જે તે કલાકાર સાથેનો દર્શકોનો હૈયાનો સંબંધ તેને સુપરસ્ટાર બનાવે છે. આ કલાકારો દર્શકોના પરિવારજનો કે પડોશીઓ જેવા હોય છે. આ શોમાં ભાગ લઈ રહેલા સ્પર્ધકોની પસંદગી શી રીતે કરવામાં આવી તેના વિશે કરણ કહે છે કે હરીફોની શોધ માટે દેશભરના લાખો લોકોના ઓડિશન લેવામાં આવ્યાં હતાં.

અને તેમાંથી માત્ર ૨૦ જણને પસંદ કરવામાં આવ્યાં. આ બધા સ્પર્ધકોમાં કોઈને કોઈ ખાસિયત છે. બધા અત્યંત પ્રતિભાશાળી છે. તેમની નસેનસમાં બોલીવૂડમાં આવવાનું ઝનૂન છે. તેમની ખાસ ખાસ ખૂબીઓ જ તેમને દર્શકોમાં પ્રિય બનાવી રહી છે.

આ શો દ્વારા કરણ અને રોહિત શેટ્ટી પહેલી વખત એકસાથે કામ કરી રહ્યાં છે. આ બાબતે કરણ કહે છે કે અમે બંને ફિલ્મ સર્જક છીએ. અને દર્શકોને મનોરંજન પૂરું પાડવું એ જ અમારું કામ છે. સ્વાભાવિક રીતે જ અમે હમણાં આ સ્પર્ધકોના માધ્યમથી ટી.વી.ના દર્શકોને મનોરંજન પૂરું પાડીએ છીએ. અને પછી તેમાંથી ચૂંટાયેલા સુપરસ્ટાર્સ લોકોનું મનોરંજન કરશે.

'ઈન્ડિયાઝ નેકસ્ટ સુપરસ્ટાર્સ' નો કોન્સેપ્ટ છે 'ના ખાનદાન ના સિફારિશ'. કરણ તેના વિશે કહે છે કે આ ઈન્ડસ્ટ્રી હમેશાં નવી નવી સર્જનાત્મક્તાની તલાશમાં હોય છે. અને આવા કાર્યક્રમોના માધ્યમથી હિન્દી ફિલ્મોદ્યોગ વધુ સમૃધ્ધ બનશે. વળી તેના ઉપર લાગેલું સગાંવાદનું કલંક પણ દૂર થશે. બાકી શાહરુખ ખાન, અમિતાભ બચ્ચન કે માધુરી દીક્ષિત જેવા દિગ્ગજ કલાકારો ક્યાં આ ઈન્ડસ્ટ્રીના હતાં?
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments