Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ખેડૂતોની આવક બમણી કરવા જાહેરાતો નહીં પરંતુ નક્કર પગલાં આવશ્યક ટેકાના

- ભાવની નીતિ તેના અમલીકરણમાં નિષ્ફળ રહી છે

- ખેડૂતો માટે આવકના અન્ય સ્રોતો ઊભા કરવાની નીતિ ઘડવામાં ભારત પાછળ

૨૦૨૨ સુધીમાં દેશના ખેડૂતોની આવક બમણી કરવાના પોતાના ધ્યેયની કેન્દ્રની વર્તમાન સરકારે  સત્તા પર આવ્યાના થોડાક સમય બાદ જાહેરાત કરી હતી. હાલની સરકારે સત્તાના ચાર વર્ષ પૂરા કરી રહી છે ત્યારે ખેડૂતોની આવકમાં કેટલો વધારો થયો અથવા કેટલો ઘટાડો થયો તે ચર્ચાનો અને સંશોધનનો વિષય બની રહે છે.

પરંતુ દેશમાં જોવા મળતા ઘટનાક્રમો ખાસ કરીને ખેડૂત આંદોલનો અને સરકાર દ્વારા ખેડૂતોની લોન માફીની કરાતી જાહેરાતો પરથી સમજી શકાય છે કે ખેડૂતોની સ્થિતિમાં ખાસ સુધાર થયો નથી. સુધાર થયો હોત તો રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં લોન માફીના વચનો અપાતા ન હોત. કર્ણાટકની ચૂંટણીના ઢંઢેરામાં પણ વિવિધ પક્ષોએ લોન માફીના વચનો આપ્યા છે.

પ્રાપ્ત અહેવાલો પ્રમાણે મુખ્ય પાક પરના નફાના માર્જિનમાં વધારો થવાને બદલે તેમાં ઘટાડો થયાનું ચિત્ર છે. આ હકીકતને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે કદાચ ખેડૂતોને તેમના પાકના ઉત્પાદન ખર્ચના દોઢ ગણા ટેકાના ભાવ પૂરા પાડવાનો નિર્ણય કર્યો છે. આ જાહેરાત પાછળ ખેડૂતોને તેમના ઉત્પાદનોની સારી કિંમત પૂરી પાડવા કરતા ૨૦૧૯ની લોકસભા ચૂંટણીને વધુ ધ્યાનમાં રાખવામાં આવી હોવાનું સ્પષ્ટ રીતે સમજી શકાય એમ છે.

જો એમ ન હોત તો આ નિર્ણય જાહેર કરવામાં  વર્તમાન સરકારે ચાર વર્ષનો લાંબો સમય લીધો ન હોત. ખેડૂતોની આવક બમણી કરવાનો નિર્ણય ૨૦૧૫-૧૬માં જાહેર કરાયો હતો. ૨૦૨૨-૨૩ સુધીમાં આવક બમણી કરવી હોય તો ખેડૂતોની આવકમાં વાર્ષિક ૧૦.૪૦ ટકાની વૃદ્ધિ થવી જરૃરી હતી. તો જે સાત વર્ષમાં આવક બમણી થઈ શકે એમ હતું.

નીતિ આયોગ દ્વારા પૂરા પડાયેલા આંકડા પ્રમાણે ૧૯૯૩થી ૨૦૧૬ના ગાળા દરમિયાન ખેડૂતોની આવક વાર્ષિક સરેરાશ ૩.૪૦ ટકાના દરે વધી છે. ખેડૂતોની આવક વધારવા માટે મુખ્ય પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં અવારનવાર વધારા કરાતા હોય છે, પરંતુ ઈતિહાસ પર નજર નાખવામાં આવતા જણાય છે કે ટેકાના ભાવથી ખેડૂતોની આવકમાં ક્યારેય વધારો થયો નથી.

ટેકાના ભાવે કૃષિ પેદાશો ખરીદવાની નબળી યંત્રણા આ માટે કારણભૂત રહેલી છે. ઊંચા ટેકાના ભાવ ભારતીય કૃષિ ઉત્પાદનો  વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક રહી શકતા નથી. આવી સ્થિતિમાં ખેડૂતોની આવક માત્ર કૃષિ પેદાશો મારફત જ બમણી થવાની શકયતા જોવાતી નથી. આ હકીકતને ધ્યાનમાં રાખી સરકારે ખેડૂતો અન્ય સ્રોતો મારફત આવક કરતા થાય તે માટેના માર્ગો ઉપલબ્ધ બનાવવાની નીતિ ઘડવાની આવશ્યકતા રહે છે.

દેશના ઉદ્યોગો અને સેવા ક્ષેત્રએ છેલ્લા પાંચ વર્ષમાં નોંધપાત્ર વિકાસ હાંસલ કર્યો છે અને ઉદ્યોગો ખાસ કરીને સેવા ક્ષેત્રમાં કાર્યબળની આવશ્યકતા ઊભી થઈ છે. ખાસ કરીને સ્કીલ્ડ વર્કફોર્સની. આપણા દેશના જીડીપીમાં જેનો હિસ્સો ૧૭થી ૧૮ ટકા જેટલો રહે છે તે કૃષિ ક્ષેત્રમાં દેશના કુલ કાર્યબળની ટકાવારી ૪૫ ટકાથી વધુ ઊંચી છે.

માત્ર કૃષિ આવકથી પરિવારનું ગુજરાન કરવાનું કપરું બનતું જાય છે તેને જોતા જીડીપીમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો ઘટતા વાર નહીં લાગે. કૃષિ  ક્ષેત્ર સમૃદ્ધિ આપી શકતું હોત તો છાશવારે ખેડૂતો માટે રાહતો જાહેર કરવાનો વખત ન આવતો હોત. આ હકીકતને જેટલી વહેલી ઓળખીને ખેડૂત પરિવાર માટેના આવકના વૈકલ્પિક સાધનો પૂરા પડાશે તેટલું જલદી ખેડૂતોની આવકમાં વધારો  કરાવી શકાશે.

૧૯૬૦ના દાયકામાં ચીન તથા ભારતના કૃષિ ક્ષેત્રની સ્થિતિ લગભગ સમાન હતી. પરંતુ આજે તેના વર્કફોર્સના માત્ર ૨૭ ટકા કાર્યબળ જ કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલું છે. ગ્રામ્ય ખાસ કરીને  ખેડૂતોની આવકની દ્રષ્ટિએ ચીને ભારતને ઘણું પાછળ મૂકી દીધું છે. આ પાછળનું કારણ ચીનની હેકટર દીઠ ઉપજ અને ખેડૂતો માટે આવકના અન્ય સ્રોતોના વિકાસે મહત્વની ભૂમિકા ભજવી છે.

૧૯૭૦ના દાયકામાં ધરખમ સુધારા કરીને ચીને તેની કૃષિ ઉત્પાદકતામાં વધારો કર્યો હતો અને સાથોસાથ શહેરી વિસ્તારોમાં ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન પૂરા પાડી લેબર માર્કેટ ઊભી કરી હતી, જેથી ગ્રામ્ય સ્તરેથી શહેરી તરફ થનારા પ્રયાણોને સમાવી શકાય. ગ્રામ્ય વિસ્તારોને માત્ર કૃષિ સુધી મર્યાદિત નહીં રાખીને કૃષિ સિવાયની પ્રવૃતિઓને પણ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રોત્સાહન પૂરા પાડીને ચીને વધારાના ખેત મજુરોને કામે લગાડી દીધા હતા.

આમ ગ્રામ્ય સ્તરના મજુરોએ ખેતી છોડી પણ રોજગાર માટે ગામ છોડવાની નોબત આવી નહોતી. સસ્તા લેબર મળી રહેવાને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં શ્રમલક્ષી ખાનગી ઉદ્યોગોનો નોંધપાત્ર વિકાસ થયો હતો. આમ ચીનમાં તાજેતરના ભૂતકાળમાં કૃષિ સિવાયના ક્ષેત્રોનું આર્થિક વિકાસમાં યોગદાન વધ્યું હતું.

ચીનના આ વ્યૂહને કારણે ગ્રામ્ય ગરીબીનું સ્તર ૨.૫૦ ટકા જેટલું નીચું છે જ્યારે ભારતના અનેક રાજ્યોમાં આ સ્તર આજે પણ ૪૦ ટકા જેટલું ઊંચુ છે. ચીનના આ વ્યૂહને ધ્યાનમાં રાખી ભારતે પોતાના ગ્રામ્ય વિસ્તારોમાં  રોજગાર માટે કૃષિ સિવાયના ક્ષેત્રોને પ્રોત્સાહન આપવાની નીતિ અપનાવવી રહી, જેથી ખેડૂત પરિવારના સભ્યોએ માત્ર ખેતી પર સતત નિર્ભર રહેવાનો વારો ન આવે અને પરિવારની આવકમાં વૃદ્ધિ જોવા મળી શકે. દેશમાં ગ્રામ્ય વિસ્તારોમાં ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃતિઓના વિકાસ તરફ પ્રયાસો થાય છે પરંતુ તે અપૂરતા હોવાનું જોવા મળે છે. ખાસ કરીને વીજળી, પાણી તથા પરિવહન જેવી માળખાકીય સુવિધા ગ્રામ્ય વિસ્તારોમાં ઉદ્યોગો સ્થાપવા કંપનીઓ પ્રોત્સાહિત થતી નથી.

૨૦૨૨ સુધીમાં દેશના ખેડૂતોની આવક બમણી કરવાનો ધ્યેય પ્રશંસનિય છે પરંતુ માત્ર વાતો કરવાથી આ ધ્યેય સિદ્ધ નહીં થાય એ પણ એક હકીકત છે.  પ્રતિ એકર ઉત્પાદકતા વધારવા પર ભાર આપવા કરતા મોટી સંખ્યાના ખેડૂત પરિવારોને કૃષિ સિવાયની પ્રવૃત્તિઓ તરફ વાળવાનો સમય પાકી ગયો છે. શહેરી વિસ્તારોમાં સેવા ક્ષેત્રના વિકાસે રોજગારના પરંપરાગત સાધનોનો વિકલ્પ પૂરો પાડયો છે. આવી જ સ્થિતિ ગ્રામ્ય વિસ્તારમાં આકાર પામે તેવા પગલાં અનિવાર્ય છે.

 માત્ર લઘુત્તમ ટેકાના ભાવ વધારીને ખેડૂતોને તેમની આવકમાં વધારો થશે તેવી આશા જગાડવાના જુગટા લાંબો સમય ટકતા નથી, કારણ કે ભારતના કૃષિ પેદાશોના ભાવ આંતરરાષ્ટ્રીય ભાવ સાથે સુસંગત બને તે જરૃરી છે. નિકાસમાં રાહત આપવાની નીતિ લાંબા સમય સુધી સફળ રહેતી નથી કારણ કે ભારતે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના નીતિ નિયમોની સાથે ચાલવાનું રહે છે. આવી સ્થિતિમાં ખેડૂતોને ખેતી સિવાયની આવકમાં કઈ રીતે વધારો થઈ શકે તેના પર ધ્યાન કેન્દ્રીત કરાશે તો ખેડૂતોની આવક બમણી નહીં તો તેમાં વધારો  તો થશે જ એમ કહીશું તો વધુ પડતું નહીં ગણાય.

Post Comments