Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉભી બજારે - દિલીપ શાહ

સોનામાં તેજીનો પ્રવાહ : અમેરિકામાં વ્યાજ વૃધ્ધિ અંગે ફરી વધેલી અનિશ્ચિતતા

સોના- ચાંદી બજારમાં નવા વર્ષનો આરંભ તેજી સાથે થયો છે. વિતેલા વર્ષમાં એકંદરે કિંમતી ધાતુઓના ભાવો ઉંચા ગયા પછી નવા વર્ષનો આરંભ પણ મજબૂતાઈથી થયો છે. નવા વર્ષમાં ઘરઆંગણે રૃપિયા સામે ડોલરના ભાવો ઉંચા જતાં તથા વિશ્વબજારમાં આરંભિક આંકડા પચાવી સોના- ચાંદીના ભાવો ફરી વધી જતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચકાઈ છે અને તેના પગલે ઘરઆંગણે ઝવેરીબજારોમાં વધતા ભાવોએ નવી વેચવાલી ધીમી પડી ગઈ હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. જોકે મકર સંક્રાંતિ હવે સામે આવી રહી છે ત્યારે કમૂરતાના માહોલમાં ઝવેરીબજારમાં હાલ માગ પણ પાંખી પડી ગઈ છે.

આ ઉપરાંત ગયા વર્ષે નવેમ્બરમાં સરકાર દ્વારા ઉંચા મુલ્યની કરન્સી નોટો રદ કરાયા પછીના ગાળામાં જૂની નોટો લઈને દેશભરના મોટા- મોટા જ્વેલર્સોએ વ્યાપક પ્રમાણમાં સોનાનું વેંચાણ કર્યાનું સરકારના ધ્યાનમાં આવતાં સરકારના એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ તથા આવકવેરા વિભાગ દ્વારા દેશવ્યાપી ધોરણે મોટા- મોટા જ્વેલર્સની તપાસ શરૃ થતાં તેના કારણે પણ ગયા વર્ષના અંતભાગમાં તેના આ નવા વર્ષના આરંભમાં ઝવેરી બજારોમાં વેપાર- વ્યવહારો રુંધાઈ ગયા જેવી પરિસ્થિતિ દેખાઈ છે તથા બજારમાં તાજેતરમાં અંદર ખાને ગભરાટ જણાયો છે.

મુંબઈ  બજારમાં તાજેતરમાં ૩થી ૪ જવેલર્સોની તપાસ થઈ છે. દિલ્હી ઝવેરીબજારમાં જોકે આવી તપાસ મોટા પ્રમાણમાં શરૃ થયાના સમાચારો મળ્યા છે. આ સમાચારોના પગલે પણ દેશના વિવિધ શહેરોના જવેલર્સ હવે સાવધાની સાથે વેપાર કરતા થઈ ગયા છે. એક અહેવાલ મુજબ સરકાર ેગયા વર્ષે આઠમી નવેમ્બરે નોટબંધી જાહેર કર્યા પછીના ૪૮ કલાકમાં જ દેશવ્યાપી ધોરણે જૂની રદ થયેલી નોટો સામે આશરે ચાર ટન સોનાનું વેંચાણ થયું હતું!

આ સમાચારો પછી સરકાર સફાળી જાગી ઉભી છે અને બજારોમાં હવે છાશવારે દરોડા તથા સર્ચ ઓપરેશનો શરુ થઈ જતાં તેજીના માહોલમાં પણ એકંદરે ઝવેરીઓમાં હાલ અજંપો દેખાઈ રહ્યો છે. સેંકડો જવેલર્સોને નોટીસો ફટકારવામાં આવી છે. એકસાઈઝની ચોરીની પણ તપાસ શરુ થઈ છે. હવે ઉતરાણ પછી કમુરતા પૂરા થશે ત્યારે ઝવેરીબજારમાં મોસમી માગ ફરી કેવી નિકળે છે તેની રાહ હાલ ઝવેરીઓ જોઈ રહ્યા છે.

દરમિયાન, આવા માહોલમાં ઝવેરીબજારમાં તાજેતરમાં સોનાના ભાવો આંચકા પચાવી ઝડપી વધી ૧૦ ગ્રામદીઠ રૃ.૨૮ હજારની સપાટી કુદાવી ગયા છે. સામે ચાંદીના ભાવો પણ ઉછળી કિલોના રૃ.૪૦ હજારની ઉપર બોલાતા થયા છે. ચાંદીના ભાવો ઉંચામાં રૃ.૪૧ હજાર નજીક જતા રહ્યા હતા.

વિશ્વ બજારમાં ચાંદીના ભાવો ઘટયા મથાળેથી તાજેતરમાં ઝડપી વધી ઔંશના ૧૬ ડોલરની સપાટી પાર કરી ઉંચામાં ૧૬.૬૦થી ૧૬.૬૫ ડોલર સુધી પહોંચ્યાના સમાચારો હતા. સોનાના ભાવો વધી ઔંશના ૧૧૫૦ ડોલરની મહત્ત્વની પ્રતિકાર સપાટી પાર કરી ઉંચામાં એક તબક્કે ૧૧૮૧થી ૧૧૮૨ ડોલર સુધી ગયા પછી ૧૧૭૨થી ૧૧૭૩ ડોલર આસપાસ તથા ચાંદીના ભાવો છેલ્લે ૧૬.૪૬થી ૧૬.૪૭ ડોલર આસપાસ રહ્યા છે. વિશ્વબજારમાં સોનાના ભાવો નવા વર્ષના આરંભમાં જ ઉછળી ચાર સપ્તાહની ટોચે પહોંચ્યા છે.

વિશ્વબજારમાં તાજેતરમાં ડોલરના ભાવો ઉંચા મથાળેથી નીચા આવતાં વૈશ્વિક સ્તરે સોનામાં ઘટયા મથાળે હેજફંડો ફરી દાખલ થયાના નિર્દેશો મળ્યા છે. સોનાના વાયદામાં પણ ઘટાડે મંદી વાળાના વેંચાણો કપાઈ રહ્યા છે. ક્રુડતેલના ભાવો ઉછળી બેરલના તાજેતરમાં એક તબક્કે ૫૮ ડોલર પાર કરી દોઢ વર્ષની ટોચે પહોંચ્યા હતા તેની હૂંફ પણ સોનાની તેજીને મળી હોવાનું વિશ્વબજારના પંડીતોએ જણાવ્યું હતું. ક્રુડતેલમાં વિવિધ ઉત્પાદક દેશો દ્વારા ઉત્પાદન કાપનો અમલ શરૃ થયો છે.

 ક્રુડતેલની તેજી આગળ વધશે તો તેજી પાછળ સોનું પણ ખેંચાશે એવી શક્યતા બતાવાઈ રહી છે. જોકે વિશ્વબજારમાં ડોલરના ભાવની ચતઉતર પર સોનાનો આધાર હવે વિશેષ રહેશે એવી શક્યતા છે. અમેરિકામાં તાજેતરમાં જોબલેસ કલેઈમ્સ બેરોજગારીના દાવાઓ ઘટી બે મહિનાના તળીયે ઉતર્યાના સમાચારો મળ્યા છે.

 આ ઉપરાંત ત્યાં ડિસેમ્બરનો જોબગ્રોથ ૧૫૬૦૦૦ આવ્યો છે જે નવેમ્બરમાં ૨ લાખ ૪ હજારનો આવ્યો હતો. આમ ત્યાં ડિસેમ્બરમાં જોબ ગ્રોથ (નોન- ફાર્મ પેરોલ્સ) નવેમ્બરની સરખામણીએ ઘટયો છે. ત્યાં ડિસેમ્બરમાં આવો જોબગ્રોથ ૧ લાખ ૭૫ હજાર જેટલો આવવાની આગાહી નિષ્ણાતોએ કરી હતી પરંતુ તેના બદલે હકીકતમાં આવો જોબગ્રોથ અપેક્ષાથી પણ ઓછો આવતાં અમેરિકાના અર્થતંત્ર વિશે ફરી ચિંતા જન્મી છે. ત્યાં જોબલેસ રેટ વધી ૪.૭૦ ટકા થયો છે.

જોકે વેતનો (વેજીસ) ત્યાં ૨.૯૦ ટકા વધ્યા છે જે ૨૦૦૯ પછીનો સૌથી મોટો વધારો દર્શાવે છે. નવા વર્ષમાં અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દરો ત્રણ વખત વધારવામાં આવશે એવો સંકેત તાજેતરમાં અપાયો હતો પરંતુ હવે આ વિશે પણ ફરી અવઢવ શરૃ થઈ છે. ત્યાં ઈન્ફ્રાસ્ટ્રકચર પર સરકારી સ્પેન્ડીંગ વધશે તો ફુગાવો વધશે એ વાત સૂચક મનાઈ રહી છે. આવી સ્થિતિમાં ત્યાં ડોલર વધશે તો નિકાસને ફટકો પડશે એ જોતાં ફેડરલ રિઝર્વ હવે સાવચેતી અપનાવતું થયું છે.

Post Comments