Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ખાડે ગયેલી બેન્કોને તરતી કરવા માટે ખાનગીકરણ એકમાત્ર બહેતર વિકલ્પ નથી

-બેન્કના ટોચના અધિકારીઓ સાથે કંપનીઓ સાંઠગાંઠ કરી ધિરાણની રકમ મંજૂર કરાવે છે

તા.8 જાન્યુઆરી 2018 સોમવાર

બેન્કોની તિજોરીમાં પરત ન આવેલા ઋણ અને બેન્કોની તળિયાઝાટક બેલેન્સશીટ વળી પાછી પ્રસારણ માધ્યમોના મથાળાં બની છે. જાહેર ક્ષેત્રની બેન્કોમાં  સરકાર દ્વારા મૂડી ઠાલવવામાં આવશે એવું પણ સંભળાય છે તો કોઈક એવી સલાહ આપે છે કે  આવી સમસ્યા બેન્કોનું ખાનગીકરણ કરવાથી ઉકેલાઈ જશે.

ગયા પખવાડિયે સીઆઈઆઈએ સરકારને જાહેર ક્ષેત્રની  બેન્કોમાંથી 'કન્ટ્રોલિંગ સ્ટેક'  ૩૩ ટકા જેટલો નીચો લાવી મૂડી ઊભી કરવાની  હિમાયત કરી જો કે સ્વાભાવિક રીતે આ બાબત બેન્કના કર્મચારીઓના  યુનિયનોને રુચી નહીં. એમણે કહ્યું કે ઉદ્યોગો જગત પહેલા બેન્કો પાસેથી લીધેલા ધિરાણની રકમ પરત કરે અને પછી આગળ વિચારે. બેન્કોનું  ખાનગીકરણ કરવાના અને ન કરવાના બધાના પોતપોતાના કારણ હશે પરંતુ યુનિયને ઉઠાવેલો  પ્રશ્ન વાજબી છે. જો બેન્કોથી બેડ લોનના પ્રશ્નનું  નિરાકરણ આવી જાય તો  બેન્કોની બેલેન્સશીટ મજબૂત બને અને એને મૂડીની જરૃર જ ન પડે. જોકે એક વાત બધા સમજી ગયા છે કે નાદારીના કાયદા છતાં બેન્કોની તિજોરીમાં  લોન રૃપે  આવેલી બધી રકમ પરત કરે એ શક્યતા નહીંવત છે.

હાલમાં બધા એમ માનીને બેઠાં છે કે ખાડે ગયેલી સરકારી બેન્કોને  ઉગારવાનો એક માત્ર  વિકલ્પ એનું  ખાનગીકરણ કરવાનો છે, એક માન્યતા વ્યાપક છે અને એ સાચી પણ છે. લોકો અને સરકાર જાહેર ક્ષેત્રની બેન્કોને બિનકાર્યક્ષમ, ભ્રષ્ટ અને નકામી માને છે. જ્યારે ખાનગી બેન્કો કાર્યક્ષમ, નાણાંકીય રીતે શિસ્તબદ્ધ અને પ્રમાણિક  મનાય છે. સંભવતઃ આજ કારણોસર ખાનગી બેન્કોના ચોપડે બેડલોન નથી બોલતી. ખાનગી બેન્કોના શેરોની કિંમત આસમાને છે જ્યારે જાહેર ક્ષેત્રની બેન્કોના શેરોનું  કોઈ લેવાલ નથી. આ સંજોગોમાં સરકાર બેન્કોના શેરો વેચીને પણ મૂડી ઊભી કરવા ધારે તો હાથમાં કેટલી રકમ આવે એ મોટો સવાલ છે.

એક વાત સમજી લેવી જોઈએ કે સરકારી બેન્કોને હાલની સ્થિતિમાં લાવવા પાછલ ખાનગી કંપનીઓ જ જવાબદાર છે. ખાનગી ક્ષેત્રે લીધેલા ધિરાણની રકમ જાહેર ક્ષેત્રની બેન્કોની તિજોરીમાં રકત ન ફરવાને કારણે જ સરકારી બેન્કોના  ચોપડે ખોટ બોલે છે. ગયા નાણાંકીય વર્ષનાં અંતે  આરબીઆઈએ જાહેર કરેલા  આંકડા પ્રમાણે બેન્કોની  કુલ નોન પફોર્મન્સ એસેટનો આંકડો ૫.૫ લાખ કરોડ છે.

આના ૯૦ ટકા ખાનગી ક્ષેત્રની કંપનીના બાકી છે. છેલ્લા ૩ વર્ષમાં સરકારે બેન્કોની ફરતે ગાળિયોે કસ્યો છે  અને એને પરિણામે બેન્કોના કબાટમાં રહેલા હાડપિંજરો બહાર આવ્યા છે. બહુ સ્પષ્ટપણે ખબર પડી છે કે બેન્કોના વડા અધિકારીઓ  સાથે સાંઠગાંઠ કરીને ધિરાણની રકમ મંજૂર કરવામાં આવી છે. ગમે તેમ રૃપિયા ફેંકી દેવામાં આવ્યા છે. ધિરાણ આપતી વખતે  જે તે કંપનીના રિસ્ક ફેકટરની જાણી જોઈને અવગણના કરવામાં આવી છે. 'બેડ ગર્વનન્સ' એ તમામ બેન્કોનો કોડમંત્ર હતો.

એક આંતરરાષ્ટ્રીય નાણા કંપનીએ ભારતની  જાહેર ક્ષેત્રની બેન્કોને  પજવતી આ સમસ્યાનું  વિગતે વિશ્લેષણ કર્યું છે. એણે  અહેવાલમાં સ્પષ્ટ  કહ્યું છે કે તેમના સમયગાળામાં દેશનાં ટોચના  ઉદ્યોગગૃહોએ વિચાર્યા વગર વધુ પડતું  રોકાણ કર્યું હતું.  દીર્ધદ્રષ્ટિ વગરનું આ રોકાણ પરત ન આપ્યું અને હવે બેડ લોનમાં ફેરવાઈ ગયું. આંતરરાષ્ટ્રીય નાણાં કટોકટીનો સમયગાળો પૂરો થયા પછી દેશના ટોચના કોર્પોરેટ ગૃહો વિકાસથી  લ્હાયમાં સતત દેવું વધારતા ગયા. આ કંપનીએ રિલાયન્સ એડીએજી, વેદાન્ત, એસ્સાર દેવી અને લેન્કો જેવી કંપનીઓના નામ અહેવાલમાં  ટાંકયાં   છે.

પાવર, મેટલ અને ઈન્ફ્રાસ્ટ્રકચરના ક્ષેત્રમાં આ રોકાણ ' સસ્ટેઈનેબલ' પૂરવાર ન થયું અને સામે ગેરેન્ટી નામનું તત્વ તો સાંઠગાંઠને  કારણે  લગભગ  ગેરહાજર હતું.  ગજા બહારના  રોકાણ અને કદ કરતાં  પાંચ ગણા વિસ્તરણનો ભાર છેવટે  બેન્કોને  કેડે આપ્યો.  કોઈક કંપનીઓએ  વિદેશોમાં કંપનીઓ હસ્તગત કરી. ત્યારે  'ઈન્ડિયા સ્ટોરી'ની હવા હતી.  ઘરેલું બેન્કોએ આમાં પણ દેશી કંપનીઓને  આર્થિક ટેકો આપ્યો.  દેશની જાહેર ક્ષેત્રની બેન્કોએ આપેલી કુલ લોનમાં ટોચની દસ કંપનીઓ હિસ્સો  ૬ ટકાથી વધી ૧૩ ટકા થઈ ગયો.

નાણાકીય વર્ષ ૨૦૧૩ પછી વૈશ્વિક કોમોડિટી  સાઈકલ અચાનક જાણે થંભી ગઈ અને ઘરેલું ઉદ્યોગ જગત સ્તબ્ધ  થઈ ગયું. ઘણી કોંર્પોરેટ કંપનીઓ દેવાની ચૂકવણી કદાચ સહેલાઈથી કરી શકી હોત જો એમણે પોતાની  મિલ્કતોના વેચાણની શરૃઆત ત્યારે જ કરી દીધી   હોત. અમુક યોેજનાઓને  નિયંત્રકોની કડકાઈ નડી તો કેટલાંકમાં કૌભાંડો  બહાર આવ્યા. આમ અનેક કારણોસર અમુક યોજનાઓ તો શરૃ જ ન થઈ ઘણી કંપનીઓ લીધેલા કરજનું વ્યાજ ચૂકવવા  વધુ દેવું લેતી થઈ અને કળણમાં સપડાઈ.

ફાઈનાન્સિયલ યર ૧૩ પછી બેન્કોએ આઐ કંપનીઓને નવી લોન આપવાનું  તો સમૂળગું બંધ કરી દીધું પણ જૂની લોનોને રિસ્ટ્રકચર કરતી રહી.   ફાઈનાન્સિયલ  '૧૪માં આરબીઆઈએ આ બેન્કો ફરતેનો ગાળિયો વધુ સજ્જડ કસ્યો પછી બધાને આ સમસ્યાની વિકરાળતાનો ખ્યાલ આવ્યો.બીજી રસપ્રદ બાબત એ છે કે પાવર, મેટલ અને ઈન્ફ્રાસ્ટ્રકચરના ક્ષેત્રમાં જ કામ કરતી એનટીપીસી, કોલ ઈન્ડિયા, એનએમડીસી અને નાલ્કો જેવી જાહેર ક્ષેત્રની કંપનીઓએ આડેધડ કરજ લેવામાંથી દૂર રહી. આથી ખાનગી હરીફ કંપનીઓ કરતાં એમની બેલેન્સ શીટ મજબૂત રહી.  આના પરથી એવા તારણ પર પણ આપી શકાય કે ખાનગી માલિકોની કંપનીઓનાં મેનેજમેન્ટનું  ગવર્નન્સ હંમેશા ગુડ હોય એ જરૃરી  નથી.

 આરબીઆઈના અધિકારીઓ અનૌૈપચારિક રીતે સ્વીકારે છે કે જાહેર ક્ષેત્રની બેન્કો દ્વારા અપાયેલા  ધિરાણ પાછળ નવી દિલ્હીથી થયેલા   ફોનોએે મોટી ભૂમિકા ભજવી છે. જોકે હવે  આ બાબતની સાચી  અને સંનિષ્ઠ તપાસ ન થાય ત્યાં સુધી  એ પ્રતિપાદન  કરવું મુશ્કેલ છે કે  બેડલોનની  કેટલી રકમ પાછળ નવી દિલ્હીનો હસ્તક્ષેપ અને ભ્રષ્ટાચાર જવાબદાર છે.

જાણકારોના મત પ્રમાણે જાહેર ક્ષેત્રની  બેન્કોની ગાડી પાટે ચડાવવા માટે  ખાનગીકરણ એકમાત્ર વિકલ્પ નથી. પરત ન ફરેલી લોન પાછી આપે એ માટે હવે જરૃરી છે કે સંબંધિત કંપનીઓની  મિલકત  વેચવાથી એમને ફરજ પડાય અને આ પ્રક્રિયામાં  કોઈ ગોબાચારી ન થાય.  'ન્યુ બેન્કરપ્સી કોડ'  અમલની પ્રક્રિયામાં છે. આ ઉપરાંત 'ઈન્ડિયા ઈન્ક'ના અત્યાર સુધી ગુપ્ત રહેલી માહિતીઓ  બહાર આવે.  સેબી, આરબીઆઈ અને બેન્કરપ્સી બોર્ડને  છૂટો દોર આપવામાં આવે તો ભવિષ્યમાં આ પ્રકારની 'ભૂલો'નું પુનરાવર્તન ટાળી શકાય.

એનપીએનું  કદ અને નવા કાયદાની આકરી જોગવાઇઓને કારણે પણ જાહેર ક્ષેત્રની  બેન્કોનું  ખાનગીકરણ કરવા માટે હાલ સમય યોગ્ય નથી.આ ઉપરાંત હવે આ બેન્કોની ટોચની નિમણૂકોમાં  રાજ્કીય હસ્તક્ષેપ ન થાય એ સરકારે જોવું રહ્યું. 'બેન્ક બોર્ડ બ્યુરો' સ્વતંત્ર નિર્ણય લે એ પ્રકારનું   વાતાવરણ સર્જવું ફરજીયાત છે. અત્યાર સુધીનો દેશનો ઈતિહાસ જોતાં એમ લાગતું નથી કે નેતાઓ, એમની કામ કરવાની પદ્ધતિ સમૂળગી બદલી નાંખે.
 

Post Comments