Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઈ-નામ વ્યવસ્થા લાગુ કરાયાને બે વર્ષ પૂરા થવા છતાં મંડીઓમાં તેનું વિસ્તરણ અધકચરું

- ખેડૂતોની આવક બમણી કરવી હશે તો સુધારાને આક્રમક બનાવવાના રહેશે

૨૦૧૪ની લોકસભાની ચૂંટણીના ઢંઢેરામાં સત્તા પર આવવા પહેલા વર્તમાન સરકારે દેશમાં એક જ રાષ્ટ્રીય કૃષિ બજાર સ્થાપવાની ખાતરી કહો કે વચન આપ્યું હતું.  ખેડૂતોને તેમના ઉત્પાદનના સારા ભાવ મળી રહે અને ગ્રાહકોને યોગ્ય ભાવે કૃષિ જણસો મળી રહે તેવા હેતુ સાથે આ ઈલેકટ્રોનિક નેશનલ એગ્રિકલ્ચર માર્કટ (ઈ-નામ) ઊભી કરવાની યોજના હતી.

આ અને આવા અનેક વચનોને આધારે સત્તા પર આવેલી વર્તમાન સરકારે   પોતાના સત્તાના ચાર વર્ષ પૂરા કરી નાખ્યા છે ત્યારે વચનો ફળીભૂત થયા છે કે નહીં તેવો સવાલ થયા વગર રહે નહીં એ સ્વાભાવિક છે. ઈ-નામના સંદર્ભમાં આ સવાલનો જવાબ આપવો હોય તો કહી શકાય કે આ મોરચે સરકારે સાધારણ જ પ્રગતિ કરી છે.

દેશના મોટી સંખ્યાના ખેડૂતો આજે પણ પોતાના ઉત્પાદનો વેચવા માટે એગ્રીકલ્ચરલ પ્રોડયૂસ માર્કેટ કમિટિ (એપીએમસી) હેઠળની બજારો પર આધાર રાખી રહ્યા છે. કૃષિ જણસો જલદીથી બગડી જાય તેવી હોવાથી ખેડૂતો માટે પણ તેના વેચાણમાં ઉચાવળ કરવાનું જરૃરી બની રહે છે પછી ભલે તેની માટે ઊંચું કમિશન ચૂકવવું પડે.

ખેડૂતોને તેમના માલના વેચાણ માટે સુગમતા રહે તેવા હેતુ સાથે એપીએમસીની યોજના આવી પડી હતી. પરંતુ એપીએમસી પણ દેશમાં કૃષિ બજારના માળખામાં સુધારા લાવવામાં નિષ્ફળ રહી હોવાની ખેડૂતોની હાલની સ્થિતિ પરથી જણાય છે.

અપૂરતી માળખાકીય સુવિધા, ઊંચી લેવીસ અને આડતિયા ફીસ, એપીએમસીમાં વેપાર કરતા ટ્રેડરોની વેપારમાં ઈજારાશાહી ખેડૂતોને યોગ્ય વળતર પૂરા પાડવાથી દૂર રાખી રહ્યા છે. આ હકીકતને ધ્યાનમાં રાખી વર્તમાન સરકારે ઈ-નામની રચના કરવાની ખાતરી આપી હતી. ઈ-નામની રચનાથી આડતિયા ખર્ચમાં ઘટાડો થશે અને બગાડ પણ ઓછો થશે જેનો લાભ ખેડૂતો તથા વપરાશકારો બન્નેને મળશે એવી સરકારને અપેક્ષા હતી.

૨૦૧૬ના એપ્રિલમાં  ઈ-નામ સ્કીમ શરૃ કરવામાં આવી હતી. આ માટે કેન્દ્ર સરકારે બે વર્ષ માટે રૃપિયા ૨૦૦ કરોડની ફાળવણી કરી હતી અને જે મંડીઓ નામ પ્લેટફોર્મમાં જોડાશે તેને રૃપિયા ૩૦ લાખ જે પછીથી વધારીને રૃપિયા ૭૫ લાખ કરાયા હતા જેટલી એક સમયની ગ્રાન્ટ પૂરી પાડવાનું જાહેર કરાયું હતું. આ જાહેરાત છતાં ઈ-નામથી ખેડૂતો અને વપરાશકારોને કોઈ લાભ થયો છે કે કેમ તે જાણવાનું મહત્વનું બની રહે છે. 

દલવાઈ કમિટિના રિપોર્ટ પ્રમાણે, દેશમાં અંદાજે ૨૯૫૪૫ કૃષિ બજારો છે. જેમાંથી ૨૨ ટકા અથવા તો ૬૬૧૫ જેટલી બજારો નિયમનકારી છે અને એપીએમસી હેઠળ કામ કરે છે જયારે ૨૨૯૩૦ જેટલી બજારો રીજિયોનલ પીરિયોડિક માર્કટસ છે. એક ખેડૂતને સરેરાશ ૧૨ કિમીના પરિઘમાં નિયમનકારી માર્કેટસ મળી રહે છે જ્યારે રીજિયોનલ પીરિયોડિક માર્કટસ સાત કિ.મી.ના પરિઘમાં જોવા મળે છે. ૬૬૧૫ નિયમનકારી બજારોમાંથી ૫૮૫ બજારો એટલે કે નવ ટકા નિયમનકારી બજારોને ગયા નાણાં વર્ષના અંત સુધીમાં ઈ-નામ હેઠળ આવરી લેવાની યોજના હતી.

૩૧મી માર્ચ ૨૦૧૮ના અંત સુધીમાં ૫૮૫ મંડીઓને ઈ-નામ પ્લેટફોર્મ સાથે જોડી તો લેવાઈ છે પરંતુ આ પ્લેટફોર્મ સાથે ૯૦.૫૦ લાખ ખેડૂતો જોડાયા હતા જે દેશના  ખેડૂતોની સંખ્યાની સરખામણીએ નહીંવત છે. થયેલા વેપારનો રૃપિયા ૪૨ હજાર કરોડનો આંક પણ કુલ કૃષિ ઉત્પાદનના મૂલ્યના બે ટકા જેટલુ ંજ છે. હરિયાણા જેવા રાજ્યમાં તો ટેકાના ભાવે કરાયેલા ખરીદ-વેચાણને પણ ઈ-નામ પ્લેટફોર્મ પર થયેલા કામકાજ સાથે ભેળવી દેવાઈ હતી. આવા પ્રકારના સોદાને ઈ-નામમાં સમાવી લઈને મુકત અને સ્પર્ધાત્મક બજાર પૂરી પાડવાનો ઈ-નામનો હેતુ ખતમ કરી નંખાયો હતો.

કૃષિ વિભાગના સુત્રોનું માનીએ તો ઈ-નામ પર નોંધાતા મોટા ભાગના સોદા ઈન્ટ્રા - મંડીના હોય છે. ઈન્ટર-મંડી (એક મંડીથી બીજી  મંડી વચ્ચે) અને ઈન્ટર-સ્ટેટ (એક રાજ્યથી બીજા રાજ્ય વચ્ચે) સોદાની માત્રા ઘણી જ મર્યાદિત જોવા મળે છે. આનો અર્થ એવો થઈ શકે કે ઈ-નામ સાથે જોડાયેલા રાજ્યો પોતાના ખેડૂતોને અન્ય રાજ્યોમાં અથવા પોતાના રાજ્યોની અન્ય મંડીઓમાં કૃષિ પેદાશોના ચાલતા સારા ભાવ અપાવી શકતા નથી. મોટાભાગની મંડીઓ ઈ-પેમેન્ટ સવલતથી જોડાયેલી નથી. આનો સીધો અર્થ એવો થાય છે કે જે રાજ્યોમાં ઈ-નામ સુવિધા શરૃ કરવામાં આવી છે ત્યાં એપીએમસીનું પ્રભુત્વ હજુ ઓછું થયું નથી. આમ ઈ-નામ પ્લેટફોર્મ જેને ભાવ નિર્ધારણનું એક માધ્યમ તરીકે લેખવામાં આવી રહ્યું છે તે હજુ ધાર્યું પરિણામ આપી શકયું નથી.

વર્તમાન સરકાર જ્યારે સત્તા પર આવી ત્યારે દેશમાં કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ગુજરાત મોડેલ લાગુ કરાશે જેને કારણે ૨૦૧૩-૧૪માં ગુજરાતનો કૃષિ વિકાસ દર ૮ ટકા રહી શકયો હતો. હાલની સરકારના ચાર વર્ષમાંથી બે વર્ષ દૂકાળના રહ્યા હતા. આમછતાં એક સ્થિર અને મજબૂત સરકાર હાથ ધરી શકે તેવા કૃષિ ક્ષેત્રે માળખાકીય સુધારા ચાર વર્ષમાં જોવા મળ્યા નથી એ હકીકત છે.

દેશના કૃષિ સહિતના અનેક ક્ષેત્રોમાં પ્રગતિ થઈ રહી છે. કૃષિ ક્ષેત્રે ધીમી પણ સ્થિર ગતિએ  ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે. દેશના  દ્વીતિય તથા તૃતિય શ્રેણીના  શહેરો  અને ગામડાઓમાં ઈન્ટરનેટ તથા મોબાઈલ ફોન સેવાનો  ફેલાવો ઘણી ઝડપરી ગતિએ થઈ રહ્યો છે જેને લઈને ખેડૂતો ધારે તો ઘેરબેઠા વૈશ્વિક સ્તરે જોડાણ કરી શકે છે, પરંતુ  જે ગતિએ ઈનફરમેશન ટેકનોલોજી   ક્ષેત્રનો વિકાસ થઈ રહ્યો છે તે  ગતિએ દેશના કૃષિ ક્ષેત્રનો એકંદર વિકાસ થતો જોવા મળતો નથી અને એક સંકલિત અભિગમની ગેરહાજરીને કારણે  ખેત વ્યવસાયને સંપૂર્ણ રીતે નફાકારક વ્યવસાય  તરીકે વિકસાવી શકાયો નથી.
 કેટલીક મંડીઓમાં ઈ-નામ જેવી જ કોમ્પ્યુટરાઈઝડ ઓકશન પદ્ધતિ છે. આ મંડીઓમાં ગેટ એન્ટ્રી ઓનલાઈન થાય છે પરંતુ  લિલામ આજની તારીખમાં પણ હાજરમાં બોલી કરીને પરંપરાગત પદ્ધતિ પ્રમાણે જ થતું રહે છે.

આ બજારોને  ઈ-નામ સાથે સાંકળી શકાતી નથી કારણ તે અલગ ટેકનોલોજીઓનો ઉપયોગ કરી રહી છે.  લોજિસ્ટિક ખર્ચની ચૂકવણીના વિવાદોને લઈને ઈ- નામ પદ્ધતિમાં ભાગ લેતા ખેડૂતો - ટ્રેડરો અચકાઈ રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બજાર સ્થળો સાથે ખેડૂતોને  સીધા જોડી દેવામાં આવે તો તેમના ખર્ચમાં ઘટાડો થઈને  આવકમાં નોંધપાત્ર  વધારો શકે છે એ આપણા નીતિવિષયકો સારી પેઠે જાણે છે. ખેતર અને અંતિમ વપરાશકારોની વચ્ચે વચેટિયાઓની લાંબી સાંકળ ખેડૂતોની આવક પર નકારાત્મક અસર કરી રહી છે.

ઈ-નામ મારફત ખેડૂતો રિટેલરોને, ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગને  સીધો જ માલ વેચી શકે તેવી વ્યવસ્થા  ઊભી કરાશે તો તેમની આવકમાં નોંધપાત્ર વધારો થવાનો અવકાશ રહેલો છે. વર્તમાન સરકાર દેશના ખેડૂતોની આવક બમણી કરવા ઈરાદો ધરાવે છે.  ઈ-નામ સુવિધા ખેડૂતોની આવક વધારવાનું એક માધ્યમ બની શકે છે તે હકીકતને સરકાર સારી પેઠે જાણે છે તો પછી તેના વિસ્તરણ અને અમલમાં શા માટે ઢીલ થઈ રહી છે તે સમજી શકાય એમ નથી.

Post Comments