Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિવિધ કૃષિ પાકોના ટેકાના ઉંચા ભાવ શું કાગળ પર જ રહી જશે?

દેશમાં ખરીફ મોસમના વાવેતરનો આરંભ થયો છે અને આ આરંભ વખતે વરસાદની સંતાકૂકડી જેવી ચાલ જોવા મળી છે. વિવિધ ઉત્પાદક રાજ્યોમાં આરંભીક ચોમાસાની ચાલ અપેક્ષાથી ધીમી અને અનિયમિત રહી છે જેથી કૃષી જગતમાં અજંપો પણ જણાયો છે. આવા માહોલમાં તાજેતરમાં કેન્દ્ર સરકારે વિવિધ કૃષિ પાકો માટેના ટેકાના ભાવ જાહેર કર્યા છે અને આ ટેકાના ભાવ ખાસ્સા ઉંચા જાહેર કરવામાં આવ્યા છે. આગળ ઉપર આવી રહેલી ચુંટણીઓ પૂર્વે સરકારે ખેડૂતોને ખુશ કરવા આ ભાવ ઉંચા જાહેર કર્યાનો આક્ષેપ પણ અમુક વર્ગ દ્વારા થઈ રહ્યો છે. દરમિયાન, ટેકાના ભાવ વધારાના પગલે વિવિધ કૃષી પાકોનો વાવેતર વધવાની આશા જન્મી છે પરંતુ આ વાવેતર દરમિયાન વરસાદની પ્રગતિ કેવી રહે છે એ વાત પણ મહત્ત્વની સાબીત થાય તેમ છે.

દરમિયાન, કૃષિ નિષ્ણાતોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર ટેકાના ઉંચા ભાવ દર વર્ષે જાહેર કરે છે પરંતુ આ ભાવોએ હકીકતમાં સરકાર દ્વારા ખરીદી કેટલી કરવામાં આવે છે  એ વાત મહત્ત્વની મનાય છે. કૃષિ વિશ્વનો ઈતિહાસ તપાસીએ તો સરકાર દ્વારા ખરીદી મુખ્યત્વે ઘઉં તથા ચોખામાં વિશેષ કરવામાં આવે છે અને અન્ય કૃષિ ચીજોમાં આવી ખરીદી અપેક્ષાથી નોંધપાત્ર ઓછી કરવામાં આવે છે. ઘઉં- ચોખાની સરકાર દ્વારા ખરીદી એટલી વ્યાપક કરવામાં આવે છે કે ઘણી વખત ઘઉં- ચોખાના  સ્ટોકથી સરકારના ગોદામો છલકાઈ જાય છે અને ઘણી વખત તો ઘઉં- ચોખા બગડી જાય છે તથા ઘણા કિસ્સામાં ખુલ્લામાં રાખવામાં આવેલા ઘઉં તથા ચોખા સડી જતા પણ જોવા મળ્યા છે. આમ એક બાજુ સરકાર દ્વારા ઘઉં- ચોખાની વ્યાપક ખરીદી થાય છે ત્યારે બીજી બાજુ અન્ય કૃષિ ચીજો સાથે સાવકું વલણ બતાવવામાં આવે છે એ વાતે કૃષિ નિષ્ણાતો દ્વારા ખેદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

આમ સરકારે તાજેતરમાં ટેકાના ઉંચા ભાવ જાહેર કર્યા છે  એનાથી ખેડૂતો હરખાઈ ગયા નથી. ખેડૂતોના પ્રતિનિધિઓના જણાવ્યા મુજબ ટેકાના ઉંચા જાહેર થયેલા ભાવ માત્ર કાગળ ઉપર નહિં રહી જાય એ જોવાની જવાબદારી હવે સરકારની છે. હવે આગળ ઉપર ટેકાના ભાવોએ સરકાર કેટલો માલ ખરીદે છે તે જોવું અગત્યનું સાબીત થશે.

૨૦૧૭-૧૮ની મોસમ પર નજર માંડીએ તો સરકારે એ મોસમના આરંભમાં પણ ઉંચા ટેકાના ભાવ નક્કી કર્યા હતા પરંતુ કઠોળ બજારના જાણકારોના જણાવ્યા મુજબ ૨૦૧૭-૧૮ના વર્ષમાં મોટાભાગના સમયમાં વિવિધ કઠોળના ટેકાના ભાવ કરતાં ઉત્પાદક મથકોએ બજાર ભાવ નીચા રહ્યા હતા અને આવી પરિસ્થિતિ છતાં સરકારની ખરીદી કઠોળમાં અપેક્ષાથી ધીમી રહી હતી. આવી સ્થિતિમાં હવે કઠોળ ઉગાડતા ખેડૂતોમાં નિરાશા દેખાઈ છે અને આ ખેડૂતો હવે કઠોળનું વાવેતર કરવાના બદલે કપાસ તથા તેલિબિયાંના વાવેતર તરફ વધુ વળશે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા છે. આમ સરકાર મોટા ઉપાડે ટેકાના ઉંચા ભાવ જાહેર કરે છે પરંતુ ત્યારબાદ આ ભાવોએ ખરીદી કરવામાં નિષ્ક્રીયતા બતાવે છે એવો આક્ષેપ કૃષિ પ્રતિનિધિઓ કરી રહ્યા છે. આ વખતે પણ સરકારે ટેકાના ઉંચા ભાવ નક્કી કર્યા છે પરંતુ હવે પછી સરકારી ખરીદી નિકળે છે કે નહિં તેના પર કૃષિ બજારોની નજર રહી છે.

સરકાર દાવો કરતી રહી છે કે ખેડૂતોની આવક વધારવી છે પરંતુ ખેડૂતોની આવક વધારવા સરકારે ખરીદી કરવી પણ તેટલી જ આવશ્યક છે એ વાત સરકારે ભુલવી જોઈએ નહિં. સરકાર પાસે કૃષિ ચીજોનો સંગ્રહ કરવાની પૂરતી ક્ષમતા છે કે નહિં એ વાત પણ આ વિષયમાં લક્ષમાં રાખવી જરૃરી છે. આ ઉપરાંત ટેકાના ઉંચા ભાવ જાહેર થાય છે ત્યારે બજારમાં ભાવ વધી જતા હોય છે અને તેની અસર કૃષિ ચીજોની નિકાસ પર પણ પડે છે. આમ ટેકાના ઉંચા ભાવથી બજારમાં ફુગાવો વધે છે અને રિઝર્વ બેન્કને વ્યાજ દર વધારવા અનિવાર્ય બને છે ત્યારે સરકારની ખરીદી ધીમી રહેતાં ખેડૂતોને ટેકાના ઉંચા ભાવનો અપેક્ષીત લાભ મળતો નથી, એવું તજજ્ઞાો જણાવી રહ્યા છે. ટેકાના ઉંચા ભાવના પગલે સરકારની તિજોરી પર પણ બોજ વધે છે અને તેના પગલે રાજકોષીય ખાધ ફિસ્કલ ડેફીસીટ પણ વધી જતી હોય છે. અધુરામાં પુરું ઉંચા ટેકાના ભાવના પગલે કૃષી માલોનો કાચા માલ તરીકે ઉપયોગ કરતા વિવિધ ઉદ્યોગોને પણ અસર પડતી હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.

Post Comments