Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શાહરૃખ ખાન : લવસ્ટોરી કરવાનો વિરોધી બની ગયો રોમાંટિક હીરો

છેક ૧૯૯૨માં દિલ્હીનો એક મુંડો આંખોમાં અભિનેતા બનવાના, દુનિયાને કાંઇક કરી દેખાડવાના સપના આંજીને મુંબઇની ધરતી પર ઉતરી પડયો હતો. અને તેણે જોયેલા એકેએક શમણાં તેણે સાકાર કર્યાં. આ કલાકાર એટલે બોલીવૂડનો બાદશાહ ખાન ગણાતો શાહરુખ ખાન. મહત્વની વાત એ છે કે તેણે બોલીવૂડમાં પોતાની રોમાંટિક હીરો તરીકેની ઇમેજ બનાવી છે.

પરંતુ તેઅહીં આવ્યો ત્યારે લવ સ્ટોરી કરતાં  લજાતો હતો. જોકે છેલ્લા ઘણાં સમયથી તેણે પ્રણયભીની ફિલ્મ નહોતી કરી. પરંતુ ગયા સપ્તાહે રજૂ થયેલી ફિલ્મ 'જબ હેરી મેટ્સ સેજલ' રોમાંટિક ફિલ્મ છે. અને અભિનેતાએ આ ફિલ્મ દ્વારા ફરી એક વખત પોતાની છબીને છાજે એવી ફિલ્મમાં વાપસી કરી છે.

મઝાની વાત એ છે કે શાહરુખે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તે રોમાંટિક ફિલ્મો  કરશે. તે કહે છે કે આરંભના તબક્કામાં હું ફિલ્મ સર્જકો સામે શરત મૂકતો કે હું રોમાંટિક રોલ નહીં ભજવું. મેં વિવેક વાસવાણીને પણ કહ્યું હતું કે હું રોમાંટિક ફિલ્મ  નહીં કરું. ખરૃં કહું તો હું રોમાંસ ન કરી શક્તો કે  લવ સ્ટોરી  સમજી પણ ન શક્તો. મારી પ્રારંભિક ફિલ્મો 'રોજુ બન ગયા જેન્ટલમેન'(૧૯૯૨), ચમત્કાર'(૧૯૯૨), 'દીવાના'(૧૯૯૨) ઇત્યાદિ તેના પુરાવા છે.

અભિનેતાની વાત સાંભળીને આપણને સહેજે  થાય કે તો પછી તે રોમાંટિક હીરો કેવી રીતે બની ગયો? આના જવાબમાં શાહરુખ કહે છે કે હું હંમેશાં મારા દિગ્દર્શક કહે તેમ કરું છું. વાસ્તમાં હું એમ માનતો હતો કે હું લવ સ્ટોરી કરી  શકું તેમ નથી. પરંતુ તેમને મારામાં આ હુન્નર દેખાયું હશે. તેથી મેં 'ડર' (૧૯૯૩) ફિલ્મ કરી. પછી મને રોમાંટિક  ફિલ્મોના કિંગ ગણાતા યશ ચોપરાએ

'દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે' (૧૯૯૫) કરવાનું કહ્યું. ધીમે ધીમે મારી રોમાંટિક હીરોની છબિ  કંડારાવા લાગી. ૧૯૯૮માં કરણ જોહરે મને 'કુછ કુછ હોતા હૈ' ઓફર કરી. આમ છતાં આજદિન સુધી હું નથી માનતો કે હું રોમાંસમાં બહુ સારો છું.

તે વધુમાં જણાવે છે કે કદાચ હું આવા રોલ કુદરતી રીતે જ સારી રીતે ભજવી શક્તો હોઇશ. અથવા મારી વાસ્તવિક જિંદગી એકદમ ખુશહાલ છે તેથી મારાથી આવા ખુશમિજાજ  રોલ આપોઆપ સારી રીતે ભજવાઇ જતાં હશે. એમ પણ હોઇ શકે કે મારી અંદર રહેલી સ્ત્રી મને આવા પાત્રો ભજવવામાં સહાય કરતી હશે. બધા પુરુષોમાં એક સ્ત્રી ધબકતી હોય છે. અને તેને કારણે જ  તેમનું હૈયું  જેટલું કઠોર હોય એટલું જ કુણું  પણ હોય છે.

અભિનેતાને એમ કહેવામાં જરાય સંકોચ નથી થતો કે તેની અંદર એક સ્ત્રી ધબકે છે. તે કહે છે કે મારા પિતાના નિધન પછી અમારા ઘરમાં મારા સિવાય કોઇ પુરુષ નહોતો. મારી સાથે મારી માતા અને બહેન હતાં. પછી મારા જીવનમાં ગૌરી આવી. અમારા લગ્ન પછી અમારા ઘરે એક પુત્રી અવતરી. આ સિવાય મેં સંખ્યાબંધ હીરોઇનો સાથે કામ કર્યું. તેથી મારી અંદર બેઠેલી સ્ત્રી સતત ધબકતી રહી. બલ્કે એમ કહી શકાય કે તે સતત બળૂકી બનતી રહી.

લાંબા સમય પછી લવ સ્ટોરી 'જબ હેરી મેટ સેજલ'  કરવા વિશે  શાહરુખ કહે છે કે મેં ક્યારેય ઇમ્તિયાઝ અલી સાથે કામ નહોતું કર્યું. વાસ્તવમાં હું તેની સાથે કામ કરવા માગતો હતો. તેની પાસે બે ફિલ્મો હતી. તેમાંની એક આ હતી અને બીજી ડાર્ક સ્ટોરી હતી. પરંતુ હું ઇચ્છતો હતો કે હું તેમની સાથે હળવી ફિલ્મમાં કામ કરું. તેથી મેં તેમને આ ફિલ્મની કહાણી સંભળાવવાનુંકહ્યું હતું. અને પહેલી ૨૦ મિનિટનું વર્ણન સાંભળીને જ હું આ મૂવી કરવા તૈયાર થઇ ગયો હતો. વળી હું માનું છું કે ઇમ્તિયાઝ અલી આજના સમયનો યશ ચોપરા છે.

યશ ચોપરા રોમાંસના કિંગ કહેવાતા. તેઓ લવ સ્ટોરી વર્ણવવા શબ્દોનો નહીં, હાવભાવનો સહારો લેતા. તેઓ દ્રઢપણે માનતા કે બોડી લેંગ્વેજ  જે  દર્શાવી શકે તે શબ્દો ન વર્ણવી શકે. તેઓ લવ સ્ટોરીમાં જે  તે કલાકારને પોતાના હાવભાવ વ્યક્ત કરવા પ્રેર્યા પછી તેની રીતે દ્રશ્ય ભજવવાનો છૂટો દોર આપી દેતાં. ઇમ્તિયાઝ અલીમાં પણ આ બધા ગુણ જોવા મળે છે. તેથી હું તેને આજના વખતનો યશ ચોપરા માનું છું. આ ફિલ્મ સર્જક જે રીતે લવ સ્ટોરી બનાવે છે તે દર્શકોના દિલમાં વસી જાય છે.  યશ  ચોપડાની ફિલ્મો આજે પણ દર્શકોના મનમાં ઘર કરીને બેઠી છે એમ.

આ ફિલ્મમાં શાહરુખે અનુષ્કા શર્મા સાથે ત્રીજી વખત કામ કર્યુંં છે. તે કહે છે કે અનુષ્કા પોતાના કામ પ્રત્યે હંમેશાં બહુ ઉત્સુક અને ઉત્સાહી હોય છે. તેના પોતાના નિર્માણમાં બનેલી ફિલ્મોમાં પણ આ વાત સ્પષ્ટ દેખાય છે. આ સિવાય અમારી બંનેની એક ખાસિયત એકસમાન છે  કે અમે સેટ પર કલાકો સુધી સાથે હોઇએ તોય ઘણી વખત એકબીજા સાથે વાત પણ ન કરીએે. આ બાબત જ પુરવાર કરે છે કે અમારા સંબંધો કેટલા સરળ છે. આમારી વચ્ચે વિશ્વાસનો એક  અદ્રશ્ય સેતૂ રચાયો છે. અને કલાકારો તરીકે અમે આજે પણ માનીએ છીએ કે અમને  હજી ઘણું શીખવાનું છે. અનુષ્કા બહુ ઇમાનદાર છે. તેથી મને તેની સાથે કામ કરવામાં બહુ મઝા આવે છે.

તાજેતરમાં ફોબ્સ સામયિર્કમાં શાહરુખનું નામ દુનિયાના સૌથી શ્રીમંત કલાકારોની યાદીમાં સમાવવામાં આવ્યું હતું. જોકે અભિનેતા કહે છે કે આ સૂચિમાં મારું નામ મારી કંેપનીને જોઇને  સમાવવામાં આવ્યું હશે. બાકી હું ક્યારેય નાણાંને આટલું બધું મહત્વ નથી આપતો. અલબત્ત, મારી પાસે એટલા પૈસા છે કે હું મારા પરિવાર સાથે સારી રીતે રહી શકું અને સારી ફિલ્મો બનાવી  શકું.

વાસ્તવમાં 'રા વન' પછી મેં અને મારા કુટુંબીજનોએ  નક્કી કર્યું હતું કે આપણી પાસે હવે પૂરતા પૈસા છે. તેથી આપણે હવે નિજાનંદ માટે ફિલ્મો બનાવવી. તેથી હવે હું જે ફિલ્મો બનાવું છું તે મારી સાથે કામ કરનારા લોકોને આગળ લાવવા માટે બનાવું છું. આ સિવાય હું વધુ મોટી અને શ્રેષ્ઠ ફિલ્મો બનાવવા માગું છું. જોકે અભિનેતા કબૂલે છે કે તમે એક ચોક્કસ મુકામ પર પહોંચી જાઓ પછી તમે તમારી જાત મ ાટે સમય ન ફાળવી શકો.

તે વધુમાં કહે છે કે થોડાં દિવસ પહેલા મારા પુત્રએ મને કહ્યું હતું કે તમે મોટાભાગે ઘરે તો હોતા જ નથી. તમે વહેલી પરોઢે ઘરે પહોંચો છો. પરંતુ હું દ્રઢપણે માનું છું કે જેમની પાસે કામ ઓછું હોય તેમને જ  ઘરે બેસવાનો સમય મળે. હું તો એમ ઇચ્છું છું કે મારા સહકલાકારો કે અન્ય ફિલ્મ સર્જકો પણ ક્યારેય નવરા ન પડે. હું મારા કામ માટે હંમેશાં ઉત્સાહિત રહું છું. મને જે સફળતા મળે તેનાથી મારું હૈયું ઝુમી ઉઠે છે.

અભિનેતામાં અઢી દશક પછી પણ એટલો જ ઉત્સાહ જોવા મળે છે તેથી આપણને સહેજે થાય કે તેનામાં આટલી બધી ઊર્જા ક્યાંથી આવે છે. આના જવાબમાં તે કહે છે કે ઇશ્વરના આશિર્વાદ હંમેશાં મારી સાથે રહ્યાં છે. કદાચ મારી સફળતા જ મારી ઊર્જાનો સૌથી મોટો સ્રોત છે. તે વધુમાં કહે છે કે મેં ક્યારેય નિષ્ફળતા નથી જોઇ એવું નથી. પણ તે પ્રમાણમાં ઘણી ઓછી છે. અને જ્યારે તમે સતત સફળ થતાં રહો ત્યારે તમારો ઉત્સાહ અકબંધ જ રહે.
 

Post Comments