Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પર્યાવરણ બગડે છે, તેનાં આ રહ્યાં પુરાવા..

પહેલાં નહોતું બનતું  એવુ ઘણુ હવે બને છે, એ જ પૂરાવો છે કે પર્યાવરણ બગડી રહ્યું છે. ઉનાળામાં જ આપણને આકરી ગરમીનો અનુભવ થાય છે. પરંતુ વાત માત્ર ગરમીથી અટકતી નથી. ભારતમાં વર્ષે સસેરાશ હજાર વ્યક્તિ ઉનાળામાં માત્ર લુ લાગવાથી મૃત્યુ પામે છે! ૧૯૯૨થી ભારતમાં વ્યવસ્થિત રીતે હીટવેવની નોંધ થઈ રહી છે. ત્યારથી ૨૦૧૫ સુધીમાં અકલ્પનિય રીતે ૨૨,૫૬૨ લોકોના મોત માત્ર હીટવેવથી થઈ ચૂક્યા છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘની હવામાન પર નજર રાખતી 'વેધર મોનિટરિંગ સિસ્ટમ'ના આંકડા પ્રમાણે હવામાન સબંધિત સૌથી વધુ આફત મેળવતા દેશોમાં ભારત, અમેરિકા અને ચીનનો સમાવેશ થાય છે. ભારત-અમેરિકા-ચીન આ ત્રણેય દેશોએ ૧૯૯૫થી માંડીને ૨૦૧૫ સુધીના ૨૦ વર્ષમાં પુર, ધરતીકંપ, દરિયાઈ તોફાન, ગરમી (હિટવેવ) જેવી આફતો સૌથી વધુ જોઈ છે. ૧૯૭૦માં હવામાનને કારણે ૨ લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. એ સંખ્યા હવે ઘટી ગઈ છે. પરંતુ આર્થિક નુકસાન તો મોટાપાયે થઈ જ રહ્યું છે.

છેક ૧૮૭૩થી જગતના હવમાન પર નજર રાખતી સંસ્થા 'વર્લ્ડ મિટિરિયોલોજિકલ ઓર્ગેનાઈઝશ'ના રિપોર્ટ મુજબ વર્ષના ૩૬૫ દિવસમાં આખા જગતમાં સરેરાશ ૩૩૫ હવામાનીય આપત્તિ નોંધાય છે.

વિવિધ આંતરરાષ્ટ્રીય હવામાન સંસ્થાઓની ગણતરી પ્રમાણે ૧૯૯૪થી લઈને ૨૦૧૩ સુધીના બે દાયકામાં જગતભરમાં નોંધપાત્ર કહેવાય એવી ૬૮૭૩ કુદરતી આફતો નોંધાઈ છે. એ આફતોમાં કુલ ૧૩.૫ લાખથી વધારે મોત થયા છે. એટલે કે વર્ષે સરેરાશ ૬૮ હજાર મોત કુદરતી આફતોથી થાય છે. ૧૯૯૪થી ૨૦૦૦ની સાલ દરમિયાન વર્ષે જેટલી કુદરતી આફતો ત્રાટકતી હતી, તેના કરતાં ૨૦૦૦ની સાલ પછી ૪૪ ટકા આફતો વધી ગઈ હતી. એટલે કે ૨૦૦૦ની સાલ પહેલાં વર્ષે સરેરાશ ૧૦૦ આફત આવતી હતી તો ૨૦૦૦ પછી આંક વધીને ૧૪૪ થયો છે.

'ઈન્ટરનેશનલ ડિપ્લેસ્મેન્ટ (બેઘર થયેલા) મોનિટરિંગ એજન્સી'ના અહેવાલ પ્રમાણે વિવિધ કુદરતી આફતોને કારણે ૨૦૧૩માં ૨.૨ કરોડ લોકો બેઘર થયા હતાં. ૨૦૧૪માં  સવા ત્રણ કરોડ લોકો વણઝારા જેવી હાલતમાં આવી ચૂક્યા છે. વિશ્વભરમાં સરેરાશ દર દસ લાખ લોકોએ ૩૫૦૦ લોકો ઘર વિહોણી હાલતમાં જીવે છે.

પૃથ્વી પર વૃક્ષો કેટલાં?
- 'વર્લ્ડ બેન્ક અને બીજી' વૈશ્વિક સંસ્થાઓએ મળીને ૨૦૧૫માં અંદાજ લગાડયો હતો. એ પ્રમાણે પૃથ્વી પર ૩,૦૪૦ અબજ વૃક્ષો છે એટલે કે ત્યારે હતા. એ બધા વૃક્ષ મળીને પૃથ્વીનો ૩૧ ટકા જમીન વિસ્તાર રોકે છે.

- ૨૦૦૨થી ૨૦૧૨ સુધીના દાયકામાં પૃથ્વી પરથી (તમામ પ્રકારના) ૨૩ લાખ ચોરસ કિલોમીટર જંગલો નાશ પામ્યા છે.
- 'મેન્ગ્રોવ્સ સોસાયટી ઓફ ઈન્ડિયા'એ  તૈયાર કરેલા લિસ્ટ પ્રમાણે કચ્છના અખાતમાં આવેલા મેન્ગ્રોવ્સ જંગલોને દેશના અનોખો મેન્ગ્રોવ્સ જંગલોમાં સ્થાન ધરાવે છે. ગુજરાતમાં કચ્છના અખાતમાં આવેલા મેન્ગ્રોવ્સ જંગલોને ૧૯૮૨માં મરિન નેશનલ પાર્કનો દરજ્જો મળ્યો છે. આ વિસ્તાર આજે ૧૬૩ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. જામનગરથી દૂર દસેક કિલોમીટર દરિયામાં ૪૨ ટાપુમાં મેન્ગ્રોવ્સની સૃષ્ટિ વિકસી છે.

- હાલની ગણતરી પ્રમાણે ૨૧૦૦ની સાલમાં જગતભરના સમુદ્રો સવા ૩ ફીટ ઊંચા આવી ચુક્યા હશે!

- અમેરિકાના 'નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફિયરિક એડમિનિસ્ટ્રેશન'ના આંકડાઓ પ્રમાણે ૧૮૮૦થી લઈને ૨૦૦૪ સુધીમાં દર વર્ષે સમુદ્ર સપાટીમાં કુલ ૭.૭ ઈંચનો ઉછાળો નોંધાયો છે. અત્યારે પૃથ્વી પર છે એ બધો જ બરફ પીગળી જશે ત્યારે અમદાવાદ સહિતના શહેરો પણ ડુબમાં જશે એ નક્કી છે.

- વૈશ્વિક સંગઠન 'ઓક્સફામે' હવામા ભળતા કાર્બન ડાયોક્સાઈડ અંગે એક રસપ્રદ અહેવાલ તૈયાર કર્યો છે. એ અહેવાલ પ્રમાણે જગતમા ફેલાતા કુલ કાર્બન પૈકી ૪૯ ટકા કાર્બન દુનિયાના દસ ટકા ધનાઢ્ય લોકો ફેલાવે છે. બીજી બાજુ ગરીબ ગણાતા ૩.૫ અબજ લોકો મળીને દસ ટકા જેટલો જ કાર્બન હવામા ઠાલવે છે. કેમ કે તેમની લાઈફ સ્ટાઈલ બહુ સીધી-સાદી છે.

- ગ્લોબલ વોર્મિંગની સૌથી વધુ અસર થતી હોય એવા દેશના ૧૧૫ જિલ્લાઓનું લિસ્ટ તૈયાર થયું છે, જેમાં ગુજરાતના ૧૪ જિલ્લાઓનો પણ સમાવેશ થયો છે. ગુજરાતના પાટણ અને અમરેલી એ બે જિલ્લાઓ આ લિસ્ટમાં અનુક્રમે ૬ઠ્ઠુ અને ૮મુ સ્થાન ધરાવે છે.

-  ઈન્ટરનેટ જાયન્ટ ગૂગલે એવું નક્કી કર્યું છે કે એકાદ બે વર્ષમાં આખી કંપની રિન્યુએબલ એનર્જી (પુુુન:પ્રાપ્ય ઊર્જા) દ્વારા જ ચલાવવી છે. હાલ કંપની ૫૦ ટકાથી વધુ ઊર્જા જરૃરિયાત રિન્યુએબલ એનર્જી દ્વારા પૂરી કરે છે. ગૂગલની જરૃરિયાત પ્રમાણેની ઊર્જા ૧૦ લાખ અમેરિકી ઘરોને ચાલી શકે એટલી છે. અથવા તો અમેરિકાનું જગવિખ્યાત આખુ સાન ફ્રાન્સિસ્કો શહેર વાપરે એટલી ઊર્જા થાય છે. એટલે ગૂગલનું આ પગલું પર્યાવરણ સંરક્ષણની દિશામાં મહત્ત્વનું કદમ છે.

પર્યાવરણ દિવસશા માટે?
પર્યાવરણ બગડી રહ્યું છે.. એવો પોકાર કરવો પડશે તો જ આખા જગતને ખબર પડશે. આ વિચાર ૧૯૭૨માં સંયુક્ત રાષ્ટ્રસંઘની વાર્ષિક બેઠકમાં રજૂ થયો. એ પછી નક્કી થયું કે દર વર્ષે પાંચમી જુને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવી. આખી દુનિયામાં ઉજવણી થાય એટલે એ અંગે જાગૃત્તિ પણ  આવે.

૧૯૭૪થી દર વર્ષે ઉજવણી પણ શરૃ કરી દેેવાઈ. ૧૯૭૪ની બેઠક વખતે એ મુદ્દા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યુ હતું કે આપણી પાસે એક જ પૃથ્વી છે (વી હેવ ઓન્લી વન અર્થ). દર વર્ષે વિવિધ થિમ પસંદ કરીને ઉજવણી કરવામાં આવે છે. જેમ કે આ વર્ષની ઉજવણીની થીમ છે, 'બિટ ધ પ્લાસ્ટિક પોલ્યુશ'ન એટલે કે 'પ્લાસ્ટિક પ્રદૂષણ'ને હરાવો. દરેક વ્યક્તિ બીનજરૃરી પ્લાસ્ટીકનો વપરાશ અટકાવે તો પણ પૃથ્વીને થતું નુકસાન ઘણુ ઘટી જાય.

કુદરતે આપણને વૃક્ષો આપ્યાં.. અને આપણે શું આપ્યું?
આપણે પૃથ્વીને, કુદરતને, પર્યાવરણને, પ્રકૃત્તિને શું વળતર આપી રહ્યાં છીએ તેનો જવાબ આ તસવીરમાં મળી જાય છે. જ્યાં એક સમયે અત્યંત ગાઢ જંગલ હતું, ત્યાં એક વૃક્ષ રહ્યું છે. એ વૃક્ષ પણ તસવીર લેવાઈ ત્યારે હતું, હવે તો મેદાન બની ચૂક્યુ છે. આ તસવીર ઈન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર આવેલા 'સેમ્બિલાંગ નેશનલ પાર્ક' વિસ્તારની છે. પર્યાવરણીય સંસ્થા 'ગ્રીનપિસ'ની ટીમ આ વિસ્તારનો એરિયલ સર્વે કરી રહી હતી. એ વખતે ઓક્ટોબર ૨૦૧૦માં જંગલની તસવીર લીધી હતી. ઈન્ડોનેશિયા સરકારે આ વિસ્તારમાં ઉદ્યોગો સ્થપાય એ માટે જંગલની જમીન ફાળવી દીધી હતી. એ પછી જંગલની શું દશા થઈ એ બીજી તસવીરમાં જોવા મળે છે.

નવાં નથી ઉગાડવા, પણ છે એ તો રહેવા દો!
ભારતમાં ડાંગના છેડેથી દક્ષિણ ભારત સુધી લંબાતા વેસ્ટર્ન ઘાટમાં વચ્ચે થોડો એવો ભાગ છે, જે વર્ષા જંગલોની વ્યાખ્યામાં ફીટ બેસે એમ છે. બાકી જગતના સૌથી મહત્ત્વના ગણાતા રેઈન ફોરેસ્ટ (વર્ષા જંગલો) ભારત પાસે ખાસ નથી. એવા જંગલ જે લગભગ આખું વર્ષ નીતરતાં જ રહે, જમીનમાં પાણી ઉતરતાં રહે અને ઓક્સિઝન મુક્ત કરતાં રહે.

દક્ષિણ અમેરિકા ખંડમાં એમેઝોન નદીના બન્ને કાંઠે ફેલાયેલા વર્ષા જંગલો આખી દુનિયાના ફેફસાં ગણાય છે. કેમ કે એ જંગલો આખી દુનિયાનો કાર્બન ડાયોક્સાઈડ શોષીને જગતની કુલ જરૃરિયાતનો ૪૦ ટકા ઓક્સિજન પૂરો પાડે છે. આખો જંગલ વિસ્તાર કુલ મળીને ૫૫ લાખ ચોરસ કિલોમીટર (આખા ભારત કરતાં દોઢ ગણો વિસ્તાર)માં ફેલાયેલા છે. ભારતમાં વર્ષે સરેરાશ ૨૫ ઈંચ વરસાદ પડે છે જ્યારે આ જંગલોમાં ૭૫-૮૦ ઈંચ વરસાદ સામાન્ય છે.

દર વર્ષે પૃથ્વી પરથી જે વર્ષા જંગલો કપાય છે તેનાથી કેટલું નુકસાન થતું હશે? પર્યાવરણ સંસ્થાઓએ આંકડો તારવ્યો છે, એ પ્રમાણે ૫૦૦૦ અબજ ડૉલરનું નુકસાન વર્ષે વર્ષા જંગલો કપાઈ જવાથી થાય છે. જે દરે જંગલ કપાય છે, એ દરે જ કપાતા રહેશે તો ૧૦૦ વર્ષ પછી વર્ષાજંગલો માત્ર પુસ્તકોમાં રહેશે. ખેતી કરવા, ડેમ બાંધવા, રસ્તા, ખાણકામ વગેરે કારણોસર અમૂલ્ય જંગલો કપાઈ રહ્યાં છે.

ગમે તેટલું વનીકરણ થાય કે નવાં વૃક્ષો ઉગાડાય તો પણ જે જંગલો છે તેનું સ્થાન કોઈ લઈ શકે નહીં. એટલે જંગલ ઉગાડી ન શકાય તો કંઈ નહીં, પણ છે એને રહેવા દેવા જોઈએ.

ગ્રીન એન્ટાર્કટિકા!
વિજ્ઞાાનીઓ છેલ્લા દોઢસો વર્ષથી એન્ટાર્કટિકા ખંડનો અભ્યાસ કરી રહ્યા છે. તેમાં છેલ્લા ૫૦ વર્ષમાં શેવાળનું પ્રમાણે અગાઉ કરતાં ત્રણેકગણુ વધારે જોવા મળ્યું છે અને તેના કારણે એન્ટાર્કટિકાનો કલર લીલો થઈ રહ્યો છે. સતત પીગળતા બરફને કારણે શેવાળને વિકસવા જરૃરી પાણી સતત મળતું રહે છે. માત્ર બરફ હોય તો તેમાં શેવાળ વિકસી શકે નહીં. પરંતુ વચ્ચે વચ્ચે બરફ પીગળતો રહે એટલે ત્યાં શેવાળનું સર્જન થતું રહે છે. એન્ટાર્કટિકાના કાંઠે બે પ્રકારની શેવાળ જોવા મળતી હતી અને એ વર્ષે સરેરાશ ૧ મિલિમિટરના દરે વધતી હતી. હવે શેવાળના પ્રકારો વધી ગયા છે અને વર્ષે સરેરાશ શેવાળ ૩ મિલિમિટર કે તેનાથી વધુના દરે વધી રહી છે.

Post Comments