Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બેન્કોમાં રિકેપિટલાઈઝેશનની જવાબદારીમાંથી હળવા થવાનો સરકાર દ્વારા હાથ ધરાયેલો પ્રયાસ

IDBI બેન્કમાં નાણાં ઠાલવવાનું LICનું ગણિત ગળે ઉતરી શકે એવું નથી

- નજીકના ભવિષ્યમાં આઈડીબીઆઈ બેન્ક મજબૂત બની જશે એવા કોઈ ચિહ્વો જણાતા નથી

આઈડીબીઆઈ બેન્કમાં લાઈફ ઈન્સ્યૂરન્સ કોર્પારેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી)ના ઈન્વેસ્ટમેન્ટના નિર્ણય સામે વીમા ઉદ્યોગ અને બેન્કિંગ ક્ષેત્રના કર્મચારી સંગઠનો દ્વારા વિરોધ ઉઠયો છે.  આઈડીબીઆઈ બેન્કમાં વધુ હિસ્સો ખરીદવાથી એલઆઈસીને કોઈ વળતર નહીં મળી રહે એવી કર્મચારી સંગઠનો દ્વારા દલીલ કરવામાં આવી રહી છે. આને કારણે બેન્કનું તબક્કાવાર ખાનગીકરણ થતું જશે અને તેને પરિણામે રોજગાર ગુમાવવાનો વારો આવશે એવો પણ તેમને ભય સતાવી રહ્યો છે.

બેન્કમાં માત્રામાં નોન પરફોમગ એસેટસ (એનપીએ)નું સ્તર છે તેને જોતા એલઆઈસી પોલિસીધારકોના નાણાંનો તેને ઓછી કરવામાં ઉપયોગ કરશે એવી પણ શકયતા વ્યકત કરવામાં આવી રહી છે. છેલ્લા પાંચ - છ વર્ષથી એલઆઈસી પોલિસીધારકોના બોનસમાં વધારો કરવા સંઘર્ષ કરી રહી છે ત્યારે ખોટ કરતી બેન્કમાં રોકાણ કરી આ બેલ મુઝે માર જેવી સ્થિતિ  ઊભી કરવા જેવું થશે. વળતર નહીં મળવાની સંભાવના છે.
નાણાં વર્ષ ૨૦૧૭-૧૮ના અંતે આઈડીબીઆઈ બેન્કની એનપીએનું પ્રમાણ તેની કુલ એડવાન્સીઝના ૨૮ ટકા જેટલું પહોંચી ગયું હતું જે પાછલા નાણાં વર્ષમાં ૨૧.૨૫ ટકા રહ્યું હતું. એનપીએની જોગવાઈને કારણે ગયા નાણાં વર્ષના અંતિમ ત્રિમાસિકમાં બેન્કે રૃપિયા ૫૫૦૦ કરોડથી વધુની ખોટ કરી હતી. ઊંચી એનપીએને કારણે આરબીઆઈએ બેન્કને પ્રોમ્પ્ટ કરેકટિવ એકશન હેઠળ મૂકી હતી.

એલઆઈસીની વાત કરીએ તો જાહેર ક્ષેત્રની બેન્કોમાં તેના ઈન્વેસ્ટમેન્ટ રેકોર્ડ પર નજર નાખવામાં આવે તો તે ખાસ પ્રોત્સાહક જણાતો નથી. છેલ્લા અઢી વર્ષમાં એલઆઈસીએ જાહેર ક્ષેત્રની ૨૧ બેન્કોમાંથી ૧૮ બેન્કોમાં તેના ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ પર નુકસાન ભોગવ્યું છે. આવી પરિસ્થિતિ હોવા છતાં એવી તે કેવું ગણિત છે જેને લઈને વીમા કંપની બેન્કમાં પોતાનું ઈન્વેસ્ટમેન્ટ વધારવા માટે તૈયાર થઈ છે.

બેન્કમાં રોકાણ વધારીને ૫૧ ટકા કરવા માટે એલઆઈસીને મંજુરી આપતા પહેલા વીમા ક્ષેત્રની નિયામક ઈન્સ્યૂરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ઈરડાઈ)એ દરેક કાનૂની પાસાં ચકાસવાની કવાયત હાથ ધરવી પડી હતી. એકસિઝ બેન્કમાં ૧૪ ટકાથી વધુના હિસ્સાને કારણે એલઆઈસી પ્રમોટરનો દરજ્જો ધરાવે છે. વીમા કંપનીને ઈરડાઈએ મંજુરી આપી દીધા બાદ હવે દડો રિઝર્વ બેન્કની કોર્ટમાં છે.

હિસ્સો વધારવા દેવાનું બેન્ક માટે વ્યવહારુ બની રહેશે કે કેમ તેઅંગે રિઝર્વ બેન્ક વિચારવિમર્સ કરશે. જો એલઆઈસીને પરવાનગી અપાશે તો એલઆઈસી એક માત્ર એવી સંસ્થા બની રહેશે જે બે બેન્કમાં નોંધપાત્ર હિસ્સો ધરાવશે. બેન્કમાં એલઆઈસીનો હિસ્સો વધી જશે તો તેમાં કોઈ આભ તૂટી નહીં પડે એમ સરકાર માની રહી હોવાના અહેવાલ હતા. હિસ્સો વધારવા માટેના કરારની એક શરત એવી છે કે એલઆઈસીના વોટિંગ રાઈટસ ૧૫ ટકા સુધી મર્યાદિત રહેશે પછી ભલે તે બેન્કમાં ૫૧ ટકા હિસ્સો ધરાવતી હોય. જો કે આ શરત ભલે મૂકવામાં આવી હોય પરંતુ ૫૧ ટકા  હિસ્સા સાથે એલઆઈસી આઈડીબીઆઈ બેન્કમાં ચાલકની ભૂમિકામાં હશે એમ કહીશું તો ખોટું નહીં ગણાય.

ખોટ કરતી આઈડીબીઆઈ બેન્કમાં પોલિસીધારકોના નાણાં એલઆઈસીએ શા માટે રોકવા જોઈએ તેનું કોઈ સ્પષ્ટ કારણ જણાતું નથી. સરકાર દ્વારા બેન્કમાં રૃપિયા ૧૦૦ અબજ ઠલવાયા હોવા છતાં તેનો કેપિટલ એડીકવસી રેશિયો લઘુત્તમ નિયમનકારી મર્યાદાની નીચે જવાની તૈયારીમાં છે. આઈડીબીઆઈ બેન્ક નજીકના ભવિષ્યમાં નફો કરતી થઈ જશે એવા કોઈ ચિહ્નો હાલમાં જણાતા નથી. એલઆઈસી પાસે ભલે આજે રૃપિયા ૩૦ ટ્રિલિયનનું ભંડોળ હોય એનો અર્થ એવો નથી કે તે હાથે કરીને પોતાના થોડાઘણાં નાણાંનો વ્યય કરે. એલઆઈસી જો આઈડીબીઆઈમાં નાણાં ઠાલવશે તો બેન્કની હાલની સ્થિતિને જોતા તે અકસ્માત નહીં પણ સુઝબુઝથી કરેલો આપઘાત જ ગણાશે.

આઈડીબીઆઈ બેન્કમાં એલઆઈસીના નાણાં ઠાલવવા પાછળનું ગણિત કદાચ એ હોઈ શકે કે સરકાર આ બેન્કમાં વધુ મૂડી ઠાલવવામાંથી બચી શકે. જાહેર ક્ષેત્રની બેન્કોમાં ગ્રોસ એનપીએના ૨૮ ટકાના સ્તર અને રિઝર્વ બેન્કના પ્રોમ્પ્ટ કરેકટિવ એકશન  હેઠળ આઈડીબીઆઈ બેન્ક હાલમાં ઈન્ટેસિવ કેર યુનિટમાં છે એમ કહીશું તો ખોટું નહીં ગણાય. એલઆઈસી લિસ્ટેડ કંપની નહીં હોવાથી શેરધારકો ખાસ કરીને માઈનોરિટી શેરધારકોને કંપનીના વહીવટ કરવાની પદ્ધતિ અંગે બોલવાનો કોઈ અધિકાર નથી. આવી સ્થિતિમાં પોલીસિધારકોના હિતો વિશે પણ અવાજ ઉઠી શકે એમ નથી. એલઆઈસીનો મુખ્ય હેતુ તેના પોલીસિધારકોને વધુમાં વધુ વળતર પૂરું પાડવાનો રહેવો જોઈએ.

જો કે બેન્ક તથા એલઆઈસીના કર્મચારી સંગઠનોએ આ હિલચાલ સામે અવાજ ઉઠાવવાનું શરૃ કર્યું છે ત્યારે તેનું પરિણામ શું આવે છે તે જોવાનું રહે છે. એક બેન્કમાં એલઆઈસીનો હિસ્સો વધીને ૫૧ ટકા થઈ જાય ત્યારે વહીવટી મુદ્દે સંઘર્ષ ઊભા થવાની શકયતા નકારી શકાતી નથી. નફો કરતા અથવા સદ્ધર જાહેર ક્ષેત્રના ઉપક્રમોને ખોટ કરતા અથવા નબળા ઉપક્રમોમાં નાણાં રોકવાનું જણાવાતા નફો કરતા ઉપક્રમો માટે પોતાના વેપારનું વિસ્તરણ કરવા  પર બ્રેક લાગી શકે છે અથવા તો વેપારનું વૈવિધ્યકરણ કરવાની તેમની ક્ષમતા ખૂંચવાઈ જશે એમ કહીશું તો ખોટું નહીં ગણાય.

Post Comments