Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફિલ્મ ઈંડિયા-અશોક દવે

મૌસમ

ફિલ્મ    :    'મૌસમ' ('૭૫)

નિર્માતા    :    પી. મલ્લિકાર્જુન

દિગ્દર્શક    :    ગુલઝાર

સંગીતકાર    :    મદન મોહન

ગીતકાર    :    ગુલઝાર

રનિંગ ટાઇમ :    ૧૬ રીલ્સ- ૧૫૬ મિનિટ્સ

થીયેટર    :    દીપાલી (અમદાવાદ)

કલાકારો    :    સંજીવકુમાર, શર્મીલા ટાગોર, ઓમ શિવપુરી, દીના પાઠક, સી.એસ. દુબે, આગા, સત્યેન કપ્પૂ, પિંચુ કપૂર,લીલી ચક્રવર્તી, ટી. પી. જૈન, કમલદીપ, શેખર પુરોહિત, રતન ગૌરાંગ

મદન મોહન સંગીતકાર શંકર (જયકિશન)ને ત્રીજા માળેથી કેમ ફેંકી દેવાના હતા... ? સંજીવ- શર્મીલાને સર્વકાલીન શ્રેષ્ઠ અભિનય અપાવનાર ગુલઝારની ફિલ્મ ઇન કોઠોં કી સીડીયાં કિસી ઘર કે આંગન મેં નહિ ઉતરી... બુઢે હોતે હોતે વક્ત લગતા હૈ, સા'બ...

ગીતો

૧.દિલ ઢૂંઢતા હૈ, ફિર વો હી ફૂરસત કે રાત દિન........ભૂપિન્દર
 

૨.દિલ ઢૂંઢતા હૈ, ફિર વો હી, ફૂરસત કે રાત દિન......ભૂપિન્દર- લતા
 

૩.રૃકે રૃકે સે કદમ, રૃક કે બારબાર ચલે.................લતા મંગેશકર
 

૪.મેરે ઇશ્ક મેં લાખોં લટકે, બલમ જરા હટકે........આશા ભોંસલે
 

૫.છડી રે છડી કૈસી ગલે મેં પડી........લતા મંગેશકર- મુહમ્મદ રફી

હવે તો માંગો એ ફિલ્મની ડીવીડી- મળવાનો જમાનો છે. ભલે એકવાર જોઈ હોય, તમારી આ નવી ઉંમરે ગુલઝારની ફિલ્મ 'મૌસમ' બાકાયદા ફરી જોઈ લેવા જેવી છે.

ઠેઠ '૭૫-માં આ ફિલ્મ આવી હતી ને તમને યાદે ય કેટલું હોય ! હવે યાદ કરીને આ ફિલ્મ જુઓ તો તમને તમારી પસંદગી માટે ય ગૌરવ થાય ! હરીફરીને 'મૌસમ' જોવાની ભલામણ એટલે કરીએ છીએ કે '૭૫- પછી આજની તારીખ સુધી આવી ભાવનાત્મક ફિલ્મો આવી ય કેટલી અને તમે જોઈ ય કેટલી ? 'મૌસમ' જોયા પછી બાકીનો દિવસ તમે ભારે ઇમોશનલ હશો, સાહેબ ! આ કૉલમમાં આટલા ભારપૂર્વક કોઈ ફિલ્મ ફરીથી જોવાનું વાચકોને જવલ્લે જ કહેવાયું છે !

ગુલઝાર કેવો સર્જક માણસ ! એની ફિલ્મો કે સાહિત્યિક રચનાઓ હૈરત પમાડે એવી અને એના પ્રદાનવાળી તમામ ફિલ્મો 'આશીર્વાદ, આનંદ, ખામોશી, દૂસરી સીતા, કોશિષ, અચાનક, આંધી, દો દૂની ચાર, અંગૂર, ખુશ્બુ, હુતુતુતુ, માચિસ કે ઇજાઝત...' લિસ્ટ તો હજી અડધું ય નથી થયું, પણ આ માણસે પ્રેક્ષકો અને શ્રોતાઓને ખૂબ આપ્યું છે, એવું કહેવા કરતા ઘણું બધું નવું આપ્યું છે, એમ કહેવાય ! મિર્ઝા ગાલિબની ટી.વી. સીરિયલ કે બાળકો માટેની કોઈ નૂતન વાત 'ચડ્ડી પહન કે ફૂલ ખિલા હૈ...' તમારે અંજાવું તો પડે !

એ સાથે ક્યારેક આઘાત પણ લાગે કે, આવો સર્જક માણસ ઉઠાંતરીમાં કેમ પડી ગયો હશે ? એની મોટા ભાગની રચનાઓમાં અન્યનો પ્રભાવ ચોક્કસ હતો ને સાથે સાથે કબુલ તો એણે ય કર્યું છે કે, એના ઘણા ગીતો weird (એટલે તળપદી ભાષામાં કહીએ તો ઢંગધડા વગરના હતા) પણ પહેલી નજરે માણસ અંજાઈ જાય ! અલબત્ત, આ કબુલાત એણે ય કરી છે કે, એણે લખેલા અનેક ગીતો સ્વયં એને ય સમજાયા નથી, એનો મોટો દાખલો 'હમને દેખી હૈ ઉન આંખો કી મહેંકતી ખુશ્બૂ...' (એ વિશે આ કૉલમમાં અનેકવાર લખાયું છે,

એટલે રીપિટ નથી કરતો !) તો સામે ઉત્તમ પણ એટલું અને એવું જ લખ્યું છે. દાખલા તરીકે ફિલ્મ 'મૌસમ'નું ચીરંજીવ ગીત 'દિલ ઢૂંઢતા હૈ, ફિર વો હી ફૂર્સત કે રાતદિન...'નું આ મુખડું સીધું મીર્ઝા ગાલીબમાંથી ઉઠાવેલું છે તો બીજી બાજુ આ જ ગીતના અન્ય અંતરાઓમાં ગુલઝાર પૂરબહાર ખીલ્યા છે. 'જાડોં કી નર્મ ધૂપ...' એટલે કે, શિયાળાનો હૂંફાળો તડકો કવિતામાં ગુલઝારને જ સૂઝે !

તો સામી બાજુ પેલી weird રચનાઓ ય થોકબંધ - 'ઇસ મોડ સે જાતે હૈ, કુછ સુસ્ત કદમ રસ્તે, કુછ તેજ કદમ રાહે...' વાંચવા- સાંભળવામાં ઇમ્પ્રેસ થઈ જવાય એવા આ શબ્દોનો અર્થ સમજવા જાઓ તો શકોરૃં નીકળે ! 'રસ્તો' શબ્દ આ માણસનું 'ઑબ્શેશન' હતું. અનેક ગીતોમાં હવાની જેમ રસ્તો ય ઘણો રીપિટ કર્યો છે, તો બીજી બાજુ આ કવિનો આભારે ય માનવો પડે કે, ફિલ્મી ગીતોમાં ઇશ્ક, મુહબ્બત, સનમ, દિલ, જાને-વફા હૂસ્ન- ઇશ્ક ને ઉલફત જેવા હરએક ગીતમાં રીપિટ થતા એકના એક હજારો શબ્દોને બદલે ગુલઝારે બધો જ નવોનક્કોર માલસામાન આપ્યો.

નહિ તો નવાઈ નહિ, આઘાત લાગે કે સર્જકતાથી છલોછલ આ માણસ પોતે કાંઈ નવું સર્જવાને બદલે બીજાએ લખેલો માલ ફેરફાર કરીને પોતાને નામે શું કામ ચઢાવવો જોઈએ... એ પોતે કૅપેબલ હોવા છતાં ? જેમ કે, આટલી સુંદર ફિલ્મથી અંજાઈ ગયા પછી ખબર પડે કે, મૂળ વાર્તા તો ઇંગ્લૅન્ડના મશહૂર લેખક એ. જે. ક્રોનિનની વાર્તા 'ધી જુડાસ ટ્રી' ઉપરથી ફિલ્મ 'મૌસમ' બનાવેલી છે.

ભલે વાર્તાલેખક તરીકે જશ પોતે નથી લીધો, તો ક્રોનિનને ય આપ્યો નથી. આવી અસરકારક  વાર્તા લખવા માટે એ પોતે ય સમર્થ તો છે જ..! ('જુડાસ' નામનું વૃક્ષ થાય છે જેના ગુલાબી ફૂલો હૃદય હલાવી મૂકે તેવા સુંદર હોય છે !)

આવા ગ્રેટ સાહિત્યકાર ફિલ્મકારે ફિલ્મ 'આનંદ'ની જેમ અહીં પણ સંવાદોના ચમકારા બતાવ્યા છે. એક વૃદ્ધ સંજીવને કહે છે, 'બુઢ્ઢા હોતે હોતે વક્ત લગતા હૈ, સાહબ...' અને બીજા હૃદયસ્પર્શી સંવાદ આપણા ગુજરાતી અભિનેત્રી દીના પાઠકને મળ્યો છે, જે વેશ્યાઘરની 'મૌસી'ના રોલમાં શર્મિલાને કહે છે, ''ઇન કોઠોં કી સીડિયાં કીસી ઘર કે આંગન મેં નહીં ઉતરતી...'' દીનાબેન મેદાન મારી જાય છે, સંજીવે આપેલો બ્લૅન્ક- ચૅક શર્મીલાને પાછો આપતી વેળાએ. પૂરો ભાવુક અભિનય કર્યો છે.

ગુલઝારની ખૂબી આ ફિલ્મ માટે સંજીવકુમારને લેવામાં દેખાઈ આવી છે. અફ કૉર્સ, સંજીવ એનો લાડકો કલાકાર હતો, પણ ગુલઝારે તો અધરવાઇઝ... એ નૉન-એક્ટ્રેસ શર્મીલા ટાગોર પાસેથી ય એની લાઇફનું સર્વોત્તમ કામ લીધું છે, જાણે આ પાત્ર શર્મીલા માટે જ લખાયું હોય ! આ ફિલ્મ તો ૧૯૭૫-માં આવી હત, પણ બન્યું એવું કે ગુલઝારની જ આવી સુંદર ફિલ્મ 'આંધી'નું શુટિંગ પણ 'મૌસમ'ની હારોહાર ચાલતું હતું. બન્નેમાં સંજીવ વૃદ્ધનો રોલ કરે છે. બન્ને ફિલ્મોની પટકથા, કમલેશ્વર, ભૂષણ વનમાળી અને ગુલઝારે સાથે લખી હતી.

શર્મીલા ટાગોરની અન્ય બંગાળી અભિનેત્રીઓ માટેની કડવાશ જાણીતી છે. માલા સિન્હા (ફિલ્મ 'હમસાયા') અને રાખી ગુલઝાર (ફિલ્મ : 'દાગ')માં શર્મીલાએ રીતસરની હાથોહાથની મારામારીઓ કરી હતી, એમાં હીરો અને ફિલ્મનો નિર્માતા- દિગ્દર્શક જૉય મુકર્જી કાયમ માટે ડૂબી ગયો અને સાચા અર્થમાં પાયમાલ થઈ ગયો.

શર્મીલાને દબદબાવાળી લાઇફ જ પસંદ હતી, એટલે અબજોપતિ ક્રિકેટર 'ધી નવાબ ઑફ પટૌડી' મનસુરઅલી ખાન સાથે લગ્ન કર્યા ત્યારે એક ક્ષણ માટે ફિલ્મી પબ્લિક ચોંકી ગયું હતું. નવાબ બેશક હૅન્ડસમ હતા, પણ ઇંગ્લૅન્ડમાં એક કાર- અકસ્માતમાં આંખ કાયમ માટે ગુમાવી દીધી હતી.

સ્વાભાવિક છે કે, શર્મીલા એને પરણી એટલે આંખો ઊંચી થાય ! શર્મીલાનો પુત્ર સૈફઅલીખાન કરિના કપૂરને પરણ્યો છે, જેમના દીકરાનું નામ 'તૈમૂર' કદાચ સૈફે એના મૂળભૂત વડવાઓ અફઘાનિસ્તાનને ધ્યાનમાં રાખીને પાડયું હશે. ધ્યાનમાં રાખીને જ ગુલઝારે સંજીવકુમારને આ ફિલ્મ માટે પસંદ કર્યો હશે. આવા બેહતરીન એક્ટરો '૭૦-ના દાયકામાં માંડ બે-ચાર હતા. આપણા સૂરતના મૂળ નામે હરિહર જેઠાલાલ જરીવાલા ઉર્ફે સંજીવકુમાર માટે શ્રેષ્ઠ અભિનય આપવો નવાઈની વાત નહોતી.

'શોલે, કોશિષ, શતરંજ કે ખિલાડી, નયા દિન, નઇ રાત, પરિચય, ત્રિશૂલ, દસ્તક, સંઘર્ષ, ખીલૌના, અંગૂર, પતિ, પત્ની ઔર વો' જેવી તો અનેક ફિલ્મોનો અભિનય અત્યંત સ્વાભાવિક હોવાથી હિંદી ફિલ્મોના ઓલટાઇમ ૧૦- શ્રેષ્ઠ એક્ટરોમાં એનું નામ મૂકી શકાય. પોતાની માત્ર ૪૭-ની ઉંમરે હાર્ટ-ફૅઇલરથી ગૂજરી ગયેલા આ કુંવારા અભિનેતાએ 'મૌસમ' જેવી અનેક ફિલ્મોમાં વૃદ્ધના કિરદારો કર્યા છે.

પણ 'મૌસમ'ના કિરદારે એનું પહેલેથી ઊંચુ નામ વધારે ઉંચાઈઓ પર પહોંચાડયું. આ ફિલ્મમાં એ એક એવા ડૉક્ટરનો રોલ કરે છે, જે ૨૫ વર્ષ પહેલાં દાર્જીલિંગના એક વૃદ્ધ વૈદ્ય (ઓમ શિવપુરી)ની દીકરી ચંદા (શર્મીલા)ના પ્રેમમાં તો પડે છે, પણ મેડિકલ- એક્ઝામ્સ પાસ કરીને ડોક્ટર બન્યા પછી સર્જરી કરતા એનાથી એક દર્દી અવસાન પામે છે, એની ત્રણ વર્ષની સજા ભોગવ્યા પછી આબરૃના ધોરણે હિમ્મત હારી જાય છે અને ફરી પાછો દાર્જીલિંગ જતો નથી.

ચંદા એની રાહ જોઈને થાક્યા પછી મજબૂરીમાં એના લગ્ન એક લંગડા બદનામ શરાબી સાથે થાય છે, જેનાથી એક પુત્રી કજરી (શર્મીલાનો ડબલ રોલ) થાય છે. ૨૫ વર્ષ પછી અબજોપતિ સંજીવને દાર્જીલિંગ યાદ આવતા ત્યાં જાય છે, પણ એની પ્રેમિકા ચંદા પાગલ અવસ્થામાં ગુજરી ગઈ હોય છે. સંજીવ ચંદાની દીકરી કજરીની શોધ કરતા ખબર પડે છે કે કજરી વેશ્યા બની ગઈ છે. અનેક નાટકબાજી પછી એ કજરીને પોતાના ઘેર લાવે છે.

હિંદી ફિલ્મોમાં જેની ભાગ્યે જ કદર થઈ, એ મહામૂલા સંગીતકાર મદન મોહનની ગત ૧૪ જુલાઈએ મૃત્યુતિથી ગઈ. આ ફિલ્મ પરદા ઉપર આવતા પહેલા શરાબે મદનનો ભોગ લીધો, એટલે ફિલ્મનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક સલિલ ચૌધરીએ આપ્યું હતું. મદન મોહનની ગ્રેટનેસ એ વાતમાં છે કે, ગઝલ-કિંગ તરીકે નામના પામેલા આ કલાકારે ગઝલો ઉપરાંત મૅલડી જેવા અન્ય ફોર્મેટ્સમાં પણ કમાલો કરી બતાવી છે.

જતા- જતા ય આ સંગીતકાર એના લાડકા ગાયક ભૂપિંદરસિંઘની કરિયરને ઉજાગર કરતા ગયા, 'દિલ ઢૂંઢતા હૈ ફૂર્સત કે રાતદિન...' ભૂપિંદર સિવાય કોઈના કંઠમાં આટલું મીઠું ન લાગે. આ જ ભૂપિને મદન મોહને એને પહેલો ચાન્સ ફિલ્મ 'હકીકત'માં આપ્યો હતો અને છેલ્લી ફિલ્મમાં પણ ભૂપિને મશહૂર કરી દીધો.

મદન મોહનને એના સામર્થ્ય પ્રમાણે કદરદાની નહોતી મળી. એક એવોર્ડ માટે એ તરસતો રહ્યો. સદનસીબે ફિલ્મ 'દુલ્હન એક રાત કી'માં લતાએ ગાયેલા રાગ પિલુ આધારિત 'મૈને રંગ લી આજ ચૂનરીયા..' માટે  'સુરશિંગાર સંસદ' તરફથી સ્વામી હરિદાસ ટ્રોફી મળી, એના ધોધમાર ઉમંગમાં એણે યારદોસ્તોને બોલાવી પાર્ટી આપી. પાર્ટી તો શરાબની જ હોય. આટલા વર્ષે પહેલો બાબો આવ્યો હોય, એમ પહેલો એવોર્ડ આવ્યો હોય, એની ખુશી કેટલી બધી હોય...

પણ ઘેરથી જ 'પી'ને આવેલા સંગીતકાર શંકરે (જયકિશન) કોંગ્રેટ્સ કહેવાને બદલે બીજાની હાજરીમાં મદનને સીધું જ પૂછ્યું, ''કેટલામાં આ ટ્રોફી ખરીદી... ?'' અને ભા'આય ભા'આય... આ પંજાબી માણસનો ગુસ્સો કાચી સેેકંડમાં સાતમા આસમાને પહોંચ્યો. શંકરને ઢસડીને ખેંચી જઈ મદન એને ત્રીજા માળની બાલ્કનીમાંથી ફેંકી દેવાના ઝનૂનમાં આવી ગયો... છતાં ય 'ફેંકી દેવા જેટલી' હજી ચઢી નહિ હોય, એટલે લાલપીળાં થઈને મદને ક્રોધાવેશમાં શંકરને કહી દીધું, 'હવે આવું બોલીશ તો બાલ્કનીમાંથી પાછો નહિ લાવું...!'

પાછા લાવવાની કુટેવ મદનને લતાના ગીતો માટે ય થઈ ગઈ હતી, અર્થાત્ એકની એક ધૂન રીપિટ થતી. 'બેતાબ દિલ કી તમન્ના યે હી હૈ' (ફિલ્મ : 'હંસતે ઝખ્મ') સાંભળો કે, 'હૈ તેરે સાથ મેરી વફા, મૈં નહિ તો ક્યા ?' (ફિલ્મ : 'હિંદુસ્તાન કી કસમ') કે પછી આ ફિલ્મ 'મૌસમ'નું 'રૃકે રૃકે સે કદમ, રૃક કે બાર બાર ચલે' એક સરખી ધૂનો લાગશે. લતા અને તલત એના માનીતા ગાયકો હતા, પરંતુ મુહમ્મદ રફી પાસેથી પણ એણે થૂ્ર-આઉટ મીઠડું કામ લીધું છે... તલત કરતાં ઘણું વધારે !

આ ફિલ્મમાં લતા સાથેના યુગલ ગીત 'છડી રે છડી કૈસી ગલે મેં પડી...' તો ઝાઝુ વખણાયું નહિ, પણ રફીના સર્વકાલીન સર્વોત્તમ ગીતોમાં 'જહાન આરા'નું 'કિસી કી યાદ મેં દુનિયા કો હૈ ભૂલાયે હુએ...' કે 'આપ કી પરછાઈયાં'નું અનેક મૂર્કીઓ ધરાવતું 'મૈં નિગાહે તેરે ચેહરે સે હટાઉં કૈસે..' કે ઓ.પી. નય્યર સ્ટાઇલમાં બનાવેલું 'એક હસિન શામ કો, દિલ મેરા ખો ગયા...' મૂકવા પડે ને ?
 

Post Comments