Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુબ્રતો રોયની પ્રોપર્ટીની હરાજી : વિજય માલ્યાની ધરપકડ

આ દેખે જરા... કિસ મે કિતના હૈ દમ...

બ્રિટન માલ્યા અંગે જે-કોઈ નિર્ણય લેશે તે બ્રિટનમાં નવી ચૂંટાયેલી સરકાર અથવા તો યુકેના નવા સેક્રેટરી ઓફ સ્ટેટ લેશે

ઇકોનોમિક ગર્વનન્સની દ્રષ્ટિએ સુબ્રતો અને માલ્યા સામે ભરાયેલા પગલા એ આર્થિક ગુનેગારોની આલમમાં ચોક્કસ પગલા સમાન પૂરવાર થશે

વિતેલા સપ્તાહમાં દેશમાં કોર્પોરેટ ક્ષેત્રે તેમજ ઇકોનોમિક ગર્વનન્સને લગતી બે મહત્ત્વની ઘટનાએ આકાર લીધો હતો. આ બે ક્ષેત્રની સાથોસાથ આ ઘટના સંદર્ભે સરકાર આકરા પગલા ભરશે તો તેનાથી પોલિટીકલ ગૅઇનની પણ ભારોભાર શક્યતા છે.

આ બે ઘટનામાં સહારા ઇન્ડિયાના મોભીસુબ્રતો રોયની પ્રોપર્ટીની હરાજીનો આદેશ અને લંડનમાં ભાગેડુ વિજય માલ્યાની ધરપકડનો સમાવેશ થાય છે.

આ બંનેનો સમાવેશ કોર્પોરેટ મહારથીઓમાં થતો હતો. સુબ્રતો રોય સહારા ઇન્ડિયાના સર્વેસવા છે. તો વિજય માલ્યા કિંગ ફિશર એરલાઈનના માલિક હતા તેની સાથોસાથ અન્ય કેટલાક બિઝનેસ સાથેપણ સંકળાયેલા હતા. આ બંને મહારથીઓએ ખૂબ જ ટૂંકા સમયગાળામાં અનેક સિધ્ધિઓ હાંસલ કરી ટોચ પર પહોંચી ગયા હતા.

આર્થિક ગુના આચરવા બદલ આ બંને મહારથી ટોચ પરથી પટકાયા છે. જેમાં સુબ્રતો રોયે તો ભારતીય જેલની હવા ખાઈ ચૂક્યા છે. સુબ્રતો રોયે વિવિધ સ્કીમોમાં લોકો પાસેથી પૈસા ઉઘરાવ્યા બાદ પરત કર્યો નથી. તો બીજી તરફ બેંકોના કરોડો રૃપિયાનું ફુલેકું ફેરવીને વિજયમાલ્યા ભારત છોડી લંડન નાસી છૂટયા છે.

આ બે આર્થિક ગુનેગારો માટે વિતેલ સપ્તાહ આકરું પૂરવાર થયું છે. ગત સોમવારે સુપ્રિમ કોર્ટે સહારા ગૃ્રપના સુપ્રિમો એવા સુબ્રતો રોયની એમ્બીવેલી પ્રોપર્ટીની હરાજી કરવાનો આદેશ આપ્યો છે. આ હરાજી થકી મળનાર રકમ રોકાણકારોને પરત કરાશે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ રજૂ કરેલા અંદાજ મુજબ સહારાએ રોકાણકારોને વ્યાજ સહિત રૃ. ૪૭૦૦૦ કરોડ ચૂકવવાના છે. જે પૈકી અત્યાર સુધી રૃ. ૧૧૪૭૭ કરોડ ચૂકવાઈ ગયા છે.

ઇકોનોમિક ગર્વનન્સની દ્રષ્ટિએ સુબ્રતો રોય અને વિજય માલ્યા સામે ભરાયેલા પગલા એ આર્થિક ગુનેગારોની આલમમાં એક ચોક્કસ પગલા સમાન પૂરવાર થશે. આ પગલા થકી એ પૂરવાર થશે કે સરકાર માત્ર પોતાના જ ડૂબેલા નાણાં માટે જ નહીં બલ્કે સામાન્ય રોકણકારોના પણ ડૂબેલા નાણાં પરત અપાવવા માટે સક્રિય છે.

સુબ્રતો રોયે રોકાણકારો પાસેથી પૈસા એકત્ર કર્યા બાદ જ્યારે તેમના કૌભાંડનો ભાંડો ફુટયો ત્યારે તેઓ ભારતમાં જ હતા. તેથી તેમની ધરપકડ થઇ અને જેલ ભેગા પણ થયા. ત્યારબાદ જામીન પર પણ છૂટયા. આ બધી કવાયત દરમિયાન તેમણે અત્યાર સુધી રૃ. ૧૧૪૭૭ કરોડ પરત પણ ચૂકવ્યા છે. હવે બાકીની રકમ વસુલવા સુપ્રિમે સુબ્રતો રોયની જ નહીં, બલ્કે સેલિબ્રિટીઓમાં પણ ફેમસ એવી એમ્બીવેલી પ્રોપર્ટીની હરાજીનો આદેશ આપ્યો છે.

જ્યારે માલ્યાના કેસની વાત જ કંઇક અલગ છે. માલ્યાએ ઝાકમઝોળ, ચમક-દમક દર્શાવીને દેશની બેંકો પાસેથી તોતિંગ એવી રૃ. ૯૦૦૦ કરોડની પણ વધુની લોન લીધી છે. બેંકોની આ યાદીમાં રૃ. ૧૬૦૦ કરોડની લોન સાથે સ્ટેટ બેંક નંબર વન છે. કિંગફિશર એરલાઈનની નાણાંકીય હાલત કથળતા અમંગળના એંધાણ તો ઉદ્ભવ્યા જ હતા.

પરંતુ, માલ્યાના મોભાના કારણે તમામ બેંકો મોં વકાસીને બેસી રહી હતી. માલ્યાની એરલાઈન્સે તેના કર્મચારીઓને પગાર ના ચૂકવ્યો, એરપોર્ટ ઓથોરિટીને યુજીસ ચાર્જ ન ચૂકવ્યો, વિમાનોનું ભાડું ન ચૂકવ્યું... આવા તો અનેક બનાવો બનતા ગયા તેમ છતાંય બેંકો અથવા તો સરકારને એમ ના થયું કે માલ્યા સામે પગલાં ભરીએ...

અને આખરે માલ્યા પોતાની વૈભવી સ્ટાઈલ મુજબ જ ભારતીય બેંકોનું કરોડોનું ફુલેકું ફેરવીને માર્ચ ૨૦૧૬માં લંડન ભાગી છુટયા બાદ સરકાર અને બેંકો ઊંઘમાંથી ઉઠયા હોય તેમ તેની સામે પગલા ભરવાની વાર્તા કરવા માંડયા. અને આખરે ભારતની વિનંતી બાદ સ્કોટલેન્ડ પોલીસે એક વર્ષ બાદ વિજય માલ્યાની ધરપકડ કરી હતી. સ્કોટલેન્ડ પોલીસે જણાવ્યું હતું કે છેતરપીંડીના કેસમાં ભારત વતી અમે વિજય માલ્યાની ધરપકડ કરી છે. ત્યારબાદ માલ્યાને કોર્ટ સમક્ષ હાજર કરાયા અને ગણતરીના કલાકોમાં જામીન પર છૂટી ગયા.

હવે બ્રિટન સ્થિત ઇન્ડિયન હાઈકમિશન અને સીબીઆઈ ભારત વતી આ સમગ્ર મામલે કોર્ટમાં દલીલો કરશે અને માલ્યાના પ્રત્યાર્પણની માંગણી કરશે. લંડન ખાતેની કોર્ટમાં માલ્યાના પ્રત્યાર્પણ કેસની સુનાવણી આગામી તા. ૧૭ મેથી શરૃ થશે.

પ્રત્યાર્પણ સંધિની વાત કરીએ તો, બ્રિટન દુનિયાના ૧૦૦ જેટલા દેશો સાથે બે પ્રકારે પ્રત્યાર્પણ સંધિ ધરાવે છે. જેમાં પ્રથમ મલ્ટિનેશનલ કન્વેન્શન ઓર્ડર અને બીજા પ્રકારમાં દ્વિપક્ષી સમજૂતીના આધારે થયેલ સંધિ. ભારતનો સંધિના બીજા તબક્કામાં સમાવેશ થાય છે. એટલે કે ભારતે વિજય માલ્યાને સતાવાર રીતે ગુનેગાર ઠરાવીને પ્રત્યાર્પણની માંગણી કરશે.

પ્રત્યાર્પણની આ પ્રોસેસ ખૂબ લાંબી છે. ભારતે હવે વિજય માલ્યા ભારતના આર્થિક ગુનેગાર છે તે બ્રિટનના વિદેશ મંત્રાલયને સંમત કરવું પડશે જો વિદેશ મંત્રાલયને તે યોગ્ય લાગે તો આ કેસ બ્રિટનના ન્યાયતંત્ર સમક્ષ રજૂ કરશે. ત્યારબાદ બ્રિટનનું ન્યાયતંત્ર ભારતે આપેલા પુરાવા, આ કેસના તમામ પાસાનો અભ્યાસ કરી બ્રિટીશ કાયદા અનુસાર આરોપો યોગ્ય પૂરવાર થાય તે પછી ધરપકડ કરાય અને તેની સામે કાનુની પ્રક્રિયા હાથ ધરાય. જેમાં આરોપી પણ પોતે રજૂઆત કરી શકે છે.

આ સમગ્ર કાર્યવાહી જોતા ભારતે પ્રથમ સ્ટેજ પૂર્ણ કર્યું છે. અને બીજા સ્ટેજમાં પ્રવેશ કર્યો છે. પરંતુ હવે પછીની પ્રોસેસ/કાર્યવાહી ખૂબ જ લાંબી અને જટિલ છે. તેમાંય વળી જ્યારે આરોપીની રજૂઆતના સમયે માલ્યા તેની સામેનો આ કેસ રાજકારણથી પ્રેરિત છે તેવો બચાવ કરી શકે છે. આ ઉપરાંત માલ્યાના વકીલો પણ પુરાવા માગી ભારતમાં તેને ન્યાયી ટ્રાયલ ન મળે તેવું સાબિત કરી શકે. ભારતની જેલની સ્થિતિ અંગે રજૂઆત કરી પ્રત્યાર્પણનો ઇન્કાર કરી શકે છે.

અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ૧૯૯૨માં ભારત અને બ્રિટન વચ્ચે પ્રત્યાર્પણની સંધિ થઇ ત્યારબાદ માત્ર ૨૦૦૭માં એક જ ગુનેગારનું પ્રત્યાર્પણ થયું છે. આ અંગેના બીજા અનેક કેસ હજુ ગૂંચવાયેલા જ છે.

આ તો થઈ કાનુની કાર્યવાહીની વાત પરંતુ, જે મહત્ત્વની બાબત છે તેના પર એક નજર કરીએ તો બ્રિટનમાં ચુંટણીની જાહેરાત થઈ ચૂકી છે. આ મુદ્દાની આ કેસ પર ગંભીર અસર થવાની શક્યતા છે. સમગ્ર પરિસ્થિતિથી વાકેફ સૂત્રોના જણાવ્યાનુસાર, આગામી તારીખ ૮ જૂને યુકેમાં ચુંટણી યોજાવાની છે. આમ, હવે જે માલ્યાનો જે-કોઈ નિર્ણય લેવાશ તે નવી ચૂંટાયેલી સરકાર અથવા તો યુકેના નવા સેક્રેટરી ઓફ સ્ટેટ લેશે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે, યુકેમાં ભારતીય મૂળના સંખ્યાબંધ મતદારો છે. યુકેની ચુંટણીમાં માલ્યાના પ્રત્યાર્પણનો મુદ્દો પણ હાઈલાઈટ થશે અને સ્વાભાવિક છે કે, તેનો પણ માલ્યા ફાયદો ઉઠાવી શકે છે.

બીજી તરફ આ બંને કેસમાં એક માત્ર સરકારે જ ભૂમિકા ભજવી હોય તેમ નથી. આ બંને કેસમાં કોર્ટની ભૂમિકા પણ એટલી જ મહત્ત્વની રહી છે. સુબ્રતોના કેસમાં સુપ્રીમ કોર્ટે તેની એમ્બી વેલીની પ્રોપર્ટી વેચવાનો જે આદેશ આપ્યો છે તે ખરેખર મહત્ત્વનો અને સમયસરનો નિર્ણય છે. તો બીજી તરફ, યુકેની કોર્ટે માલ્યા સામે ભરેલા પગલા પણ આવકારદાયક છે. આગળ જતાં, માલ્યાના કેસમાં સરકાર દ્વારા યુકે પર કેટલા પ્રમાણમાં દબાણ થાય છે અને યુકેની સરકાર આ બાબતે કેવો પ્રતિભાવ આપે છે તે પણ એટલી જ મહત્ત્વની વસ્તુ છે.

જો કે, આ સરકારની રચના થઈ ત્યારથી વડાપ્રધાન મોદી કાળુ નાણું તેમજ ભ્રષ્ટાચારનો મુદ્દો વારંવાર ઉઠાવતા રહ્યા છે તેમ છતાં કાળાનાણાંના મુદ્દે આજદિન સુધી સફળતા સાંપડી નથી. તાજેતરમાં જ, કાળુનાણું જાહેર કરવાની યોજનાની તારીખ પણ લંબાવાઈ છે. તેથી સ્વાભાવિક છે કે, આ બે કોર્પોરેટ મહારથીઓના કેસ સંદર્ભે સરકાર રસ લઈને કામગીરી કરશે જે આગળ જતા સરકારનું પોલીટીકલ વેઈટેજ વધારવામાં મદદરૃપ થશે.

આમ, આ બધા મુદ્દા જોતા વિજય માલ્યાની લંડનમાં ધરપકડ થવાથી ભારત સરકારે અથવા તો માલ્યાની લેણદાર બેંકોએ ખાસ કોઈ હરખાવાની જરૃર જ નથી. કારણ કે માલ્યા સામેની કાનુની લડતની હવે શરૃઆત થઇ છે. હવે આગળ જતા બ્રિટનનું ન્યાયતંત્ર માલ્યાને દોષિત ઠેરવે તો પણ માલ્યાને ભારતને સોંપવા કે નહીં તેનો નિર્ણય બ્રિટનનું વિદેશ મંત્રાલય લેશે. અને જો તે ભારતને માલ્યા સોંપે તે પછી જ આગળની વાત વિચારવાની રહે. ત્યાં સુધી બધાએ માલ્યાની રાહ જ જોવાની રહેશે.

Post Comments