Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રોકડ પરનો આધાર ઘટાડી નવી વ્યવસ્થા ઊભી કરવાની કવાયત

અર્થતંત્રને ઊગારવા

ઉપભોગતા અને ઉત્પાદકોમાં ગુમાયેલો વિશ્વાસ નાણાં પ્રધાને બજેટમાં પ્રસ્થાપિત કરવાનો રહેશે

દેશના અર્થતંત્ર ક્ષેત્રે કશુંક નવું કરવાની ખેવના ધરાવતી વર્તમાન કેન્દ્ર સરકારે આર્થિક મોરચે લીધેલા વધુ એક પગલાંમાં દેશના નાણાં વર્ષ ૨૦૧૭-૧૮ના બજેટમાં  રેલવે  બજેટને ભેળવી દીધું છે એટલું જ નહીં  પરંપરાગત તારીખ કરતા બજેટ વહેલું રજુ  થવું જોઈએ એમ પણ સરકાર માની રહી છે. ડીમોનિટાઈઝેશનનો નિર્ણય અને દેશના ઉદ્યોગ જગત પર તેના પ્રતિકૂળ પરિણામોના ઓછાયા હેઠળ રજુ થનારા બજેટ પ્રત્યેથી દેશના દરેક વર્ગને ઘણી અપેક્ષાઓ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવા વર્ષની પૂર્વસંધ્યાએ કરેલા રાષ્ટ્રજોગા પ્રવચનમાં આમપણ કેટલીક જાહેરાતો કરી દીધી છે જે સામાન્ય રીતે સામાન્ય બજેટમાં કરાતી હોય છે. નોટબંધીની અસરો ઉપરાંત બજેટ કવાયતમાં  ફેબુ્રઆરી-માર્ચમાં દેશના પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને પણ નજરમાં રખાશે.

નોટબંધીને કારણે સરકારની તિજોરીને કેટલો લાભ થયો છે તેનો અંદાજ પણ બજેટમાં મળી શકશે. રૃપિયા ૫૦૦ તથા રૃપિયા ૧૦૦૦ની નોટો પાછી ખેંચી લેવાયા બાદ દેશની જનતા અને ઉદ્યોગો હાલમાં જે પીડા ભોગવી રહ્યા છે તેને જોતા આવનારું બજેટ આકરા કરવેરા કરતા લોકપ્રિય વધુ હશે એવી ધારણાં રખાઈ રહી છે. બજેટ વહેલું રજુ  કરવા પાછળનો ઈરાદો તેમાં થનારી જાહેરાતોના અમલીકરણ માટે પૂરતો સમય મળી રહે એવો છે.

કેન્દ્ર દ્વારા રાજ્યોને ફાળવાતા નાણાંના વોલ્યુમમાં નિશ્ચિતતા જોવા મળશે જેથી રાજ્યોને પણ તેમના બજેટ બનાવવામાં નાણાં સ્રોતોના અંદાજ મળી રહે.  આ વખતે રેલવે બજેટને અલગ રજુ નહીં કરીને રેલવે માટેની ફાળવણી સામાન્ય બજેટની રજુઆત વખતે જ જાહેર કરવાની હોવાથી અન્ય વિભાગોને ફાળવણી માટે વધુ નાણાં ઉપલબ્ધ બની રહેવાની અપેક્ષા રખાઈ રહી છે.

દેશનું ઈન્વેસ્ટમેન્ટ વાતાવરણ ધારણાં કરતાં ઘણું જ નબળું છે. નોટબંધી તથા વૈશ્વિક મંદીને પરિણામે બાંધકામ, વેપાર, ટુરિઝમ અને લઘુ ઉદ્યોગો નબળી માગનો સામનો કરી રહ્યા છે. ડીમોનિટાઈઝેશન બાદ ઊભી થયેલી નાણાંભીડને પરિણામે માગ વધુ નબળી પડી છે જેને કારણે ઈન્વેસ્ટમેન્ટ મોરચે સ્થિતિ વધુ વણસી ગઈ છે.

નોટબંધીને પરિણામે બેન્કોમાં અચાનક જ આવી પડેલા વધારાના નાણાંને અર્થતંત્રના વિકાસ માટે ઠાલવવા બેન્કો દ્વારા ધિરાણ દરમાં ઘટાડો કરાયો છે આમછતાં બેન્કોની એનપીએની સમશ્યા અને અગાઉથી જ ક્ષમતાના ૭૦ ટકાએ કામ કરતા આપણા ઉદ્યોગો નીચા ધિરાણ દર છતાં ઈન્વેસ્ટમેન્ટ માટે પ્રોત્સાહિત થશે કે કેમ તે સામે શંકા છે.

રિઝર્વ બેન્ક દ્વારા હાલમાં જ રજુ કરાયેલા ફાઈનાન્સિઅલ સ્ટેબિલિટી રિપોર્ટમાં બેન્કોની એનપીએમાં જોરદાર વધારો થવાના સંકેત અપાયા છે. બીજી બાજુ વૈશ્વિક સ્તરે અમેરિકાની આર્થિક  સ્થિતિ સુધરી રહી હોવાને પરિણામે ફેડરલ રિઝર્વે તાજેતરમાં વ્યાજ દરમાં વધારો કરવાનો નિર્ણય કર્યોે હતો જેની સીધી અસર દેશમાંના વિદેશી રોકાણ પર પડી છે.

સમાપ્ત થયેલા વર્ષમાં વિદેશી રોકાણકારોએ દેશના શેરબજારોમાંથી જંગી રકમ પાછી ખેંચી લીધી છે. ડોલરના આઉટફલોઝને કારણે દેશના ફોરેકસ રિઝર્વ પર દબાણ આવી રહ્યું છે. આ હકીકતને જોતા બજેટમાં દેશના ઉદ્યોગોની સાથોસાથ વિદેશી રોકાણકારોનું પણ નાણાં પ્રધાને ધ્યાન રાખવું પડશે.

ડીમોનિટાઈઝડ કરાયેલા રૃપિયા ૧૫.૩૦ લાખ કરોડમાંથી નોંધપાત્ર રકમ બેન્કોમાં જમા થઈ ગઈ હોવાથી આ કાર્યક્રમ થકી કેન્દ્રને અપેક્ષિત  લાભ થયો નથી અને જંગી માત્રામાં ડિપોઝિટ આવતા  ઊલટાનું બેન્કોની જવાબદારીમાં વધારો થયો છે અને બકરું કાઢતા ઊંટ પેસી ગયા જેવી સ્થિતિ સર્જાઈ છે. વોલ્યુન્ટરી ડિસ્કલોઝર સ્કીમ-૧માંથી સરકારને મહેસુલી આવક વધારવામાં ખાસ સફળતા મળી નથી ત્યારે બ્લેકમનીના સંગ્રહખોરોને તક આપવા હાલમાં ચાલી રહેલી વોલ્યુન્ટરી ડિસ્કલોઝર સ્કીમ-૨ને સફળતા મળવા સામે શંકા છે. નોટબંધી બાદ લોકોના ખાતામાં જમા થયેલા નાણાંમાંથી શંકાસ્પદ રકમ પર વેરા મારફત આવક થવાની સરકારને અપેક્ષા છે પરંતુ આનો આધાર દેશનું વેરા વહીવટીતંત્ર કેટલું જોર લગાડે છે તેના પર રહેલો છે.

નોટબંધીને કારણે માગ ઘટી છે જેને કારણે નાણાં વર્ષ ૨૦૧૬-૧૭નો દેશનો આર્થિક વિકાસ દર પણ અગાઉની ધારણાં કરતા નીચો રહેવાની શકયતા છે. જીડીપી ઘટતા સ્વાભાવિક જ છે વેરા મારફતની આવક પણ નીચી રહેશે. ખાનગી ક્ષેત્રે ઈન્વેસ્ટમેન્ટ પર પડેલી અસરને હળવી કરવી હશે તો જાહેર ક્ષેત્રે ખર્ચમાં ખાસ કરીને માળખાકીય ખર્ચમાં વધારો કરવા પર ભાર આપવાનો રહેશે જે રોજગારની સાથોસાથ માગ વધારવામાં ટેકારૃપ બની શકે.

આર્થિક મોરચે ઊભા થયેલા અવિશ્વાસને ધ્યાનમાં રાખી સરકારની પ્રાથમિકતા ઉપભોગતા અને ઉત્પાદકોમાં વિશ્વાસ પ્રસ્થાપિત કરવાની રહેશે અને નીતિઓમાં સ્થિરતા જળવાઈ રહેશે એવી ખાતરી નહીં દર્શાવાય ત્યાંસુધી વિશ્વાસ પ્રસ્થાપિત કરવાનું કઠીન બની રહેશે.

ઉદ્યોગો આજે વિસ્તરણ કાર્યક્રમ હાથ ધરવા તૈયાર નથી કારણ કે તેમને ખબર નથી કે સરકાર કાલે ઊઠીને કેવા નવા નિયમનકારી પગલાં જાહેર કરશે. નોટબંધી બાદ જે રીતે રોજેરોજ નીતિનવા નિયમો જાહેર કરતા હતા તેને કારણે લોકોના મનમાં સરકારની નીતિ ઘડવાની ક્ષમતા પર શંકા ઊભી થઈ છે એમ કહીશું તો વધુ પડતું નહીં ગણાય.

૧લી એપ્રિલથી જીએસટી લાગુ થવાની કરાયેલી જાહેરાતને ધ્યાનમાં રાખી આવનારું બજેટ જીએસટી કેન્દ્રીત હશે એવી અગાઉ ધારણાં રખાતી હતી પરંતુ હવે એ વાત નિશ્ચિત છે કે જીએસટી તેના સમયપત્રક પ્રમાણે ૧લી એપ્રિલથી લાગુ થવાનું શકય નથી. જીએસટી મુદ્દે કેન્દ્ર તથા રાજ્યોએ હજુ પણ અનેક તૈયારીઓ કરવાની બાકી છે.

ડીમોનિટાઈઝેશનને પરિણામે ઊભી થયેલી રાજકીય તથા આર્થિક ખલેલને કારણે જીએસટીના અમલમાં અવરોધો આવ્યા છે. જીએસટીના અમલીકરણ માટે આવશ્યક બંધારણિય સુધારા ખરડો સંસદમાં પસાર થવા સાથે દેશ તથા વિદેશના ઉદ્યોગજગતને વેરા મોરચે સુધારા કરવાની સરકારની કટીબદ્ધતા પ્રત્યે વિશ્વાસ ઊભો થયો હતો જે હાલમાં ડગમગી ગયો છે.

નોટબંધી બાદ પડેલી અસરમાંથી અર્થતંત્રને બહાર કાઢવાની કામગીરી નાણાં પ્રધાનના બજેટ એજન્ડામાં ટોચ પર હશે. હાલની સ્થિતિમાં આર્થિક વિકાસને ગતિ આપવાનું એટલું સરળ નહીં રહે એનાથી નાણાં પ્રધાન સારી રીતે વાકેફ છે.

 દેશના  અર્થતંત્રમાં  જ્યાં વ્યવસાયીક વ્યવહારોનો મોટો હિસ્સો રોકડમાં થતો આવ્યો છે ત્યાં રોકડ પરનો આધાર ઘટાડી નવી વ્યવસ્થા ઊભી કરવામાં સમય લાગી શકે એમ છે એ હકીકતને ધ્યાનમાં રાખીને જ નાણાં પ્રધાને પોતાની નીતિઓ ઘડવાની રહેશે ત્યારે તેઓ કયા મુદ્દાને પ્રાધાન્ય આપે છે તે જોવાનું આગામી બજેટમાં રસપ્રદ બની રહેશે.

Post Comments