Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફિલ્મઇંડિયા- અશોક દવે

- 'જાલ' (૫૨)

ફિલ્મ    :    'જાલ' ('૫૨)
નિર્માતા    :    ટી.આર. ફતેહચંદ (?)
દિગ્દર્શક    :    ગુરૃદત્ત
સંગીત    :    સચિનદેવ બર્મન
ગીતકાર    :    સાહિર લુધિયાનવી
રનિંગ ટાઇમ :    ૧૬-રીલ્સ : ૧૬૫-મિનિટ્સ
ફોટોગ્રાફી    :    વી.કે. મૂર્તિ
કલાકારો : દેવ આનંદ, ગીતા બાલી, કે.એન.સિંઘ, જ્હૉની વૉકર, રાશિદ ખાન, કૃષ્ણા કુમારી, રામસિંઘ, રાજ મતવાલા અને માછીમારના એક કૅમિયો દ્રષ્યમાં ગુરૃદત્ત.


યે રાત યે ચાંદની ફિર કહાં, સુન જા દિલ કી દાસ્તાં દેવ આનંદે પોતે નિર્માણ કરી હોવા છતાં એ ગુપ્ત નિર્માતા કેમ રહ્યો ?

ગીતો

૧. પિઘલા હૈ સોના દૂર ગગન પર, ફૈલ રહે હ .. લતા મંગેશકર
૨. ચોરી ચોરી મેરી ગલી આના હૈ બુરા, ...લતા-કોરસ
૩ દે ભી ચૂકે હમ દિલ નઝરાના દિલ કા, ...ગીતા દત્ત-કિશોર કુમાર
૪ જોર લગા કે હૈયા,,,,પૈર જમા કે હૈયા....ગીતા દત્ત-કોરસ
૫ યે રાત યે..  , સુન જા દિલ કી દાસ્તાં...હેમંત કુમાર
૬ યે રાત યે..  , સુન જા દિલ કી દાસ્તાં....લતા-હેમંત કુમાર
૭. સોચ સમઝકર દિલકો લગાના,....ગીતા દત્ત
૮ હંસ લે, ગા લે...કૈસી યે જાગી અગન,....લતા-કોરસ


ફિલ્મ સાથે સંકળાયેલું બધું 'નવકેતન'ને મળતું હતું છતાં, દેવ આનંદે આ ફિલ્મના નિર્માતા તરીકે પોતાનું નામ કઢાવીને કોઇ ડમી નિર્માતા ટી.ફત્તેહચંદનું નામ લખાવી દીધું. દેવની આત્મકથા ROMANCING WITH LIFE માં તો આનો કોઇ ઉલ્લેખ મળતો નથી, પણ મુંબઇના ફિલ્મ-પંડિતોની ધારણા મુજબ, સરકારી ટૅક્સ બચાવવા આમ કરવું પડયું હતું. ખૂણામાં જઇને આપણે ધારી રાખેલું એક કારણ એ પણ હોઇ શકે, કે આવી રદ્દી ફિલ્મ મેં બનાવી છે, એ દુનિયાને કહેવાનો સોટો દેવ આનંદને ન પણ ચઢ્યો હોય !

આપણે  માની શકીએ એના કરતા ય વધુ અંતરંગ દોસ્તો દેવ આનંદ અને ગુરૃદત્ત વ્હી.શાંતારામની પ્રભાત ફિલ્મ્સ કંપનીમાં સાથે કામ કરતા ત્યારના હતા. ત્રીજો રહેમાન પણ ખરો. ગુરૃદત્તને રહેમાન સાથે દેવ જેવી જ દોસ્તી આખર સુધી રહી, જ્યારે દેવને રહેમાન સાથે પહેલા કે છેલ્લા જેવી દોસ્તી હરગીઝ નહોતી.

દેવ અને ગુરૃદત્ત મુંબઇના થીયેટરોમાં ફિલ્મો જોવા કાયમ સાથે જતા. મુંબઇના ઍક્સૅલસિયર સિનેમામાં આ બન્ને દોસ્તો એક ઈટાલિયન ફિલ્મ જોવા ગયા. ફિલ્મ જોયા પછી ગુરૃએ પોતાની સિગારેટ કાઢી અને સળગાવતા કહ્યું, ''હું આના પરથી એક ફિલ્મ બનાવવાનો છું.''

''બસ. તો હું તારી સાથે છું.'' ફિલ્મનું નામ 'બિટર રાઇસ' હતું, અને હીરો વિટોરિયો ગૅસમૅન હતો. હીરોના ચરિત્રમાં વિલનની છાંટ વધારે હતી, છતાં દેવે સ્વીકારી લીધું કે, ગ્રે-શૅડનો આ રોલ હું જ કરીશ.
આખી ફિલ્મ 'જાલ'નું શૂટિંગ ગોવાના દરિયા કિનારા માલવણમાં થયું હતું. દેવ આનંદના પોતાના શબ્દોમાં કહીએ તો, 'માલવણ આંખોમાં છવાઈ જાય એવો દરિયા કિનારો હતો. હું અને ગીતા બાલી દરિયા કિનારે શૂટિંગ કરવાના હતા, ત્યાં કિનારે ફિલ્મની ઝૂંપડીમાં બેઠો બેઠો વિલન કે.એન. સિંઘ 'ફૅની' પીતો હતો. એણે દેવને બોલાવીને કીધું, ''હું અહીં ઝૂંપડીમાં બેઠો તમને બન્નેને જોતો હતો અને બન્ને કેવા સુંદર લાગો છો...! લે, એક ઘૂંટ લગાવ.'''

દેવ તો ટીટૉટલર હતો (એટલે કે, હંમેશ શરાબથી દૂર રહેનારો) પણ એના અંકલના આગ્રહ સામે કાંઇ ન ચાલ્યું....ફિર ક્યા...? એક પછી એક દૌર ચાલતો રહ્યો અને દેવ ઊભો રહી ન શકે, એટલી હદે ફૅની પીધો. (આમ તો તમારે આ જાણવાની જરૃર નથી, પણ ફક્ત ગોવામાં જ મળતો 'ફૅની' નામનો આ દારૃ અત્યંત ભદ્દી ચીજ છે. એની વાસ ખૂબ મારે અને દેશી દારૃથી ય વધુ જલદ હોવાને કારણે બોટલનું ઢાંકણું ય મોંઢા સુધી લઇ જઇ ન શકો. અન્ય દારૃ કરતા તો ઘણો સસ્તો હોવા ઉપરાંત 'ફૅની'ની બૉટલો ખૂબ આકર્ષક હોય છે, એટલે ફૅની તેલ લેવા ગઇ....ઘેર શૉ-કૅસમાં આવી મોહક બૉટલો રાખી મૂકીશું, એમ માનનારા આઠ-દસ બૉટલો લઈને ફૅની ઢોળી નાંખે છે અને ગોવાની બહાર નીકળતા પહેલા પોલીસ પકડી લે છે.

દેવ આનંદને ઊંધું થયું. એને પોલીસે તો ન પકડયો પણ બીજે દિવસે વહેલી પરોઢે પોતાની શૅવરૉલે ગાડીમાં એ ગીતા બાલી, એની બહેન અને દેવનો ડ્રાયવર મુંબઇ આવવા નીકળ્યા. ગીતા આમે ય તોફાની સ્વભાવની તો હતી જ અને દેવ આનંદને નીસરણી આપી, ''દેખતે હૈં તુમ કિતની તેજ ચલા સકતે હો...?''

દરેક પુરૃષને સુંદર સ્ત્રી સામે હીરો બની જવાની શૂળ તો ઊપડતી જ હોય છે, એ મુજબ દેવે લાઇફમાં આટલી ફાસ્ટ ગાડી ન ચલાવી હોય એ ચલાવવા માંડયો, છતાં ગીતા બિનધાસ્ત એને ચઢાવતી રહી. આખિર વો હી હુઆ, જીસકા હમેં ડર થા....! મુંબઇ ૩૫-માઇલ દૂર હતું (એ જમાનામાં કી.મી. નહોતા)ને દેવે સ્ટીયરિંગ પર કાબૂ ગૂમાવ્યો. ગાડી ધડાકા સાથે એક ઝાડને ટકરાઇ. ગીતા બાલીનો ચેહરો લોહીથી ભરચક થઇ ગયો, પાછળના બન્ને મુસાફરોને વત્તા-ઓછા પ્રમાણમાં ઈજા થઈ હતી, પણ દેવની છાતી સ્ટીયરીંગ અને સીટની વચ્ચે ભારે દબાણથી ચગદાઈ ગઈ હતી.
પૂણેંની સાસુન હૉસ્પિટલમાં (જ્યાં ડૉ. શ્રીરામ લાગુ એક ડૉક્ટરની ફરજ બજાવતા હતા) એ લોકોને દાખલ કરવામાં આવ્યા દેવને મહિનો રોકાવું પડયું.)

કલ્પના કાર્તિકને સિમલાની બ્યૂટી-કન્ટેસ્ટમાંથી શોધી કાઢી હતી દેવના મોટા ભાઈ ચેતન આનંદે, પણ એ દેવ-કલ્પનાને લઇને ફિલ્મ 'આંધીયા' બનાવે, તે પહેલા ગુરૃદત્તે સુપરડૂપર હિટ ફિલ્મ 'બાઝી' બનાવી દીધી. દેવ સમય બગાડવામાં સહેજે માનતો નહતો, છતાં 'બાઝી' પછી 'આંધીયા' સુધી સમય વેડફ્યો અને છેલ્લે ફિલ્મ 'ટૅક્સી ડ્રાયવર'ના શૂટિંગ દરમ્યાન કોઇ બીજો મોરલો કળા કરી જાય એ પહેલા, દેવે જ કલ્પનાને લગ્ન માટે 'પ્રપોઝ' કરી દીધું અને બન્ને છાનામાના પરણી પણ ગયા. સ્ટુડિયોમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું, એ દરમ્યાન અડધી રાત્રે ''જરા કામ છે...આવીએ છીએ'' કહીને કલ્પના-દેવ મંદિરે ઊપડી ગયા અને લગ્ન કરીને પાછા આવીને શૂટિંગ પણ કરવા લાગ્યા. (આ ફિલ્મની હીરોઇન 'ગીતા બાલીએ પણ ચાલુ શૂટિંગે સ્ટુડિયોમાંથી ''જરા આવીએ છીએ'' કહીને શમ્મી કપૂર સાથે ભાગીને મંદિરમાં પરણી આવ્યા અને આવીને તરત શૂટિંગમાં ય લાગી ગયા. (હવે કોઇ જરા અમથું, 'જરા આવીએ છીએ' કહીને બહાર જાય છે, ત્યારે પહેલો આ ફફડાટ મને થાય છે...!')

દેવ આનંદ સિમલાની બ્યુટી ક્વિન મોના સિંઘાને ('સિંઘ' નહિ!) પરણ્યો હતો, જેણે માત્ર દેવ આનંદ સાથે જ પૂરી કારકિર્દીની ૬ ફિલ્મો કરી હતી, બાઝી, ટૅક્સીડ્રાયવર, ઘર નં. ૪૪, આંધીયા, નૌ, દો ગ્યારહ અને હમસફર. આજની ફિલ્મ 'જાલ'નું એક બાજુ શૂટિંગ ચાલતું હતું, એ દરમ્યાન જ દેવ કલ્પનાના પ્રેમમાં પડી ગયો. મોના સિંઘનું નામ બદલીને ફિલ્મી નામ 'કલ્પના કાર્તિક' દેવના મોટા ભાઈ ચેતન આનંદે આપ્યું હતું, જેમણે આ બન્નેની પહેલી ફિલ્મ 'આંધીયા' બનાવી હતી. લગ્નના વર્ષો દરમ્યાન દેવ આનંદ-કલ્પના કાર્તિક અને નરગીસ-સુનિલ દત્ત વચ્ચે સમજો ને...દર અઠવાડીયે એકબીજાના ઘેર ડિનર લેવાનો અંતરંગ સંબંધ હતો. એ વાત જુદી છે કે, દેવ આનંદે ભાગ્યે જ નરગીસ સાથે કામ કર્યું છે. કલ્પનાએ તો દેવ સિવાય કોઇની સાથે કામ કર્યું જ નથી, પણ આ ચારેયની ધમધોકાર દોસ્તીને પરિણામે કલ્પનાને જે પહેલું સંતાન આવ્યું, તે બાબો હતો, જેનું નામ 'સુનિલ દત્ત'ને ધ્યાનમાં રાખીને  'સુનિલ' પાડવામાં આવ્યું. આના કોઇ પુરાવા તો ન હોય, પણ સુનિલ દત્તે એના પહેલા દીકરાનું નામ 'સંજય' ખાસ ઇંદિરા ગાંધીના પ્રથમ પુત્ર 'સંજય' ગાંધી ઉપરથી પાડયું હતું. પાછા અમને તો એ કારણો ય ખબર નથી કે, શરૃઆતમાં દેવ આનંદ-સુનિલ દત્તના કુટુંબો વચ્ચે આવી જ જડબેસલાખ દોસ્તી હોવા છતાં...પછી અચાનક શું થયું કે, સંબંધો સાવ જ ન રહ્યા!

હું દેવ સાહેબના ઘરસમાન સ્ટુડિયો પાલી હિલ પર ગયો, ત્યારે ખબર પડી કે, દિલીપ કુમારના બંગલા અને દેવ આનંદના સ્ટુડિયો વચ્ચે ૨૫-ફૂટ પહોળી એક નાનકડી ગલી જ વચમાં છે, છતાં બંને વચ્ચે વર્ષોથી બોલવાના સંબંધો નહોતા. અલબત્ત, દિલીપની બાયોગ્રાફીમાં દેવ આનંદ વિશે બહુ સરસ લખ્યું છે કે, ''અમારા ખાન-પરિવાર''માં દેવ સૌનો સૌથી વધુ લાડકો હતો. એ અમારે ઘેર આવે ત્યારે મારી બધી બહેનો દેવને જોવા માટે પાગલ થઇ ગઇ હોય ! વક્ત વક્ત કી બાત હૈ...આ ત્રણે ગ્રેટ હીરોને છેલ્લે છેલ્લે તો નામ પૂરતા જ સંબંધો રહ્યા હતા. રાજ કપૂર અને દેવ આનંદ પણ 'હેલ્લો-હાય'થી પતાવતા હતા. યસ. દેવ ફિલ્મોમાં આવ્યો, ત્યારથી ભગવાનની જેમ કોઇ ઍક્ટરને પૂજ્યો હોય તો તે 'દાદામોની' ઉર્ફે અશોક કુમાર હતા. દેવ પોતે દાદામોનીથી વધુ કાબિલ ઍક્ટર કોઇને નહોતો માનતો-પોતાને પણ નહિ !

કલ્પનાનું એક રહસ્ય આજે ય અકબંધ છે. દેવ સાથેના લગ્ન એવા કોઇ સફળ નહોતા, એ તો ગામ આખું જાણે છે છતાં, કલ્પનાએ ફિલ્મો છોડયા પછી પણ દેવની ફિલ્મો તેરે ઘર કે સામને ('૬૩), જ્વેલ થીફ ('૬૭), પ્રેમ પુજારી ('૭૦), શરીફ બદમાશ ('૭૩), હીરા-પન્ના ('૭૩) અને જાનેમન ('૭૬)માં કલ્પનાએ એ ફિલ્મોના ઍસોસિએટ પ્રોડયુસર તરીકે કામ કર્યું હતું. ૧૯ સપ્ટૅમ્બર, ૧૯૩૧-ના રોજ પાકિસ્તાનના લાહૌરમાં જન્મેલી કલ્પના આજે ૮૬-વર્ષની છે.

નવાઇ-ફવાઇ નહિ, સખ્ત કિસ્મનો આઘાત આપણને બધાને લાગવો જોઇએ કે, ગુરૃ દત્ત અને દેવ આનંદ શું જોઇને પેલી ઇટાલિયન ફિલ્મ જોવા ગયા હશે ? એ ફિલ્મ સારી હશે કે, ભંગાર, મને ખબર નથી, પણ હૉલીવૂડની સારી ફિલ્મો જોઇ આવ્યા પછી, એના ઉપરથી ભંગારના પૅટની ફિલ્મો કેવી રીતે ઉતારવી એ વિષય દેવ જેવા વિદ્યાર્થીઓને શીખવતી સ્કૂલનો પ્રિન્સિપાલ ગુરૃ દત્ત હોવો જોઇએ. આપણે ઇટાલિયન ફિલ્મ વગર જોયે કહી શકીએ કે એ ગુરૃ દત્તની 'જાલ' જેવી તો કંગાળ ફિલ્મ નહિ જ હોય !

કાર્લોસ (કે.એન.સિંઘ) દરિયાઇ તોફાનમાં બન્ને આંખો ગૂમાવે છે અને એની બહેન મારીયા (ગીતા બાલી) સાથે માલવણ-ગોવાના દરિયા કિનારે રહે છે. એક દિવસ એક રહસ્યમય યુવતી લિસા (પૂર્ણિમા) આ બન્નેને ઘેર આવી વિશ્વાસ જીતીને સાથે રહે છે. એકાદ-બે દિવસમાં ટૉની ફર્નાન્ડીસ (દેવ આનંદ) પણ આ નાનકડા ગામમાં આવીને ગીતા બાલીના પ્રેમમાં પડે છે, પણ હવે સખી બની ગયેલી પૂર્ણિમા ગીતા બાલીને ચેતવે છે કે, દેવ આનંદ ઘણો હલકટ ચરીત્રનો માણસ છે, તું એનાથી દૂર રહેજે. ગીતા એની વાત સ્વીકારતી તો નથી, પણ હવે એ શંકામાં ઉતરી ગઇ હોવાથી દેવને જાકારો આપવાનો પ્રયત્ન કરે છે...ફિલ્મને અંતે દેવ આનંદ અને પૂર્ણિમા કોણ છે, એ લખતો નથી.

એ વાતનો કોઇ ઇન્કાર કરી શકે કે, હેમંત કુમારનું સોલો અને એ જ ગીત લતા મંગેશકર સાથે ડયુએટ 'યે રાત યે ચાંદની ફિર કહાં, સુન જા દિલ કી દાસ્તાં....' કેવું મનોહર ગીત બન્યું છે ! સચિનદેવ બર્મનનું પાછું એવું નહોતું કે, દેવ આનંદની ફિલ્મ હોય એટલે વધારે સારૃં સંગીત આપવું. એમણે તો સાવ અજાણ્યા નિર્માતાઓની ફિલ્મો માટે ય અનોખું સંગીત જ આપ્યું છે પણ આ ફિલ્મ 'જાલ'માં એ કેવો મૂઢમાર ખાઇ ગયા, એ આઘાતની ઘટના છે ! આ એકને બાદ કરતા બાકીના ગીતોમાં ક્યાંય દાદાનો સ્પર્શ દેખાતો-આઈ મીન, સંભળાતો નથી. ફરી એકવાર નવાઇ લાગી શકે એમ છે કે, આ ફિલ્મમાં લતા મંગેશકરના કંઠે ગવાયેલા 'પિઘલા હૈ સોના દૂર ગગન પર, ફૈલ રહે હૈ શામ કે સાયે' રોશનલાલની ફિલ્મ 'હમલોગ'માં મૂકેશે ગાયેલા, 'અપની નઝર સે, ઉનકી નઝર તક, એક બહાના એક ફસાના....' ગીતની પૂરી અસરમાં છે. 'પિઘલા..'વાળું તમે ન સાંભળ્યું હોય એ બને તો, 'હમલોગ'નું મૂકેશનું આ ગીત ગુનગુનાવી જુઓ, તમે 'પિઘલા...' ગાયેલું ગણાઇ જશે ! એ ગીતમાં સાહિર લુધિયાનવીના શબ્દોની કમાલ કેવી છે. 'પિઘલા હૈ સોના દૂર ગગન પર...' સૂર્યોદય થતો હોય ત્યારે દૂર કોઈ પર્વતની ટોચ ઉપર સૂરજના કિરણો હજી પડુ-પડુ કરતા હોય ત્યારે એટલી ટોચ સોનેરી થઇ જાય છે અને એટલા ભાગ ઉપર પિગળેલું સોનું ઢોળાયું હોવાની ભ્રાંતિ થાય છે. આમ તો બર્મન દા અને સાહિરનો સંઘ કાશીથી ય ઘણો આગળ જાત, એવી એ બન્ને વચ્ચેની કૅમેસ્ટ્રી હતી, પણ પહેલેથી ગુમાનમાં ડૂબેલા સાહિરે જાહેરમાં કહેવા માંડયું કે, સચિનદેવ બર્મનનું સંગીત મારા ગીતોને લીધે ચાલ્યું છે. બસ, ધેટ વૉઝ ઇનફ ! બર્મન દાદાએ એ પછી ક્યારે ય સાહિરનું મોઢું જોયું નથી.

એક માત્ર લતા મંગેશકર પાસે સાહિરને ઝૂકવું પડયું હતું. કોઇ એક ફિલ્મના રીહર્સલ વખતે સાહિરે પોતાના શબ્દોમાં કોઇ ફેરફાર સૂચવ્યો. લતાએ વિનમ્રતાપૂર્વક ના પાડી, એમાં સાહિર રાબેતા મુજબનો ગુસ્સો થઇ ગયો, 'યે મરાઠી દાલ-ભાતીયે લોગોં કો લબ્ઝોં કી ક્યા સમઝ હૈ....?'

જવાબમાં લતા ઊભી થઇ ગઇ. પ્રોડયુસરને કહી દીધું, ''આપકો તો એક-દો શબ્દ બદલને હૈ...હમેં પૂરા સૂર લગાના પડતા હૈ...ઔર યે ભી રીહર્સલ ખત્મ હો જાને કે બાદ....!'' આપ દૂસરી ગાયિકા સે અબ ઈનકે ગીત ગવા લીજીયેગા....!

વાત આગળ વધી. સાહિર લુધિયાનવીને લતાની માફી માંગવી પડી.

અને એ સૂર અને શબ્દના ભક્તો માટે ખૂબ સારૃં થયું.
 

Post Comments