Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારત ભૂષણ: ઉદય અને અસ્તની ઘટમાળની કહાની

ભક્ત કબીર, સુહાગ રાત, બૈજુ બાવરા,શ્રી ચૈતન્ય મહાપ્રભુ, બસંત બહાર અને બરસાત કી રાતના સુપર સ્ટારના સમયનું ચક્ર અવળું ફર્યું હતું : વૈભવી મોટરોમાં ફરતો અદાકાર બસની લાઇનમાં ઉભો રહેતો હતો.

ફિલ્મ જગત એટલે નામ અને દામનો ચળકાટ અને ઝગમગાટ.આચળકાટ અને ઝગમગાટના આકર્ષણમાં ઘણાં લોકોનું નસીબ પણ જબરું ચમકી જાય તો કેટલાંક ખરતા તારાની જેમ થોડોક ચમકારો કરીને ખરી પડે.ક્યાંક અદ્રશ્ય થઇ જાય.બોલીવુડના ૫૦થી ૬૦ના દાયકાના સુપરસ્ટાર ગણાતા ભારત ભૂષણ આવું જ એક નામ છે જે જેટલું ચમક્યું એટલું જ ઝડપથી બૂઝાઇ પણ ગયું.

બંગલા, મોટરો, નોકર-ચાકરો  અને ભરપૂર પ્રસિદ્ધિનો ભરપૂર વૈભવ જેટલો છલકાયો એટલો જ ઝડપભેર સૂકાઇ પણ ગયો.આમ છતાં ભારત ભૂષણની ફિલ્મો અને તેનું ગીત-સંગીત આજે આટલાં વરસો બાદ પણ યાદગાર બની ગયાં છે.

આજે આપણે આ સુપર સ્ટારના જીવનના આરોહ-અવરોહ જાણીએ. આકાશી પ્રસિદ્ધિથી ગૂમનામ જિંદગીની અજાણી વાતો જાણીએ.  

બોલીવુડનાં જાણકાર સૂત્રો કહે છે, ભારત ભૂષણ ૫૦થી ૬૦ના દાયકાનું બહુ મોટું નામ હતું.આમ તો એ તબક્કો હિન્દી ફિલ્મ જગતના વિકાસનો શરૃઆતનો હતો.સાથોસાથ એ સમયે દેશમાં આઝાદીની ચળવળ પણ ચાલતી હોવાથી ફિલ્મોમાં પણ દેશભક્તિના નારા ગૂંજતા હતા.ઉપરાંત, ભક્તિ, શ્રદ્ધા, સંગીત ,પ્રેમ, કવિ-શાયરો વગેરે વિષયો પર વધુ ફિલ્મો બનતી હતી.ભારત ભૂષણ દેખાવમાં સોહામણાહોવાથી તેમને આ પ્રકારની ફિલ્મોમાં સારાંઅને મહત્વનાં પાત્રો પણ મળ્યાં.

આમ પણ ભારત ભૂષણ અમીર અને ખાનદાન પરિવારના નબીરા હોવાથી તેમનું જીવન પણ વૈભવી હતું.જોકે  ભારત ભૂષણની ફિલ્મો એક પછી એક સુપરહીટ પણ થઇઅને તેમનું નામ વજનદાર બની ગયું.ભારત ભૂષણના નામના જાણે કે સિક્કા પડતા હતા.

ભારત ભૂષણનો જન્મ ૧૪,જૂન-૧૯૨૦ ના રોજ ઉત્તરપ્રદેશના મેરઠ શહેરમાં થયો હતો.તેમના પિતા રાયબહાદુર મોતીલાલ અંગ્રજોના જમાનાના સરકારી વકીલ હતા.વળી,મોતીલાલ આર્યસમાજના પણ ચૂસ્ત અનુયાયી હોવાથી ઘરમાં ધર્મભાવના અને શિસ્તનું વાતાવરણ હતું.જોકે ભારત ભૂષણ બહુ નાના હતા ત્યારે તેમની માતાનું અચાનક મૃત્યુ થવાથી તે બહુ એકલતા અનુભવતા હતા. ભારત ભૂષણને યુવાન વયથી જ ગીત-સંગીતનો અને ફિલ્મો જોવાનો જબરો શોખ હતો.

પુત્રના આવા શોખથી મોતીલાલ ગુસ્સે થતાઅને ઉચ્ચ શિક્ષણ લેવાનો આગ્રહ રાખતા.માતાનું અવસાન થવાથી ભારત ભૂષણ અને તેમના મોટાભાઇ આર.ચંદ્રા તેમના મામાના ઘરે અલીગઢ રહેવા ગયા અને ત્યાં જ ગ્રેજ્યુએટ પર થયા.

આમ છતાં ફિલ્મના શોખથી પિતાની નારાજી છતાં ભારત ભૂષણ પહેલાં કોલકાતા ગયા અને ત્યારબાદ મુંબઇ ગયા.તે સમયે કોલકાતા અને મુંબઇમાં ફિલ્મ સ્ટુડિયો ધમધમતા હતા. થોડા સંઘર્ષ બાદભણેલા અને હેન્ડસમ ભારત ભૂષણને તે જમાનાના મોટાગજાના દિગ્દર્શક કેદાર શર્માની ફિલ્મ ચિત્રલેખા (૧૯૪૨)માં તક મળી.જોકે અમુક સૂત્રોના કહેવા મુજબ ભારત ભૂષણની પહેલી ફિલ્મ ભક્ત કબીર(૧૯૪૨) હતી.રામેશ્વર શર્માના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ ભક્ત કબીરમાં હિન્દુ-મુસ્લિમએકતાની કથા હોવાથી તે બહુ લોકપ્રિય બની હતી.

વળી,ફિલ્મમાં ભાઇચારાનો ઉમદા સંદેશો હોવાથી તે સમયની અંગ્રજ સરકારે ભારત ભૂષણને ચાંદીની ઇંટ આપીને સન્માન પણ કર્યું હોવાનો ઉલ્લેખ મળે છે.જોકે ભક્ત કબીર ફિલ્મ  માટે ભારત ભૂષણને ગણીને ૬૦ રૃપિયાનો પગાર મળ્યો હતો.

ભક્ત કબીરની સફળતાનાપગલે ભારત ભૂષણને બીજી ફિલ્મ સુહાગ રાત(૧૯૪૮) મળી.સુહાગ રાતમાં ત્રણ પાત્રોની પ્રણયકથા હતી અને તેમાં ભારત ભૂષણ,ગીતા બાલી અને બેગમ પારાની ત્રિપુટી હતી.સુહાગ રાત સુપરહીટ થઇ પરંતુ તેનો યશ ગીતા બાલીને મળ્યો.તે જમાનાના ફિલ્મ સમીક્ષકોએ સુહાગ રાત ફિલ્મ તો ગીતા બાલીની છે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.આમ છતાં ભારત ભૂષણનું નામ જરૃર પ્રસિદ્ધ થયું.

બોલીવુડનાં જૂની પેઢીનાં સૂત્રો કહે છે,ભારત ભૂષણ દેખાવમાં બહુ સોહામણા હોવાથી સુહાગ રાતનીસફળતા બાદ તેમને કવિ,લેખક,સંગીતકાર વગેરે જેવી સર્જનાત્મક ભૂમિકાઓ મળવા લાગી.બૈજુ બાવરા(દિગ્દર્શક વિજય ભટ્ટ-૧૯૫૨) ફિલ્મમાં ભારત ભૂષણને શાસ્ત્રીય સંગીતના ગાયકની યાદગારભૂમિકા મળી અને તેમને કારકિર્દી સોનેરી બની ગઇ.

મહાન ગાયક તાનસેન અને બૈજુ બાવરાના જીવનપર આધારિત આ ફિલ્મમાં મહાન સંગીત નિર્દેશક નૌશાદજીએ મન તડપત હરિ દરશન કો આજજેવું સૂરીલું અને યાદગાર ભજન(રાગ: માલકૌંસ) અને ઓ દુનિયા કે રખવાલે(રાગ : દરબારી) જેવું દર્દભર્યું ભક્તિ ગીત બનાવ્યું છે.

ચમત્કાર એ થયો કે બૈજુ બાવરા તે જમાનામાં સુપરહીટ થઇ,તેનાં ગીતો બેહદ લોકપ્રિય થયાં અને ભારત ભૂષણનું નામ-કામ બંને જાણે કે સોના જેવાં બની ગયાં.આમ તો તે તબક્કે બોલીવુડમાં રાજ,દેવ અને દિલીપની ત્રિપુટીનો સિક્કો ચાલતો હોવા છતાં બૈજુ બાવરાની ઝળહળતી સફળતાએ ભારત ભૂષણનો સિક્કો પણ વધુ વજનદાર બનાવી દીધો.

બૈજુ બાવરાની સંગીતમય સફળતાના પગલે ભારત ભૂષણને શ્રી ચૈતન્ય મહાપ્રભુ ફિલ્મ(૧૯૫૪) મળી. પરમ સંત ચૈતન્ય મહાપ્રભુની ઉમદા ભૂમિકા માટે ભારત ભૂષણને શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.આમ બોલીવુડમાં ભારત ભૂષણ એક સફળ અને મજેદાર અભિનેતા તરીકે સ્થિરથઇ ગયા.

પોતાની ઉજળી સફળતાથી પ્રેરાઇને ભારત ભૂષણે નિર્માતા બનવાનો નિર્ણય કર્યો અને મીનાર,બસંત બહાર, બરસાત કી રાત તથા દૂજ કા ચાંદ વગેરે ફિલ્મો બનાવી. જોકે આ બધી ફિલ્મોનું નિર્માણ તેના ભાઇ આર.ચંદ્રાએ કર્યું હતું.આમાંની મીનાર,બસંત બહાર અને બરસાત કી રાત એમ ત્રણેય ફિલ્મોને સફળતા મળી.ખાસ કરીને બસંત બહાર  સંગીતમય ફિલ્મ(સંગીત : શંકર-જયકિશન) છે અને તેનાં નૈન મીલે ચૈન કહાં અને સૂરના સજે ક્યા ગાઉં મૈં  વગેરે ગીતો અમર બની ગયાં છે.

તો વળી,બરસાત કી રાત(સંગીત :રોશન)નાં ઝિંદગીભર નહીં ભૂલેગી વહ બરસાત કી રાત અને ના તો કારવાં કી તલાશ હૈ વગેરે ગીતો બેહદ લોકપ્રિય બન્યાં હતાં.વળી,આ ફિલ્મમાં તો ભારત ભૂષણસાથે બોલીવુડની રૃપસુંદરી મધુબાલા પણ હતી.  જ્યારે દૂજ કા ચાંદને પ્રમાણમાં ઓછી સફળતા મળી.

બોલીવુડનાં સૂત્રોના કહેવા મુજબ બરસાત કી રાતના શૂટિંગ દરમિયાન મધુબાલાના રૃપ પર મોહિત થઇ ગયા હતા. ભારત ભૂષણે તો પોતાની સાથે લગ્ન કરવા મધુબાલા સમક્ષ પ્રેમ પ્રસ્તાવ સુદ્ધાં મૂક્યો હતો.જોકે એ તબક્કે ભારત ભૂષણ સહિત પ્રદીપ કુમાર અને કિશોરકુમાર પણ મધુબાલા સાથે લગ્ન કરવા ભારે તપ્તર હતા.

એ સમયે મધુબાલા અને દિલીપકુમારના પ્રેમ સંબંધો તૂટી ગયા હોવાથી મધુબાલાને ભારેમાનસિક આઘાત લાગ્યો હોવાના અખબારી અહેવાલો પણ પ્રસિદ્ધ થયા હતા.છેવટે મધુબાલાએ કિશોરકુમાર સાથે લગ્ન કર્યાં.

ભારત ભૂષણનું જીવન અને કારકિર્દી બંને જાણે કે સ્વર્ગ જેવાં બની ગયાં હતાં.આ જ તબક્કે ભારત ભૂષણનાં લગ્ન મેરઠના જ રાયબહાદુર બુદ્ધપ્રકાશની પુત્રી સરલા સાથે થયાં.આ યુગલને અનુરાધા અને અપરાજિતા એમ બે પુત્રીઓ હતી.જોકે યશ,કીર્તિ અને ધન દૌલતના એ જ તબક્કે કુદરતે ભારત ભૂષણના જીવનમાં પ્રચંડ વોવાઝોડું ફૂંક્યું અને તેમની પત્ની સરલાનું મૃત્યુ થયું.

બીજી દીકરીના જન્મ સમયે કોઇ ગંભીર શારીરિક સમસ્યા સર્જાતાં તેનું અવસાન થયું હતું.જોેકે સમય જતાં ભારત ભૂષણે બરસાત કી રાતની અભિનેત્રી રત્ના સાથે ૧૯૬૭માં બીજાં લગ્ન કર્યા હતાં.

જોકે નસીબ કહો કે ભાગ્ય અથવા સમયની બલીહારી,ભારત ભૂષણના સુખના અને વૈભવના દિવસો જાણેકે પૂરા થયા હોય તેમ તેની ઉજળી કારકિર્દીને એક પછી એક આંચકા લાગવા લાગ્યા.એટલે કે સિત્તેરના દાયકામાં શમ્મી કપૂર,રાજેન્દ્ર કુમાર,શશીકપૂર અને મનોજ કુમાર જેવા નવા અને રૃપકડા સ્ટારનો ઉદય થયો.સાથોસાથ ફિલ્મોમાં હીરો-હીરોઇન વચ્ચે પ્રેમ અને પ્યારનાં નૃત્ય  ગીતો ગૂંજવા લાગ્યાં.આવા નવા પરિવર્તનમાં ભારત ભૂષણને હીરોની ભૂમિકામાં  ફિલ્મો મળવાનું બંધ થયું.

જોકે ૧૯૬૯માં  નિર્માતા નાસીર હુસૈને ફિલ્મ પ્યાર કા મૌસમમાં ભારત ભૂષણને હીરો શશીકપૂરના પિતાની ભૂમિકા આપીને તેને સાચવી લીધા.પ્યાર કા મૌસમ બાદ ભારત ભૂષણને પિતાની અને મોટાભાઇની ભૂમિકાઓ મળવા લાગી અને એક જમાનાનો રૃપકડો -સુપરહીટ હીરો ચરિત્ર અભિનેતા બની ગયો.સમય જતાં તો ફિલ્મોમાં કામ મળવું સુદ્ધાં બંધ થઇ ગયું.

સમયનું ચક્ર ઉલટું ફરવા લાગ્યું.ભારત ભૂષણને ટેલિવિઝન પર નાની અને આછીપાતળી ભૂમિકાઓ મળતી હતી. બીજીબાજુ ભારત ભૂષણ આર્થિક તંગી પણ ભોગવવા લાગ્યા.એક જમાનામાં વૈભવી મોટરોમાં ફરતો સુપર સ્ટાર હવે મુંબઇની બેસ્ટની બસમાં મુસાફરી કરતો હતો.બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને એક વખત તેમના બ્લોગમાં બહુ દુ:ખ સાથે લખ્યું હતું,હું મોટરમાં પસાર થઇ રહ્યો હતો ત્યારે મેં ભારત ભૂષણજીને બસની લાઇનમાં ઉભેલા જોયા હતા.

તેમને કોઇ ઓળખતું પણ નહોતું.મને એવો વિચાર આવ્યો કે હું  મારી મોટરમાં તેમને જ્યાં જવું હોય ત્યાં મૂકી જાઉં.જોકે તેમને આવું કહેવાની મારી હિંમત ન થઇ.મારી વિનંતીથી તે કદાચ શરમ અનુભવે એવા વિચારથી હું અટકી ગયો.આમ છતાંતે દ્રશ્ય જોઇને મને બેહદ પીડા થઇ હતી.સાથોસાથ મને એવો વિચાર પણ આવ્યો હતો કે આવી દુ:ખદ ઘટના આપણામાંના કોઇના પણ જીવનમાં  બની શકે.

ભારત ભૂષણના જીવનના આરોહ-અવરોહ યાદગાર ફિલ્મ કાગઝ કે ફૂલના નાયક (ગુરુ દત્ત)ની જિંદગીમાં બનતી એક પછી એક નિરાશાજનક ઘટનાઓ જેવા હતા. બોલીવુડનાં સૂત્રોના કહેવા મુજબ ભારત ભૂષણની આવી ચિંતાજનક આર્થિક પરિસ્થિતિ શા માટે અને કોના કારણે થઇ તેની કોઇને સાચી જાણકારી તો નથી.આમ છતાં એવી ચર્ચા થતી હતી કે ભારત ભૂષણ રજવાડી જીવન જીવતા હતા.તેમની પાસે મોંઘી-વૈભવી મોટરો,બંગલા અને નોકર ચાકરો હતાં.

તેમના મુંબઇ અને પુણમાં ભવ્ય બંગલો હતા.સમય જતાં ભારત ભૂષણનો બંગલો બોલીવુડના જ્યુબિલી સ્ટાર ગણાતા રાજેન્દ્ર કુમારે ખરીદી લીધો હતો.વળી,આ કલાકાર જબરા સ્વાદ શોખીન પણ હતા.પોતે પણ સ્વાદિષ્ટ ભોજન કરે અને જ્યાં પણ શૂટિંગ હોય ત્યાં આખા યુનિટને પણ જમાડે.એક મુલાકાતમાં ભારત ભૂષણે એવો સંકેત આપ્યો હતો કે અમુક બહુ નજીકનાં લોકોએ તેમની સાથે ભારે દગાબાજી કરી હતી.

ભારત ભૂષણ સાહિત્ય,સંગીત અને વિવિધ કલાના પણ શોખીન હતા.તેમની પાસે ઘણાં અલભ્ય પુસ્તકો હતાં.આર્થિક તંગીના દિવસોમાં તે પુસ્તકો વેચી નાખવાને બદલે તેમણે અમુક સામાજિક સંસ્થાઓને ભેટ તરીકે અર્પણ કરી દીધાં હતાં.છેવટે હિન્દી ફિલ્મ જગતના એક જમાનાનારૃપકડા સુપરસ્ટારનો ઝળહળાટ ૨૭,જાન્યુઆરી-૧૯૯૨માં  સદાય માટે બૂઝાઇ ગયો.
 

Post Comments