Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વર્લ્ડ સિનેમા - લલિત ખંભાયતા

બોડી ઓફ લાઈઝ : આતંક સામે જાસૂસની જાળ

ડિરેક્ટર : રિડલી સ્કોટ

લંબાઈ : ૧૨૮ મિનિટ

રિલિઝ : ઓક્ટોબર ૨૦૦૮

કલાકારો : લિઓનાર્દો કેપ્રિઓ, રસેલ ક્રો, માર્ક સ્ટ્રોંગ, ગ્લોશિફ્તેહ ફરહાની
જાસૂસીનું તંત્ર કેવું હોય તેનું ઉદાહરણ અત્યારે ભારતવાસીઓને કુલભૂષણ જાધવને કારણે મળી રહ્યું છે. આ જાસૂસી ફિલ્મ ભારે રસપ્રદ છે, કેમ કે તેમાં આતંકવાદીને પકડવાનો એકદમ નવતર આઈડિયા અમલી બનાવાયો છે..

બ્રિટનનું માન્ચેસ્ટર એક દિવસ બોમ્બ વિસ્ફોટથી ધુ્રજી ઉઠયું. કોણે હુમલો કર્યો, શા માટે કર્યો.. એ તપાસ પુરી થાય એ પહેલાં તો વળી બીજા શહેરમાં, બીજા દેશમાં, બીજા સ્થળે પણ હુમલા થયા. ટૂંકમાં આતંકીઓએ યુરોપ-અમેરિકાના એક પછી એક સ્થળોને ટાર્ગેટ કરવાના શરૃ કરી દીધા હતા.

એ હુમલાનો સિલસિલો અટકે એટલા માટે અમેરિકી જાસૂસી સંસ્થા સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (સીઆઈએ)નો ઉચ્ચ અધિકારી એડ હોફમેન પોતાની ટીમને દોડાવી રહ્યો છે. સદ્ભાગ્યે તેની ટીમમાં એક બાહોશ જાસૂસ કામ કરે છે, રોજર ફેરિસ. ફેરિસ ઈરાકના સમારા શહેરમાં છે.

મધ્ય એશિયાઈ દેશોમાં રહીને કામ કરતો ફેરિસ અરબી સહિતની ભાષા જાણે છે. સ્થાનિક સ્તરે તેના ઘણા સંપર્કો પણ છે. વળી એ સ્વભાવનો આકરો છે. એડનો આદેશ ગમે ત્યારે અવગણીને પણ એ પોતાની રીતે કામ કરવાનું પસંદ કરે છે.

વળી જાસૂસીની ઝંઝાળ લાગે એટલી સરળ નથી. અમેરિકામાં બેઠા બેઠા એડ હોફમેનને ખબર ન હોય શું કરવું, પણ ફેરિસને ખબર હોય શું કરવું. ફેરિસને માહિતી મળી છે, એક આતંકી સભ્ય નિઝરની. ડોક્ટરેટ થયેલા નિઝરને જો અમેરિકા શરણાગતી આપે તો એ આતંકીઓ અંગે માહિતી આપવા તૈયાર છે.

ઈયરફોન ભરાવીને પોતાના બાળકોને સ્કૂલે લેવા-મૂકવા જવા સહિતના કામ કરતાં કરતાં જ હોફમેન ફેરિસ સાથે વાત કરતો રહે છે. હોફમેનની સૂચના છે કે નિઝરને શરણાગતી નહીં મળે. બીજી તરફ આતંકીઓને ખતમ કરવા માટે ફેરિસ આ ચાન્સ જવા દેવા માંગતો નથી. એ નિઝરને હા પાડે છે. નિઝરની બાતમી પ્રમાણે દૂર રણમાં આવેલા એક મકાન પર છાપો મારે છે. ત્યાં ખરેખર આતંકીઓ છે. સામ-સામી ગોળીબારમાં આતંકીઓ તો મરાય છે, પણ ફેરિસને પણ ઘાતક ઈજા થઈ છે. અલબત્ત, ફેરિસ પર સતત આકાશી નજર રાખી રહેલો હોફમેન તત્કાળ મદદ મોકલી બચાવી લે છે.

સાજા થયા પછી ફેરિસ માટે નવી સૂચના છે. હવે ઈરાકના બદલે જોર્ડનના શહેર અમાનમાં તે સીઆઈએનો હેડ છે. અહીં રહીને આતંકીનું પગેરું દાબવાનું છે. આતંકીનું નામ અલ-સલીમ છે. અલ-સલીમ હુમલો કર્યા પછી આ કારનામુ અમારું છે, એ પ્રકારની ક્રેડિટ લેતો નથી. તેને લો-પ્રોફાઈલ રહીને કામ કરવામાં વધારે રસ છે. અલબત્ત, તો પણ આ બધી ભાંગજડ માટે અલ-સલીમ જ જવાબદાર હોવાની જાણ સીઆઈએને મળી ગઈ છે. હવે સલીમ સુધી પહોંચવાનું છે.

જોર્ડનની જાસૂસી સંસ્થા સીઈએની મદદ કરી રહી છે. તેનો ડિરેક્ટર હાની સલામ પણ ફેરિસ જેવો માથફરેલો છે. અલબત્ત, તેની પહોંચ જબરી છે. એ પહેલી મુલાકાતમાં જ ફેરિસને સ્પષ્ટ સમજાવી દે છે કે આપણે ભાગીદારીમાં કામ કરવું હોય તો અવિશ્વાસ અને અસત્યથી દૂર રહેવું પડશે. એટલે કે શું કરીએ એ એક-બીજાને જાણ હોવી જોઈએ. બીજી તરફ જાસૂસીની દુનિયાની હકીકત એ છે કે અસત્ય અને અવિશ્વાસ વગર ચાલતું પણ નથી!

એક તરફ ફેરિસ અને હાની મળીને કામ કરી રહ્યાં છે. બીજી તરફ દૂર બેઠેલો હોફમેન ગુપ્ત રીતે પોતાનો ખેલ આગળ ચલાવી રહ્યો છે. જોર્ડનમાં એક મકાન જોવા મળ્યું છે, જેમાં માત્ર ૧૮થી ૩૬ વર્ષની વયના પુરુષો જ રહે છે. સંભવત: અલ સલીમ પણ ત્યાં જ છે. એટલા માટે મકાન પર નજર રખાઈ રહી છે. એવામાં જ હોફમેનના દોઢ ડહાપણને કારણે આખી બાજી બગડે છે, આતંકી સાવધ થઈ જાય છે અને મકાન ઉડાવી દેવાય છે. તેના કારણે હેરિસ-હાની-હોફમેન વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ સર્જાય છે.

એક દિવસ કુતરાં કરડયા પછી હોસ્પીટલમાં દાખલ થયેલો ફેરિસ નર્સ આઈશા સાથે પ્રેમ કરી બેસે છે. આઈશાને પણ ફેરિસની કંપની ગમે છે. પણ ફેરિસ શું કરે છે એ હજુ ખબર નથી. હડકવાના ઈન્જેક્શન માટે ફેરિસ વારંવાર આઈશાની મુલાકાત લેતો રહે છે.

નાની નાની સફળતા મળે પણ તેનાથી આતંકી હુમલા અટકે નહીં. અલ-સલીમને શોધવો, ઠાર કરવો, હુમલા બંધ કરાવવા જરૃરી છે. શું કરવું? વર્જિનિયાના લેંગલી ખાતે આવેલા સીઆઈએના હેડ-ક્વાટરમાં વાતો કરતાં ફેરિસ નવો આઈડિયા શોધી કાઢે છે. આમ તો હોફમેન ફેરિસનો બોસ છે, પણ બન્ને વચ્ચે મિત્રાચારી સારી એવી છે. ગાળા-ગાળી કરી શકાય એવી.

ફેરિસને અફલાતૂન આઈડિયા આવ્યો છે. આપણે એક નવો આતંકી ઉભો કરીએ. ક્યાંક હુમલો થાય, તેની જવાબદારી નવો આતંકી લે. એટલે અલ સલીમ તુરંત સતર્ક થશે. સલીમને ખબર પડશે કે માર્કેટમાં આપણા સિવાય પણ કોઈ હુમલાખોર છે. માટે એ હુમલાખોરનો સંપર્ક કરવા જશે. એમ કરવાં જતા એ હુમલાખોરનો એટલે કે સીઆઈએનો સામેથી જ સંપર્ક કરશે. ગૂડ! ગ્રેટ!

એક આતંકી સંગઠન તૈયાર થયું, જે નકલી છે. ઓમાર સિદ્દિકી નામનો જોર્ડનનો એન્જિનિયર તેનો વડો છે. એક દિવસ ક્યાંક હુમલો થાય છે. તેમાં પહેલેથી ગોઠવી દેવાયેલી લાશોનો ઉપયોગ કરવામાં આવે છે. અપેક્ષિત રીતે જ અલ સલીમને એમ થાય છે કે મેં તો હુમલો કરાવ્યો નથી. તો પછી આ કોણ છે?

પ્રેમમાં વધુ વ્યસ્ત ફેરિસની બેદરકારીને કારણે એક દિવસ તેણે જ આતંકીઓ સુધી જવુ પડે છે. અલ સલીમના માણસો તેને ઉપાડી જઈ ક્યાંક ભુગર્ભ બંકરમાં બંધ કરી દે છે. તેની સાથે દુશ્મનોને છાજે એવી માર-પીટ અને થર્ડ ડીગ્રીનો પ્રયોગ કરવામાં આવે છે. પોતાની બધે નજર હોવાનો દાવો કરતો હોફમેન ત્યાં સુધી પહોંચી શકતો નથી. આતંકીઓ વિડિયો શૂટિંગ ચાલુ રાખીને જ ફેરિસની હત્યા કરવા જઈ રહ્યાં છે. એ વખતે જ હાની અને તેની ટૂકડી ફેરિસને બચાવવા આવી પહોંચે છે.

અગાઉ એક દિવસ હોફમેન અને હાની વચ્ચે માથાકૂટ થઈ ત્યારે હોફમેને એવી ધમકી આપી હતી કે જો જોર્ડનની ઈન્ટેલિજન્સ અમે કહીએ એમ મદદ નહીં કરે તો મારે ઉપરના લેવલે વાત કરવી પડશે. એ પછી અમેરિકી પ્રમુખનો ફોન જોર્ડનના બાદશાહ પર આવશે અને હાનીએ ફરજિયાત વાત માનવી પડશે. એ વખતે હાની ગર્વપૂર્વક કહે છે કે જાસૂસીની વાત હોય ત્યાં સુધી તો બાદશાહ હું જ છું. એ શા માટે બાદશાહ છે, એ પણ છેવટે સાબિત કરી આપે છે.
    
સીઆઈએ એજન્ટ બનેલો લિઓનાર્દો, જાડું શરીર ધરાવતો તેનો બોસ બનતો રસેલ અને જોર્ડનનો જાસૂસી વડો માર્ક સ્ટ્રોંગ.. આ ત્રણેય ખમતીધર કલાકારો છે. ફિલ્મમાં ત્રણેય ભેગા થઈને જમાવટ કરે છે. ત્રણેય જાસૂસો છે અને પોતપોતાની રીતે વારંવાર ત્રેવડ બતાવતા રહે છે. ફિલ્મમાં બે-ત્રણ વખત સરપ્રાઈઝ કહી શકાય એવા વળાંક આવે છે અને એટલે જ છેલ્લે સુધી વળગી રહેવું પડે એવી ફિલ્મ બની છે. જાસૂસી અને આતંકની ફિલ્મો નવી નથી, પણ આ નવીન પ્રકારની જરૃર છે.
 

Post Comments