Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નવા સપ્તાહમાં સેન્સેક્સ ૩૪૬૧૧ થી ૩૩૫૮૮ અને નિફટી ૧૦૬૧૧ થી ૧૦૩૧૧ વચ્ચે અથડાતાં જોવાશે

મુંબઈ, તા. 14 એપ્રિલ 2018, શનિવાર

અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ વોરમાં પાછલા દિવસોમાં રોજ-બરોજ ડોનાલ્ડ ટ્રમ્પના બદલાતાં વિધાનોએ પોઝિટીવ-નેગેટીવ અસરો વચ્ચે વૈશ્વિક બજારો અથડાતાં જોવાયા બાદ હવે અમેરિકા, યુરોપ વર્સિસ રશીયા વોર સીરિયા થકી શરૃ થઈ જતાં વૈશ્વિક બજારોની ચાલ આગામી સપ્તાહમાં ફંગોળાતી જોવાય એવી શકયતા છે. આ સાથે  સીરિયામાં અમેરિકા, ફ્રાંસ, યુ.કે.ના મિસાઈલ હુમલાઓના પરિણામે ક્રુડ ઓઈલના ભાવમાં વધુ ભડકો થવાની શકયતા અને રૃપિયા સામે અમેરિકી ડોલર વધુ મજબૂત બનવાની  શકયતા શેર બજારોમાં નવા સપ્તાહમાં સાવચેતીનો ટ્રેન્ડ બતાવશે. કંપની પરિણામોની શરૃ થયેલી સીઝન પણ બજારમાં બે-તરફી અફડાતફડીની ચાલ બતાવશે. કોર્પોરેટ ઈન્ડિયાના માર્ચ ૨૦૧૮ના અંતના ત્રિમાસિક પરિણામોની સીઝન ઈન્ફોસીસના એકંદર સાધારણ પરિણામ છતાં માર્જિન અંદાજ નિરાશાજનક રજૂ કરવાના પરિણામે શરૃઆત થઈ છે. આ પરિણામની સીઝન આગામી સપ્તાહમાં આગળ વધીને હવે આઈટી જાયન્ટ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ(ટીસીએસ) દ્વારા આગામી સપ્તાહમાં ગુરૃવારે રજૂ થનારા પરિણામ તેમ જ ખાનગી બેંક ઈન્ડસઈન્ડ બેંકના પણ રજૂ થનારા ત્રિમાસિક પરિણામ સાથે બજારની ચાલ સ્ટોક સ્પેસિફિક બની રહેશે. જેમાં ઈન્ફોસીસ દ્વારા સ્પેશ્યલ ડિવિડન્ડરૃપી શેર ધારકોને વળતર જાહેર કર્યા બાદ હવે અન્ય જાયન્ટો દ્વારા સ્પેશ્યલ ડિવિડન્ડ, બોનસ શેરો સહિતની લ્હાણી થવાના સંજોગોમાં બજારમાં પરિણામોની સાથે ઘટાડે ટેકો મળવાની સંભાવના રહેશે.

સીરિયા પર અમેરિકા, યુ.કે., ફ્રાંસના મિસાઈલ હુમલાએ ક્રુડ વધુ ઉકળશે : ફુગાવાના હોલસેલ આંક પર નજર
સીરિયામાં કહેવાતાં કેમિકલ હુમલાને લઈને અમેરિકા, યુ.કે., ફ્રાંસ  દ્વારા શનિવારે કરાયેલા ૧૦૦થી વધુ મિસાઈલ હુમલાના વૈશ્વિક આકરાં પ્રત્યાઘાત પડયા છે. આ મામલે અત્યારે અમેરિકા, યુ.કે. અને ફ્રાંસ સામે રશિયા આવી ગયું હોઈ આગામી સપ્તાહમાં આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઈલના ભાવ પર અસર સ્વાભાવિક હોઈ ક્રુડ ઓઈલ બ્રેન્ટ ૭૫ ડોલર થઈ જવાના સંજોગોમાં ભારત સહિતના  મોટાભાગની આયાત પર નિર્ભર દેશોના અર્થતંત્ર પર માઠી અસર અપેક્ષિત હોઈ શેર બજારોમાં આરંભિક આંચકાની શકયતા નકારી ન શકાય. સીરિયા મામલો કેટલો વૈશ્વિક વ્યાપક બનશે એની અનિશ્ચિતતા પ્રવર્તિ રહી હોઈ આગામી સપ્તાહના આરંભિક દિવસોમાં બજારમાં સાવચેતી જોવાય એવી શકયતા છે. જે આગળ જતાં ટીસીએસના ગુરૃવારે પરિણામ અને અન્ય કંપનીઓના પરિણામો જાહેર થવાની સાથે ફુગાવાના સોમવારે ૧૬,એપ્રિલ ૨૦૧૮ના જાહેર થનારા હોલસેલ આંક(ડબલ્યુપીઆઈ) પર નજર રહેશે. રીટેલ ફુગાવો ઘટીને આવ્યા બાદ હોલસેલ ફુગાવાનો આંક પણ ઘટીને આવવાના સંજોગોમાં અને ટીસીએસના પરિણામ અપેક્ષાથી સારા જાહેર થવાના સંજોગોમાં ઘટાડે બજારને ટેકો મળતો જોવાશે.

કોર્પોરેટ પરિણામોની સીઝનમાં હવે ટીસીએસ, ઈન્ડસઈન્ડ બેંક, એસીસીના જાહેર થનારા પરિણામ પર નજર
કંપની પરિણામોની સીઝનમાં ઈન્ફોસીસના રિઝલ્ટ જાહેર થયા બાદ આગામી સપ્તાહમાં બુધવારે ૧૮,એપ્રિલ ૨૦૧૮ના સિમેન્ટ જાયન્ટ એસીસીના પરિણામ, ગુરૃવારે ૧૯,એપ્રિલ ૨૦૧૮ના ટીસીએસ અને ઈન્ડસઈન્ડ બેંકના જાહેર થનારા પરિણામ પર નજર રહેશે. આ સાથે વૈશ્વિક મોરચે ચાઈનાના પ્રથમ ત્રિમાસિકના આર્થિક વિકાસ-જીડીપી વૃદ્વિના મંગળવારે ૧૭,એપ્રિલ ૨૦૧૮ના જાહેર થનારા આંક તેમ જ અમેરિકાના ઈન્ડસ્ટ્રીયલ ઉત્પાદનના માર્ચ ૨૦૧૮ મહિનાના જાહેર થનારા આંક અને જાપાનના ઈન્ડસ્ટ્રીયલ ઉત્પાદનના ફેબુ્રઆરી મહિના માટેના મંગળવારે ૧૭,એપ્રિલ ૨૦૧૮ના જાહેર થનારા આંક પર નજર રહેશે. આ સિવાય શુક્રવાર ૨૦,એપ્રિલ ૨૦૧૮ના જાપાનના ફુગાવના જાહેર થનારા આંક પર નજર રહેશે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય આ પરિબળો વચ્ચે આગામી સપ્તાહમાં સેન્સેક્સ ૩૪૬૧૧ થી ૩૩૫૮૮ અને નિફટી સ્પોટ ૧૦૬૧૧ થી ૧૦૩૧૧ વચ્ચે અથડાતાં જોવાય એવી શકયતા છે.

ડાર્ક હોર્સ : વા ટેક વાબેગ લિમિટેડ
એનએસઈ(WABAG), બીએસઈ(૫૩૩૨૬૯) લિસ્ટેડ રૃ.૨ પેઈડ-અપ, ISO 9001 : 2008, ISO 14001 : 2004, OHSAS 18001 : 2007 Certified, વર્ષ ૨૦૧૫માં ૧:૧ શેર બોનસ ઈસ્યુ થકી કુલ ઈક્વિટીમાં ૫૪.૫૩ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી, ઊંચું ડિવિડન્ડ ચૂકવતી, ચેન્નઈ સ્થિત વર્ષ ૧૯૯૬માં સ્થપાયેલી અને ભારતના વોટર ટેકનોલોજી માર્કેટમાં ઝડપી અગ્રણી તરીકે ઊભરી આવેલી વા ટેક વાબેગ લિમિટેડ(VA TECH WABAG LTD.) ભારતમાં ચેન્નઈ ઉપરાંત દિલ્હી, કોલકતા, પૂના, વડોદરા  તેમ જ વિદેશોમાં ઈન્ડોનેશિયા, દુબઈ અને ઓમાન ૨૦થી  વધુ દેશોમાં સક્રિય છે. વોટર ટ્રીટમેન્ટ ક્ષેત્રે વિશ્વની અગ્રણી કંપનીઓમાં એક વાબેગ પ્લાન્ટ બિલ્ડિંગ ક્ષેત્રે ૯૦ વર્ષથી  વધુ અનુભવ ધરાવતી કંપની ડ્રીંકિંગ વોટર અને વેસ્ટવોટર પ્લાન્ટો બન્ને મ્યુન્સિપલ અને ઈન્ડસ્ટ્રીયલ ક્ષેત્રોમાં પ્લાન્ટોના પ્લાનીંગ, પૂર્ણ કરવા અને કાર્યરત કરવામાં પ્રવૃત છે. વાબેગ સર્વિસિઝ અને ઈન્નોવેટીવ ટેકનોલોજીસના સંપૂર્ણ રેન્જ થકી ખાસ ગ્રાહક જરૃરીયાત માટે સોલ્યુશન્સ ઓફર કરે છે.
 વોટર ટ્રીટમેન્ટ અને વેસ્ટવોટર રીસાઈકલિંગ ક્ષેત્રે કંપનીએ સંખ્યાબંધ આવિષ્કાર અને નવો ચિલો ચાતરતા પ્રોજેકટો થકી પોતાની ખાસ પ્રતિષ્ઠા મેળવી છે.કંપનીએ તેના પોર્ટફોલિયોમાં નવા ઈન્ટરનેશનલ એન્જિનિયરીંગ સેન્ટર સાથે નવી સર્વિસ ઓફરનો ઉમેરો કર્યો છે.  વા ટેક વાબેગ પ્લાન્ટ ઓપરેશન મેનેજમેન્ટમાં પ્રવેશી છે અને થોડા વર્ષોમાં જ સંખ્યાબંધ શહેરો અને મ્યુનિસિપલ કોર્પોરેશનોનો ગ્રાહકોમાં ઉમેરો કર્યો છે. અત્યારે કંપની ભારતની પ્રથમ બીઓઓટી મોડલ પર આધારિત વેસ્ટવોટર ટ્રીટમેન્ટ સવલત ઓપરેટ કરી રહી છે.

કંપની તેના ભારત અને વિદેશોમાં ૧૦૦થી વધુ રેફરન્સ પ્લાન્ટોની સિદ્વિ ગણાવી શકે એમ છે. જેમાં ભારતનો સૌથી મોટો સીવોટર આરઓ પ્લાન્ટ, ચેન્નઈ-નેમ્મેસી ડબલ્યુટીપી, દિલ્હી ગેમ્સ વિલેજ-વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, આઈઓસીએ પાણીપત માટે એશીયાનો સૌથી મોટો વેસ્ટવોટર રીસાઈકલિંગ પ્લાન્ટ, ભારતનો સૌથી મોટો લામેલા વેસ્ટવોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બુ્રહદ મુંબઈ મ્યુન્સિપલ કોર્પોરેશન માટે, વિશ્વની સૌથી મોટી ટેનરી વેસ્ટવોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ-કોલકતા લેધર કોમ્પલેક્સ માટે, અલઅનસાબ,મસ્કત માટે વિશ્વના સૌથી મોટા પૈકી એક એમબીઆર ટેકનોલોજી વેસ્ટવોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટો, વિઝાગ સ્ટીલ પ્લાન્ટ માટે ટ્રીટેડ વેસ્ટવોટર માટે ભારતનો પ્રથમ અલ્ટ્રા ફિલ્ટરેશન પ્લાન્ટ, અલાનદુર માટે બીઓઓટી મોડલ આધારિત ભારતનો પ્રથમ વેસ્ટવોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો સમાવેશ છે. કંપનીએ ૩૦ વર્ષમાં ૨૩૦૦થી વધુ પ્રોજેક્ટો પૂર્ણ કર્યા છે.

ભારતની વધતી વસતી સાથે પીવાના પાણીની પણ વધતી જરૃરીયાત અને આ માટેની સુરક્ષિતતા માટે સરકાર દ્વારા આ દિશામાં પ્રોજેકટોને અપાઈ રહેલી પ્રાથમિકતા સાથે વેસ્ટવોટર ટ્રીટમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રકચરમાં રોકાણ  વધી રહ્યું છે. ભારતનું કુલ વોટર માર્કેટ ૧૫ અબજડોલરના આંકે પહોંચ્યું છે. જેમાંથી સરકારી ક્ષેત્રથી આ બજારમાં ૫૦ ટકા જેટલી કામગીરી થઈ રહી છે, જ્યારે બાકી બિઝનેસ ખાનગી ઈન્ડસ્ટ્રીયલ ક્ષેત્રનો છે. સરકારે પણ  જવાહરલાલ નહેરૃ નેશનલ  અર્બન રીન્યુએબલ મિશન(જેએનએનયુઆરએમ), અર્બન ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ ફોર સ્મોલ સ્કેલ અને મીડિયમ ટાઉન્સ સહિતની વિવિધ યોજનાઓ થકી વોટર મેનેજમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ પર ભાર આપ્યો છે, અને ૧૨મી પંચવર્ષિય યોજનામાં આ ક્ષેત્રે રૃ.૧,૬૬,૦૦૦ કરોડના રોકાણનો અંદાજ છે. વિશ્વની પાણીની માંગમાં પણ થઈ રહેલા વધારા સાથે આગામી ૨૦ વર્ષમાં પુરવઠા સામે માંગ ૪૦ ટકા જેટલી વધુ રહેવાનો અંદાજ છે. જેથી વોટર ટ્રીટમેન્ટ ટેકનોલોજીસ માટે વૈશ્વિક માંગમાં આગામી વર્ષોમાં સતત વધારો થવાનો અંદાજ છે. ભારત સરકારે વર્ષ ૨૦૧૭-૧૮માં અંદાજપત્રિય જોગવાઈ વધારીને વોટર રીસોર્સિઝ, રિવર ડેવલપમેન્ટ અને નમામી ગંગે પ્રોગ્રામને ફાળવણીમાં ૧૧ ટકાનો વધારો કર્યો છે. કુલ રકમમાંથી મંત્રાલયને રૃ.૬૮૮૭ કરોડ અને એમાંથી નમામી ગંગેપ્રોગ્રામ માટે રૃ.૨૨૫૦ ફાળવણી કરી છે.

કંપની મેનેજમેન્ટ દ્વારા પૂર્ણ નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં આવકનો અંદાજ રૃ.૩૮૦૦ કરોડ થી રૃ.૪૦૦૦ કરોડ અને ઓર્ડર પ્રવાહનો અંદાજ રૃ.૪૩૦૦ કરોડ થી રૃ.૪૫૦૦ કરોડનો મૂકાયો છે.

ઓર્ડર બુક :
કંપનીએ તાજેતરમાં ૧૧,એપ્રિલ ૨૦૧૮ના જ નમામી ગંગે, રીપિટ ઓર્ડર હેઠળ રૃ.૫૨૦ કરોડનો ઓર્ડરમળ્યાનું જાહેર કર્યું છે. કંપની પાસે અત્યારે રૃ.૭૨૦૦ કરોડની ઓર્ડર બુક છે, જેમાં રૃ.૬૮૦ કરોડના ફ્રેમવર્ક કોન્ટ્રેકટસનો સમાવેશ છે. આ ઓર્ડર બુકમાં ડિસેમ્બર ૨૦૧૭ના  અંતના ત્રિમાસિકમાં રૃ.૧૫૨૬.૨ કરોડના ઓર્ડરો મેળવ્યા છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં કંપનીને કુલ રૃ.૪૩૦૦ થી રૃ.૪૫૦૦ કરોડના ઓર્ડરો મળવાનો અંદાજ છે. ઈપીસી સેગ્મેન્ટમાં મ્યુનિસિપલના રૃ.૩૮૫૩.૩ કરોડ, ઈન્ડસ્ટ્રીયલ સેગ્મેન્ટમાં રૃ.૨૧૩૭.૧૦  કરોડ, ઓ એન્ડ એમમાં મ્યુનિસિપલમાં રૃ.૧૨૭૯.૭ કરોડ અને ઈન્ડસ્ટ્રીયલમાં રૃ.૧૪૧.૭ કરોડનો સમાવેશ છે. આ ત્રિમાસિકમાં વાબેગ ઈન્ડિયાએ રૃ.૫૭૯.૭ કરોડ, વાબેગ ઓવરસીઝે રૃ.૧૨૩.૪ કરોડનો ઓર્ડર મેળવ્યા છે. સ્થાનિક સાથે વિદેશોમાં પણ કંપની માટે બિઝનેસ તકો રહેલી છે. વિશ્વ બેંક દ્વારા વોટર અને સેનીટેશન માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ લક્ષ્ય માટે વર્ષ ૨૦૩૦ સુધી દર વર્ષે વિશ્વમાં ૧૧૪ અબજ ડોલરના રોકાણની આવશ્યકતા રહેશે એવો અંદાજ મૂકાયો છે. જે અંદાજ વિશ્વના વર્તમાન દર વર્ષના ૨૮.૪ અબજ ડોલરના ખર્ચ કરતાં ચાર ગણું વધુ છે.

પ્રમુખ પ્રોજકટો :
કંપની હસ્તકના પ્રમુખ ઓર્ડર પ્રોજકટોમાં પેટ્રોનાસ રેપિડ ઈટીપી, મલેશિયાનો રૃ.૬૯૨.૩૦ કરોડ, ડેંગોટે ઈટીપી એન્ડ આરડબલ્યુટીપી, નાઈજીરિયાનો રૃ.૬૯૪.૨ કરોડ, પોલગાહાવેલા, શ્રીલંકાનો રૃ.૫૯૮.૫ કરોડ, કોયામબેડું, ચેન્નઈનો રૃ.૫૪૫ કરોડ, અમાસ, બહેરીનનો રૃ.૧૭૮ કરોડ, એપજેનકો-બીઓપીનો રૃ.૩૩૨.૨ કરોડ, કે એન્ડ સી વેલી, બેંગલુરૃ-એસટીપીનો રૃ.૩૮૬.૫ કરોડ, પર્ટામીના, ઈન્ડોનેશીયા, એસડબલ્યુઆરઓનો રૃ.૨૦૭.૩ કરોડ, લીબિયા એસટીપીનો રૃ.૬૧૧.૪ કરોડ,અલ સાદ સાઉદી અરેબિયા બીડબલ્યુઆરઓનો રૃ.૧૩૬.૪ કરોડનો સમાવેશ છે.

ડિવિડન્ડ :
વર્ષ ૨૦૧૧માં ૨૦૦ ટકા, વર્ષ ૨૦૧૨માં ૩૦૦ ટકા, વર્ષ ૨૦૧૩માં ૩૫૦ ટકા, વર્ષ ૨૦૧૪માં ૪૦૦ ટકા, વર્ષ ૨૦૧૫માં ૨૦૦ ટકા, વર્ષ ૨૦૧૬માં ૨૦૦ ટકા, માર્ચ ૨૦૧૭માં ૨૦૦ ટકા

શેર હોલ્ડિંગ પેટર્ન :
પ્રમોટર્સ હસ્તક ૨૪.૬૯ ટકા, સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડો પાસે ૧૯.૮૩ ટકા જેમાં આઈડીએફસી  પ્રીમિયર ઈક્વિટી ફંડ પાસે ૫.૯૨ ટકા, એસબીઆઈ મેગ્નમ ટેક્ષગેઈન સ્કીમ પાસે ૭.૭૩  ટકા, આદિત્યા બિરલા સન લાઈફ ટ્રસ્ટી  પાસે ૨.૩૫ ટકા, સુંદરમ મ્યુચ્યુઅલ ફંડ હસ્તક ૨.૦૬ ટકા હોલ્ડિંગ છે. જ્યારે એફઆઈઆઈ-ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો પાસે કુલ ૨૫.૮૨  ટકા હોલ્ડિંગ, ગોલ્ડમેન સેશ ઈન્ડિયા ફંડ પાસે ૧.૯૧ ટકા, પારવેસ્ટ ઈક્વિટી ઈન્ડિયા પાસે ૩.૭૬ ટકા, સુમિટોમો કોર્પોરેશન પાસે ૪.૫૦ ટકા, અમુન્ડી ફંડ્સ ઈક્વિટી ઈન્ડયા પાસે ૧.૧૯ ટકા છે. અન્યોમાં ટાટા એઆઈએ લાઈફ ઈન્સ્યોરન્સ પાસે ૧.૪૪ ટકા હોલ્ડિંગ છે.

કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામ :

(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૧૬ થી માર્ચ ૨૦૧૭ :
ચોખ્ખી આવક રૃ.૨૫૧૬.૦૮ કરોડની તુલનાએ ૨૭.૯૭ ટકા વધીને રૃ.૩૨૧૯.૩ કરોડ મેળવીને ચોખ્ખો નફો રૃ.૯૦.૫ કરોડની તુલનાએ ૨૪.૨૫ ટકા વધીને રૃ.૧૧૨.૪ કરોડ નોંધાવીને શેર દીઠ આવક રૃ.૨૦.૫ હાંસલ કરી હતી.

(૨) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ ૨૦૧૭ થી જૂન ૨૦૧૭ :
ચોખ્ખી આવક રૃ.૫૮૦.૨૫ કરોડની તુલનાએ ૧૫ ટકા વૃદ્વિએ રૃ.૬૬૮.૫૬ કરોડ મેળવીને ગત વર્ષના સમાનગાળાના રૃ.૫.૧૯ કરોડના ચોખ્ખા નફાની તુલનાએ ૬૧ ટકા વધીને રૃ.૧૦.૧૭  કરોડનો ચોખ્ખો નફો નોંધાવી શેર દીઠ આવક કોન્સોલિડેટેડ રૃ.૨.૭૨ હાંસલ કરી છે.

(૩) બીજા ત્રિમાસિક જુલાઈ ૨૦૧૭ થી સપ્ટેમ્બર ૨૦૧૭ :
ચોખ્ખી આવક રૃ.૭૭૭.૬૦ કરોડની તુલનાએ વધીને રૃ.૮૮૬.૫૪ કરોડ મેળવીને ગત વર્ષના સમાનગાળાના રૃ.૨૫.૭૧ કરોડના ચોખ્ખા નફાની તુલનાએ ૪૩.૬૪  ટકા વધીને રૃ.૩૬.૯૩ કરોડનો ચોખ્ખો નફો નોંધાવી શેર દીઠ આવક કોન્સોલિડેટેડ રૃ.૭.૨૪ હાંસલ કરી છે.

(૪) ત્રીજા ત્રિમાસિક ઓકટોબર ૨૦૧૭ થી ડિસેમ્બર ૨૦૧૭ :
ચોખ્ખી આવક રૃ.૭૧૮.૩૨ કરોડની તુલનાએ વધીને રૃ.૮૬૪.૭૦ કરોડ મેળવીને રૃ.૨.૫૬  કરોડની ચોખ્ખી ખોટની તુલનાએ વધીને રૃ.૩૫.૮૩ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૃ.૬.૨૨ હાંસલ કરી છે.

(૫) પ્રથમ નવ માસિક એપ્રિલ ૨૦૧૭ થી ડિસેમ્બર ૨૦૧૭ :
ચોખ્ખી આવક રૃ.૨૪૧૯.૮ કરોડ મેળવીને ચોખ્ખો નફો રૃ.૮૨.૯૩ કરોડ હાંસલ કરીને શેર દીઠ નવ માસિક કમાણી રૃ.૧૬.૧૮ નોંધાવી છે.

(૬) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૧૭ થી માર્ચ ૨૦૧૮ :
અપેક્ષિત ચોખ્ખી આવક રૃ.૩૫૩૭.૭૫  કરોડ થકી ચોખ્ખો નફો રૃ.૧૪૭.૯૨ કરોડ થકી શેર દીઠ આવક રૃ.૨૭.૨૪ અપેક્ષિત છે.

(૭) વેલ્યુએશન : BBB :
વોટર ટ્રીટમેન્ટ ટેકનોલોજી ક્ષેત્રે સક્રિય આ એન્જિનિયરીંગકંપનીને ઉદ્યોગના સરેરાશ ૪૨ના પી/ઈ સામે મર્યાદિત રહીને ૩૦નો પી/ઈ આપીએ તો પણ રૃ.૮૧૭ને આંબી શકે, જે શેરના અત્યારે રૃ.૫૧૧.૨૦ભાવમાં ૩૫ ટકા ઉમેરીએ તો પણ રૃ.૬૯૦ને આંબી શકે એ માટે વેલ્યુએશન ટ્રીપલ BBB

આમ (૧) ૧:૧ બોનસ થકી કુલ ઈક્વિટીમાં ૫૪.૫૩ ટકા બોનસ ઈક્વિટી ધરાવતી (૨) વોટર ટ્રીટમેન્ટ ક્ષેત્રે ભારતમાં અગ્રેસર અને વિશ્વમાં અગ્રણીકંપનીઓમાં એક (૩) ૨૪.૭૩ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગ અને વિવિધ મ્યુચ્યુઅલ ફંડો પાસે ૨૧.૮૫ ટકા અને એફઆઈઆઈઝ પાસે ૨૬.૬૯ ટકા હોલ્ડિંગની (૪) રૃ.૭૨૦૦ કરોડથી વધુ ઓર્ડર બુક ધરાવતી (૫) નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં આવક રૃ.૩૮૦૦ કરોડ થી રૃ.૪૦૦૦ કરોડ થવાનો અને રૃ.૪૩૦૦ કરોડ થી રૃ.૪૫૦૦ કરોડના ઓર્ડરો મળવાનો મેનેજમેન્ટનો વિશ્વાસ (૬) એપ્રિલ ૨૦૧૭ થી ડિસેમ્બર ૨૦૧૭ પ્રથમ નવ માસિકમાં ચોખ્ખી આવકમાં રૃ.૨૪૧૯.૮ કરોડ અને ચોખ્ખો નફો રૃ.૮૨.૯૩  કરોડનો નોંધવનાર (૭) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૧૭ થી માર્ચ ૨૦૧૮માં અપેક્ષિત ચોખ્ખો નફો રૃ.૧૪૭.૯૨ કરોડ અને અપેક્ષિત શેર દીઠ આવક રૃ.૨૭.૨૪ અને અપેક્ષિત બુક વેલ્યુ રૃ.૧૭૮.૨૪ સામે કંપનીનો રૃ.૨ પેઈડ-અપ શેર અત્યારે બીએસઈ, એનએસઈ પર રૃ.૫૧૧.૨૦ ભાવે ૧૮.૭૬ના પી/ઈએ ઉપલબ્ધ છે.

મનોજ શાહ : રીસર્ચ એનાલિસ્ટ(SEBI REG. NO. INH000000107)
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલિસ્ટ છે :  ડિસ્કલોઝર કમ(વાચકોએ ખાસ નોંધ લેવી) ચેતવણી :  (૧) લેખકનું ઉપરોકત કંપનીમાં  કોઈ હોલ્ડિંગ નથી.(૨) રીચર્સ માટેના અમારા સ્રોત જેમ કે બ્રોકિંગ હાઉસ, પ્રમોટર વ્યુઝ, વ્યકિતગત રીસર્ચ એનાલિસ્ટ, પોર્ટફોલિયો મેનેજમેન્ટ અથવા તેમની ટીમનું સીધું અથવા આડકતર ું હિત હોઈ શકે છે. (૩) રીચર્સના ભાવથી ૨૦ ટકા સ્ટોપ લોસ ખાસ કરીને જાળવવો, તે સલાહ અને ચેતવણી છે. (૪) વેલ્યુએશન H, BB, BBB, ટોપ ગેઈનર્સ આ બધી શકયતાઓ છે, તેથી લલચાઈને રોકાણ કરવું નહીં. (૫) સામાન્ય રીતે દર ૧૦ સ્ક્રીપમાંથી ૬ સ્ક્રીપ સાચી અને ચાર-૪ સ્ક્રીપ ખોટી પડે તે પ્રકારનું રીસર્ચ ઉત્તમ હોય છે. હાલનો ટ્રેન્ડ સ્થિર સરકાર, એફઆઈઆઈ રોકાણ પ્રવાહ, જીડીપીમાં ગ્રોથ, વડાપ્રધાનની કાર્યક્ષમતાને લીધે છે. અમારે લીધે નથી. અમે પોતાને ક્રેડિટ દેતાં નથી. (૬) ફીડબેક ઈ-મેઈલ : arjuneyems@gmail.comમાં જે જવાબો આપવામાં આવે છે, તેને પણ ઉપરોકત બધા પોઈન્ટ-મુદ્દાઓ લાગુ પડે છે. (૭) વાચક વર્ગ, રોકાણકાર વર્ગે  પોતાના વ્યક્તિગત નિર્ણય વ્યક્તિગત જોખમે લેવા. ગુજરાત સમાચારના લેખક, તંત્રી અને કોઈપણ વ્યકિત તમારી નુકશાની માટે જવાબદાર રહેશે નહીં. તેથી શેરબજારના રિસ્ક-જોખમને ઓળખીને રોકાણ કરવું.

Post Comments