Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોર્પોરેટ રિઝલ્ટની સીઝનમાં શેરબજારની પણ અગ્નિપરીક્ષા

નોટબંધીના પગલે વિવિધ ક્ષેત્ર પર થયેલી પ્રતિકુળ અસર કંપનીઓના પરિણામમાં જોવા મળશે

નોટબંધી બાદ એચ-વન-બી વીઝાના નવા ભારણથી આઈટી ક્ષેત્ર ભારે દબાણ હેઠળ

ઘરઆંગણાની તેમજ વૈશ્વિક સ્તરની ગતિવિધીઓના પગલે છેલ્લા લગભગ ચારથી પાંચ માસથી શેરબજારમાં ભારે વોલેટાલિટી ભર્યો માહોલ જોવા મળ્યો છે. આગામી સપ્તાહથી શરૃ થનારી કોર્પોરેટ પરિણામોની સિઝનમાં આ વોલેટાલિટીમાં વધારો થવાની સાથોસાથ શેરબજારની અગ્નિ પરીક્ષા શરૃ થશે એમ બજારના જાણકારો માની રહ્યા છે.

સરકાર દ્વારા ગત નવેમ્બર માસના પ્રારંભે રાતોરાત નોટબંધીનો અમલ કરતા ઉદ્ભવેલ રોકડની ખેંચના કારણે ગ્રાહકોની જ નહીં બલ્કે દેશભરની પ્રજાની ખરીદશક્તિમાં અકલ્પનીય એવો ઘટાડો જોવા મળ્યો છે. જો કે, સરકારના આ પગલાને આજે બે માસ પૂર્ણ થઇ ગયા હોવા છતાં નોટબંધી પૂર્વે બજારોમાં જે માહોલ હતો તેવો માહોલ હજુ સુધી પુન :  સર્જાયો નથી.

ખરીદશક્તિમાં ઘટાડો થવાના પગલે તમામ સ્તરની ચીજવસ્તુઓની માંગમાં ગંભીર ઘટાડો થવા પામ્યો છે. જેના પગલે મોટાભાગની ઇન્ડસ્ટ્રીઝના વેચાણોમાં ઘટાડો જોવા મળ્યો છે. આમ, વેચાણમાં ઘટાડો થતા તેની સીધી અસર નફા પર થાય છે. તો બીજી તરફ વિવિધ સ્તરે ખર્ચામાં પણ કાપ મૂકાયા છે.

આગામી સપ્તાહથી શરૃ થનારી કોર્પોરેટ પરિણામોની સિઝનથી શેરબજારમાં ઉથલપાથલ જોવા મળે તેવી સંપૂર્ણ શક્યતા છે. ડિસેમ્બર ત્રિમાસિકના પરિણામોની આ સિઝનમાં તમામ ક્ષેત્રની કંપનીઓને નોટબંધીની થયેલી અસરનું પ્રતિબિંબ જોવા મળશે.

નોટબંધીના અમલના બે માસમાં ઓટો ઇન્ડસ્ટ્રીઝને તો ગંભીર નુકશાન થઇ જ ચૂક્યું છે. ડિસેમ્બર માસના પ્રારંભે ઓટો કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા વાહનોના વેચાણના નબળા આંકડા આ બાબતનો પુરાવો આપે છે. નોટબંધી ઉપરાંત પેટ્રોલ-ડિઝલના ભાવમાં થઇ રહેલ સતત વધારાની પણ આગામી સમયમાં ઓટો કંપનીઓ પર પ્રતિકૂળ અસર થશે.

ઓટો ઇન્ડસ્ટ્રી બાદ નોટબંધીની સૌથી વધુ પ્રતિકૂળ અસર રીયલ એસ્ટેટ ક્ષેત્ર પર થવા પામી છે. રોકડની ખેંચના કારણે રિયલ એસ્ટેટ ક્ષેત્રે કામકાજો ઠપ થઇ જતા તેની અસર આ ક્ષેત્રની કંપનીઓના પરિણામ પર જોવા મળશે. તો બીજી તરફ રિયલ એસ્ટેટ ક્ષેત્ર મંદ પડતા તેની સીધી અસર સિમેન્ટ કંપનીઓના વેચાણ પર પડી છે. આમ, સિમેન્ટ કંપનીઓના પરિણામે પણ પ્રતિકૂળ બની રહેવાની ધારણા છે.

નોટબંધી તેમજ અન્ય કેટલાક પ્રતિકૂળતાઓને લઇને ફાર્મા ક્ષેત્રની કંપનીઓના પરિણામ પણ નબળા રહેવાની સંભાવના છે. તો બીજી તરફ નોટબંધીના કારણે ટેલીકોમ કંપનીઓની આવક પર પણ દબાણ જોવા મળશે. જો કે, ટેલીકોમ કંપનીઓ પર તો રિલાયન્સ જિઓની ફ્રી ઓફરનું પણ દબાણ આવેલું છે જ. જે જોતા ટેલિકોમ કંપનીઓના પરિણામ નબળા રહેવાની ગણતરી છે.

રોકડની ખેંચના કારણે ગ્રાહકોની ખરીદ શક્તિમાં જોવા ઘટાડાની એફએમસીજી ક્ષેત્રના વેચાણ પર ગંભીર અસર થવા પામી છે. જે જોતા આ ક્ષેત્રની કંપનીઓના પરિણામ નબળા રહેવાની ધારણા છે. તો બીજી તરફ નોટબંધીના કારણે બેકિંગ ક્ષેત્રે તેમજ નોન-બંેકિંગ ક્ષેત્રની (એનબીએફસી) કંપનીઓના બિઝનેસ પર પ્રતિકૂળ અસર થઇ છે. તેથી આ ક્ષેત્રની કંપનીઓના પરિણામ પણ નબળા પૂરવાર થવાની ધારણા છે.

ડિસેમ્બર ત્રિમાસિક આઈટી ક્ષેત્રની કંપનીઓ માટે પણ નબળો પૂરવાર થશે. ચલણની ચંચળતા અને અમેરિકી પ્રમુખ પદે ટ્રમ્પની વરણી બાદ અને તે અગાઉ ટ્રમ્પ દ્વારા કરાયેલા નિવેદનોથી આ ક્ષેત્રનું મોરલ ખરડાયેલું જ હતું. ત્યાં વળી અમેરિકામાં એચ-૧ બી વિઝા બિલને લઇને આઈટી ક્ષેત્રની મુશ્કેલીમાં વધારો થયો છે.

ભારતનો આઈટી ઉદ્યોગ હાલમાં કઠિન સમયમાંથી પસાર થઇ રહ્યો છે. ઇન્ફોસિસે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન બે વાર તેની રેવન્યુ ગાઇડલાઈન્સમાં કાપ મૂક્યો છે, જ્યારે નાસકોમે તેના એકંદર ચિત્રમાં કાપ મૂક્યો છે. અન્ય કંપનીઓએ પણ તેમના ગાઇડન્સ નીચા કર્યા છે.

આ સેકટર ડિજિટાઈઝેશનના કારણે વૃધ્ધિ માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે અને તેઓ ક્યારે ફરી નવી સાધારણ સ્થિતિ પ્રાપ્ત કરી શકશે તે અનિશ્ચિત છે. જો કે આમ છતાંય આઈટી ઇન્ડસ્ટ્રીઝ ચાલુ વર્ષ દરમિયાન પણ દબાણ હેઠળ રહે તેવી સંપૂર્ણ શક્યતા છે.

આમ, આગામી સપ્તાહથી શરૃ થનારી કોર્પોરેટ રિઝલ્ટની સિઝનમાં મોટાભાગના ક્ષેત્રોની કંપનીઓના પરિણામ નબળા રહેવાની એનાલીસ્ટો ગણતરી મુકી રહ્યા છે. જેની શેરબજારની ચાલ પર અસર થતી જોવા મળશે. આમ, આગામી સમયમાં શેરબજારની વોલેટાલિટીમાં વધારો થશે. આ સંજોગોમાં સામાન્ય રોકાણકારોએ સાવચેત સાથે કામકાજ કરવા હિતાવહરૃપ પૂરવાર થશે.

Post Comments