Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ASMના પગલે સ્મોલ- મિડકેપમાં મોટી મંદીના એંધાણ

શેરબજારમાં આજકાલ એએસએમ શબ્દનું ચલણ વધી જવા પામ્યું છે. એએસએમ એટલે એડિશનલ સર્વેલન્સ મેજર એટલે કે અમુક ચોક્કસ શેરો પર વધારાની વોચ રાખવા સાથે આ શેરોમાં ટ્રેડિંગ અંગેના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે.

ગત તા. ૩૧ મેના રોજ સેબી દ્વારા એએસએમનું લિસ્ટ જાહેર કરાયું ત્યારથી આ શેરોમાં મોટાપાયે વેચવાલીનું દબાણ રહેવા પામ્યું છે. રોજેરોજ એક નવી કંપનીનો આ યાદીમાં ઉમેરો થાય છે. હાલ કુલ મળીને ૧૧૬ શેરોના આ યાદી હેઠળ આવરી લેવાતા બજારમાં, રોકાણકારોમાં કે પછી ખેલાડીઓમાં રીતસરનો ગભરાટ ફેલાયો છે.

બજારના જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ એએસએમ લિસ્ટમાં સામેલ શેરોમાં રીતસરનું મોન્સુન સેલ શરુ થયું છે. ભારે ગભરાટના કારણે કેટલાક શેરો ૩૦થી ૪૦ ટકા તૂટયા છે. એએસએમ લિસ્ટમાં કોઈ પણ ચોક્કસ કારણ અથવા તો ફંડામેન્ટલ્સ વગર જ શેરોમાં બેફામ તેજી ઉદ્ભવી હતી તેના પર અંકુશ મુકવાની ગણતરી હતી. જો કે, આ યાદીમાં કેટલાક સારા ફંડામેન્ટલ્સવાળા શેરોનો સમાવેશ થતા બજારમાં ગભરાટનું પ્રમાણ વધ્યું છે.

સેબી દ્વારા અમલી બનાવેલ એએસએમ સિસ્ટમમાં ૧૧૬ શેરોનો સમાવેશ થાય છે. આ લિસ્ટ હેઠળના શેરોમાં ઇન્ટ્રાડે ટ્રેડિંગ સંભવ નથી. ૧૦૦ ટકા માર્જિન ભર્યા બાદ જ આ શેરોની ખરીદી થઈ શકે છે તેમજ ડિમેટ એકાઉન્ટ થકી જ તેમાં લે-વેચ થાય છે આ પ્રકારના સોદામાં બ્રોકરને ક્રેડિટ મળતી નથી. તેમજ આ લિસ્ટ હેઠળના શેરો પર પાંચ ટકા સર્કિટ અમલી બને છે. આમ, આ પ્રકારના આકરા પગલા ભરીને સેબી તેમજ શેરબજારના સત્તાવાળાઓ દ્વારા કાલ્પનિક તેજી પર અંકુશ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

બજારના જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ સેબી દ્વારા ભરાયેલું આ પગલું વ્યાજબી છે પરંતુ સેબીએ આ પગલા ભરવામાં વિલંબ કર્યો છે. એટલે કે બજારમાં સટોડિયાઓ રૃપી ઘોડા નાસી છૂટયા બાદ તબેલાને તાળા મારવાની નીતિ અપનાવી છે. આ વર્તુળોએ વધુમાં ઉમેર્યું હતું કે, જે શેરોના ફંડામેન્ટલ્સ મજબૂત છે. તેમાં કોઈ મુશ્કેલી નથી પરંતુ, ફંડામેન્ટલ્સ વગર ઉછળેલા શેરોમાં આગામી સમયમાં મોટા પાયે ધોવાણ થવાની સંભાવના છે.

ચાલુ વર્ષના પ્રારંભથી કોઈ પણ જાતના કારણો વગર અનેક સ્મોલકેપ- મિડકેપ શેરોમાં આગ ઝરતી તેજીનો માહોલ ઉદભવ્યો હતો. કાલ્પનિક તેજીના આ ઘોડાપૂરના કારણે સામાન્ય રોકાણકારો મોટા પાયે સ્મોલ- મિડકેપ શેરોમાં સક્રિય બન્યા હતા.

પરંતુ તાજેતરમાં સેબી દ્વારા ભરાયેલા આ પગલાના કારણે આવા શેરોમાં મોટા પાયે ગાબડા નોંધાતા રોકાણકારોને ભારે નુકસાન થવા પામ્યું છે. છેલ્લા સતત સાત આઠ મહિનાથી બજારમાં ગાંડીતૂર તેજી ઉદભવી હોવા છતાં સેબીએ વેળાએ કોઈ પગલા ન ભર્યા અને આખરે તાજેતરમાં આ પગલા ભરાતા રોકાણકારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

બજારના જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ સેબી દ્વારા રજૂ કરાયેલા એએસએમ લિસ્ટ એ મંદીનું નવા કારણ તરીકે ઉભરી આવ્યું છે. આ લિસ્ટના કારણે સ્મોલકેપ તેમજ મિડકેપ શેરોમાં એક્ઝિટ મુશ્કેલ બની છે.

તો બીજી તરફ આ મુદ્દાને લઈને મ્યુચ્યુઅલ ફંડોની એનએવી પર પ્રતિકૂળ અસર થવા સાથે વાતાવરણ ડહોળાશે. આ લિસ્ટની જાહેરાત બાદ સ્મોલ અને મિડકેપ શેરોમાં મોટા પાયે મંદીની સર્કિટો અમલી બની રહી છે. આમ, હાલની સ્થિતિ જોતાં સ્મોલ તેમજ મિડકેપ શેરોમાં મોટી મંદી ઉદ્ભવશે તેવા એંધાણ છે.

Post Comments