Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિકસિત દેશોમાં સ્થિતિ સુધરી રહી છે ત્યારે વિદેશી રોકાણકારોને અહીંથી પલાયન થતા વાર નહીં લાગે

- એફપીઆઈ કોઈપણ દેશમાં માત્ર કમાણી કરવા માટે જ નાણાં રોકતા હોય છે

- વિદેશી રોકાણકારોની વેચવાલીથી દેશની બજારોનું માનસ ખરડાતા વાર નહીં લાગે

વર્તમાન નાણાં  વર્ષમાં ફોરેન પોર્ટફોલિઓ ઈન્વેસ્ટર્સે (એફપીઆઈ) કુલ ૪૫૦ અબજ રૃપિયાથી વધુના મૂલ્યના ભારતીય બોન્ડસ અને ઈક્વિટીઝનું વેચાણ કરી નાખ્યું છે. રૃપિયા સામે ડોલરની મજબૂતાઈ અને અમેરિકામાં  વધી રહેલા વ્યાજ દરને કારણે વિદેશી રોકાણકારો ભારતીય મૂડી બજારોમાંથી ઉચાળા ભરી નાણાં ઘરભેગા કરી રહ્યા છે. ઓઈલના ઊંચા ભાવ અને  એફપીઆઈની વેચવાલીને કારણે રૃપિયા સામે ડોલર મજબૂત બનીને ૬૮ રૃપિયાને પાર કરવામાં સફળ રહ્યો હતો. એપ્રિલથી શરૃ થયેલી વેચવાલી મે મહિનાના પ્રારંભમાં એકદમ આક્રમક રહી હતી.

ડેબ્ટ્ સેગમેન્ટમાં આઉટફલોઝ  પાંચ અબજ ડોલરની નજીક પહોંચ્યો છે.  વૈશ્વિક અનિશ્ચિતતા અને  ચિંતાઓને કારણે રોકાણકારો જોખમ લેવાથી દૂર જઈ રહ્યા છે. અમેરિકામાં આર્થિક રિકવરીને પગલે વિશ્વની અન્ય કરન્સીઓ સામે ડોલર મજબૂત બની રહ્યો હોવાથી રોકાણકારો ડોલરમાં રોકાણ તરફ વળી રહ્યા છે. ડોલર ઈન્ડેકસ એપ્રિલથી અત્યારસુધીમાં ૬ ટકાથી વધુવધ્યો છે. ૬ મુખ્ય કરન્સીઝ સામે ડોલર ઈન્ડેકસ ડોલરની કામગીરી કેવી છે તેની માહિતી આપે છે.

એફપીઆઈની જંગી વેચવાલી સામે ઘરેલું સંસ્થાકીય રોકાણકારોની નોંધપાત્ર ખરીદી ચાલુ રહેતા  શેરબજારો ટકી ગયા છે એમ કહીશું તો વધુ પડતું નહીં ગણાય. પ્રાપ્ત આંકડા પ્રમાણે દેશના મ્યુચ્યુઅલ ફન્ડસે મે મહિનામાં રૃપિયા ૯૪ અબજની કિંમતની ઈક્વિટીઝની ખરીદી કરી છે. આ સતત બાવસીમો મહિનો રહ્યો હતો જેમાં મ્યુચ્યુઅલ ફન્ડોનું સ્ટોકસમાં નેટ બાઈંગ રહ્યું  હતું. ઓગસ્ટ ૨૦૧૬થી ફન્ડ હાઉસોએ રૃપિયા ૨.૧૦ ટ્રિલિયનના સ્ટોકસની ખરીદી કરી છે.

બીજી બાજુ ફેડરલ રિઝર્વની આ મહિને ૧૨ અને ૧૩ના મળી રહેલી બેઠકમાં વ્યાજ દરમાં વધારો આવવાની શકયતા રહેલી છે તેને જોતા વિદેશી મૂડીનો આઉટફલોઝ અટકવાની શકયતા ઓછી છે. માત્ર ભારત જ નહી ંવિદેશી રોકાણકારો થાઈલેન્ડ તથા દક્ષિણ આફ્રિકા ખાતેથી પણ નોંધપાત્ર રકમ પાછી ખેંચી રહ્યા છે. આપણી સરકારોએ  દેશના  સામાન્ય રોકાણકારોને  તેમની ઈચ્છા પ્રમાણે રાહત પૂરી પાડવામાં ઘણી જ કંજુસાઈ કરી છે  પરંતુ દેશના શેરબજારોને ચલાવતી અને તેમાંથી જંગી માત્રામાં નાણાં કમાતા એફપીઆઈને ખોબલા ભરીને આપતી રહે છે. 

  એફપીઆઈ  પ્રત્યે  કૂણું વલણ રાખવા પાછળનો હેતુ દેશમાં તેમની વધુને વધુ હાજરી ઊભી થાય અને દેશમાં ડોલરનો ઈન્ફલોઝ  થતો રહે તે હોવાનું માની શકાય છે. ૧૯૯૦ના દાયકાના પ્રારંભમાં દેશમાં શરૃ થયેલા આર્થિક સુધારાના કાળથી એફપીઆઈને ભારતીય મૂડીબજારમાં નાણાં રોકવા  પરવાનગી અપાઈ છે.  ૧૯૯૦ના  દાયકાના પ્રારંભમાં ખાલીખમ તિજોરીને પરિણામે  દેશ સામે  બેલેન્સ ઓફ પેમેન્ટની કટોકટી ઊભી થઈ હતી. આ કટોકટીને પહોચી વળવા  એફપીઆઈને  ભારતમાં  આમંત્રણ અપાયું હતું.

દેશની ઈક્વિટી તથા ઋણ બજારોમાં એફપીઆઈના આકર્ષણને  જાળવી રાખવા  દેશની સરકારો તેમને અવારનવાર  રાહતો પૂરી પાડતી રહે છે.  એફપીઆઈને  વેરા મોરચે રાહત આપવાનું  સરકારોનું ગણિત ભલે ગમે તે હશે પરંતુ નીતિવિષયકોએ એ ભૂલવું ન જોઈએ કે વિદેશી સંસ્થાઓ અહીં માત્ર કમાણી  કરવા  માટે જ નાણાં રોકે છે. પોતાને પ્રતિકૂળ સ્થિતિમાં તેઓ નાણાં યા તો ઘરભેગા કરે છે અથવા અન્ય દેશો તરફ વાળી દેતા હોય છે.

વિદેશી રોકાણકારો પ્રત્યે કૂણું વલણ ઉદારીકરણના ૨૮ વર્ષ પછી પણ આપણે  નાણાંના પ્રવાહ માટે બહારી પરિબળો પર આધાર રાખવો પડે છે તેના સંકેત આપે છે. વિદેશી નાણાંના પ્રવાહને કારણે જ  રિઝર્વ બેન્ક ફોરેકસ રિઝર્વમાં વધારો કરીને તેને ૪૦૦ અબજ ડોલરથી ઉપર લઈ જવામાં સફળ રહી છે. પરંતુ તાજેતરમાં  વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ભારતીય મૂડી બજારમાં વેચવાલી ને કારણે  ફોરેકસમાં નોંધપાત્ર ઘટાડો થયો છેે.

એફપીઆઈ દેશમાંથી નાણાં પાછા ખેંચવાનું ચાલુ કરે તો દેશની નાણાં સ્થિતિ ખોરવાઈ  ન જાય તેની તકેદારી લેવાની રહે છે. ભારતીય બજારમાં ફ્રી ફલોટ અથવા જાહેર જનતા પાસેના શેરમાંથી મોટી સંખ્યાના  શેર એફપીઆઈના કબજામાં છે. ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ, થાઈલેન્ડ તથા દક્ષિણ કોરિઆ જેવી ઊભરતી બજારોની સરખામણીએ એફપીઆઈના સૌથી વધુ નાણાં ભારતમાં   રોકાયેલા છે. તેની સામે આરબીઆઈએ  પોતાનું ફોરેકસ રિઝર્વ વધારતા રહીને તેને ટકાવી રાખવાના કવાયત કરવી પડશે. જો કે ડોલર સામે રૃપિયાને ટકાવી રાખવા રિઝર્વ બેન્કે નાણાં બજારમાં દરમિયાનગીરી કરવી પડે છે અને પોતાની પાસેના ડોલર વેચવા પડે છે.

વર્તમાન દાયકાના પ્રથમ સાત વર્ષમાં કેટલીક  પ્રતિકૂળ સ્થિતિ  ઊભી થઈ હોવા છતાં ઈક્વિટીઝમાંથી નાણાં ઊલેચવામાં એફપી આઈ હજુ આક્રમક  બન્યા નહોતા.  આ માટેનું એક કારણ એ પણ હોઈ શકે કે એફપીઆઈના ઈનફલોમાં  કથિત બિનહિસાબી નાણાંનો હિસ્સો નોંધપાત્ર રહ્યો હોવો જોઈએ, જેમાં  ભારતીયોના પણ હોઈ શકે છે. 

આ નાણાં જલદી બહાર કાઢવાનું તેમને હજુ મુનાસિબ નહીં લાગતું હોય. એફપીઆઈના નાણાં માત્ર ઈક્વિટીઝમાં જ નહીં પરંતુ ઋણ સાધનોમાં પણ મોટેપાયે આવતા હોવાનું જોવા મળે છે. મધ્યમ ગાળે ભારતની બોન્ડ બજાર અન્ય ઊભરતા દેશોની સરખામણીએ સારી કામગીરી બજાવશે એવી અપેક્ષાએ એફપીઆઈ દ્વારા વર્તમાન દાયકાના પ્રથમ સાત વર્ષ સુધી પોતાનું રોકાણ તબક્કાવાર વધારાતું હોવાનું જોવા મળતું હતું. વિકસિત દેશોની સરખામણીએ ભારતમાં ઋણ સાધનો પરના રોકાણ પર  અત્યારસુધી વધુ વ્યાજ  છૂટતા હતા. હવે સ્થિતિ બદલાઈ રહી છે.

૨૦૦૮ની વૈશ્વિક નાણાં કટોકટીમાંથી વિકસિત દેશો દાયકા બાદ બહાર આવી રહ્યા છે.   ભારતીય બજારો પર એફપીઆઈનું કેટલું પ્રભુત્વ રહેલું છે તે બજારપર  રાતદિવસ નજર રાખતા વિશ્લેષકો, ખેલાડીઓ અને  સમીક્ષકો સારી પેઠ  જાણે છે. એફપીઆઈની હાજરી વગર ભારતીય બજારો  કોઈ જાન નહોતી એમ કહીશું તો વધુ પડતું નહીં ગણાય. શેરબજારને  વિદેશી રોકાણકારોના સહારે છોડવાથી બજારો પર સતત જોખમો તોળાતા રહ્યા કરે છે.

બજારના ખેલાડીઓ ઘરેલું રોકાણકારો કરતા વિદેશી રોકાણકાર કેટલા સક્રિય છે તેની જ માહિતીમાં વધુ રસ ધરાવતા હોય છે. એફપીઆઈ પણ પોતાના ઈન્વેસ્ટમેન્ટ  નિર્ણય વિવિધ પરિબળોને  ધ્યાનમાં રાખીને લેતા હોય છે. જે  બજારોમાં પોતાને વધુ વળતર છૂટવાની એફપીઆઈને તક જણાય છે  તે તરફ વળતા તેને વાર લાગતી નથી માટે   એફપીઆઈ આપણા જ દેશમાં કમાણી કરીને આપણા દેશની બજારોના વાતાવરણને ડહોળીને ઉલેચા ન ભરી જાય તેની દેશના નીતિવિષયકોએ ખાતરી રાખવાની રહે છે.

૨૦૦૮ તથા ૨૦૧૧ આ બે વર્ષ એવા હતા જેમાં ઈક્વિટી સેગમેન્ટમાં એફપીઆઈનો ફલોઝ નેગેટિવ રહ્યો હતો. ૨૦૧૮નું વર્ષ વિક્રમી નેગેટિવ ફલોઝવાળું સાબિત થાય તો નવાઈ નહીં.૨૦૧૮ ભાગ્યે જ એવું વર્ષ છે જેમાં ઈક્વિટી અને ડેબ્ટ બન્ને સેગમેન્ટમાં એક સાથે આઉટફલોઝ જોવા મળવાની સંભાવના છે.  આ હકીકતને નજરમાં રાખીને દેશના નીતિવિષયકો દેશના અર્થતંત્રના માપદંડ તરીકે ઓળખાતા મૂડી બજારોમાં સામાન્ય રોકાણકારોના નાણાંની સુરક્ષા કરે તેવી અપેક્ષા રખાઈ રહી છે.

Post Comments