Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કેશલેસ સિસ્ટમઃ ખાયા પિયા કુછ નહીં ગ્લાસ ફોડા બારા આના જેવો ઘાટ

કેશલેસ સિસ્ટમથી ગ્રાહકોની ખર્ચ કરવાની આદતમાં બદલાવ આવ્યો ખરો ?  

રૃપિયા ૫૦૦ તથા રૃપિયા ૧૦૦૦ની પાછી ખેંચી લેવાયેલી નોટોમાંથી ૯૦ ટકા કરતા પણ વધુ નોટો બેન્કોમાં પરત આવી ગઈ હોવાના અહેવાલો વહેતા થયા છે. આ ઉપરાંત રદ થયેલી નોટો જમા કરાવવા અપાયેલા વધારાના સમયમાં પણ લોકો નોટો જમા કરાવી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે જેના પરથી કહી શકાય કે ડીમોનિટાઈઝેશન કાર્યક્રમ પાછળનો સરકારનો હેતુ બર આવ્યો નથી. જો કે અહેવાલના પ્રતિસાદમાં રિઝર્વ બેન્ક દ્વારા ખુલાસો કરાયો છે કે તે હાલમાં  બેન્કમાં જમા થયેલી જુની નોટોની ગણતરી કરી રહી છે. અગાઉ જાહેર કરાયેલા આંકડા એકાઉન્ટિંગ  એન્ટ્રીઝને આધારે કરાઈ હતી.

 બ્લેક મની અને ભ્રષ્ટાચાર નાથવા માટે હાથ ધરવામાં આવેલી આ સંપૂર્ણ કવાયતને પરિણામે દેશની જનતાએ માનસિક પીડા ભોગવવી પડી છે એટલું જ નહીં પરંતુ દેશના ઉદ્યોગ-ધંધાને પણ ભારે નુકસાન થયું છે, ત્યારે આ નુકસાની હવે કોણ ભરપાઈ કરી આપશે તેવો સવાલ થઈ રહ્યો છે. નાણાંભીડને   પરિણામે  નાના-મોટા ઉદ્યોગોમાં કામકાજ ઠપ્પ થઈ જનતા લાખો લોકોએ રોજગારી ગુમાવવી પડી છે અને સ્થિતિ હજુ થાળે પડતા ૬ મહિનાનો સમય લાગી જવાની ધારણાં મુકાઈ રહી છે.

એક રિસર્ચ પેઢીના અંદાજ પ્રમાણે  નોટબંધીના ૮ નવેમ્બરથી ૩૦ ડિસેમ્બરના ગાળામાં દેશના અર્થતંત્રને રૃપિયા ૧.૨૮ લાખ કરોડનું નુકસાન ગયું છે. આમાંથી ૪૮ ટકા નુકસાની ઉદ્યોગોએ સહન કરવી પડી છે.

નાણાંભીડને કારણે માલસામાન તથા સેવાના પૂરવઠા અટકી જતાં ઉદ્યોગોએ નુકસાન ખમવું પડયું છે. આ ઉપરાંત સ્ટાફના ઓવરટાઈમ તથા એટીએમના રિકેલિબ્રેશન અને અન્ય ખર્ચાઓને પરિણામે બેન્કો તથા નાણાં સંસ્થાઓનો હિસ્સો આ નુકસાનીમાં ૨૭ ટકા જેટલો રહ્યો છે. નવી નોટોના પ્રિન્ટિંગ તેના પરિવહન અને ટોલ માફીને કારણે સરકાર તથા રિઝર્વ બેન્કે ૧૩ ટકા નુકસાન કર્યું છે, જ્યારે નાણાં બદલવા અને કઢાવવા પાછળ બગડેલા માનવકલાકોને કારણે થયેલી નુકસાનીનો આંક કુલ નુકસાનમાં ૧૨ ટકા જેટલો છે.

ડીમોનિટાઈઝેશનને કારણે રૃપિયા ૩ લાખ કરોડથી વધુનું બિનહિસાબી નાણું બહાર આવશે માટે તેની સામે આ ખર્ચ કરવામાં વાંધો નહીં એવું કદાચ સરકારે ગણિત મૂકયું હશે પરંતુ જે રીતે અહેવાલો આવી રહ્યા છે તેને જોતાં સરકારની ધારણાં હાલમાં ઊલટી પડી રહેલી જણાય છે. ભારતના રોકડ આધારિત અર્થતંત્રના વ્યાપને નજરમાં રાખતા ડીમોનિટાઈઝેશનને કારણે કેટલા લાભ થયા અને કેટલા ગેરલાભ એના ચોક્કસ આંકડા મળવા મુશકેલ બની રહેશે.

દેશમાં બાંધકામ ક્ષેત્રે ૪ કરોડ જેટલા મજુરો કામ કરે છે આમાંથી ૩૦ ટકા મજુરો નિરક્ષર છે. આ ઉપરાંત ખેત મજુરોના આંકડા પકડીએ તો નિરક્ષર મજુરોનો આંક ઘણો જ ઊંચે જઈ શકે એમ છે. હવે સરકાર દેશમાં કેશલેસ ઈકોનોમિની વાત કરે છે પરંતુ આ સ્થાનાંતર પણ કોસ્ટલેસ નહીં હોય અને તે રાતોરાત પણ શકય નહીં બને. દેશના લોકોને કેશલેસ ઈકોનોમિ તરફ વાળવા પાછળ પણ સરકારે જંગી ખર્ચ કરવાની આવશ્યકતા પડશે. આમ કર્યા પછી પણ ગ્રાહકોની નાણાં ખર્ચ કરવાની આદતમાં ફેરબદલ થશે કે કેમ તે નિશ્ચિત કહી શકાય એમ નથી.

નોટબંધીનો નિર્ણય જાહેર થયો ત્યારે દેશમાં ખરીફ પાકની લણણીની કામગીરી શરૃ થઈ હતી અને રવી પાકનું વાવેતર હાથ ધરવા ખેડૂતો સજ્જ થયા હતા. બે વર્ષના દૂકાળ બાદ ૨૦૧૬માં સારા ચોમાસાને કારણે ખરીફ પાક પણ વિક્રમી રહ્યો છે અને રવી પાક પણ વધુ ઊતરવાની આશા છે. વર્તમાન વર્ષમાં દેશના કૃષિ ક્ષેત્રનો વિકાસ દર ઓછામાં ઓછો ૪ ટકા રહેવાની પણ ધારણાં રખાતી હતી. પાકપાણી સારા રહેવાને કારણે કૃષિ ક્ષેત્રનો વિકાસ દર ઊંચો રહેશે પરંતુ ખેડૂતોને તેનો કેટલો લાભ મળી રહે છે તે હાલમાં કહેવું મુશકેલ બની રહેશે.

ખરીફ ઉત્પાદન જે ૨૦૧૫-૧૬માં ૧૨.૪૦ કરોડ ટન રહ્યું હતું તે ૨૦૧૬-૧૭માં ૧૩.૫૦ કરોડ ટન રહેવાની ધારણાં છે. કઠોળના ઉત્પાદનમાં ૫૦ ટકાથી વધુનો વધારો થયો છે. જો કે નોટબંધીને અસર તથા વધુ પૂરવઠાને પરિણામે ખરીફ પાકના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેને કારણે ખેડૂતોના હાથમાં અપેક્ષા પ્રમાણે નાણાં આવ્યા નથી જેની અસર ગ્રામ્ય માગ પર પડી છે.

હાલમાં જ જાહેર થયેલા ઓટો ક્ષેત્રના ખાસ કરીને ટુ વ્હીલર્સના ડિસેમ્બર આંકડામાં મોટરસાઈકલના વેચાણમાં ડીમોનિટાઈઝેશન બાદ ભારે ઘટાડો નોંધાયો છે. રોકડ આધારિત ગ્રામ્ય બજારમાંથી માગ ઘટતા આ ઘટાડો જોવાયો છે.  નોટબંધીને કારણે ગ્રામ્ય વિસ્તારોના ગ્રાહકોનું માનસ ખરડાયું  હોવાનું આ આંકડા પરથી સમજી શકાય એમ છે.

નોટબંધી બાદ અનેક રાજ્યોની એપીએમસીમાં કામકાજ ખોરવાઈ ગયા છે. કેટલીક એપીએમસીમાં તો ૭૦ ટકા સુધી કામકાજ ઘટી ગયાના અહેવાલ હતા. અનેક રાજ્યોમાં ખેતપેદાશોના ભાવ લઘુત્તમ ટેકાના ભાવથી નીચે ચાલી ગયાના પણ અહેવાલો છે.

ડીમોનિટાઈઝેશને શાકભાજીના ભાવ પર પણ પ્રતિકૂળ અસર કરી હતી તે અલગ. ડીમોનિટાઈઝેશનને કારણે સર્જાયેલી સ્થિતિનો નજીકના ભવિષ્યમાં અંત આવવાની શકયતા જણાતી નથી. હાલમાં આવેલા અહેવાલો પ્રમાણે જો ૯૦ ટકાથી વધુ જુની નોટો બેન્કોમાં જમા થઈ ગઈ હશે તો બેન્કોમાં જમા થયેલી બિનહિસાબી નાણાં પકડી પાડવા સરકારી વિભાગો ખાસ કરીને આવક વેરા વિભાગે ખાસ ઝૂંબેશ ચલાવવી પડશે.  આ ઝૂંબેશમાં આવક વેરા વિભાગના કર્મચારીઓએ વધુ પરિશ્રમ કરવાનો રહેશે જે પેટે સરકારે  વધુ નાણાં ખર્ચવા પડશે તે પણ એક હકીકત છે. આમ ડીમોનિટાઈઝેશનની કવાયત સરકાર માટે ખાયા પિયા કુછ નહીં ગ્લાસ ફોડા બારા આના જેવી સાબિત થઈ રહ્યાનું હાલમાં જણાઈ રહ્યું છે.

Post Comments