Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મધુર ભંડારકરઃ વાસ્તવિકતામાં કલ્પનાના રંગોને બખૂબી ભેળવી જાણતો ફિલ્મ સર્જક

ફિલ્મ સર્જક મધુર ભંડારકર અનોખા  વિષયો પર ફિલ્મો બનાવવા જાણીતા છે. અને હમેશાંની જેમ આ વખતે પણ સ્વતંત્ર ભારતના ઈતિહાસના કાળા પ્રકરણ સમી દેશ પર લાદવામાં  આવેલી કટોકટીના વિષયને લઈને ફિલ્મ 'ઈન્દુ સરકાર' બનાવી છે.

સ્વાભાવિક રીતે જ તેના વિશે કોઈને કોઈ વિવાદ ઊભો થવાનો જ. અને થોડાં દિવસ અગાઉ પોતાને સંજય ગાંધીની પુત્રી ગણાવતી કોઈ યુવતીએ મધુર ભંડારકરને લીગલ નોટિસ મોકલી હતી.

જોકે આ બાબતે ફિલ્મ સર્જકના પેટનું પાણી પણ નથી હલ્યું. તેઓ કહે છે કે આ યુવતીએ આવી નોટિસ મને તેમ જ પહલાજ નિહલાની. વેંકૈયા નાયડુ, ભરત શાહને પણ મોકલી છે. ખરૃં કહું તો તે આ નોટિસમાં શું કહેવા માગે છે તે જ સ્પષ્ટ નથી. આ સિવાય સૌથી પહેલા તો તેણે એ પુરવાર કરવું પડશે કે તે સંજય ગાંધીની પુત્રી છે.

મધુર ભંડારકરે કહ્યું હતું કે આ ફિલ્મ ૭૦ ટકા કાલ્પનિક છે અને ૩૦ ટકા વાસ્તવિક છે. તેમાંના પાત્રો ઘણાં અંશે વાસ્તવિક લોકોથી પ્રેરિત છે. ખાસ કરીને કટોકટી દરમિયાન જે ભૂગર્ભ પ્રવૃત્તિઓ થઈ હતી તે. આ ફિલ્મ માટે અમને ડોક્યુમેન્ટરિઝ, શાહ કમિશન રિપોર્ટ, પુસ્તકો ઈત્યાદિમાંથી ભરપૂર સામગ્રી મળી રહી હતી.

આ સિવાય તત્કાલીન સમયમાં કામ કરનારા સંખ્યાબંધ પ્રત્રકારો સાથે પણ મેં વાતચીત કરી હતી. જોકે તેઓ ઉમેરે છે આ ફિલ્મનું કીર્તિ કુલ્હારી દ્વારા ભજવવામાં આવેલું મુખ્ય પાત્ર-ઈન્દુ સરકાર કાલ્પનિક છે. તે એક અનાથ કવિયત્રી છે. તે વહીવટકર્તાઓ સાથે કામ કરતાં એક સરકારી અધિકારી સાથે વિવાહ કરે છે. ત્યારબાદ તે સિસ્ટમ સામે લડત ચલાવે છે. આ ફિલ્મ બાયોપિક નથી.

આ વિષય પર જ ફિલ્મ બનાવવાનો વિચાર શી રીતે આવ્યો તેના વિશે ફિલ્મ સર્જક કહે છે કે ૧૯૭૫માં હું બાળક હતો. આમ છતાં તે સમયની ફિલ્મોના ગીત-સંગીત મને ખૂબ આકર્ષતા. તેથી હું એ સમયની ફિલ્મ બનાવવા ઈચ્છતો હતો. અલબત્ત, મને પિરિયડ ડ્રામા બનાવવામાં કોઈ રસ નહોતો. આમ છતાં મને મર્યાદિત બજેટમાં શક્તિશાળી વિષય પર ફિલ્મ બનાવવી હતી.

અને શોધખોળ કરતાં મને અને મારા લેખકને ૧૯૭૫નો આ વિષય હાથ લાગ્યો. ત્યારબાદ અમે તેના ઉપર સંશોધન કરવાનું શરૃ કર્યું. અમે વાસ્તવિકતામાં અમારી કલ્પના ઉમેરીને તેની પટકથા લખવા માગતા હતા.

તેથી અમે  સંશોધન ઉપરાંત તે વખતે ભૂગર્ભ પ્રવૃત્તિઓ કરનારાઓ અને પત્રકારોને મળીને ચારેક મહિનામાં સઘળી  માહિતી એકઠી કરી લીધી. ત્યારબાદ અમે તેની પટકથા લખી અને ૪૧ દિવસમાં ફિલ્મ બનાવી લીધી. તત્કાલીન સમયને વાસ્તવિક સ્વરૃપમાં દર્શાવવા અમે તે વખતની ચલણી નોટો, રાચરચીલા ઈત્યાદિનો ઉપયોગ કર્યો છે.

એ વાત સર્વવિદિત છે તે ૧૯૭૫ની કટોકટી તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા લાદવામાં આવી હતી. સ્વાભાવિક રીતે જ આજે જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર નથી ત્યારે આ સિનેમાનો કોંગ્રેસીઓ વિરોધ કરે. અને ખરેખર આવું બન્યું પણ હતું. કોંગ્રેસે એમ કહ્યું હતું કે આ ફિલ્મ ભાજપે 'સ્પોન્સર' કરી છે. અને જગદીશ ટાઈટલરને તેમાં ખોટી રીતે રજૂ કરવામાં આવ્યાં છે.

વળી મધુર ભંડારકરે ઘણી વખત નરેન્દ્ર મોદીની તરફેણ કરી છે. તેથી કોંગ્રેસીઓને આમ કહેવાની તક મળી ગઈ છે. જોકે ફિલ્મ સર્જક આ વાતને હસી કાઢતાં કહે છે કે જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાએ આવી વાત કહી ત્યારે મને ખરેખર હસવું આવ્યું હતું. જો એવું જ હોત તો હું આ ફિલ્મ ૨૦૧૯ની ચૂંટણીઓથી પહેલા રજૂ કરત.  લોકોએ ફિલ્મનું ટ્રેલર જોઈને જ તેનો વિરોધ કરવાનું શરૃ કરી દીધું છે. બાકી મેં તેને માટે પૂરું સંશોધન કર્યું હતું.

તેથી હું પ્રત્યેક વિરોધીને મારી ફિલ્મ વિશે ખુલાસાઓ આપવા તો ન જ બેસું ને? વળી  કટોકટી પર લખાયેલા પુસ્તકોમાં તેમાં સંડોવાયેલા લોકોના નામ છે, ડોક્યુમેન્ટરીઓમાં પણ તેમના નામ છે. તે વખતે તેમણે તેનો વિરોધ શા માટે ન કર્યો? શું તેઓ આ બધામાંથી તેમના નામ દૂર કરી શકશે? તેઓ વધુમાં કહે છે કે હું નરેન્દ્ર મોદીની તરફેણ કરું છું, તેમના પક્ષની નહીં.

તેઓ ઉમેરે છે કે હું તો સિંધિયાને પણ ટેકો આપું છું. તોઓ ઉત્તમ વક્તા છે. વળી મને કોઈપણ રાજકીય પક્ષનો પક્ષ તાણવાની શી જરૃર? તેનાથી હું ક્યાં જે તે રાજકીય પક્ષનો બની જવાનો છું. વાસ્તવમાં મારી ફિલ્મો બધા માટે હોય છે. અને પ્રત્યેક વર્ગના લોકો મારી ફિલ્મો જુએ છે. કોંગ્રેસ પક્ષ જ્યારે સત્તામાં હતો ત્યારે પણ મને પારિતોષિકો મળ્યાં છે.

મેં કોંગ્રેસ દ્વારા યોજાએલા ઘણાં કાર્યક્રમોમાં ભાગ લીધો છે. અમારી વચ્ચે મતભેદ હોઈ શકે. પરંતુ તેનો અર્થ એવો નથી કે અમે એકબીજાના શત્રુ છીએ. વળી મેં ફિલ્મમાં કોઈ સનસનાટી પેદા કરવાનો પ્રયાસ નથી કર્યો. ખરેખર તો મેં આ ફિલ્મ એવા યુવાવર્ગ માટે બનાવી છે જેઓ કટોકટીના સમય વિશે કાંઈ નથી જાણતા.
 

Post Comments