Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પંચમહાભૂતથી બનેલા મનુષ્યે કરેલી 'પંચમહાભૂત'ની અવદશા

શરીર પંચમહાભૂતનું બનેલું છે. આપણે શરીરનું ધ્યાન રાખીએ છીએ, પણ તેના મૂળમાં રહેલા પંચમહાભૂત-હવા, પાણી, ધરતી, આકાશ અને અગ્નિની છેલ્લી બે-ત્રણ સદીમાં કઈ રીતે અવદશા કરી મૂકી છે એ તપાસીએ..

હવા
પ્રાથમિક શાળામાં એવુ ભણ્યા હોઈએ કે જીવવા માટે હવા અનિવાર્ય છે. એ વાત તો સાચી છે, પણ હવે સાથે સાથે એ પણ ભણાવવું પડે એમ છે કે હવાના પ્રદૂષણથી વર્ષે દુનિયામાં ૬૦ લાખ લોકોના મોત થાય છે. ૬૦ લાખમાં વળી ૧૨ લાખ તો એકલા ભારતમાં મૃત્યુ પામે છે. જંગલ, પહાડી, ગ્રામિણ વિસ્તાર સિવાય હવે શુદ્ધ હવા મળવી મુશ્કેલ છે.

હવા પ્રદૂષણથી મોત થાય તો શું થાય તેની સીધી ખબર પડતી નથી. પંરતુ 'ગ્રીનપીસે' કરેલી ગણતરી પ્રમાણે હવા પ્રદૂષણથી થતી બીમારીને કારણે ભારતમાં જીડીપીની ૩ ટકા રકમ ખર્ચાઈ જાય છે. 'વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન'ના કહેવા પ્રમાણે દુનિયાની ૯૧ ટકા વસતી પાસે શ્વાસમાં લેવા માટે શુદ્ધ હવા નથી.

હવાઈ ટાપુ ખાતે આવેલી 'માઉના લોઆ ઓબ્ઝર્વેટરી' દ્વારા થોડા દિવસો પહેલા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે ધરતીના વાતાવરણમાં અત્યારે છેલ્લા આઠ લાખ વર્ષમાં સૌથી વધુ કાર્બન નોંધાયો છે.

૨૦૧૮ના એપ્રિલ માસ દરમિયાન હવામાં સરેરાશ દર દસ લાખ (પાર્ટ્સ પર મિલિયન-પીપીએમ)કણદીઠ કાર્બનના ૪૧૦ કણ નોંધાયા હતા. ૧૯મી સદીમાં ઔદ્યોગિ ક્રાંતિ થઈ પહેલા હવામાં સરેરાશ કાર્બનના કણો ૩૦૦ પીપીએમ હતા. ક્રાંતિ પછી આખી દુનિયામાં ઉદ્યોગો વધ્યા એટલે કાર્બનનું પ્રમાણ પણ વધ્યું છે. ૪૧૦ કણ એ એપ્રિલ મહિનાના સરેરાશ છે. આઠ લાખ વર્ષમાં આ સૌથી ખરાબ સ્થિતિ છે.

પાણી
મિનરલ વૉટરની બોટલમાં આવતું પાણી પણ શુદ્ધ નથી એવુ સંશોધન થોડા સમય પહેલા જ રજૂ થયું હતું. એટલે કોઈ એમ માનતું હોય કે પોતે શુદ્ધ પાણી પીવે છે, તો એ ભ્રમ છે.

'એડવાન્સ સાયન્સ જર્નલ'માં પ્રગટ થયેલા અહેવાલ પ્રમાણે આખા જગતમા ૪.૩ અબજ એટલે કે કુલ વસતીના ૭૧ ટકા લોકો પાણીની અછતનો સામનો કરે છે. ભારતમાં ૮૦ ટકા એટલે કે ૧ અબજ લોકો એવા છે, જે વર્ષમાં ઓછામા ઓછો એક મહિનો પાણીને કારણે પીડાય છે.

ચીનમાં ૯૦ કરોડ લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ તો એવા લોકોનો આંક છે, જે મહિનામા એક જ મહિનો પાણીની અછતનો સામનો કરતા હોય. પણ અઢી અબજ લોકો એવા છે, જેમના ભાગે ચારથી છ મહિના પાણીની અછત લખાઈ છે.

પચાસેક કરોડ લોકો એવાય છે, જેમને આખા વર્ષમા સતત પાણીની અછત ભોગવવી પડે છે. આ વસતી મોટા ભાગના રણ વિસ્તારની આસપાસની છે. આખુ વર્ષ પાણી માટે હેરાન થતા ૫૦ કરોડ લોકોમા ભારતના ૧૮ કરોડ, પાકિસ્તાનના ૭.૩ કરોડ, ઈજિપ્તના ૨.૭ કરોડ તથા મેક્સિકો અને સાઉદીના બે-બે કરોડનો સમાવેશ થાય છે.

દુનિયાભરમાં પાણીનું મેનેજમેન્ટ બરાબર રીતે થઈ રહ્યું નથી. જો આવી જ સ્થિતિ રહેશે તો ૨૦૫૦ સુધીમાં દુનિયાની ૫ અબજ જેટલી વસતી એવી હશે જેને પુરતું પાણી નહીં મળે. પાણીજન્ય રોગો પણ વધ્યા છે. જેમ કે કેટલાક વિસ્તારોમાં તો ક્ષારયુક્ત પાણીને કારણે પથરી જેવા રોગોની બોલબાલા છેે.

ધરતી
ફળદ્રૂપ જમીન સતત ઘટી રહી છે, જે ફળદ્રૂપ છે એ વેચાઈ રહી છે અને ત્યાં અનાજને બદલે બિલ્ડિંગના વાવેતર થઈ રહ્યાં છે. પૃથ્વીના ગોળા પર કુલ ૫૧ કરોડ ચોરસ કિલોમીટર જેટલો જમીન વિસ્તાર છે. એ બધી જમીન રહેવા લાયક નથી. રહેવા લાયક જમીન સતત ઘટતી જાય છે કેમ કે પૃથ્વીની વસતી વધતી જાય છે.

જમીનમાં રોજ પ્રદૂષિત પાણી, ઝેરી કચરો, પરમાણુ કચરો.. વગેરે ફેંકાતા રહે છે. એ બધું પેટાળમાં પહોંચીને ધરતીને બગાડી રહ્યું છે. પૃથ્વી એકની એક છે, પરંતુ તેના પર માનવનિર્મિત ચીજો સતત વધતી જાય છે. બ્રિટનની યુનિવર્સિટી ઓફ લેસ્ટરના સંશોધકોએ પ્રથમ વાર પૃથ્વી પર માનવ-નિર્મિત ચીજોનું કુલ વજન ૩૦,૦૦૦ અબજ ટન થાય છે. પૃથ્વી પર વર્ષે ૨.૧૨ અબજ ટન કચરો પેદા થાય છે. આપણે કચરો થોડો દૂર ફેંકીએ, શહેરની બહાર ફેંકીએ, પણ ધરતીની બહાર તો નથી ફેંકી શકવાના ને!

સરકારી રિપોર્ટ પ્રમાણે દેશની ૩૨ લાખ ચોરસ કિલોમીટર જમીન પૈકીની દસેક લાખ ચોરસ કિલોમીટર જમીન એવી બની ગઈ છે કે જેમાં ખેતી નથી થઈ શકે એમ. પૃથ્વી પર સહારા, અતકામા, ગોબી, કલહરી, અરબસ્તાન.. વગેરે રણો પ્રખ્યાત છે. જગતની બાકીની જમીન તો ફળદ્રૂપ જ છે, એવી વ્યાપક માન્યતા છે.

પણ હકીકત એ છે કે સંયુક્ત રાષ્ટ્રસંઘના આંકડાઓ પ્રમાણે જગતની અડધોઅડધ જમીન ખેતી લાયક રહી નથી. અલબત્ત, દેખીતી રીતે એ જમીન રણમાં ફેરવાઈ નથી, પરંતુ જમીનમાં કસ ન રહ્યો હોવાને કારણે એવી જમીન જીવજગત માટે કામની પણ રહી નથી.

આકાશ
હવાની વાત કરી દીધી, પરંતુ આકાશ અલગ વિષય છે. આકાશ એટલે આપણા માથાથી શરૃ થઈને બ્રહ્માંડ સુધી ફેલાયેલો પટ. સતત ઉપગ્રહો છોડયા કર્યા પછી આકાશ એટલે કે સ્પેસ પણ હવે શુદ્ધ રહ્યું નથી. વિવિધ દેશોએ રવાના કરેલા ૨૩૦૦ જેટલા ઉપગ્રહો અત્યારે પૃથ્વી ફરતે ફરી રહ્યાં છે.

સેટેલાઈટ માટે સતત લોન્ચ થતા રોકેટ, ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સુધી સામાન પહોંચાડવા જતાં રોકેટ, સ્પેસ સ્ટેશનમાં રહેલા અવકાશયાત્રી.. વગેરે જે કચરો પેદા કરે છે, તેમાંથી કેટલોક  અવકાશમાં જ રહી જાય છે અને ફર્યા કરે છે. 'નાસા'ના અંદાજ પ્રમાણે ૧૦ સેન્ટિમિટરથી મોટા હોય એવા ૨૧૦૦૦ ટૂકડા સ્પેસમાં ઘૂમી રહ્યાં છે.

પૃથ્વી પર રહેતા મનુષ્યને આ કચરો સીધી રીતે નુકસાન નથી કરતો. પરંતુ આડકતરી રીતે અસર કરે છે. કોઈ સેટેલાઈટ લોન્ચિંગ કરવાનું હોય તો ધ્યાન રાખવું પડે કે તેના રસ્તામાં ભૂલેચૂકે ૨૧ હજારમાંથી એકેય ટૂકડો ન આવે. કેમ કે રોકેટ સાથે કચરો અથડાય તો રોકેટ વિસ્ફોટ પામે, સેટેલાઈટ લોન્ચિંગ નિષ્ફળ જાય. હોલિવૂડ ફિલ્મ 'ગ્રેવિટી'માં એ વાત સરસ રીતે રજૂ કરવામાં આવી છે કે સ્પેસ પોલ્યુશન કઈ રીતે જીવલેણ સાબિત થઈ શકે એમ છે.

અત્યારે દુનિયાના ૯૦ ટકા દેશો પાસે સેેટેલાઈટ લોન્ચિંગ ફેસેલિટી નથી, પરંતુ હવે બધા દેશો અવકાશ વિજ્ઞાાન પાછળ મંડી પડયા છે. એટલે લાંબે ગાળે અવકાશમાં ભીડ થશે અને જ્યાં ભીડ હોય ત્યાં પ્રદૂષણ પણ થશે જ.

અગ્નિ
દેખીતી રીતે પંચમહાભૂતમાંથી આ એક જ તત્ત્વ એવું છેે, જેને મનુષ્ય નુકસાન કરી શકતો નથી. અલબત્ત, એટલા માટે નથી કરી શકતો કે અગ્નિ સાથે ખેલવાં જતાં પોતાને જ નુકસાન થવાની શક્યતા વધુ રહે છે. પરંતુ એનો મતલબ એવો નથી કે અગ્નિ પ્રદૂષિત નથી! યાદ કરો કે હોળી વખતે આપણે હોલિકા દહન કરીએ છીએ, તેમાં શું વાપરીએ છીએ? ટાયર!

હોલિકા જેવા પવિત્ર તહેવારને ટાયર વડે ખરડી નાખ્યા પછી અગ્નિને પ્રદૂષિત કરવામાં બાકી પણ શું રહ્યું! કચરો બાળવાથી હવા તો પ્રદૂષિત થાય છે, પરંતુ અગ્નિ પણ પ્રદૂષિત થાય છે. કેમ કે આપણે ન બાળવાની વસ્તુ બાળી રહ્યાં છીએ. ભલે આગનું પ્રદૂષણ કોઈને સીધી રીતે નુકસાન કરતું નથી. પરંતુ લાંબે ગાળે તેનાથી થનારું નુકસાન પણ જેવું તેવું નહીં હોય.

અગ્નિ એ ભારત સહિત દુનિયાની અનેક પ્રજા માટે દેવ છે. પરતું એ દેવને આપણે હવન કે પૂજા વખતે જ દેવ તરીકે યાદ કરીએ છીએ. બાકી તો દેવ ગમે ત્યારે તાપણામાં ફેરવાઈ જાય છે. અગ્નિનો ઉપયોગ મૂળભૂત રીતે  હવામાન શુદ્ધ કરવા માટે થતો હતો. પરંતુ હવે અગ્નિમાં જ અશુદ્ધિ ભળી ચૂકી છે.

ગોબર, ખાસ પ્રકારના લાકડાં, તેમાં વિવિધ કુદરતી તત્વો હોમ્યા પછી પ્રગટતો અગ્નિ હવામાનને શુદ્ધ કરવાનું કામ કરે છે. હવે એવો અગ્નિ થોડા અંશે હવન વખતે પ્રગટે છે. બાકી તો ભેળસેળની બોલબાલાની આગ અગ્નિને પણ અડકી ચૂકી છે.

Post Comments